મહેન્દ્ર કપૂરે શા માટે નક્કી કર્યું કે આજથી હું રફીસા’બનાં ગીત નહીં ગાઉ

01 November, 2020 01:51 PM IST  |  Mumbai | Rajani Mehta

મહેન્દ્ર કપૂરે શા માટે નક્કી કર્યું કે આજથી હું રફીસા’બનાં ગીત નહીં ગાઉ

મહેન્દ્ર કપૂર

ખુદ કો પઢતા હૂં, છોડ દેતા હૂં

એક વરખ રોઝ મોડ દેતા હૂં

કાંપતે હોંઠ લરઝતી આંખે

બાત અધૂરી છોડ દેતા હૂં

- અહમદ ફરાઝ

વાત અધૂરી મૂકવી પડે એનાં અનેક કારણો હોય છે. ક્યારેક વાત વધી ન જાય તો ક્યારેક વાતમાં દમ ન હોય ત્યારે પડતી મૂકવી પડે છે. જગદીશ જોષીની પંક્તિ યાદ આવે છે ‘વાતે વાતે તારે વાંકું પડ્યું અને વાતોની કુંજગલી છોડી દીધી.’ આપણે ઘણી વખત મૂળ વાત કરતાં-કરતાં આડી વાતે ચડી જઈએ છીએ ત્યારે વાતને અધૂરી છોડવામાં જ ડહાપણ હોય છે. જોકે અમુક વાત એવી હોય છે જે સંજોગવશાત્ નાછૂટકે અધૂરી મૂકવી પડે છે. આવી વાતનું વહેલામાં વહેલી તકે અનુસંધાન થાય એવા સૌના પ્રયત્ન હોય છે.  

૨૩ માર્ચથી દેશમાં લૉકડાઉનની શરૂઆત થઈ અને આપણા જીવનની અનેક વાતો અધૂરી રહી ગઈ. આ કૉલમની વાત કરીએ તો એ સમયે હું મહેન્દ્ર કપૂર સાથેનાં મારાં સ્મરણો શૅર કરતો હતો. તેમના જીવન વિશેની બીજી અનેક વાતો તેમનો પુત્ર રૂહાન મારી સાથે શૅર કરવાનો હતો; જેને માટે અમારી મુલાકાત નક્કી થઈ હતી. એ શક્ય ન બન્યું અને એ વાત અધૂરી રહી ગઈ. ત્યાર બાદ મેં ફિલ્મનાં ગીતો અને ગીતકારો વિશે લખવાનો નિર્ણય કર્યો. એ સમયે કલ્પના નહોતી કે આ સિરીઝ લગભગ ૭ મહિના ચાલશે. પંડિત ઇન્દ્રથી શરૂ થઈને ડી. એન. મધોક, કેદાર શર્મા, કવિ પ્રદીપ, નીરજ અને ઇંદીવરના જીવન અને કવનની વાતો સંગીતપ્રેમીઓને ખૂબ પસંદ પઢી એનો આનંદ છે. મારા પક્ષે પણ ‘જૉબ સૅટિસ્ફૅક્શન’ની અનુભૂતિ હતી. થોડા દિવસ પહેલાં રૂહાન કપૂર સાથે ફોન પર મહેન્દ્ર કપૂરના જીવન અને સંગીતની ઘણી વાતો થઈ. એની શરૂઆત કરતાં પહેલાં જૂની વાતોનું થોડું ‘રીકૅપ’ કરી લઈએ.

અમારી સંસ્થા ‘સંકેત’ના ઉપક્રમે ફિલ્મજગતના અનેક મહાન કલાકારો અને કસબીઓનું અભિવાદન કરવાનો મને મોકો મળ્યો એને હું જીવનનું મોટું સદ્ભાગ્ય માનું છું. સ્મૃતિના સરોવરમાં ડૂબકી મારીને જોઉં છું ત્યારે માનવામાં નથી આવતું કે આવી મોટી હસ્તીઓ સાથે મુલાકાત થઈ, ઘરોબો બંધાયો અને તેમણે અનેક અંગત વાતો શૅર કરી.

સાથે એ વાતનો રંજ રહ્યો કે બીજા અનેક કલાકારોને મળવાનો અને અભિવાદન કરવાનો મોકો ન મળ્યો. કહેવાય છે કે સમય સે પહેલે ઔર ભાગ્ય સે ઝ્યાદા કુછ નહીં મિલતા હૈ. પરંતુ દિલ હૈ કિ માનતા નહીં. બે નામ આ લિસ્ટમાં અપવાદ છે. જેમની સાથે મુલાકાત તો થઈ, પરંતુ તેમનું અભિવાદન કરવાનો મોકો ન મળ્યો. એ બે નામ છે શશી કપૂર અને મહેન્દ્ર કપૂર. બન્ને કલાકારો સાથે કાર્યક્ર્મ નક્કી થયા હતા, પરંતુ નાદુરસ્ત તબિયતને કારણે ડેટ લંબાઈ જતી હતી. આમ પણ આ બાબતમાં હું કલાકારોની પાછળ પાડીને યેનકેન પ્રકારેણ તારીખ નક્કી કરવાનો કદી આગ્રહ રાખતો નથી. શશી કપૂર સાથે મુલાકાત થાય કે ફોન પર વાત થાય ત્યારે અફસોસ વ્યક્ત કરતાં કહે કે ‘મહેતાસા’બ, આપ કે  પ્રોગ્રામ મેં ઝરૂર આના હૈ, બસ થોડા ઠીક હો જાઉં. શશી કપૂર કો વ્હીલચૅર મેં દેખકર લોગોં કો મઝા નહીં આયેગા.’ અફસોસ, તેમની તબિયત વધુ ને વધુ લથડતી ગઈ અને એ કાર્યક્રમ થયો જ નહીં.  

એવું જ મહેન્દ્ર કપૂર સાથે થયું. તેમનો કાર્યક્રમ નક્કી થયો એટલે હું ખૂબ એક્સાઇટેડ હતો કે મન્ના ડે પછી બીજા એક શાનદાર, બુલંદ પ્લેબૅક સિંગરને લાઇવ સાંભળવાનો મોકો મળશે. પહેલી જ મુલાકાતમાં હું જે ગીતોનું લિસ્ટ લઈને ગયો હતો એ જોઈને બોલ્યા, ‘રજનીભાઈ, આપ કી પસંદ કો દાદ દેતા હૂં. યે સભી ગાનેં મેરે પર્સનલ ફેવરિટ હૈ. યે ગાને કા  મૌકા હી નહીં મિલતા, ક્યોં કિ સિર્ફ પૉપ્યુલર ગાને કી ફરમાઇશ આતી હૈ. મઝા આયેગા. મૈં ફૉરેન જા રહા હૂં. આને કે બાદ પ્રોગ્રામ કરેંગે.’ સંજોગવશાત્ ત્યાર બાદ મારો લાંબો સમય અમેરિકા નિવાસ નક્કી થયો હતો એટલે મારા આવ્યા બાદ કાર્યક્ર્મ કરવાનું નક્કી થયું.

લગભગ ૮ મહિના બાદ તેમની સાથે વાત થઈ ત્યારે તેમની તબિયત નરમગરમ રહેતી હતી. થોડી રાહ જોવાનું નક્કી થયું. એ દરમ્યાન અમારા બીજા કાર્યક્રમો નક્કી થતા ગયા અને બીજું એક વર્ષ નીકળી ગયું. એ દરમ્યાન તેમની તબિયત વધુ ખરાબ થઈ. મને કહે, ‘આપકા કાર્યક્ર્મ ઝરૂર કરના હૈ. બસ, થોડા ઠીક હો જાઉં.’

   કાર્યક્ર્મની પણ એક કુંડળી હોય છે (જેમ એક પુસ્તકની હોય. ખરીદ્યા પછી લાંબા સમય સુધી એ વાંચવાનું ન બને એવું મારી સાથે અનેક વાર બન્યું છે), અફસોસ, અમારા નસીબમાં તેમને રૂબરૂ સાંભળવાનો અવસર કદી ન આવ્યો. એ દિવસોની વાત કરું છું અને મોરારિબાપુનું વાક્ય યાદ આવે છે, ‘આપણું ધાર્યું થાય એ હરિકૃપા અને ન થાય એ હરિઇચ્છા.’

મહેન્દ્ર કપૂરનો જન્મ અ‌‌‌મ્રિતસરમાં ૧૯૩૪ની ૯ જાન્યુઆરીએ થયો હતો. નાના હતા ત્યારે કારોબારને કારણે પિતા મુંબઈ આવ્યા અને સેટલ થયા. માતાજી સુંદર ભજનો ગાતાં એટલે બાળક મહેન્દ્ર કપૂરની સંગીતમાં રુચિ વધતી ગઈ. મુંબઈની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં (અને ત્યાર બાદ સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં) અભ્યાસ કર્યો. ફિલ્મો જોવાનો અને ગીતો ગાવાનો શોખ એટલે સ્કૂલ-કૉલેજના ફંક્શનમાં તેમની ખૂબ ડિમાન્ડ રહેતી. નાનપણમાં ભણવામાં બહુ રસ નહોતો. ટ્યુશન લેવા જાય તો સાથે આવેલા નોકરને ભેળપૂરીની લાલચ આપીને ચોપાટી જઈને મજા કરે.

 મોહમ્મદ રફીના ભક્ત એટલે સ્કૂલ-કૉલેજના ફંક્શનમાં તેમનાં જ ગીતો  ગાઈને નામના મેળવી. તેમની એટલી અસર કે આખો દિવસ કાગળ પર ‘મોહમ્મદ રફી, મોહમ્મદ રફી’ લખ્યા કરે. એક દિવસ સ્કૂલના એક મિત્ર સાથે રફીસા’બના ભીંડીબજારના ઘરે પહોંચી ગયા. સાથે આવેલા ડ્રાઇવરને પટાવી લીધો હતો. પેલો કહે, ‘યે હમારે સાહબ કા છોટા લડકા હૈ, ઉનકે બડે ભાઈ કો આપ ટ્યુશન દેંગે?’ રફીસા’બના મોટા ભાઈએ હા પાડી. જોકે પિતા સાથે બન્ને ભાઈઓ આવ્યા ત્યારે અસલી વાત ખબર પડી. આમ મહેન્દ્ર કપૂર રફીસા’બના શિષ્ય બન્યા.

 એ દિવસોમાં વી. બલસારા (જેઓ એચએમવીમાં હતા) પોતાનું ઑર્કેસ્ટ્રા ચલાવતા, જેમાં મહેન્દ્ર કપૂર રફીસા’બનાં ગીતો ગાતા. લોકોની વાહ-વાહ મળતી. મહેન્દ્ર કપૂર ખુશ હતા, પરંતુ આ તેમની સાચી મંજિલ નથી એ વાતની રફીસા’બને ખબર હતી. તેમણે કહ્યું કે ક્યાં સુધી તું મારાં ગીતો ગાઈશ? તારી અલગ પહેચાન બનવી જોઈએ. એ માટે તારે ક્લાસિકલ શીખવું જોઈએ.

વી. બલસારા મહેન્દ્ર કપૂરમાં ખૂબ રસ લેતા, પ્રોત્સાહન આપતા. તેમણે ફિલ્મ ‘મદમસ્ત’ (૧૯૫૩) માટે ધન ઇન્દોરવાલા સાથે તેમનું એક ડ્યુએટ રેકૉર્ડ કર્યું. શબ્દો હતા ‘કિસી કે ઝુલ્મ કી તસવીર હૈ,’  ત્યાર બાદ સંગીતકાર સન્મુખ બાબુએ ફિલ્મ ‘લલકાર’ (૧૯૫૭) માટે  સબિતા બૅનરજી (સલિલ ચૌધરીનાં પત્ની) સાથે તેમનું ડ્યુએટ રેકૉર્ડ કર્યું. શબ્દો હતા, ‘ઓ બેદર્દી જાનકર ના કર બહાનેં.’ એ દિવસોને યાદ કરતાં મહેન્દ્ર કપૂર નિખાલસ એકરાર કરતાં કહે છે, ‘ઉસ વક્ત મુઝે પતા ચલા કિ મૈં રફીસા’બ કે ગાને કિતની બૂરી તરહ સે ગાતા થા. શાયદ કિસીને ભી ઉનકી ઐસી ખરાબ કૉપી નહીં કી હોગી. જબ આપકો સહી માયને મેં પતા ચલતા હૈ કિ ગાના કિસ તરહ ગાયા જાતા હૈ તબ ખયાલ આતા હૈ કી આપ કિતના ગલત ગા રહે થે. ઉસ દિન કે બાદ મૈંને કસમ ખાઈ કી આજ સે મૈં રફીસા’બ કે ગાને નહીં ગાઉંગા. ઉનકે ગાને ઇતની બૂરી તરહસે ગા કે મૈં ઉનકા અપમાન નહીં કર સકતા. મેરે દિલ મેં ઉનકે લિયે બહુત ઇજ્જત હૈ.’

ફિલ્મ ‘મદમસ્ત’ અને ‘લલકાર’માં તેમણે ગાયેલાં ગીતોની ભાગ્યે જ ક્યાંક નોંધ લેવાઈ છે. એ સમય હિન્દી ફિલ્મ સંગીતનો સુવર્ણકાળ હતો. તેમની સિંગર તરીકેની કારકિર્દી શરૂ થાય એ પહેલાં જ પૂરી થઈ એવું તેમને લાગ્યું. ત્યાં જ તેમના જીવનનો ‘ટર્નિંગ પૉઇન્ટ’ કહી શકાય એવી ઘટના ૧૯૫૭માં બની. એ વિશે વિગતવાર વાત કરતાં મહેન્દ્ર કપૂર કહે છે...

‘મારો કૉલેજનો અભ્યાસ લગભગ પૂરો થવાની તૈયારીમાં હતો. આગળ શું કરવું એની અવઢવમાં હતો. એ દિવસોમાં ‘ઑલ ઇન્ડિયા મરફી - મેટ્રો કૉમ્પિટિશન’ની જાહેરાત થઈ. પૂરા ભારતમાંથી એક સ્ત્રી અને એક પુરુષની ઉત્તમ ગાયક કલાકાર તરીકેની પસંદગી થવાની હતી. એ માટે જજ તરીકે દિગ્ગજ સંગીતકારો અનિલ બિસ્વાસ, નૌશાદ, સી. રામચન્દ્ર, મદન મોહન અને વસંત દેસાઈની નિમણૂક થઈ. ફાઇનલમાં જે ચાર છોકરી અને ચાર છોકરાની પસંદગી થઈ એમાંનો એક હું હતો. ફાઇનલ મેટ્રો થિયેટરમાં હતી. દરેકે ખૂબ જ સુંદર રીતે ગાયું. જજિઝ મૂંઝાયા. કોઈ એક નામ માટે સર્વસંમતિ ન થઈ એટલે મેહબૂબ સ્ટુડિયોમાં જઈને દરેકને ફરી એક વાર સાંભળવા અને નિર્ણય ત્યાંના રેકૉર્ડિસ્ટ મંગેશ પર છોડવો એવું નક્કી થયું. દરેકને સાંભળ્યા બાદ મંગેશભાઉએ મને પસંદ કર્યો અને સૌએ મંજૂરી આપી.’

એ કૉમ્પિટિશનના વિજેતાને દરેક સંગીતકારે પોતાની ફિલ્મમાં ચાન્સ આપશે એવી વણલખી બાંયધરી આપી હતી, પરંતુ એની કોઈ સમયમર્યાદા નહોતી. એ સમયે સંગીતકાર નૌશાદ મહેન્દ્ર કપૂર માટે એક સોનેરી તક લઈને આવ્યા. એને યાદ કરતાં મહેન્દ્ર કપૂર કહે છે, ‘નૌશાદસા’બને હું નાનપણથી ઓળખું, કારણ કે તેઓ અને રફીસા’બ જૂના મિત્રો હતા. તેમણે મને ઘરે બોલાવ્યો અને કહ્યું ‘ફિલ્મ ‘સોહની મહિવાલ’ માટે એક ગીત ‘ચાંદ છુપા ઔર તારે ડૂબે, રાત ગઝબ કી આઇ’ રેકૉર્ડ કરવાનું બાકી છે. એ સિવાયનાં દરેક ગીતો અને બૅકગ્રાઉન્ડ સ્કોર રેડી છે. એક મુશ્કેલી એ છે કે આ ગીતના સૂર હું બદલી શકું એમ નથી. આ ગીત (સૂરમાં) બહુ ઊંચું જાય છે, તું ગાઈ શકીશ?’

મેં તેમના ચરણસ્પર્શ કરીને કહ્યું, ‘આપ કા આશીર્વાદ હૈ તો કર લૂંગા.’

તેમણે કહ્યું, ‘તુઝે પતા હૈ સૂર કૌન સા હૈ? સફેદ તીન ઔર મધ્યમ તક જાના હૈ. ઇતના આસાન નહીં હૈ. કડી મહેનત કરની પડેગી.’         મેં કહ્યું, ‘આપને ઇતના ભરોસા રખ્ખા હૈ તો વાદા કરતા હૂં કોઈ કસર નહીં છોડૂંગા.’ મારો જવાબ સાંભળીને તેઓ ખુશ થઈ ગયા.

જે દિવસે રેકૉર્ડિંગ થવાનું હતું એના આગલા દિવસે હું રિહર્સલ માટે તેમના ઘરે ગયો હતો. કામ પતાવીને જતો હતો ત્યારે કહે, ‘મહિન્દર, રિહર્સલ તો હો ગઈ, કલ રેકૉર્ડિંગ હૈ. મુઝે એક ચીઝ માંગની હૈ.’

હું થોડો ગભરાયો. શું વાત હશે? એનો વિચાર કરતાં કહ્યું, ‘કહિએ.’

‘બસ, કલ મેરી લાજ રખ લેના.’ તેમના આ શબ્દો સાંભળતાં મારા પગ નીચેની જમીન સરકી ગઈ. મારા પર કેટલી મોટી જવાબદારી છે એનો અહેસાસ થયો. કાલે શું થશે એના જ વિચારોમાં મને આખી રાત ઊંઘ ન આવી. મનોમન ઈશ્વરને પ્રાર્થના કરતો રહ્યો કે મને શક્તિ આપજે કે નૌશાદસા’બને નીચાજોવાપણું ન થાય.’

બીજા દિવસે રેકૉર્ડિંગ શરૂ થયું એ પહેલાં મનોમન ઈશ્વરને પ્રાર્થના કરી કે બધું સમુંસૂતરું પાર પડે. લગભગ ૧૧૦ મ્યુઝિશ્યન્સ સાથે ગીત રેકૉર્ડ કરવું એ સહેલી વાત નથી. ઉપરવાળાની મહેરબાનીથી એવા સૂર લાગ્યા કે દરેક ખુશ થઈ ગયા. પછીથી ખબર પડી કે મેહબૂબ સ્ટુડિયો આખા દિવસ માટે બુક કરવામાં આવ્યો હતો, પરંતુ ૩ કલાકમાં જ ગીત રેકૉર્ડ થઈ ગયું. નૌશાદસા’બ મને ગળે વળગીને કહે, ‘મિયાં, તુમને કમાલ કર દિયા. ઇતના લાજવાબ ગાયા કિ લોગ માન નહીં સકતે હૈં કી એક નયા લડકા ગાના ગા રહા હૈ.’

‘યે સૂનકર મુઝે રફીસા’બ કી યાદ આયી. મૈં ઐસા માનતા હૂં કી ઉપરવાલે કે સાથ મુઝ પર રફીસા’બ કી દુઆએં ભી બહુત થી.’

ફિલ્મ ‘સોહની મહિવાલ’નું આ ગીત અત્યંત લોકપ્રિય થયું. મહેન્દ્ર કપૂર પ્લેબૅક સિંગર તરીકે જાણીતા થઈ ગયા. જેને ફ્રેન્ડ, ફિલોસૉફર અને ગાઇડ માનતા હતા એવા  મોહમ્મદ રફી સાથેનાં તેમનાં સ્મરણો આવતા રવિવારે.

columnists rajani mehta