મનોરંજનનું અનુશાસન: વેબ-સિરીઝમાં ટપકતી નગ્નતા ખરેખર કોના મનની વિકૃતિ?

06 September, 2020 06:21 PM IST  |  Mumbai | Manoj Joshi

મનોરંજનનું અનુશાસન: વેબ-સિરીઝમાં ટપકતી નગ્નતા ખરેખર કોના મનની વિકૃતિ?

પ્રતિકાત્મક તસવીર

વિચારવાલાયક આ પ્રશ્ન છે. આ નગ્નતા એ ખરેખર કોના મનની વિકૃતિ ગણવી? જોનારના મનની, રજૂ કરનારાના મનની, પ્રોડ્યુસરની કે પછી એ બનાવવા માટે પ્લૅટફૉર્મ પૂરું પાડનારાઓની વિકૃતિ છે?

વાત જ્યારે ભૂલોની હારમાળાની હોય ત્યારે સૌથી પહેલો વાંક પ્લૅટફૉર્મ પૂરું પાડનારાઓનો જ ગણવો જોઈએ એવું અંગત રીતે લાગે છે. દુનિયાઆખીને ખબર છે કે માણસનો જન્મ કઈ રીતે થાય છે. આ જગતમાં તમે પણ આવી ગયા અને તમારો પાડોશી પણ આવી ગયો. બાયોલૉજિકલ કઈ પ્રોસેસ પછી બાળકનો જન્મ થાય એની પણ સૌકોઈને ખબર છે અને એ પછી પણ એની ચર્ચા ક્યારેય કરવામાં નથી આવતી કે પછી પોતાના જન્મની પ્રોસેસ વિશે વિચારવાની હિંમત પણ ક્યારેય માણસની નથી ચાલતી. આ નગ્ન વાસ્તવ‌િકતા છે અને એ વાસ્તવિકતાને સહજ રીતે સ્વીકારવામાં આવી છે. એટલે જ એ દિશામાં કોઈ વિચારણા નથી થતી કે પછી એના વિશે કલ્પનાઓ પણ કરવામાં નથી આવતી. વેબ-સિરીઝમાં અત્યારે જેકાંઈ શરૂ થયું છે એ બધું એ સ્તરે વિકૃત છે કે ન વિચારવી જોઈએ કે પછી કલ્પના ન કરવી જોઈએ એવી દિશામાં પણ વિચારોના ઘોડા છૂટા મૂકી દેવાની નોબત આવી છે.

એક ઉક્તિ છે, ‘હમામ મેં સબ નંગે...’ પણ એનો અર્થ એવો પણ નથી થતો કે હમામ એટલે કે એક જ બાથરૂમમાં એક જણ પીપી અને છીછી કરવા જાય અને બીજો શાવર લેવા જાય. સંબંધો ગમે એ પ્રકારના હોય અને વ્યવહાર પણ ગમે એવો હોય. નથી જવાતું અને માણસ નથી જ જતો તો પછી ફૅમિલી માટે બનાવવામાં આવેલી વેબ-સિરીઝ પાસેથી કેવી રીતે અપેક્ષા રાખી શકાય કે એ ઘરના સૌ સભ્યો સાથે બેસીને જોવામાં આવે અને એ જોઈ પણ શકાય?

ભારતમાં આજે પણ ટીવી એ પારિવારિક સભ્યોનું મનોરંજન-સ્થળ છે અને આ વાત સૌ ડિજિટલ પ્લૅટફૉર્મના માલિકોએ સમજવી પડશે. જો મોબાઇલ માટે કન્ટેન્ટ બનાવવા માગતા હોય તો પણ એ કરે તો ખોટું જ છે અને આ ખોટી દિશાને તેમણે છોડવી પડશે. એમ છતાં કહ્યું એમ, મોબાઇલ માટે કન્ટેન્ટ બનતું હોય તો એ એવી રીતે બનાવવું જોઈએ કે મોબાઇલ સિવાય ક્યાંય જોઈ ન શકાય અને એ મોબાઇલ સિવાય ઑપરેટ પણ ન થાય. આજે અનેક યુટ્યુબની પેઇડ ચૅનલ એવી છે જેનું કન્ટેન્ટ મોબાઇલ સિવાય જોઈ નથી શકાતું. તમે ટીવી પર એ કન્ટેન્ટ ચાલુ પણ નથી કરી શકતા. જો એ નાના પ્લેયર્સ પણ આ સુવિધા વાપરી શકતા હોય તો તમે શું કરો છો અને શું કામ કરો છો એ વિશે તમારે જ વિચારવું પડશે. તમારા વિચારો, તમારી કલ્પનાઓ અને એ વિચારો-કલ્પનામાં જન્મતી વિકૃતિઓ કાઢવા માટે તમારા પોતાના બાથરૂમનો ઉપયોગ કરો તો વાજબી છે. એને માટે અમારા ઘરના બેઠકખંડ કે પછી અમારાં બાળકોના મસ્તકનો ઉપયોગ કરવાની જરૂર નથી. કોઈ એકે આગળ આવવું પડશે, જો કોઈ સુધરે નહીં તો કોઈ એકે આગળ આવવું પડશે અને આગળ આવીને સુયોજિત રીતે આ પ્રક્રિયા બંધ કરાવવી પડશે. જરૂર પડે તો લડવું પડશે અને જરૂર પડે તો સરકારને પણ જગાડવી પડશે, પણ આ કાર્ય કરવું પડશે એ નક્કી છે.

columnists manoj joshi web series