કેમ પૃથ્વીરાજ કપૂર નહોતા ઇચ્છતા કે રાજ કપૂર બાળકલાકાર બને?

02 January, 2022 06:25 PM IST  |  Mumbai | Rajani Mehta

પૃથ્વીરાજ દરેકને કહેતા કે પોતાના પુત્ર હોવાના નાતે રાજ કપૂરને શિસ્તની બાબતમાં કોઈ છૂટછાટ ન મળવી જોઈએ. તેમનો આશય એટલો જ હતો કે ફિલ્મમેકિંગનાં અનેક પાસાં શીખવાં હોય તો રાજ કપૂરે એક સામાન્ય વ્યક્તિ તરીકે કામ કરવું જોઈએ.

સ્કૂલમાં મળેલી ટ્રૉફીઓ સાથે રાજ કપૂર.

બાળપણમાં રાજ કપૂર ગોળમટોળ અને ભરાવદાર હતા. મોટા થતાં કિશોરાવસ્થામાં ચરબીવાળા શરીરને કારણે તેઓ થોડા બેડોળ દેખાતા. તેઓ આ બાબતે સભાન હતા. પોતાનો કૉમ્પ્લેક્સ છુપાવવા તેઓ સતત એવો પ્રયત્ન કરતા કે લોકો તેમની મજાક ન ઉડાડે. એક ઇન્ટરવ્યુમાં રાજ કપૂર આ વિશે વાત કરતાં કહે છે...
‘મારા મેદસ્વીપણા માટે મને અણગમો હતો, પણ એ દૂર કરવા માટે શું કરવું એની સમજ  મારામાં નહોતી. જાડો હતો એટલે સ્કૂલમાં સૌ એમ માનતા કે ખેલકૂદમાં હું આગળ ન વધી શકું. જોકે મને હૉકી, ફુટબૉલ, ક્રિકેટ દરેક રમતમાં ખૂબ દિલચસ્પી હતી. હૉકી અને ફુટબૉલના ચટાપટાવાળા યુનિફૉર્મ, સફેદ હાફ પૅન્ટ, બૂટ; મનોમન આ દરેક વસ્તુ પહેરીને હું સપનાં જોતો કે હું મૅચ રમું છું અને હા, મૅચ પૂરી થયા બાદ દરેકને સૅન્ડવિચ અને કોલ્ડ ડ્રિન્ક મળે એ કલ્પનાથી જ હું ઉત્તેજિત થઈ જતો.’
‘હું સ્પોર્ટ્સ-ટીચરને હાથ જોડીને વિનંતી કરતો કે કમસે કમ મને લાઇન્સમૅન તરીકે ટીમમાં સામેલ કરે. તેઓ માની જતા. મારા ભાગે ફક્ત હાથમાં ઝંડો લઈને લાઇન પર દોડવાનું રહેતું, પરંતુ એમાં જે રોમાંચ થતો એની વાત જ અલગ છે. થોડા દિવસોમાં મારા મિત્રોને ખબર પડી ગઈ કે હું શા માટે લાઇન્સમૅન બનવા ઉત્સુક હતો. તેઓ મને ચીડવતા, ‘Lemonade for the linesman.’
‘મને અભિનય કરવાનો શોખ હતો. ડ્રામેટિક્સના ટીચરને હું કહેતો કે અભિનય મારા લોહીમાં છે, મને મોકો આપો. સ્કૂલના ‘ઍન્યુલ ડે’ના કાર્યક્રમમાં નાટક થાય છે એમાં મારે ભાગ લેવો છે. મને એ છોકરાઓની ખૂબ અદેખાઈ આવતી જેઓ નાટકમાં મોંઘાં વસ્ત્રો પહેરીને જોરદાર સંવાદ બોલતા અને સૌ તાળી પાડતા. એક દિવસ મને ‘એક્સ્ટ્રા’ કલાકાર તરીકે પસંદ કરવામાં આવ્યો. ઘરે જઈને મેં બણગાં ફૂંક્યાં કે નાટકમાં મારી અગત્યની ભૂમિકા છે. આવતી કાલે મારા ડ્રેસનું માપ લેવાના છે.
બીજા દિવસે અમને સૌને જેઓ એક્સ્ટ્રાનો રોલ કરવાના હતા તેમને લાંબા ઝભ્ભા આપવામાં આવ્યા. રિહર્સલ થયાં. એ ઉપરાંત થોડી કૂપનો મળી જેથી શો પૂરો થયા બાદ અમને કૉફી, સૅન્ડવિચ અને ચિપ્સ મળે. સાંજે શો શરૂ થયો. બીજા છોકરાઓ સાથે મારી બે વખત સ્ટેજ પર એન્ટ્રી હતી. અમારે ચૂપચાપ ઊભા રહેવાનું હતું. બે વખત હું સ્ટેજ પર જઈ આવ્યો. ત્રીજી વખત કેવળ ત્રણ છોકરાઓએ સ્ટેજ પર જવાનું હતું. હું એટલો એક્સાઇટેડ હતો કે તેમની સાથે હું પણ સ્ટેજ પર ગયો. ત્યાં સુધી તો ઠીક, પણ પછી ગરબડ થઈ ગઈ. એ દૃશ્ય ગંભીર હતું. પાત્રો સંવાદ બોલતાં હતાં. એમાં મારો પગ ઝભ્ભામાં ભેરવાયો અને હું ઊંધો પડ્યો. એ જોઈને ઑડિયન્સ ખૂબ હસ્યું. જેમતેમ કરીને હું ઊભો થયો. અમારા ડ્રામેટિક્સના સર સ્ટેજ પર એક પાત્ર ભજવી રહ્યા હતા તેઓ ગુસ્સાથી મારી સામે જોઈ રહ્યા.
થોડી મિનિટોમાં દૃશ્ય પૂરું થયું અને પડદો પડ્યો. તેમણે મારો હાથ પકડ્યો અને બોલ્યા, તું તો કહેતો હતો કે અભિનય તારા લોહીમાં છે. તને એટલી પણ ભાન નથી કે ક્યારે સ્ટેજ પર એન્ટ્રી લેવાની છે અને ઉપરથી સ્ટેજ પર તમાશો કરે છે. બસ બહુ થયું, તારી કૂપન પાછી આપ અને ઘરે જા. તારાથી કોઈ દિવસ ઍક્ટિંગ નહીં થાય.’
સ્કૂલમાં હોવા છતાં ફિલ્મો જોવાનો એક પણ મોકો તેઓ ગુમાવતા નહીં. ભણવા કરતાં વક્તૃત્વ સ્પર્ધા, ડિબેટ અને બીજી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં તેમને વધુ રસ હતો. એમાં ઘણાં ઇનામ જીતતા. સ્કૂલમાં તેમની સેકન્ડ લૅન્ગ્વેજ હતી ‘લેટિન’. તેમને એમાં જરાય રસ નહોતો. સ્કૂલમાં એક દિવસ ‘ડિબેટ’ હતી. વિષય હતો - ‘Why  Revive dead languages? Let them stay dead.’ રાજ કપૂર એની તરફેણમાં બોલ્યા. આમ તો દરેક વર્ષે તેમને પ્રમોશન મળી જતું, પરંતુ મેટ્રિકમાં તેઓ નાપાસ થયા. ફરી આખું વર્ષ મેટ્રિકમાં ગાળવું પડશે એ વિચારથી તેઓ દુખી હતા. આ સમાચાર ઘરે કેવી રીતે આપવા એનો વિચાર કરતા હતા ત્યાં રસ્તામાં એક બનાવ બન્યો.
ટ્રેનની નીચે આવી જતાં એક વ્યક્તિનું અવસાન થયું. લોહીથી લથબથ થયેલી લાશનું દૃશ્ય જોવાની તેમનામાં તાકાત નહોતી છતાં એક નજર એના પર પડી અને તેઓ પીડા અનુભવવા લાગ્યા. તેમની આંખ સામેથી એ દૃશ્ય ખસતું નહોતું. એ દિવસને યાદ કરતાં રાજ કપૂર કહે છે, એ વ્યક્તિના અચાનક મૃત્યુની ઘટનાએ મને વિચલિત કરી મૂક્યો. નિષ્ફળતાને કારણે મને મૃત્યુના વિચારો આવતા હતા.
કાચી ઉંમરે રાજ કપૂરને ચિંતા થાય એ સ્વાભાવિક હતું. સૌ શિખામણ આપતા હોય છે કે ચિંતા  ન કરવી જોઈએ. કેટલીક વાર પરિસ્થિતિ એવી હોય છે કે આપણે ચિંતા નથી કરતા, એ આપમેળે થઈ જતી હોય છે. દયારામની પંક્તિ યાદ આવે છે. ‘ચિત્ત, તું શીદને ચિંતા ધરે, કૃષ્ણને કરવું હોય એ કરે.’ લાગે છે ક્યાંક ને ક્યાંક ચિંતાનો તણખો કવિના મનમાં પડ્યો જ હશે. આપણે ધ્યાન એટલું રાખવાનું કે એ તણખામાંથી ભડકો ન થાય. વિખ્યાત લેખક ટૉલ્સ્ટૉય કહે છે, ‘માણસ સૌથી વધારે યાતના ભોગવે છે, બીજા કશાને લીધે નહીં, પણ વિચારોને કારણે.’ અનુભવીઓ કહે છે કે ચિંતા ચિતા સમાન છે. ચિંતા આપણને વગર લાકડે બાળી શકે એમ છે.
સદ્નસીબે મનમાં આવતા વિચારોને ખંખેરીને રાજ કપૂરે જાતને સંભાળી લીધી. આપઘાત કરવાના વિચારોને હડસેલો મારીને મનોમન નક્કી કર્યું, ‘આ જીવન વેડફી નાખવા જેવું નથી. હું મારા  લક્ષ્યને પામવા ગમે એવી મુશ્કેલીઓનો સામનો કરવા તૈયાર છું. હકીકતનો સામનો ડર્યા વિના કરીશ. એ દિવસે રસ્તામાં જ રાજ કપૂરે નિર્ણય કર્યો કે સપનાં પૂરાં કરવા માટે જૂઠું નથી બોલવું. ‘છાશ લેવા જવું અને દોણી સંતાડવી’ એ વાત હવે નહીં ચાલે. ઠંડે કલેજે પરંતુ  મક્કમતાથી પાપાજીને કહેવું પડશે કે મને ફિલ્મો સિવાય બીજી કોઈ વાતમાં રસ નથી.’
ઘરે જઈને રાજ કપૂરે કોઈ પણ જાતના ગભરાટ વિના, ઠંડે કલેજે પાપા પૃથ્વીરાજ કપૂરને કહ્યું કે હું મેટ્રિકમાં નાપાસ થયો છું. તેમણે સાંત્વન આપતાં કહ્યું, ‘એમાં શું ખાટુંમોળું થઈ ગયું? આવતા વર્ષે ફરી પરીક્ષા આપજે.’ રાજ કપૂરનો જવાબ હતો, ‘જુઓ પાપાજી, જે છોકરાને ડૉક્ટર થવું હોય તે મેડિકલ કૉલેજમાં જાય, જેને વકીલ બનવું હોય તે લૉ કોલેજમાં જાય. મારે ફિલ્મોમાં જવું છે. ઍક્ટર, પ્રોડ્યુસર, ડાયરેક્ટર બનવું છે. મારે ભણવામાં બીજાં પાંચ વર્ષ વેડફી નથી નાખવાં. મારે સ્ટુડિયોમાં જઈને ફિલ્મો વિશે જાણકારી લેવી છે. હમણાં ને હમણાં મારે સ્ટુડિયો જૉઇન કરવો છે.’
પૃથ્વીરાજ કપૂરને દીકરાની સચ્ચાઈ સ્પર્શી ગઈ. એક કલાકાર પોતાના જ લોહીની ઉત્કટતા આગળ બીજું શું કરી શકે? બીજા દિવસે તેઓ પુત્રને લઈને રણજિત સ્ટુડિયોના માલિક સરદાર ચંદુલાલ શાહ પાસે ગયા અને કહ્યું, ‘મારા દીકરાને ફિલ્મમાં રસ છે. તમે તેને નાનામાં નાનું કામ આપો. સાવ છેવટના અસિસ્ટન્ટ તરીકે શરૂઆત કરાવજો.’ આમ કેદાર શર્માના ચોથા  અસિસ્ટન્ટ તરીકે - ક્લૅપર-બૉય તરીકે રાજ કપૂરની ફિલ્મી કારકિર્દીની શરૂઆત થઈ. એ જ કેદાર શર્માએ રાજ કપૂરને ફિલ્મ ‘નીલ કમલ’માં હીરોનો રોલ આપ્યો (આ વાત વિસ્તારથી અગાઉ લખી છે).
પૃથ્વીરાજ કપૂરનો આગ્રહ હતો કે અસિસ્ટન્ટ સિવાય રણજિત સ્ટુડિયોમાં રાજ કપૂર અનેક નાનાં-મોટાં  કામ કરે.  તેઓ દરેકને કહેતા કે પોતાના પુત્ર હોવાના નાતે રાજ કપૂરને શિસ્તની બાબતમાં કોઈ છૂટછાટ ન મળવી જોઈએ. તેમનો આશય એટલો જ હતો કે ફિલ્મમેકિંગનાં અનેક પાસાં શીખવાં હોય તો રાજ કપૂરે એક સામાન્ય વ્યક્તિ તરીકે કામ કરવું જોઈએ. બીજું, પૃથ્વીરાજ કપૂર એક બાબતે ચોક્કસ હતા. તેમના કોઈ પણ પુત્રને તેમણે બાળકલાકાર તરીકે ચમકાવવાનો મોહ નહોતો રાખ્યો. એનું શું કારણ હતું એનો જવાબ આપતાં તેઓ કહે છે,
‘હૉલીવુડના બાળકલાકાર જૅકી ગૂગન મારા ફેવરિટ હતા. નાનપણમાં તેમને ખૂબ ખ્યાતિ મળી. ત્યાર બાદ તેમને નિષ્ફળતા મળી. મુશ્કેલીઓ આવી અને પાછલી જિંદગીમાં અવહેલના ભોગવવી પડી એ દુખદ હતું. હું નહોતો ઇચ્છતો કે મારા એક પણ પુત્રને આવી પરિસ્થિતિનો સામનો કરવો પડે.’
પૃથ્વીરાજ કપૂરનો ભય અસ્થાને નહોતો. કુમળી વયે મળેલાં નામ અને દામ મોટા ભાગનાં બાળકલાકારો પચાવી નથી શકતાં. યુવાન થતાં તેઓ નાનામોટા રોલ કરવા મજબૂર થઈ જાય  છે અથવા ગુમનામીની દુનિયામાં ફેંકાઈ જાય છે. રતન કુમાર (બૂટ પૉલિશ), માસ્ટર રોમી (અબ દિલ્હી દૂર નહીં), સાજિદ ખાન (મધર ઇન્ડિયા) અને બીજાં અનેક નામ યાદ આવે છે જેમણે બાળકલાકાર તરીકે ખૂબ નામના મેળવી હતી, પરંતુ ત્યાર બાદ યુવાનીમાં નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો. આજે તેમને કોઈ યાદ પણ નથી કરતું.
રણજિત સ્ટુડિયો ઉપરાંત બૉમ્બે ટોકીઝમાં પણ રાજ કપૂર અસિસ્ટન્ટ તરીકે કામ કરતા હતા. એ દિવસોમાં કલકત્તાથી આવેલા સુશીલ મઝુમદાર ફિલ્મ ‘બેગમ’ના ડાયરેક્ટર હતા. રાજ કપૂર એ દિવસોમાં તેમના અસિસ્ટન્ટ હતા. અશોકકુમાર અને નસીમબાનુ અભિનીત આ ફિલ્મનું શૂટિંગ કાશ્મીરમાં ચાલતું હતું. ડાયરેક્ટરે રાજ કપૂરને આ ફિલ્મમાં છૂટો દોર આપ્યો. રાજ કપૂરને આ ફિલ્મમાં ડાયરેક્શનનાં અનેક પાસાં શીખવાનો મોકો મળ્યો.
ફિલ્મોમાં ડાયરેક્શનના પાઠ ભણી રહેલા રાજ કપૂર એની સાથોસાથ પૃથ્વી થિયેટર્સનાં નાટકોમાં કામ કરતા અને દરેક ડિપાર્ટમેન્ટમાં પાપાજીની મદદ કરતા. એ દિવસોમાં તેમનો પગાર હતો ૨૦૦ રૂપિયા. પાપાજી એક ઇન્ટરવ્યુમાં કહે છે, ‘હું રાજને રણજિત સ્ટુડિયો અને બૉમ્બે ટોકીઝ કરતાં વધારે પગાર આપતો એનું એક જ કારણ હતું કે તેને પ્રોત્સાહન મળે.’
પૃથ્વી થિયેટર્સનાં નાટકોમાં રાજ કપૂર નાના રોલ કરતા, પરંતુ  ‘દીવાર’માં એક યુવાનના રોલમાં તેમનો અભિનય ખૂબ વખણાયો. દર્શકોએ તેમને ‘સ્ટૅન્ડિંગ ઓવેશન’ આપ્યું. પ્રેક્ષકોમાં હાજર રહેલા સરદાર ચંદુલાલ શાહ, ‘ફિલ્મ ઇન્ડિયા’ (એ સમયનું પ્રખ્યાત ફિલ્મ મૅગેઝિન)ના તંત્રી બાબુરાવ પટેલ, માસ્ટર વિનાયક (અભિનેત્રી નંદાના પિતા અને અભિનેતા) અને અનેક જાણીતી ફિલ્મી હસ્તીઓએ એક વાતનો સ્વીકાર કર્યો હતો કે રાજ કપૂર ભવિષ્યમાં મહાન અભિનેતા બનશે.
પૃથ્વીરાજ કપૂર એક ઇન્ટરવ્યુમાં કહે છે, ‘દીવાર’માં રાજના પાવરફુલ પર્ફોર્મન્સની નોંધ લેવાઈ એનો મને આનંદ હતો, પરંતુ મને એની નવાઈ નહોતી લાગી. તેનામાં અભિનયકળા સાહજિક હતી એ હું જાણતો હતો એટલે જ મેં તેની ઇચ્છાને માન આપીને ભણતરનો આગ્રહ નહોતો કર્યો. મને વધારે ખુશી એ થઈ કે ‘દીવાર’માં તેણે ગાયેલાં બે ગીત પ્રેક્ષકોને ખૂબ ગમ્યાં. તેની આ ટૅલન્ટની બહુ ઓછા લોકોને જાણ હતી. એ ગીતો રેકૉર્ડ થયાં હતાં. મને ખબર નથી કે એ રેકૉર્ડ માર્કેટમાં આવી કે નહીં. જો કોઈ પાસે એ રેકૉર્ડ હશે તો આજે એની ગણના ‘ક્લેક્ટર્સ આઇટમ’માં થાય.

columnists rajani mehta