યે કૌન ચિત્રકાર હૈ...

19 November, 2021 05:03 PM IST  |  Mumbai | RJ Dhvanit Thaker

આ પૂછવું ત્યારે પડે જ્યારે કુદરતના સાંનિધ્યમાં જઈને એને માણવાનો, એની સાથે જીવવાનો અને એને શ્વાસમાં ભરવાનો અનુભવ લીધો હોય. આ પૂછવું તો પડે જ્યારે સિમેન્ટના જંગલ અને કાર્બનના કણોથી દૂર જવાની હિંમત કરી પ્રકૃતિના ખોળે બેસવાની તૈયારી દાખવી હોય

યે કૌન ચિત્રકાર હૈ...

આકાશે સરસ મજાનો કેસરી રંગ પહેરવાનો શરૂ કરી દીધો છે અને દરિયાના ઘૂઘવાટા મારતાં પાણીનાં મોજાંઓ વચ્ચેથી સૂર્યનારાયણે બહાર આવવાનું શરૂ કરી દીધું છે. આકાશમાં હજી પણ પૂર્ણતામાં સહેજ ઓછો કહેવાય એવો ચંદ્ર દેખાઈ રહ્યો છે. આજે રાતે જ્યારે ચંદ્ર દેખાશે ત્યારે એ પૂર્ણ હશે પણ અત્યારે, અત્યારે કેસરી રંગ ધારણ કરતા આકાશ વચ્ચે આછો થતો જતો ચંદ્ર દેખાય છે. બારીમાંથી દેખાતા દરિયાના કિનારે લહેરાતી નાળિયેરીની ડાળીઓ વચ્ચેથી ચળાઈને આવતો પવન અનુભવી પણ શકાય છે અને સાંભળી પણ શકાય છે. દરિયાકિનારે રહેલા પથ્થરોના જાણે કે પગ સ્પર્શ કરવાના હોય એ રીતે પાણી દોડતું આવે છે અને પથ્થરના ચરણસ્પર્શ કરે છે. ચરણસ્પર્શ કર્યા પછી પ્રસાદ રૂપે મળેલી રેતી પોતાની સાથે લઈને જાય છે અને બાકી બચેલી રેતીમાં રણ જેવી વહેણની છાપ છોડતું જાય છે.
યે કૌન ચિત્રકાર હૈ, યે કૌન ચિત્રકાર...
હરી હરી વસુંધરા પે નીલા નીલા યે ગગન
કે જિસપે બાદલોં કી પાલકી ઉડા રહા પવન
દિશાએં દેખો રંગભરી, 
ચમક રહી ઉમંગભરી
યે કિસને ફૂલ ફૂલ પે કિયા સિંગાર હૈ
યે કૌન ચિત્રકાર હૈ, યે કૌન ચિત્રકાર
યે કૌન ચિત્રકાર હૈ...
ફિલ્મ ‘બૂંદ જો બન ગઈ મોતી’, મ્યુઝિક ડિરેક્ટર સતીશ ભાટિયા, ગાયક મુકેશ અને લિરિસિસ્ટ ભરત વ્યાસ. ભાટિયા અને વ્યાસ બન્ને ગુજરાતી અને બન્ને ગુજરાતીના સર્જનને ચાર ચાંદ લગાવવાનું કામ કરી ગયા મુકેશજી. ગીત સાંભળો ત્યાં જ તમારી આંખ સામે કુદરતનું સૌદર્યં ઊભું થવા માંડે. મન બંધ દરવાજા તોડીને બહાર આવવા માટે થનગનવા માંડે અને ઇચ્છાઓ પતંગિયાની પાંખ ઉછીની લઈને ઊડવાનું શરૂ થઈ જાય. 
જિતેન્દ્ર અને મુમતાઝ. આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે મારી જનરેશનના તો ઠીક, અત્યારે જે પચાસ વર્ષના હશે તેનો પણ જન્મ નહોતો થયો અને એ પછી પણ આ ગીત સાંભળો તો તમને એટલું જ અસર કરે જેટલું એ સમયે કરતું હતું. ભરત વ્યાસનું આ ગીત ખરા અર્થમાં એક એવી પોએટ્રી છે જેમાં સર્જકની કલ્પનાની દુનિયા બહાર આવે છે. એવી દુનિયા બહાર આવે છે જેમાં ખોવાઈ જવાનું મન થાય અને ખોવાયા પછી ક્યારેય ફરી પાછા આવવાનું ન બને એવી પ્રાર્થના કરવાનું પણ મન થઈ આવે.
જેણે પ્રકૃતિને પ્રેમ કર્યો છે, જેણે કુદરતના સૌંદર્યને દિલથી આવકાર્યું છે એ સૌને જેમ આ ગીત પોતાના બાહુપાશમાં લઈ લે એ જ રીતે આ ગીત પણ એટલું જ મદહોશ કરે એની મને ખાતરી છે.
યે હસીં વાદિયાં, યે ખુલા આસમાં
આ ગએ હમ કહાં, એ મેરે સાજના
ઇન બહારોં મેં દિલ કી કલી ખીલ ગયી
મુઝકો તુમ જો મિલે હર ખુશી મિલ ગયી
તેરે હોટોં પે હૈં હુસ્ન કી બિજલિયાં
તેરે દામન કી ખુશબૂ સે મહકે ચમન
સંગ-એ-મરમર કે જૈસા હૈ તેરા બદન
મેરી જાનેજાં મૈં તેરી ચાંદની
છેડ લો તુમ આજ કોઈ, પ્યાર કી રાગિની
આંખ સામે આવેલા કુદરતના સૌંદર્ય પછી તમે જેને પ્રેમ કરો છો એનું રૂપ પણ કેવું ઘાતક બની જાય એની વાત ફિલ્મ ‘રોજા’માં ડિરેક્ટર મણિરત્નમે કરી છે. મ્યુઝિક એ. આર. રહમાનનું. આ જ ગીતથી રહમાન બૉલીવુડમાં આવ્યા અને બૉલીવુડના નસીબમાં એક નવો સિતારો આવ્યો. પી. કે. મિશ્રાએ લખેલું આ સૉન્ગ ધમાલ મચાવી ગયું હતું. રહમાનની કમાલ હતી તો સાથોસાથ મિશ્રાજીના શબ્દોની પણ કમાલ હતી અને એસ. પી. બાલાસુબ્રમણ્યમ અને ચિત્રાના મદમસ્ત અવાજનું પણ આ પરિણામ હતું, પણ સૌથી મોટી અસર જો કોઈ હતી તો એ કુદરતની, નેચરની હતી.
જરા જુઓ તો ખરા આજુબાજુમાં, તમને કુદરતની એવી-એવી રચનાઓ જોવા મળશે જેના વિશે તમે વિચાર્યુ સુધ્ધાં નહીં હોય. વિચાર્યું પણ નહીં હોય અને કલ્પ્યું પણ નહીં હોય. માણસ હંમેશાં કુદરતથી બે ડગલાં પાછળ રહ્યો છે. તેણે કુદરત પાસે ન હોય એવું એક પણ સર્જન કર્યું નથી અને તેનાથી થઈ પણ નથી શકવાનું. બરફાચ્છાદિત પર્વતો પર પડતાં સૂર્યનાં કિરણો સાથેનું કાશ્મીર આંખ સામે આવે ત્યાં જ પેટમાં ધુમાડા કાઢતી ઍસિડિટી શાંત પડી જાય. આ ચમત્કાર છે. દરિયાનો ઘૂઘવાટ સહેજ અમસ્તો કાને પડે કે મનમાં ચાલતો ઉદ્વેગ શાંત થઈ જાય. આ મૅજિક છે અને આવું મૅજિક તો કુદરત જ કરી શકે. જો કુદરતના મૅજિકમાં વિશ્વાસ ન હોય તો એક વખત હૃષીકેશ જઈ આવજો. અલકનંદા અને ભાગિરથી નદીના સંગમસ્થાન પર એક થતા બે રંગનાં પાણી જોઈને તમારી આંખોમાં અચરજ પલાંઠી મારીને બેસી જશે. સવારના સમયે વહેતી ગંગાના સૂરમાં તમને જુદો રાગ સંભળાશે અને સંધ્યાના સૂર્યનાં કિરણો ઝીલતા પાણીમાંથી તમને નવો આલાપ સંભળાશે. રાતે બાર વાગ્યે વહેતી ગંગામાં તમને વિરહનો નિસાસો સંભળાશે તો બપોરે બાર વાગ્યે વહેતી ગંગામાં તમને પ્રિયજનને મળવા માટે થનગનતી અને ઊછળતી કન્યા જેવો ઉત્સાહ દેખાશે. 
આ કુદરત છે સાહેબ, એની તોલે કોઈ ન આવે. આવે પણ નહીં અને આવવાનું વિચારી પણ શકે નહીં. ‘રોજા’ના ગીતના આ શબ્દો જુઓ તમે.
યે બંધન હૈ પ્યાર કા, દેખો ટૂટે ના સજની
યે જન્મોં કા સાથ હૈ, દેખો છૂટે ના સજના
તેરે આંચલ કી છાંવ કે તલે, 
મેરી મંઝિલ મુઝે મિલ ગયી
તેરી પલકોં કે છાંવ કે તલે, 
મુહબ્બત મુઝે મિલ ગયી
યે હસીં વાદિયાં, યે ખુલા આસમાં
આ ગયે હમ કહાં, એ મેરે સાજના
મન થઈ ગયુંને બરફના પહાડમાં ફરવા જવાનું, કુર્ગના જંગલમાં જઈને ઘેરા લીલા રંગના સાંનિધ્યમાં રહેવાનું, કેરળમાં મુન્નાર બૅક વૉટર્સમાં જઈને પાણીના ખડખડાટ સાથે સમાઈ જવા માટે હોળીમાં નીકળી જીવવાનું. જો મન થયું હોય તો માનજો કે આજે પણ, અત્યારે પણ તમે કુદરતના સાંનિધ્યને જીવવામાં માનો છો અને જો એવું હોય તો સમય મળે ત્યારે નીકળી જજો કુદરતના ખોળાને ખૂંદવા. વૅલી ઑફ ફ્લાવર્સનાં ફૂલોને ચૂમવા જવાની તક મળે તો સિમેન્ટના આ જંગલને થોડો સમય માટે તિલાંજલિ આપી દેજો. હિમાચલના પહાડો પર ચડવા મળે તો આ લિફ્ટની યાત્રા છોડ દેજો. અરુણાચલના ધોધમાર વરસતા વરસાદને ખોબામાં લેવા મળે તો બાથરૂમના શાવરની સાથે કિટ્ટા કરી લેજો અને કાશ્મીરના પર્વતો, ખીણો, વૃક્ષો, દલ લેકને આંખોમાં ભરવા મળે તો આંખોમાં જતા પૉલ્યુશનના કણોને છોડી દેજો. નીકળી જજો ફરવા અને પૂછજો જાતને, 
યે હસીં વાદિયાં, યે ખુલા આસમાં
આ ગયે હમ કહાં, એ મેરે સાજના

columnists