પ્રિકૉશનરી ડોઝ કોણે લેવાનો?

12 January, 2022 10:54 PM IST  |  Mumbai | Jigisha Jain

૬૦ વર્ષ કે એથી વધુ વયના સિનિયર સિટિઝન્સને કોવિડ વૅક્સિનનો ત્રીજો પ્રિકૉશનરી ડોઝ આપવાનું શરૂ થયું છે. આ ડોઝ માટે કોણ એલિજિબલ છે, એ કોણ લઈ શકે છે અને એમાં શું કાળજી લેવાની છે એ જાણી લઈએ

હેલ્થ ઇઝ વેલ્થ

કોવિડની થર્ડ વેવથી બચવા માટે ફ્રન્ટલાઇન વર્કર્સ અને સિનિયર સિટિઝન્સ માટે પ્રિકૉશનરી વૅક્સિનનો ડોઝ ૧૦ જાન્યુઆરીથી શરૂ થયો છે. વૅક્સિનના બૂસ્ટર ડોઝ હાલમાં લેવા પાછળનું મુખ્ય કારણ એ છે કે જે લોકો બે વૅક્સિન લઈ ચૂક્યા છે તેમને સમય થયો હોવાથી તેમના શરીરમાં ઍન્ટિબૉડીઝ ઘટી ગયા હોય તો બૂસ્ટર ડોઝને કારણે એ ફરી વધી જાય અને કોવિડ સામે લડવાની તાકાત મળે. આ ડોઝ કોણ લઈ શકે અને એ બાબતે શું કાળજી લેવી જોઈએ એ જાણીએ વૉકહાર્ટ હૉસ્પિટલ, મીરા રોડના કન્સલ્ટન્ટ ફિઝિશ્યન ડૉ. જિતેન્દ્ર જૈન પાસેથી. 
કોણ લઈ શકે? 
જો તમે ૬૦ વર્ષથી ઉપરના હો અને તમને વૅક્સિનનો બીજો ડોઝ લીધાને ૯ મહિના થઈ ગયા હોય તો તમે બૂસ્ટર ડોઝ માટે લાયક છો. 
પરંતુ અહીં એક બાબત છે જે સમજવા જેવી છે. જો તમને છેલ્લા એક-બે મહિનામાં કોવિડ થયો હોય તો તમારે બૂસ્ટર ડોઝ લેવાની જરૂર નથી. તમને કોવિડ થયાને ૩ મહિના થઈ ગયા હોય પછી જ બૂસ્ટર ડોઝ લેવો. આમ તમે ૬૦ વર્ષથી ઉપર હો, બીજી વૅક્સિન લીધાને ૯ મહિના થઈ ગયા હોય પરંતુ જો હમણાં જ કોવિડ થયો હોય તો ૩ મહિના જેવો ગૅપ આપીને પછી જ બૂસ્ટર ડોઝ લો. 
બૂસ્ટર ડોઝ લેવા માટે ફરીથી રજિસ્ટ્રેશનની જરૂર નથી. તમે નજીકના વૅક્સિનેશન સેન્ટરની અપૉઇન્ટમેન્ટ લઈને અથવા સીધા ત્યાં જઈને બૂસ્ટર ડોઝ લઈ શકો છો. 
એ માટે તમારું વૅક્સિન સર્ટિફિકેટ લઈને તમે વૅક્સિનેશન સેન્ટર પર પહોંચો એ પછી તેઓ તમારી બીજા ડોઝની તારીખ ચકાસશે. જો તમને ૯ મહિના થઈ ગયા હોય તો બૂસ્ટર ડોઝ તમને આપશે. 
જો તમે બીમાર હો, તમને શરદી, ઉધરસ, તાવ હોય તો કોવિડ ટેસ્ટ કરાવીને જાણી લો. જો કોવિડ હોય તો બૂસ્ટર ડોઝ ન લો, પણ કોવિડ ન હોય તો બીમારી ઠીક થવાની રાહ જુઓ. તમે સ્વસ્થ થઈજાઓ પછી જ વૅક્સિન લો. 
જો તમને બીજી કોઈ મોટી કે લાંબા ગાળાની બીમારી હોય તો તમારા ડૉક્ટરની સલાહ લો અને એ મુજબ બૂસ્ટર ડોઝ લો. 
હાલમાં ૬૦ વર્ષથી ઉપરના લોકો, ફ્રન્ટલાઇન વર્કર્સ અને મેડિકલ સ્ટાફને આ ડોઝ લેવાનું સૂચન કરવામાં આવ્યું છે. એક વખત આ લોકો ડોઝ લઈ લેશે પછી બીજા લોકો માટે વૅક્સિનનો બૂસ્ટર ડોઝ ચાલુ થશે. આમ દરેક વ્યક્તિએ બૂસ્ટર ડોઝ લેવો જરૂરી છે. 
શું ધ્યાન રાખવું?
હાલમાં જ્યારે કોવિડ ભયંકર રીતે ફેલાઈ રહ્યો છે ત્યારે વૅક્સિનેશન સેન્ટર પર જતી વખતે ખાસ સાવચેતી રાખવી જરૂરી છે. સેન્ટર્સ તો કાળજી રાખતાં જ હોય છે પરંતુ તમે વ્યક્તિગત રીતે કેટલી કાળજી રાખો છો એ મહત્ત્વનું છે. સેન્ટર્સ પર તમે જેટલી વાર રહો માસ્ક કાઢવો જ નહીં. એક નહીં, બે માસ્ક એ પણ N95 કે સર્જિકલ માસ્ક જ પહેરવા. ક્યાંય અડી લીધું હોય તો હાથને પહેલાં સૅનિટાઇઝ કરવા.

શું કામ બૂસ્ટર ડોઝ લેવો? 

ઘણા લોકો એવું ધારી લે છે કે બૂસ્ટર ડોઝ કોવિડના નવા વેરિઅન્ટ ઓમાઇક્રોન સામે તો કામ કરતો નથી એટલે આ બૂસ્ટર ડોઝ ન લઈએ તો ચાલે. જોકે આ ખોટું છે. બૂસ્ટર ડોઝ ખૂબ જરૂરી છે એટલે જ સરકાર આપી રહી છે. અમુક વૅક્સિન એવી હોય છે જેમાં બૂસ્ટર ડોઝની જરૂર પડતી નથી જેમ કે ચિકન પૉક્સ. પરંતુ અમુક વૅક્સિન એવી હોય છે જેમાં દર વર્ષે બૂસ્ટર ડોઝ લગાવવો પડે છે. જેમ કે ફ્લુની વૅક્સિન. 
કોરોના આમાંથી કઈ કૅટેગરીમાં આવશે એ તો સમય જ કહી શકશે, પણ હાલપૂરતો બૂસ્ટર ડોઝ અત્યંત અગત્યનો છે એટલે લગાવો જ. 

columnists Jigisha Jain