બામ્બુ કેમ બહુ ઉપયોગી છે બૉમ્બે માટે?

18 September, 2021 04:41 PM IST  |  Mumbai | Jigisha Jain

મુંબઈ જેવી ગીચ વસ્તી ધરાવતા શહેર માટે બામ્બુ ઑક્સિજન ટૅન્કની ગરજ સારી શકે એમ છે. એમ છતાં આપણે ત્યાં બહુ જ ઓછી માત્રામાં વાંસ જોવા મળે છે. હા, ત્રણ હેક્ટરમાં સંજય ગાંધી નૅશનલ પાર્ક પાસે થયો છે જેમાં બામ્બુ ગાર્ડન બનાવવામાં આવ્યું છે.

બામ્બુ

વાંસ લગભગ સમગ્ર વિશ્વમાં જોવા મળે છે. લગભગ ૫૦ મિલ્યન હેક્ટર્સ એટલે કે ૧૨૪ મિલ્યન એકર જમીનમાં વાંસનું વાવેતર છે. નૅશનલ બામ્બુ મિશન અનુસાર ભારતમાં ૧૩.૯૬ મિલ્યન હેક્ટર વિસ્તારમાં વાંસ વિસ્તરેલો છે. વાંસની સૌથી વધુ પ્રજાતિ ધરાવતા દેશ તરીકે ચાઇના પછી બીજા નંબરે ભારત છે. આપણે ત્યાં વાંસની કુલ ૧૩૬ પ્રજાતિ જોવા મળે છે. ભારતમાં વાર્ષિક ૧૪.૬ મિલ્યન ટન વાંસનું ઉત્પાદન થાય છે. અહીની વાંસ અને નેતરની ઇન્ડસ્ટ્રીની ૨૦૧૭માં ૨૮,૦૦૫ કરોડ રૂપિયાની વર્થ હતી. મહારાષ્ટ્રમાં ૧.૧૫ મિલ્યન હેક્ટર વિસ્તારમાં વાંસનાં જંગલો આવેલાં છે જે અરુણાચલ પ્રદેશ અને મધ્ય પ્રદેશ પછીના ત્રીજા નંબરે છે.

ભારતના દરેક રાજ્યમાં ઊગતા વાંસ જુદા-જુદા છે, એમની પ્રજાતિઓ પણ જુદી-જુદી છે. જેવો વાંસ ગુજરાતનો છે એવો આસામનો નથી. વળી દરેક પ્રકારના વાંસની ઉપયોગિતા જુદી છે. કોઈ વાંસ ફર્નિચર બનાવવાના કામમાં આવે છે તો કોઈ વાંસ ખોરાકના કામમાં તો કોઈ ઘરેણાં અને સુશોભનની વસ્તુઓ બનાવવામાં કામ લાગે છે. જો તમને આ બધા જ વાંસ એની અઢળક પ્રજાતિઓ સાથે જોવા હોય તો મુંબઈમાં જોવા મળી શકે છે. મુંબઈના સંજય ગાંધી નૅશનલ પાર્કમાં બામ્બુસેટમ કરીને વાંસનું મોટું ગાર્ડન ૨૦૧૮માં બનાવવામાં આવ્યું છે. અઢી એકર વિસ્તારમાં પથરાયેલા આ બામ્બુસેટમમાં ભારતમાં ઉપલબ્ધ હોય એવા ૨૩ જુદી-જુદી જાતનાં ૧૩૮ બામ્બુ ઉગાડવામાં આવ્યાં છે. 

૨૦૧૮માં મુંબઈમાં ૩૨ જુદા-જુદા દેશોના કાઉન્સિલ જનરલ્સ આવેલા હતા. તેમના હાથે તેમના દેશમાં અને ભારતમાં કૉમન હોય એવાં ૬ ઝાડને આ ગાર્ડનમાં એક કૉર્નર બનાવીને વાવવામાં આવેલાં. આવા કુલ ૩૨ કૉર્નર આ ગાર્ડનમાં બનેલા છે. આ વાંસના ઝાડ પશ્ચિમ બંગાળ, મિઝોરમ, છત્તીસગઢ, આસામ, મણિપુર, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, સિક્કિમ, મહારાષ્ટ્ર અને ગુજરાતથી લાવવામાં આવ્યાં છે, કારણ કે એ આ રાજ્યોમાં ઊગતા વાંસની પ્રજાતિ  છે. આ બામ્બુસેટમ બનાવવા પાછળના ઉદ્દેશને સ્પષ્ટ કરતાં અસિસ્ટન્ટ

કન્ઝર્વેટર ઑફ ફૉરેસ્ટ સંજય કાંબળે કહે છે, ‘આ ગાર્ડન બનાવીને મુંબઈએ

સમગ્ર દુનિયાને એવો મેસેજ પૂરો પાડ્યો હતો કે સાથે મળીને આપણે આપણી પૃથ્વીને બચાવીશું. આ સિવાય આ ગાર્ડનનો ઉદ્દેશ એ હતો કે

બૉટનીના અને રસ ધરાવતા બીજા વિદ્યાર્થીઓને અલગ-અલગ જાતિના વાંસનાં ઝાડ એક જ જગ્યા પર મળી રહે, જ્યાં તેઓ એનું અધ્યયન કરી શકે,

કારણ કે સામાન્ય રીતે વાંસના જુદા-જુદા પ્રકાર એક જ જગ્યાએ જોવા મળતા નથી. આ ઉપરાંત સામાન્ય પ્રજા માટે પણ એ એક એવું સ્થળ બને જ્યાં તેમને ફરવું ગમે.’

જોકે કોવિડને કારણે આ ગાર્ડન ખુલ્લું તો નથી, પરંતુ બહારથી પણ એ જોઈ શકાય એવું થઈ ગયું છે. ૨૦૧૮માં વાવેલાં વાંસનાં ઝાડ અત્યારે ૧૫-૨૦ ફૂટનાં થઈ ગયાં છે. અઢી વર્ષની અંદર એ સારા વિકાસ પામી ચૂક્યાં છે. આ ગાર્ડનની વિશેષતા વિશે વાત કરતાં સંજય કાંબળે કહે છે, ‘અહીં ૩૨ જુદા-જુદા કૉર્નરનાં નામ એ જગ્યાએ જે દેશના કાઉન્સિલ જનરલ્સે ઝાડનું વાવેતર કર્યું હોય એ દેશના નામ

પરથી રાખવામાં આવ્યાં છે. વળી એ કૉર્નરમાં એ દેશ અને ભારત બન્ને વચ્ચે જે સામાન્ય ઝાડ છે એટલે કે જે

ઝાડ એ બન્ને દેશમાં ઊગતાં હોય એવાં એની અંદર રોપવામાં આવ્યાં છે. ત્યાં બોર્ડ પર એ દેશનું નામ, એ ઝાડનું નામ, એ કઈ પ્રજાતિનું છે એ વિશેની નોંધ અને એનો કઈ રીતે ઉપયોગ થાય છે એની માહિતી લખવામાં આવી છે, જેથી સુંદરતાની સાથે લોકોને જ્ઞાન પણ મળે.’

ક્યાં છે બામ્બુ ગાર્ડન?

સંજય ગાંધી નૅશનલ પાર્ક બોરીવલી સ્ટેશનથી ખૂબ જ નજીક પડે છે. નૅશનલ પાર્કના મુખ્ય દરવાજાથી દોઢ કિલોમીટર જેટલું અંદર કાન્હેરી ગુફાઓ તરફ જતા તુમનીપાડા ચેકપોસ્ટ આવે છે જેની નજીક આ ગાર્ડન આવેલું છે. કોરોનાની પરિસ્થિતિ નૉર્મલ થાય એ પછી આ ગાર્ડન સામાન્ય જનતા માટે વગર કોઈ ટિકિટે ખુલ્લું મૂકવામાં આવશે. આવું થાય ત્યારે વાંસની ભિન્ન-ભિન્ન પ્રજાતિઓને જોવા માટે ચોક્કસ બામ્બુસેટમની મુલાકાત લેજો.

વાંસનું આર્ટ અને આર્કિટેક્ચર

આર્કિટેક્ચર અને ઇન્ટીરિયર ડિઝાઇનિંગમાં વાંસ ક્રાંતિ લાવી શકે છે, કારણ કે એ કુદરતને બિલકુલ હાનિ ન પહોંચાડતું અને સૌથી સસ્તું મટીરિયલ છે. એ ખાસિયત વિશે વાત કરતાં નેટિવ કોન્બેક બામ્બુ પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડના મૅનેજિંગ ડિરેક્ટર સંજીવ કારપે કહે છે, ‘આપણે ત્યાં મોટા ભાગનું ફર્નિચર પ્લાસ્ટિકનું બને છે જે પર્યાવરણ માટે નુકસાનકારક છે. જે નૅચરલ મટીરિયલ વપરાય છે એમાં મુખ્ય ટીકવુડ છે. જોકે જ્યારે તમે ટીકવુડમાંથી ફર્નિચર બનાવો છો ત્યારે ઝાડ કાપો છો અને એની જગ્યાએ બીજું ઝાડ વાવવું પડે છે. વાંસમાં એવું નથી. વાંસ કાપો એટલે ત્યાં ફરીથી ઊગે. ઊલટું એને કાપવું જરૂરી જ છે અને પર્યાવરણ માટે સારું છે.’

ફર્નિચર પણ ફેમસ

વાંસનું ફર્નિચર મોંઘું હોય છે એટલે લોકો એને ખરીદતાં ખચકાય છે એ વિશે વાત કરતાં સંજીવ કારપે કહે છે, ‘જો પૃથ્વી પરથી કાર્બન ફૂટ-પ્રિન્ટ ઘટાડવા હોય તો વાંસનો ઉપયોગ જરૂરી છે. ખાલી વાતો કરવાથી કંઈ નહીં થાય. દરેક વ્યક્તિ પોતાની ક્ષમતા પ્રમાણે નૅચરલ વાંસનો ઉપયોગ કરે ત્યારે એનાં ઉત્પાદનો વધશે જેનાથી કુદરતને જ નહીં, ખેડૂતને અને એના પ્રોડક્ટ્સ બનાવવાવાળા ગામડાંના કારીગરોને પણ મદદ મળશે. વધુ નહીં તો વાંસનું ૧૦૦ રૂપિયાનું પૅન-સ્ટૅન્ડ તો ખરીદી જ શકાય. કુદરત વિશે વિચારીને તમે તમારાં બાળકોને એક બહેતર કાલ આપી શકશો.’

વાંસ વિશે આટલું જાણો

- વાંસ કોઈ ઝાડ નથી કે નથી છોડ. એ ઘાસ છે.

- વાંસ સૌથી ઝડપથી ઊગતી વનસ્પતિ છે. એની ઘણી જાતિઓ તો ૨૪ કલાકની અંદર એક મીટર જેટલી પણ વધતી હોય છે.

- ઍન્ટાર્કટિકા સિવાય દુનિયાના દરેક ખંડમાં વાંસ ઊગે છે.

- બીજા ઝાડ કરતા વાંસ ૩૫ ટકા વધુ ઑક્સિજન આપે છે.

- વાંસનો જ્યારે આપણે કાપીને ઉપયોગ કરીએ ત્યારે ફરીથી બીજો વાંસ રોપવાની જરૂર નથી હોતી. એને કાપો એટલે એ ત્યાંથી આગળ ઊગવા લાગે છે. આમ એનું ખાસ મેઇન્ટેનન્સ નથી.

- વાંસ સ્ટીલ કરતાં પણ વધુ સ્ટ્રૉન્ગ હોય છે. એનો ઉપયોગ કન્સ્ટ્રક્શનમાં થઈ શકે છે જે કરવાથી સસ્ટેનેબલ બને છે. એટલું જ નહીં, એ ઘણું સસ્તું પણ પડે છે.

- દુનિયાભરમાં એક બિલ્યન લોકો વાંસથી બનેલાં ઘરોમાં રહે છે.

- વાંસનો ઉપયોગ ઘાને ઠીક કરવામાં અને દવા તરીકે પણ થાય છે.

- હિરોશિમામાં જ્યારે પરમાણુ હુમલો થયો હતો ત્યારે માણસોની સાથે વનસ્પતિ પણ બધી નાશ પામી હતી, પરંતુ ટક્યો હતો તો ફક્ત વાંસ.

- વાંસમાંથી કપડાં પણ બને છે જે કુદરતી રીતે એ શરીરના તાપમાનને નીચું કરે છે અને ઠંડક આપે છે.

- વાંસમાંથી ટેક્સટાઇલ એટલે કે કાપડ ઇન્ડસ્ટ્રી, ઘરગથ્થુ વસ્તુઓ, સંગીતનાં વાદ્યો, ઑટોમોટિવ પાર્ટ્સ અને ઇલેક્ટ્રૉનિક પાર્ટ્સ પણ બને છે.

- બામ્બુ શૂટ્સ એક સુપરફૂડ ગણાય છે. એ કુપોષણ અને ભૂખ બન્ને મહાપ્રશ્નોનો સૌથી સસ્તો, સરળ અને સ્વાદિષ્ટ જવાબ ગણાય છે. જોકે નૉર્થ ઈસ્ટર્ન ફૂડમાં કે એશિયન- ચાઇનીઝ ક્વિઝીનમાં એ વધુ વપરાય છે.

columnists Jigisha Jain