તમારા સુખની ચાવી કોણ? ફૅમિલી કે ફ્રેન્ડ્સ?

01 October, 2020 01:15 PM IST  |  Mumbai | Varsha Chitalia

તમારા સુખની ચાવી કોણ? ફૅમિલી કે ફ્રેન્ડ્સ?

કૃપા સંપટ અને દોસ્તો

અમેરિકાની ટેક્સસ યુનિવર્સિટીએ કરેલા સાઇકોલૉજિકલ રિસર્ચ અનુસાર આજના સમયમાં સુખની પરિભાષા બદલાઈ ગઈ છે. હવે લોકોને પતિ-પત્ની કે સંતાનો કરતાં મિત્રો સાથે હરવા-ફરવાની વધુ મજા આવે છે. જર્નલ ઑફ પર્સનાલિટી ઍન્ડ સોશ્યલમાં પ્રકાશિત આ સંશોધનમાં જાણવા મળ્યું છે કે રોમૅન્ટિક પાટર્નર પણ તમને મિત્ર જેવી ખુશી આપી શકતા નથી. યાર-દોસ્તો સાથે એટલે જ હૉલિડે પર જવાનું વધી ગયું છે. આપણા દેશમાં પણ ફૅમિલી ગેટ ટુગેધર આઉટડેટેડ થતાં જાય છે અને ફ્રેન્ડ સર્કલ સાથે એન્જૉયમેન્ટ કરવાનો ટ્રેન્ડ શરૂ થયો છે ત્યારે ઉપરોક્ત રિસર્ચ સંદર્ભે મુંબઈના લોકોનું શું કહેવું છે એ જાણીએ...

ફૅમિલી મેમ્બરનું સ્થાન ફ્રેન્ડ્સ ક્યારેય ન લઈ શકે - દીપેશ બારભાયા, કાંદિવલી

હૅપિનેસની ચાવી મિત્રના નહીં, પરિવારના હાથમાં હોય છે. અમે તો બધી વાત મિત્રને કરીએ એવું વૉટ્સઍપ સ્ટેટસ પર કહેવું અને રિયલ લાઇફમાં કરવું એમાં તફાવત છે એવો મત વ્યક્ત કરતાં કાંદિવલીના દીપેશ બારભાયા કહે છે, ‘સવારથી પોતાના પરિવાર માટે મહેનત કરવા નીકળેલો પુરુષ રાતે થાક્યોપાક્યો ઘરે આવે ત્યારે ફ્રેન્ડના ફોનથી ખુશી મળે કે પત્નીના હાથમાં પાણીનો ગ્લાસ જોઈને આનંદ થાય? ઘર એવી જગ્યા છે જ્યાં તમે ફ્ર્સ્ટ્રેશન કાઢી શકો. પત્ની અને સંતાનો સામે દિલ ખોલવામાં પ્રોટોકૉલ નથી નડતા. અમારી જૉઇન્ટ ફૅમિલી છે અને બધા વચ્ચે એવું બૉન્ડિંગ છે કે ફ્રેન્ડ સર્કલની જરૂર નથી. મારો સન છે અને ભાઈને ટ્વીન દીકરીઓ છે. ઘણી વાર પાંચ વર્ષની દીકરીઓ સાથે રમતો હોઉં તો અચાનક પૂછે, આજે કેમ સૅડ છો? ટેન્શન નહીં લેવાનું એમ કહી માથા પર હાથ ફેરવે એમાં જે સુખ મળે એવું બીજે ક્યાંય ન મળે. આ સ્થાન મિત્રો ક્યારેય લઈ ન શકે. હૉલિડે ફનમાં પણ ફૅમિલી સિવાય મજા નથી આવતી. કામધંધાની વ્યસ્તતામાં આપણે એવી ઘણી મોમેન્ટ્સ ગુમાવીએ છીએ જે હૉલિડેમાં માણી શકાય. ફૅમિલીને લઈને બહાર ફરવા જઈએ ત્યારે ખબર પડે કે મારી પત્ની આજે પણ અરીસામાં જોઈને કેવાં નખરાં કરે છે ને મારો દીકરો મોટો થઈ ગયો છે. તમારાં સીક્રેટ, તમારી સારી-નરસી આદતો, સ્વભાવ આ બધાની લાઇફ પાર્ટનરને ખબર હોય. આજકાલ સોશ્યલ મીડિયા પર લોકો ફ્રેન્ડને ટૅગ કરીને લખે છે, ‘માય ક્રાઇમ પાર્ટનર’. મારી તો ક્રાઇમ પાર્ટનર પણ વાઇફ જ છે. હકીકતમાં બહારના લોકો સામે તમારી ડબલ પર્સનાલિટી હોય છે. તમે જેવા છો એવા ફૅમિલીની સામે જ રહી શકો અને એ જ તમને સંભાળી શકે.’

મિત્રો એટલે થોડીક ક્ષણોની ખુશી, ફૅમિલી ફોરેવર - પ્રીતેશ શાહ, બોરીવલી

આધુનિક યુગમાં ફ્રેન્ડનું મહત્ત્વ વધ્યું છે. સરખેસરખી ઉંમરના મિત્રો ભેગા મળે એટલે મજા પડે, પરંતુ આ ટેમ્પરરી ફન છે. બોરીવલીના પ્રીતેશ શાહ કહે છે, ‘અત્યારની મિત્રતા ખાણીપીણીનો જલસો કરવા પૂરતી છે. ભેગા થાઓ, એન્જૉય કરો અને છૂટા પડો. આ ક્ષણિક સુખ છે. રિલૅક્સેશન માટે કોઈક વાર જવામાં વાંધો નથી, પણ પરિવાર સાથે એની તુલના ન થાય. ઘણી વાર રહેઠાણ ચેન્જ થવાથી જૂના મિત્રો દૂર ચાલ્યા જાય છે ને નવા મિત્રોની એન્ટ્રી થાય છે. ફ્રેન્ડ સર્કલ બદલાયા કરે એમાં તમે જનરલ વાત શૅર કરી શકો, સીક્રેટ નહીં. અંગત વાતો ઘરના સભ્યો સાથે થાય. હૉલિડે પ્લાનિંગમાં પણ મારી પ્રાયોરિટીમાં ફૅમિલી જ હોય. મને ઍડ્વેન્ચરસ સ્પોર્ટ્સનો ખૂબ ક્રેઝ છે. હૉલિડે પ્લાન કરતી વખતે એવું જ વિચારું કે મારી પત્ની, બાળકો અને પેરન્ટ્સ પણ આ ઍક્ટિવિટી એન્જૉય કરે. તમારી ખુશીમાં ફૅમિલી મેમ્બરો સામેલ થાય એનું નામ હૅપિનેસ. ડે ટુ ડે લાઇફમાં સાથે બેસીને ડિનર લો, વાતો કરો, સામેવાળાની વાત સાંભળો એમાં જે સુખ છે એ મિત્રો સાથે પાર્ટીમાં જવામાં નથી મળવાનું. જોકે આ બધું ઘરના વાતાવરણ પર આધાર રાખે છે. આજકાલ હસબન્ડ તેના ફ્રેન્ડ્સ સાથે જાય, વાઇફ તેની કિટી પાર્ટીમાં અને સંતાનો તેના ફ્રેન્ડ્સ સાથે એન્જૉય કરે એવો ટ્રેન્ડ આવ્યો છે. બધા પોતપોતાની રીતે ફન શોધવા લાગ્યા છે. પરિણામે ફૅમિલી બૉન્ડિંગ થતું નથી. ખુશીમાં સાથે રહેનારા મિત્રો જરૂર પડે કદાચ ફિઝિકલી તમારી સાથે ઊભા રહે પણ મેન્ટલી અને ફાઇનૅન્શિયલી સાથ નથી આપવાના. લાઇફ પાટર્નર તમારા જીવનનું એવું પાત્ર છે જે તમને દરેક પરિસ્થિતિમાં સાચવી લે છે. તમારા કપરા સમયમાં સાથે રહેનારી વ્યક્તિ સાથે મજા કેમ ન આવે? મારા મતે સુખ હોય કે દુ:ખ, ફૅમિલી ઇઝ ફોરેવર.’

ફૅમિલી ફ્રેન્ડ્સ એટલે આજના જમાનાનું સંયુક્ત કુટુંબ - કૃપા સંપટ, કાંદિવલી

હસબન્ડ, વાઇફ અને કિડ્સ આજે બધાંને પ્રાઇવસી અને સ્પેસ જોઈએ છે એટલે જ વર્ષમાં એક વાર માત્ર પોતાની ફૅમિલી સાથે બહારગામ ફરવા જવું એ ટ્રેન્ડ આઉટડેટેડ થઈ ગયો છે. કાંદીવલીના કૃપા સંપટ કહે છે, ‘છેલ્લા એક દાયકામાં સ્ત્રી સશક્તિકરણનો જે પવન ફૂંકાયો છે એમાં હૅપિનેસની વ્યાખ્યા બદલાઈ ગઈ છે. આટલા કલાક બહેનપણી સાથે વિતાવવા એ સ્ત્રીનો અધિકાર બની ગયો છે. પુરુષો તો આમેય વાઇફ અને સંતાનોને મૂકીને યાર-દોસ્તો સાથે મજા કરવા જતા હતા. હકીકત એ છે કે સ્પીડ બ્રેકર વગરની લાઇફ તમને ખુશ રાખે છે. પરિવારમાં વડીલોની હાજરીમાં કેટલીક મર્યાદા રાખવી પડે, જ્યારે ફ્રેન્ડ્સ સાથે આવાં બંધનો નડતાં નથી. કાકા-કાકી અને મામા-ફઈ શટડાઉન થઈ ગયાં ને ફ્રેન્ડ્સની ફૅમિલી આપણી ફૅમિલી સાથે ભળી જતાં નવું સંયુક્ત કુટુંબ બની ગયું. અમારી એક્સટેન્ડેડ ફૅમિલીનું નામ છે ભવાઈનો ભમરડો. એક જ સોસાયટીમાં રહેતા અમારા બહોળા પરિવારમાં સમયાંતરે નાની-મોટી પાર્ટી થતી રહે છે. આજ વરસાદ છે તો તારા ઘરે ભજિયાં બનાવીએ એવું બિન્દાસ કહીને ફ્રેન્ડના રસોડામાં એન્ટ્રી મારી શકાય. લૉન્ગ વીકએન્ડ મળે તો રિલૅક્સેશન માટે બહાર ફરી આવીએ. કોઈક વાર પુરુષો બાઇકિંગ માટે અથવા મૅચ જોવા જતા હોય છે. લેડીઝ વિન્ગની શૉપિંગ અને પાયજામા પાર્ટી તો સતત ચાલતી હોય. બધાને ડિફરન્ટ ફન જોઈએ છે. ફ્રેન્ડ સર્કલમાં રેસ્ટ્રિક્શન ન હોવા છતાં મહિલાઓ, પુરુષો અને બચ્ચાપાર્ટી એવા ભાગ પડતા હોય ત્યાં પતિ-પત્ની કેટલી વાતો કરે ને દર વખતે ચાર જણ શું આનંદ કરે? હવે તો એવું થઈ ગયું છે કે સગાંમાં કોઈનાં લગ્ન અટેન્ડ કરવાનાં હોય તો ફ્રેન્ડને કહી દે કે હું આટલા વાગ્યા સુધી ત્યાંથી નીકળી જઈશ, તું ડાયરેક્ટ મળજે. હર હાલમાં ફ્રેન્ડ્સ જોઈએ જ.’

ફૅમિલી સાથે નેટિવ પ્લેસ ને ફ્રેન્ડ સાથે હિલ સ્ટેશન - દિશા શેઠિયા, ડોમ્બિવલી

ઉપરોક્ત રિસર્ચ સાથે ટોટલી ઍગ્રી થતાં ડોમ્બિવલીનાં દિશા શેઠિયા કહે છે, ‘ફ્રેન્ડ્સ આપણી લાઇફલાઇન છે. એ લોકોને મળીએ ત્યારે બૉડીમાં હૅપી હૉર્મોન્સનું લેવલ વધી જાય છે. અમારી જનરેશનને એક સીમામાં બંધાઈ રહેવું ગમતું નથી તેથી ફૅમિલી કરતાં મિત્રો સાથે વધુ કમ્ફર્ટ ફીલ કરીએ છીએ. જીવનના કોઈ પણ તબક્કે મિત્રો સાથે દિલની તમામ વાતો શૅર કરી શકાય. સફળતાઓ અને નિષ્ફળતાઓને વહેંચવા તેમની હાજરી જોઈએ. હસબન્ડ-વાઇફ વચ્ચે ગમે એટલો પ્રેમ હોય તો પણ લાઇફનાં બધાં સીક્રેટ શૅર કરી શકાતાં નથી. મિત્રને પીઠ પર ધબ્બો મારી શકો, તેની સાથે કોઈ પણ ભાષામાં વાત કરો; ખરાબ નથી લાગવાનું. ફૅમિલી મેમ્બર સાથે આટલી હદ સુધી ખૂલીને વાત કરવી અઘરી છે. આમ પણ વિભક્ત કુટુંબ વ્યવસ્થાના કારણે હવે એક્સટેન્ડેડ ફૅમિલી અને કઝિન્સ સાથે હરવા-ફરવાનો કે પાર્ટી કરવાનો ટ્રેન્ડ રહ્યો નથી. પતિ-પત્ની ને સંતાનો એમ ચાર જણ ફરવા જાઓ એમાં શું મજા આવે? હેક્ટિક લાઇફમાંથી રિલૅક્સેશન માટે જતા હોઈએ ત્યારે એન્જૉયમેન્ટ માટે ગ્રુપ જોઈએ. ટ્રાવેલિંગને એક્સપ્લોર કરવા ફ્રેન્ડ્સ જોઈએ. અમે ચાર-પાંચ ફ્રેન્ડ્સ ભારતનાં અનેક હિલ સ્ટેશનો પર ફર્યા છીએ. જ્યાં મનફાવે ત્યાં ઊભા રહીને ફોટો પડાવો, જે ડ્રેસ પહેરવો હોય એ પહેરો, ખાઓ-પીઓ ને જલસા કરો. કોઈ રોકટોક વગરની લાઇફ બધાને ગમતી હોય. જોકે મારા પેરન્ટ્સ એટલે કે પચાસની આસપાસની વયનાં કપલ્સ આજે પણ પરિવાર સાથે જોડાયેલાં રહેવાનું વધુ પસંદ કરે છે. તેમની પસંદગી, સ્વભાવ અને વિચારધારાને જોતાં મારું માનવું છે કે ફૅમિલી સાથે નેટિવ પ્લેસ અથવા ધાર્મિક સ્થળોએ જવાનો પ્રોગ્રામ બનાવવો જોઈએ. એ વાતાવરણમાં તમે તેમની સાથે ટાઇમ સ્પેન્ડ કરો તો પેરન્ટ્સ ખુશ થઈ જાય છે.’

Varsha Chitaliya columnists