યુદ્ધ મેં જીત ધર્મ કી હો યા અધર્મ કી હો, મગર હાર હમેશા માનવતા કી હોતી હૈ!

06 April, 2022 08:27 PM IST  |  Mumbai | Pravin Solanki

એવા પ્રતિબંધ કે ફરી પાછો આવો ‘ચાળો’ ભવિષ્યમાં ક્યારેય કરી શકે  નહીં. સમગ્ર યુદ્ધનો ખર્ચ એના પર લાદવામાં આવ્યો, માર્યા ગયેલા લોકોને વળતર ચૂકવવાની જવાબદારી  એના પર નાખવામાં આવી.

યુદ્ધ મેં જીત ધર્મ કી હો યા અધર્મ કી હો, મગર હાર હમેશા માનવતા કી હોતી હૈ!

જર્મનીને ફક્ત હાર જ ન ખમવી પડી, સાથોસાથ એના ગુમાની દમામને નાથવા માટે એના પર અસંખ્ય પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યા. એવા પ્રતિબંધ કે ફરી પાછો આવો ‘ચાળો’ ભવિષ્યમાં ક્યારેય કરી શકે  નહીં. સમગ્ર યુદ્ધનો ખર્ચ એના પર લાદવામાં આવ્યો, માર્યા ગયેલા લોકોને વળતર ચૂકવવાની જવાબદારી  એના પર નાખવામાં આવી.

સર્બિયા-ઑસ્ટ્રિયાની લડાઈ એક બાજુ રહી ગઈ. ઑસ્ટ્રિયાની વહારે જર્મની આવ્યું, સર્બિયાની વહારે રશિયા આવ્યું. રશિયાની આ હરકત જર્મનીને પસંદ ન પડી એટલે એણે સીધી રીતે રશિયા સામે યુદ્ધની ઘોષણા કરી. રશિયા અચાનક થયેલી આ હરકતથી સહેજ ડગી ગયું અને એણે મિત્રદેશ ફ્રાન્સની મદદ માગી. ફ્રાન્સે જર્મનીને ઠપકો આપીને યુદ્ધ બંધ કરવાનો આદેશ આપ્યો એથી જર્મની વધારે ભુરાયું થયું. પોતાની સામે આ બધાં મગતરાં આંખ કાઢશે એની એને કલ્પના સુધ્ધાં નહોતી. વળી હવે તો પારોઠનાં પગલાં ભરે તો એની નામોશી થાય, એની જે ધાક હતી એમાં ઓટ આવે એટલે જર્મનીએ ફ્રાન્સ સામે પણ યુદ્ધ જાહેર કર્યું. 
સૌથી પહેલાં જર્મનીએ ફ્રાન્સને ઠેકાણે પાડવાનો પ્લાન ઘડ્યો. ફ્રાન્સની રાજધાની પૅરિસને ધમરોળવાની  સ્ટ્રૅટેજી નક્કી કરી, પરંતુ એક અડચણ એ હતી કે જમીનમાર્ગે લશ્કરને પૅરિસમાં પેસવામાં વચ્ચે બેલ્જિયમ આવતું હતું. બેલ્જિયમને કેમ સમજાવવું? 
બેલ્જિયમને આપણી તાકાતનો અંદાજ છે એથી આપણને નહીં રોકી શકે અને રોકશે તો એને ઠેકાણે  પાડતાં કેટલી વાર? ગલીના ગુંડા જેવી આવી વિચારધારાના સહારે એનું લશ્કર બેલ્જિયમ સુધી પહોંચી ગયું.
બેલ્જિયમ હલબલી ગયું. એણે જર્મનીને વિનંતી કરી કે મહેરબાની કરીને અમને આમાં ન સંડોવો, પૅરિસ પહોંચવા તમે કોઈ બીજો રસ્તો શોધી કાઢો. જર્મની તો ગાંડો હાથી બન્યું હતું. એણે આ વિનંતી ગણકારી નહીં. બેલ્જિયમ સામે ભીડતાં પહેલાં જર્મનીને એ યાદ ન રહ્યું કે બેલ્જિયમની રક્ષા કરવાની જવાબદારી  બ્રિટને લીધી છે. બ્રિટને જર્મનીને તાકીદ કરી કે બેલ્જિયમમાંથી બહાર નીકળી એ બીજે રસ્તે જાય ને એમ નહીં કરો તો સમજી લેજો કે તમારી લડાઈ બેલ્જિયમ સામે નહીં, બ્રિટન સામે છે. 
 બ્રિટનની આવી ધમકીથી આગમાં ઘી હોમાયું અને જર્મનીના અહંકાર પર રાંપીનો ઘા થયો. વારંવાર  થતી એની અવગણનાથી તેણે સમતોલપણું ગુમાવ્યું અને એણે બ્રિટન સામે યુદ્ધની ઘોષણા કરી. 
દુનિયા દંગ રહી ગઈ. જર્મનીને આ શું ગાંડપણ ઊપડ્યું છે? પહેલાં સર્બિયા, પછી રશિયા, પછી ફ્રાન્સ પછી બેલ્જિયમ અને હવે બ્રિટન સામે યુદ્ધની ઘોષણા? કારણ હતું અસ્ત્ર-શસ્ત્રનો સરંજામ. એ સમયે જર્મની  પાસે આધુનિક હથિયારનો ભંડાર હતો. દુનિયામાં એની ધાક હતી. 
ખેર, પછી તો એકબીજાને પક્ષે ઘણા બધા સામસામે આવી ગયા. ઑસ્ટ્રિયા તરફથી જર્મની, બલ્ગેરિયા,  ઑટોમન એમ્પાયર. સર્બિયા સાથે રશિયા, ફ્રાન્સ, બ્રિટન, બેલ્જિયમ, યુનાઇટેડ સ્ટેટ્સ, ઇટલી, રોમેનિયા  જપાન સૌ-સૌને પોતાનો મતલબ-મકસદ હતાં. યુદ્ધ ભૂમિ પૂરતું મર્યાદિત ન રહ્યું. જળસેના અને વાયુસેના  પણ સંહારનાં સાથી બન્યાં. અગણિત લાશો ઢળી, શહેર ખંડિયેર બન્યાં, હજારો એકર દૂઝણી જમીન  વાંઝણી બની. ભયંકર હત્યાકાંડના અંતે જર્મની હાર્યું. એના અહંકારના ચૂરેચૂરા થઈ ગયા. 
જર્મનીને ફક્ત હાર જ ન ખમવી પડી, સાથોસાથ એના ગુમાની દમામને નાથવા માટે એના પર અસંખ્ય પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યા. એવા પ્રતિબંધ કે ફરી પાછો આવો ‘ચાળો’ ભવિષ્યમાં ક્યારેય કરી શકે  નહીં. સમગ્ર યુદ્ધનો ખર્ચ એના પર લાદવામાં આવ્યો, માર્યા ગયેલા લોકોને વળતર ચૂકવવાની જવાબદારી  એના પર નાખવામાં આવી. જર્મની એક લાખથી વધારે સેના નહીં રાખી શકે, નવાં શસ્ત્રોનું ઉત્પાદન નહીં કરી શકે, ગુપ્તચર નહીં રાખી શકે જેવા અનેક કરાર પર સહી કરાવી, જે ‘ટ્રીટી ઑફ વર્સેલ્સ’ના નામે  ઓળખાઈ. 
આ યુદ્ધમાં એક ઘટના એવી પણ બની જે માનવજાતના ભવિષ્ય માટે ખતરારૂપ બની. આ યુદ્ધ દરમ્યાન જર્મનીનો એક મામૂલી સૈનિક ખૂબ જ ખરાબ રીતે ઘવાયો. એક દયાળુ બ્રિટિશ ઑફિસરે તેની સારવાર કરીને ઘરભેગો કરી દીધો. બિચારા એ દયાળુ ઑફિસરને ત્યારે કલ્પના સુધ્ધાં નહોતી કે તેનું આ  માનવતાભર્યું કૃત્ય માનવતાની જ ઘોર ખોદશે. એ મામૂલી સૈનિકનું નામ હતું ઍડૉલ્ફ હિટલર!!
સમય જતાં એ મામૂલી હિટલર જર્મનીનો સર્વસત્તાધીશ બની ગયો અને ૨૦-૨૨ વર્ષના સમયગાળા પછી  બીજા વિશ્વયુદ્ધની પડઘમ વગાડવા કારણભૂત બન્યો અને પહેલા વિશ્વયુદ્ધ કરતાં અનેકગણી ખુવારીનો  ભોગ દુનિયા બની. 
આ પરિસ્થિતિને કારણે દુનિયાભરના દેશો સાવધાન થઈ ગયા. પોતપોતાના દેશની સલામતી, વિશ્વભરમાં  શાંતિ, સમૃદ્ધિ સ્થપાઈ વગેરે વિવિધ કારણસર કેટલાંક સંગઠન રચાયાં. સૌથી પહેલું યુનો એટલે કે  યુનાઇટેડ નેશન્સ - સંયુક્ત રાષ્ટ્રસંઘની  સ્થાપના ૧૯૪૫માં થઈ. શરૂઆતમાં ૫૦ દેશો એના સભ્ય બન્યા અને આજે ૧૯૩ દેશો એના સભ્ય છે. તાજેતરમાં છેલ્લો દેશ દક્ષિણ સુદાન સદસ્ય બન્યો. 
૧૯૪૯માં નાટો - નૉર્થ ઍટલાન્ટિક ટ્રીટીનો જન્મ થયો. ૧૨ દેશોથી શરૂઆત થઈ. આજે ૩૦ દેશો છે. ૩૧મો દેશ યુક્રેન બનવાનું હતું અને એના કારણે જ રશિયા-યુક્રેનની હોળી પ્રગટી. ત્યાર બાદ સમયાંતરે  સાર્ક (સાઉથ અસોસિએશન ફૉર રીજનલ કૉર્પોરેશન)માં ભારતના પાડોશી દેશો પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ભુતાન, બંગલાદેશ, નેપાલ, મૉલદીવ્ઝ જેવા દેશો સદસ્ય છે. 
G7નો ઉદ્દેશ વિશ્વમાં પર્યાવરણ સમતોલ રાખવાનો છે, WHOનું ધ્યેય વિશ્વમાં સ્વાસ્થ્ય જળવાઈ રહે એનું છે તો IMFનું ધ્યેય દુનિયામાં આર્થિક વ્યવસ્થા જળવાઈ રહે એવું છે. આ રીતે જુદા-જુદા ધ્યેય સાથે  યુનેસ્કો, બ્રિક્સ, એશિયન, નાસા વગેરે જેવાં અનેક સંગઠનો વિશ્વમાં સુખ-શાંતિ, સમૃદ્ધિ જળવાઈ રહે એ આશયથી ઊભાં થયાં. 
ખાટલે મોટી ખોડ એ છે કે આપણે સૌ જાણીએ છીએ, આપણો એ અનુભવ છે કે કોઈ પણ સારા ઉદ્દેશથી  શરૂ થયેલી સંસ્થા એના સદસ્યોના સ્વાર્થ અને સંકુચિત માનસને કારણે મૂળભૂત ધ્યેય પૂરું પાડી શકતી નથી. ખેર જેવા પ્રજાનાં નસીબ.

columnists Pravin Solanki