કેમ લાગે છે પહેલાં કરતાં વધુ થાક?

14 October, 2020 03:32 PM IST  |  Mumbai | Bhakti Desai

કેમ લાગે છે પહેલાં કરતાં વધુ થાક?

ઘરની બહાર નીકળવાને કારણે પેદા થતા શારીરિક-માનસિક થાક વિશે લોકો શું કહે છે

કોવિડને કારણે બદલાયેલી જીવનશૈલીમાં બહાર જઈને આવ્યા પછી ટાયર્ડનેસની સમસ્યા વધી ગઈ હોવાની ફરિયાદ વધી રહી છે. રોગપ્રતિકારક શક્તિ માટે અનેક ઓસડિયાં ખાધા પછી પણ સ્ફૂર્તિ અને ઊર્જાનું પ્રમાણ સુધરી નથી રહ્યું. આવું કેમ થાય છે? ઘરની બહાર નીકળવાને કારણે પેદા થતા શારીરિક-માનસિક થાક વિશે લોકો શું કહે છે અને એનાં કારણો શું છે એ નિષ્ણાત પાસેથી જાણીએ...

કોવિડ-19 પછી લોકો પોતાની રોગપ્રતિકારક શક્તિ વધારવા પર વધુ ધ્યાન આપી રહ્યા છે છતાં બહાર જઈને આવ્યા પછી પહેલાં કરતાં વધારે થાક લાગવો, અચાનક ઊર્જાનો અભાવ અનુભવવો જેવી ફરિયાદો વધુ સાંભળવામાં આવી રહી છે. એમ જોવા જઈએ તો પહેલાં જેવી ભાગદોડ ન થતી હોવા છતાં થોડાકમાં થાકી જવાય છે. હાલમાં નાનાં-મોટાં કામ માટે પણ લોકો બહાર જઈને આવે છે, તોય પહેલાં કરતાં વધુ તાણ અને થાક અનુભવાય છે એવી ફરિયાદ લઈને ડૉક્ટર પાસે આવનારાઓનું પ્રમાણ વધી ગયું છે. આ સમસ્યાનો સામનો કરનાર લોકો અહીં પોતાના અનુભવો કહે છે અને નિષ્ણાતો જણાવે છે કે કેમ રોગપ્રતિકારક શક્તિ વધારે હોવા છતાં લોકો શારીરિક અને માનસિક થાકના ભોગ બની રહ્યા છે.
માસ્કને કારણે ઑક્સિજનની કમી
૩૫ વર્ષનો અનુભવ ધરાવતા વિલે પાર્લેના જનરલ ફિઝિશ્યન ડૉ. પંકજ મિસ્ત્રી શારીરિક થાકનાં કારણો જણાવતાં સમજાવે છે, ‘કોવિડ-19ની મહામારીના સમયમાં વ્યક્તિ જ્યારે બહાર જઈને ઘરે આવે છે ત્યારે પહેલાં કરતાં વધારે થાક અનુભવે છે. આવી ફરિયાદ મારા અનેક દરદીઓમાં જોવા મળી છે. ઇન ફૅક્ટ, મારા પરિવારના સભ્યોને પણ આનો અનુભવ થાય છે. આનું એક મુખ્ય કારણ જોઈએ તો એ છે કે હવે લોકોએ કોરોના વાઇરસથી પોતાનું રક્ષણ કરવા માટે જાડા માસ્ક પહેરવા પડે છે. વાઇરસ માટે ભલે માસ્ક રક્ષક છે, પણ શ્વાસ લેવામાં એ બાધા ઉત્પન્ન કરે છે. એક તરફ સીધો ઑક્સિજન મળતો નથી અને બીજી તરફ કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળી શકતો નથી. બહાર જઈએ ત્યારે સતત મોં આડે માસ્ક રહેતો હોવાથી દરેકને વધતે-ઓછે અંશે થોડા સમયમાં જ શ્વાસ રૂંધાતો હોય એવું લાગે છે. જાણે પૂરતો શ્વાસ ફેફસાંમાં ભરાતો જ નથી એવું લાગે છે. વળી જાહેર સ્થળે માસ્ક કાઢવો યોગ્ય નથી એટલે શ્વાસ લેવામાં તકલીફ થવા છતાં માસ્ક પહેરી રાખવો પડે છે. આ સમસ્યાને સાવ નજરઅંદાજ કરો તો એ જોખમી પણ બની શકે છે. હાલમાં જ મારા એક દરદીએ આ સમસ્યાથી જીવ ગુમાવ્યો. તેઓ બહારથી માસ્ક પહેરીને વૅક લઈને ઘરે આવ્યા ત્યારે તેમને ખૂબ ગૂંગળામણ થતી હતી અને ઘરે પહોંચતાં તરત જ તેઓ ઢળી પડ્યા. આ એક જોખમભરી સ્થિતિ છે. જે લોકો ખૂબ થાક અને માસ્કને કારણે શ્વાસ રૂંધાવા જેવી સમસ્યા અનુભવે છે તેઓએ લોકોથી અંતર બનાવીને માસ્ક થોડી ક્ષણ માટે ઉતારી દેવો જોઈએ. N95 માસ્ક ત્રણ લેયરનો છે, જેમાંથી કોરોના વાઇરસ આપણા શરીરમાં નથી પ્રવેશતો, પણ આ જ માસ્ક ઑક્સિજન લેવામાં નડતરરૂપ બને છે અને કાર્બનડાયોક્સાઇડને બહાર આવવા નથી દેતો. આ માસ્ક કોરોના વાઇરસથી બચાવે છે, પણ ઑક્સિજન લેવામાં અવરોધ ઊભો કરે છે. જ્યારે પણ માસ્ક પહેરીને શ્વાસોચ્છ્વાસમાં તકલીફ અનુભવાય તો પહેલાં ખુલ્લી હવામાં જ્યાં ભીડ કે લોકો ન હોય એવી જગ્યાએ જઈને માસ્ક નીચે ઉતારવો જોઈએ. માસ્ક પહેરીને દોડવું, વ્યાયામ કરવો, વૉક કરવું એ શરીરને થકવી દે છે અને શ્વાસમાં સમસ્યારૂપ બની શકે છે એથી આવું ન થાય એનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે.’
સતત ભીતિને કારણે માનસિક તાણ
સાયન હૉસ્પિટલનાં સાઇકિયાટ્રિક ડિપાર્ટમેન્ટના અસિસ્ટન્ટ પ્રોફેસર અને સાયકોલૉજિસ્ટ ડૉ. સાગર કારિયા માનસિક થાક વિશે કહે છે, ‘મેં જોયું છે કે સામાન્ય સંજોગોમાં પણ દરદીઓ વધુ માનસિક તાણ અનુભવે છે. બહુ થાકી જતા હોવાની અને જાણે મનથી કોઈ એનર્જી જ નથી રહી એવી ફરિયાદ લઈને
આવે છે. કોરોના વાઇરસને લઈને લોકોના મનમાં ખૂબ ડર છે. ઘણી વાર પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ભીડમાં પ્રવાસ કરનાર વ્યક્તિ બીજાનું સ્ટ્રેસ પણ પોતાને માથે લઈ લે છે. જેમ કે કોઈ સહ-પ્રવાસીએ માસ્ક ન પહેર્યો હોય અને યોગ્ય ગાઇડલાઇનનું પાલન ન કર્યું હોય તો તેની પોતાના પર શું અસર થશે એનો તેઓ વિચાર કર્યા કરે છે. બહાર જઈને આવ્યા પછી લોકો સાવચેતી વર્તે છે, પણ છતાં જો શ્વાસમાં તકલીફ જણાય, શરદી થાય તો તરત જ પોતાને કોવિડ હશે એવો વિચાર કરી લે છે. હાલમાં માસ્કને કારણે શ્વાસમાં સમસ્યા અનુભવવી એ સામાન્ય લક્ષણ છે અને એનાથી કોવિડના ડરને હાવી ન થવા દેવો જોઈએ. આ એક એવી સાઇકલ છે કે જો મનમાં સતત ડર હશે તો એ સ્ટ્રેસની અસર રોગપ્રતિકારક શક્તિ પર થશે અને એ નબળી પડતાં જ વાઇરસ કે બૅક્ટેરિયા શરીર પર હુમલો કરી શકે છે. કોવિડથી રક્ષણ મેળવવા માટે જરૂરી સાવધાની રાખવી જરૂરી છે, પણ મનમાંથી ડર કાઢી નાખવો જોઈએ. હું રોજ હૉસ્પિટલ જાઉં છું અન મેં એને ખૂબ જ સકારાત્મક રીતે લીધું છે કે મારી ઇમ્યુનિટી સારી છે તો ધીરે-ધીરે શરીરમાં આ રોગ સામે લડવાની શક્તિ મળી રહેશે. માનસિક તાણ અને થાક કોવિડના ડરથી લાગે છે, જેને કાઢીને જીવવું જરૂરી છે.’

જ્યારે પણ માસ્ક પહેરીને શ્વાસોચ્છ્વાસમાં તકલીફ અનુભવાય તો પહેલાં ખુલ્લી હવામાં જ્યાં ભીડ કે લોકો ન હોય એવી જગ્યાએ જઈને માસ્ક નીચે ઉતારવો જોઈએ. માસ્ક પહેરીને દોડવું, વ્યાયામ કરવો, વૉક કરવું એ શરીરને થકવી દે છે અને શ્વાસમાં સમસ્યારૂપ બની શકે છે એથી આવું ન થાય એનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે.
-ડૉ. પંકજ મિસ્ત્રી, જનરલ ફિઝિશ્યન

માસ્કને કારણે શ્વાસમાં સમસ્યા અનુભવવી એ સામાન્ય લક્ષણ છે અને એનાથી કોવિડના ડરને હાવી ન થવા દેવો જોઈએ. આ એક એવી સાઇકલ છે કે જો મનમાં સતત ડર હશે તો એ સ્ટ્રેસની અસર રોગપ્રતિકારક શક્તિ પર પડશે અને એ નબળી પડતાં જ વાઇરસ કે બૅક્ટેરિયા શરીર પર હુમલો કરી શકે છે.
-ડૉ. સાગર કારિયા, સાઇકિયાટ્રિસ્ટ, સાયન હૉસ્પિટલ

થાકને લગતી કેવી ફરિયાદો જોવા મળે છે?

હવે થાક ફિઝિકલ નહીં, માનસિક રીતે પણ અનુભવાય છે ઃ વિમલ ઠક્કર
સ્ટૉક માર્કેટમાં કામ કરતા અને લૉકડાઉનના દિવસોમાં પણ ઑફિસ જતા બોરીવલીના વિમલ ઠક્કર કહે છે, ‘વાત સાચી છે કે પહેલાં કરતાં શારીરિક થાકનું પ્રમાણ હવે ખૂબ વધી ગયું છે અને ઘરે આવ્યા પછી શાંતિથી પોરો ખાવા પણ નથી બેસી શકાતું. ઘરે આવતાં પહેલાંથી જ હું ફોન, વૉલેટ, બધી વસ્તુઓ સેનિટાઇઝ કરવાની માનસિક તૈયારી શરૂ કરી દઉં છું જેથી એક પણ નાની ભૂલ ન થાય અને કોરોના વાઇરસને પ્રવેશ ન મળે. પહેલાં અમારી ઑફિસમાં વધારે લોકો નહોતા, પણ હવે તો સ્ટાફની સંખ્યા વધી ગઈ હોવાથી સતત માસ્ક પહેરી રાખવો પડે છે. ઑફિસ ઍર-કન્ડિશન્ડ છે અને સતત માસ્ક પહેરવાને કારણે ગૂંગળામણ થવા માંડે છે. થોડી વાર શુદ્ધ હવા ખાવા અને મુક્તપણે શ્વાસ લેવા માટે માસ્ક નીચે ઉતારવો હોય તોય ઑફિસની બહાર જવું પડે છે. શરીરમાં ઑક્સિજનની કમીને કારણે પણ થાક લાગે છે અને ક્યાંક પણ જઈએ ત્યાં મનમાં સતત કોરોનાની ભીતિ રહેતી હોવાથી થોડું કામ કર્યા પછી પણ ખૂબ થાક અનુભવાય છે.’

પહેલાં બહાર જઈને ફ્રેશ થવાતું, હવે થાકી જવાય
છે : આદિત્ય શાહ
વાલકેશ્વરમાં રહેતા શૉર્ટ ફિલ્મના ઍક્ટર આદિત્ય શાહ કહે છે, ‘એક રીતે બહાર જવાથી મને ખૂબ સારું લાગે છે અને હું તાજગી અનુભવું છું, પણ આ અનુભવ ત્યારે થાય છે જ્યારે હું ગાડીમાં આંટો મારીને પાછો આવી જવાનો હોઉ. જયારે ઑફિસમાં અથવા જાહેર સ્થળે કે પછી મિત્રોને મળવા જાઉં ત્યારે મારું મગજ સતત વિચારતું હોય છે કે હું કોને મળું છું, કોનાથી મારે કેટલા અંતરે રહેવાનું છે. જો કોઈ જાહેર સ્થળમાં હાથ અડી જાય તો ત્યાર પછી તરત જ સૅનિટાઝ કરવાનું યાદ રાખવું પડે છે અને આ બધા પછી ઘરે આવીને પણ મગજમાં અમુક ડર રહી જાય છે એને કારણે હું શારીરિક રીતે નહીં, માનસિક રીતે એક તણાવ મહેસૂસ કરું છું.’


હાલમાં બહાર જઈને આવ્યા પછી થાક વધારે લાગવાનું કારણ માસ્ક છે ઃ દિશા શાહ

બોરીવલીમાં રહેતાં દિશા શાહ એક ફાઇનૅન્સ કંપનીમાં અસિસ્ટન્ટ મૅનેજર છે અને તેઓએ એકાંતરે દિવસે ઑફિસ જવું પડે છે. હાલમાં તેમને પણ બહાર જઈને આવ્યા પછી વધુ થાક લાગે છે અને એની પાછળનું કારણ તેમને માસ્ક હોય એવું લાગે છે. તેઓ કહે છે, ‘જ્યારે માસ્ક પહેરીને હું થોડી ઉતાવળમાં ચાલું છું ત્યારે ઑક્સિજનની કમી અનુભવાય છે. સાથે જ પહેલાં કામમાં ડોમેસ્ટિક હેલ્પની મદદ મળતી હતી અને હવે કામ પણ હાથે જ કરવાં પડે છે એથી ઘરના કામમાં પણ ઘણી ઊર્જા વપરાઈ જાય છે. લૉકડાઉનમાં ચાલવાની, બહાર જવાની અને વ્યાયામની આદતો પણ છૂટી ગઈ છે અને હવે કોવિડના ડરને કારણે લિફ્ટનો ઉપયોગ નથી થઈ શકતો. આવા સમયે માસ્ક પહેરીને દાદરા ચડતી વખતે શ્વાસ લેવામાં તકલીફ થાય છે. આમ અનેક કારણો છે, જેનાથી હવે બહાર જઈને આવ્યા પછી શરીર ઢીલુંઢફ થઈ ગયું હોય છે.’

health tips bhakti desai columnists