લક્ષ્મીકાન્ત પ્યારેલાલ સાથે સફળ ફિલ્મો છતાં રાજ કપૂરે કેમ રવીન્દ્રને પસંદ કર્યા?

24 December, 2022 11:22 PM IST  |  Mumbai | Rajani Mehta

લક્ષ્મીકાન્ત પ્યારેલાલ સાથે ત્રણ સફળ ફિલ્મો કર્યા છતાં રાજ કપૂરે શા માટે ‘રામ તેરી ગંગા મૈલી’ માટે રવીન્દ્ર જૈનને પસંદ કર્યા?

રાજ કપૂર સ્પેશ્યલ

‘પ્રેમ રોગ’ની સફળતા બાદ રાજ કપૂર જે વિષય પર ફિલ્મ બનાવવા માગતા હતા એનું કથાબીજ તેમના મનમાં વર્ષોથી ધરબાયેલું પડ્યું હતું. પત્રકારમિત્ર બની રુબેન સાથેની અંતરંગ વાતોમાં તેમણે એનો ઉલ્લેખ કરતાં કહ્યું છે, ‘રામ તેરી ગંગા મૈલી’ની પ્રેરણા મને વર્ષો પહેલાં બનેલા એક બનાવ પરથી મળી. અમે ‘મેરા નામ રાજુ, ઘરાના અનામ, બહેતી હૈ ગંગા જહાં મેરા ધામ’ના (જિસ દેશ મેં ગંગા બહેતી હૈ) શૂટિંગ માટે કલકત્તા હુગલી નદીને કિનારે આવેલા દક્ષિણેશ્વર મંદિર ગયા હતા. જેમને કાલીમાતાનો સાક્ષાત્કાર થયો હતો તે સ્વામી રામકૃષ્ણ પરમહંસનો મઠ અહીં બાંધવામાં આવ્યો છે. અહીં એક સાધુએ મને એવો અદ્ભુત કિસ્સો સંભળાવ્યો જેણે મારા સમગ્ર ચેતનાજગત પર કબજો લઈ લીધો. એ ઘટના છેલ્લાં ૨૫ વર્ષથી મારો પીછો નહોતી છોડતી. અંતે આજે હવે હું એના પરથી પ્રેરિત એક ફિલ્મ બનાવું છું. 

વાત એમ બની કે એક દિવસ હૃષીકેશના વિખ્યાત નાગા બાવા તોતાપુરી મહારાજ રામકૃષ્ણ પરમહંસને મળવા હુગલી મઠ પર આવ્યા. પોતાની સાધનામાં રહી ગયેલી ત્રુટિઓ વિશે તે ચર્ચાવિચારણા કરવા આવ્યા હતા, જે સ્થાને બંનેની મુલાકાત થઈ એ એવી જગ્યા હતી જ્યાં ગંગા સૌથી વધુ પ્રદૂષિત હતી. એ જોઈ મહારાજ બોલ્યા, ‘રામ, યે તેરી ગંગા કિતની મૈલી હૈ.’ 
રામકૃષ્ણ પરમહંસ જરા પણ વિચલિત થયા વિના થોડી ક્ષણો મહારાજના ચહેરાના ભાવ વાંચતા રહ્યા અને શાંતિથી જવાબ આપતાં બોલ્યા, ‘હૃષીકેશથી વહેતી નિર્મળ ગંગા મનુષ્યોનાં પાપ ધોતી-ધોતી અહીં સુધી આવે છે. સ્વાભાવિક છે કે તે મેલી થઈ જાય.’ 

આ કિસ્સો મારા દિલોદિમાગ પર એવો છવાઈ ગયો કે એના પરિણામસ્વરૂપ હું આજે ‘રામ તેરી ગંગા મૈલી’ બનાવું છું. એક વાતની સ્પષ્ટતા કરી લઉં. ફિલ્મના ટાઇટલમાં ‘રામ’ શબ્દનો ઉલ્લેખ છે તે ભગવાન શ્રી રામ નહીં, પરંતુ સ્વામી રામકૃષ્ણ પરમહંસ છે.’

રાજ કપૂર જેવા ‘ક્રીએટિવ જિનિયસ’ માટે એક વાક્ય પ્રેરણાસ્રોત બની ગયું. આપણા માટે ગંગા કેવળ નદી નથી, ઈશ્વરનું સાક્ષાત્ સ્વરૂપ છે. હિમાલયમાં ઉદ્ગમસ્થાન ગંગોત્રીથી નીકળતી ગંગા પવિત્ર છે, પૂજનીય છે, નિર્મળ છે, પરંતુ જેમ-જેમ તે આગળ વધતી જાય છે, તેમ-તેમ પ્રદૂષિત થતી જાય છે. મનુષ્યોનાં પાપ ધોતી-ધોતી તે એટલી મલિન થઈ જાય છે કે અંતમાં જ્યારે તે સાગરને મળે છે ત્યારે તો આપણા જેટલી જ મેલી અને ગંદકીથી ભરેલી હોય છે. તેની આવી હાલત માટે જવાબદાર આપણે જ છીએ. 

રાજ કપૂરે આ જ વિચારધારાને ફિલ્મના કથાવસ્તુમાં વણી લીધી. હિરોઇન ગંગા એક નિર્દોષ, કુમળી કન્યાને સમાજ કઈ રીતે કલંકિત બનાવે છે તેની આસપાસ ફિલ્મની વાર્તાની ગૂંથણી કરવામાં આવી છે. વર્ષો પહેલાંની ઘટનાનું બીજ સમય જતાં એક વટવૃક્ષ થયું અને ફિલ્મસ્વરૂપ બન્યું. રાજ કપૂરની ફિલ્મોનું સંગીત વિષયને અસરકારક રીતે રજૂ કરવામાં મહત્ત્વનો ભાગ ભજવતું. આ ફિલ્મ માટે તેમણે લક્ષ્મીકાન્ત પ્યારેલાલને બદલે રવીન્દ્ર જૈનને પસંદ કર્યા. ‘બૉબી’, ‘સત્યમ શિવમ સુંદરમ’ અને ‘પ્રેમ રોગ’ જેવી ત્રણ સફળ ફિલ્મો બાદ રાજ કપૂરે લોકપ્રિય સંગીતકાર જોડીને બદલે નવા સંગીતકારને પસંદ કર્યા એનું કારણ શું હતું?

હું નસીબદાર છું કે ફિલ્મસંગીતના દિગ્ગજ કલાકારો, જેવા કે મન્ના ડે, નૌશાદ, ઓ. પી. નય્યર, ખય્યામ, રવિ, આણંદજીભાઈ, પ્યારેલાલ, પંડિત શિવકુમાર શર્મા, શંકર મહાદેવન ઉપરાંત ફિલ્મસંગીત સાથે સંકળાયેલા અનેક મહારથી વાદ્ય કલાકારો સાથે અંતરંગ મુલાકાત થઈ અને ઘરોબો બંધાયો. એમાંના એક સંગીતકાર હતા રવીન્દ્ર જૈન. ૨૮ સપ્ટેમ્બર, ૨૦૧૪ની રાતે અમારી સંસ્થા ‘સંકેત’ના (સ્થાપનાનું ૧૯મું વર્ષ) ઉપક્રમે તેમના અભિવાદનનો કાર્યક્રમ યોજાયો હતો. એ નિમિત્તે અને ત્યાર બાદ તેમની સાથે અનેક વાર મુલાકાત થઈ અને કેટલાય રસપ્રદ કિસ્સાઓ જાણવા મળ્યા. કાર્યક્રમના દિવસે તેમણે મીઠી ફરિયાદ કરતાં ઑડિયન્સને કહ્યું, ‘આજ મેં અત્યંત પ્રસન્ન હૂં. લેકિન રજનીભાઈસે એક શિકાયત હૈ. મુજે યહાં બુલાનેમેં આપને ૧૯ સાલ લગા દિયે? ખૈર, આપને યાદ કિયા ઇસકે લિયે આપકા બહુત-બહુત ધન્યવાદ.’

‘દાદુની (રવીન્દ્ર જૈનને ઇન્ડસ્ટ્રી આજ સંબોધનથી બોલાવે છે) ટકોર મારા માટે તો હતી જ, પણ ઇન્ડસ્ટ્રી માટે પણ હતી. (૧૯૭૨માં કારકિર્દીની શરૂઆત થયા બાદ છેક ૧૯૮૫માં રાજ કપૂર સાથે કામ કરવાનો મોકો મળ્યો.) તેમના જેવા હોનહાર સંગીતકાર સાથે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીએ અન્યાય કર્યો છે એ વાતમાં કોઈ શંકા નથી. એ વાતો ભવિષ્યમાં તેમના વિશે વિગતવાર લખાશે ત્યારે શૅર કરીશ. આજે ‘રામ તેરી ગંગા મૈલી’ માટે રાજ કપૂરે તેમને કેમ પસંદ કર્યા એ વાત તેમના જ શબ્દોમાં શૅર કરું છું. 

‘૧૯૮૨માં મારા મોટા ભાઈસમાન ટી. પી. ઝુનઝુનવાલાસાહેબની પુત્રી આત્મજાના લગ્નપ્રસંગ નિમિતે હું દિલ્હી ગયો હતો. મેંદીવિધિની રાત્રે સંગીતની મહેફિલનું આયોજન કરવામાં આવ્યું હતું. એ પ્રસંગે પરિવારના મિત્રને નાતે રાજ કપૂર ત્યાં હાજર હતા. એ મહેફિલમાં બીજા કલાકારોને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. ત્યાં મેં એક સ્વરચિત ગીતની પ્રસ્તુતિ કરી. 

એક રાધા એક મીરાં, 
દોનોંને શ્યામ કો ચાહા
અંતર ક્યા દોનોંકી ચાહમેં બોલો 
એક પ્રેમ દીવાની, એક દરદ દીવાની 

ગીત સાંભળીને રાજ કપૂરે મારી પત્ની દિવ્યાને પૂછ્યું કે આ ગીત કોઈ પ્રોડ્યુસરને આપ્યું નથીને? એ સાંભળી મેં કહ્યું, હા, આ ગીત તો આપી દીધું છે. એ સાંભળીને તે ચોંકી ઊઠયા અને પૂછ્યું, કોને આપ્યું છે? મેં કહ્યું, રાજ કપૂરજીને. તરત તેમણે ખિસ્સામાંથી સવા રૂપિયો આપતાં કહ્યું, આ મારું ગીત છે.

રાજ કપૂર ઉત્સવના માણસ છે. તેમનો નાનામાં નાનો ઉત્સવ મોટામાં મોટા માણસોના મોટા ઉત્સવ કરતાં મોટો હોય છે. તેમના જન્મદિવસે પૂના લોણી ફાર્મહાઉસમાં મને આમંત્રિત કરવામાં આવ્યો. એ સાંજે પાણીની જેમ શરાબ વપરાયો. એ દિવસે મેં કેવળ ભોજન લીધું. ન તો હાર્મોનિયમ હાથમાં લીધું, ન કંઈ ગાયું. હું તો કેવળ તેમને જન્મદિવસની શુભેચ્છાઓ આપવા આવ્યો હતો. બપોરે ચા-પાણીના સમયે રાજસાબે વાત-વાતમાં સ્વામી રામકૃષ્ણ પરમહંસનો કિસ્સો સંભળાવ્યો. મને કહે, ‘દાદુ, મારી આગામી ફિલ્મનું ટાઇટલ છે ‘રામ તેરી ગંગા મૈલી’. મારી મૂંઝવણ એ છે કે મેં એક ફિલ્મ બનાવી હતી ‘જિસ દેશ મેં ગંગા બહેતી હૈ’. હવે આજે મારે કેવી રીતે એમ કહેવું કે ‘રામ તેરી ગંગા મૈલી?’

મેં હાર્મોનિયમ પર હાથ મૂક્યો. સરસ્વતીમાનું સ્મરણ કર્યું અને વરદાનસ્વરૂપ મને પંક્તિઓ સૂઝી, 
ગંગા હમારી કહે, બાત યે રોતે રોતે 
રામ તેરી ગંગા મૈલી હો ગઈ 
પાપિયોં કે પાપ ધોતે ધોતે 

સાંભળતા જ રાજસાબ એટલા પ્રસન્ન થઈ ગયા કે એક નાના બાળકને જાણે નવું રમકડું મળી ગયું હોય તેમ ઝૂમવા લાગ્યા. આનંદના અતિરેકમાં આવીને કહે, ‘બાત બન ગઈ, અબ ફિલ્મ ભી બન જાયેગી.’ સાંજ પડી ગઈ હતી. રાજસાબે થોડાં ફૂલ મગાવ્યાં. અમે તેમનાં માતા-પિતાની સમાધિ પર જઈને પુષ્પાંજલિ અર્પિત કરી. બે સમાધિ વચ્ચે એક ખાલી જગ્યા હતી. રાજસાબે કહ્યું, ‘આ મારા માટે છે.’ મેં કહ્યું, ‘તમારું સ્થાન બે ગજ જમીનની નીચે નથી, તમે લાખો ચાહકોના હૃદયમાં સિનેમાના માધ્યમ દ્વારા હંમેશાં ધડકતા રહો છો.’

મુંબઈ આવ્યા બાદ થોડા જ દિવસોમાં આર. કે. સ્ટુડિયોથી ફોન આવ્યો, ‘દાદુ, સાંજે સાજ-સામાન લઈને ડબ્બુ (રણધીર કપૂર)ને ઘરે આવી જાવ.’ ત્યાં ફરી એક વાર રાધા અને મીરાંનું સ્મરણ કરી ગીત ગાયું. ગંગાના ગીતનું મુખડું વારંવાર ગાયું. રાજસાબ અને સ્વજનો ખુશીથી ઝૂમતા હતા. મને સાઇનિંગ અમાઉન્ટ આપીને ઘોષણા કરવામાં આવી કે આજથી રવીન્દ્ર જૈન આર. કે. સ્ટુડિયોના સંગીતકાર છે.’

એક રીતે કહી શકાય કે લોણી ફાર્મહાઉસમાં ઢળતી સાંજે સંગીતકાર રવીન્દ્ર જૈનનો ભાગ્યોદય થયો. રાજ કપૂરની ફિલ્મ માટે સંગીત આપવું એ દરેક સંગીતકારનું સપનું હોય છે. એક તરફ ફિલ્મનું પેપરવર્ક શરૂ થયું અને બીજી બાજુ રવીન્દ્ર જૈન અને રાજ કપૂરની બેઠકો શરૂ થઈ, જેમાં ફિલ્મના સંગીતને આખરી ઓપ આપવાનું શરૂ થયું. જોકે હજી સુધી રાજ કપૂરે કોઈને ફોડ નહોતો પાડ્યો કે ફિલ્મનાં હીરો-હિરોઇન તરીકે તેમના મનમાં શું ચાલી રહ્યું છે? એક વાત નક્કી હતી કે તેઓ કોઈ જાણીતાં હીરો-હિરોઇનને લેવા નહોતા માગતા. એનું કારણ શું હતું એ વાત આવતા શનિવારે.

rajani mehta columnists raj kapoor