વારું ત્યારે કહો જોઈએ, તમારા ફૅમિલીનું સાચું દુશ્મન કોણ?

10 September, 2020 11:27 AM IST  |  Mumbai | Manoj Joshi

વારું ત્યારે કહો જોઈએ, તમારા ફૅમિલીનું સાચું દુશ્મન કોણ?

પ્રતીકાત્મક તસવીર

આ સવાલનો જવાબ એક જ છે. બીજો જવાબ પણ મનમાં ન આવે.તમે અને માત્ર તમે.
જ્યારથી મોબાઇલ સ્માર્ટ ફોન બન્યા છે ત્યારથી આ શરૂ થયું છે. ૨૪ કલાક દરમ્યાન આ જ કામ ચાલે છે. દુનિયાને ખરાબ ન લાગે એટલે જવાબ આપવામાં અને ફાલતું લોકોએ કરેલા ફાલતું મેસેજના જવાબ આપવામાં જ દિવસ પસાર થઈ જાય છે. ફેસબુક હવે મોબાઇલ પર છે. વૉટ્સઍપ મોબાઇલ પર અને ટ્વિટર નામનું દુનિયાનું મોટું દૂષણ બનતું જતું ચોવટનું ઘર પણ હવે મોબાઇલ પર છે. આ જ નહીં, આવાં બીજાં બધાં દૂષણો મોબાઇલ પર છે. એ દૂષણોમાંથી સમય મળે તો ફોન કરવાનું બને અને કાં તો ફોન રિસિવ કરવાનું બને. મોબાઇલે એક છત નીચે રહેતા લોકોની વચ્ચે પણ અલગ-અલગ દીવાલો ઊભી કરી દીધી છે. પહેલાં રાતના ઘરે આવ્યા પછી લોકોને જુદા કરવાનું કામ ટીવી-સિરિયલોએ કર્યું, તો હવે લૉકડાઉન વચ્ચે સ્માર્ટ મોબાઇલ દૂષણ બન્યા. માસી અને કાકાની ફિકર કરનારા સૌને મને પૂછવું છે કે ક્યારેય જાતની ચિંતા કરી ખરી, ક્યારે બાજુમાં બેઠેલા બાપના પગ દબાવી દેવાનો વિચાર આવ્યો ખરો?
મને લાગે છે કે મોબાઇલ નામનું રમકડું જે સમયે સ્માર્ટ ફોન બન્યો એ સમયથી આ બધી મોંકાણો શરૂ થઈ છે. આ બધાનો દોષ જો કોઈને જતો હોય તો પેલી ગૂગલ, ફેસબુક અને એવી બીજી કંપનીઓને જાય છે. તમે જુઓ, આ કંપનીના માલિકો ક્યારેય તમને મોબાઇલ પર રચ્યાપચ્યા હોય એવો ફોટો પણ જોવા નહીં મળે. સેલ્ફી સુધ્ધાં તમને એ લોકોના જોવા નહીં મળે. નવરી પ્રજા આપણે છીએ અને એની તેમને ખબર છે.
આ કંપનીઓએ મોબાઇલમાં કમ્પ્યુટરની ૫૦ ટકાથી વધારે સુવિધા આપીને આ પળોજણને રખાતનું રૂપ આપવાનું કામ કરી દીધું. દરેક આવિષ્કાર સારા હેતુથી અને શુભ આશયથી થતો હોય છે, પણ એ જ્યારે પોતાનો હેતુ છોડી દે ત્યારે એનાં દૂષણ આંખ સામે આવવા શરૂ થઈ જાય છે. ન્યુક્લિયર બૉમ્બથી માંડીને રિવૉલ્વર સુધ્ધાંને આ વાત લાગુ પડે છે. સ્વબચાવ માટે શોધાયેલાં આ હથિયારોએ પણ અમુકતમુક સમય પછી દાદાગીરીમાં ઉમેરો કરવાનું કામ શરૂ કર્યું અને વાર-તહેવારે એનો દુરુપયોગ પણ શરૂ થયો. ગૂગલ દ્વારા મોબાઇલને સ્માર્ટ ફોન બનાવવામાં આવ્યો, પણ એ આશય શુભ હતો. ક્યાંય પણ જાવ, તમે કામ કરી શકો એવા ઉમદા ઇરાદે આ આવિષ્કાર માટે મહેનત થઈ, પણ હવે એ આવિષ્કારના પાપે જ એવી પરિસ્થિતિ ઊભી થઈ કે માણસ ક્યાંય પણ જાય, તે પોતાની સાથે પોતાનું દફતર લેતો જાય છે અને ચોવીસે કલાક દફતરને ચોંટેલો રહે છે. જો એ દફતર માટે એટલો જ પ્રેમ હોત તો દર વર્ષે આવતા સૅલરીના વધારામાં દેખાઈ આવ્યો હોત અને આજે ઘરમાં જાહોજલાલી પણ એટલી જ દેખાતી હોત, પણ એવું થયું નથી અને એવું થયું નથી એનો અર્થ એ જ છે કે માણસ દફતરને નહીં, પોતાના ટાઇમપાસને હવે વધુ પ્રેમ કરવા માંડ્યો છે. સૉરી ટુ સૅ, પણ પોતાના પરિવાર કરતાં પણ માણસને હવે ટાઇમપાસ માટે વધારે લાગણી થઈ ગઈ છે.

manoj joshi columnists