કોણ છે એ ગાંડો ડિરેક્ટર?

02 May, 2022 05:02 PM IST  |  Mumbai | Sanjay Goradia

મીઠીબાઈ કૉલેજની એકાંકી નાટ્યસ્પર્ધામાં દીકરા અમાત્યને લીડ ઍક્ટર તરીકે સિલેક્ટ કરવામાં આવ્યો એ જાણીને મારું પહેલું રીઍક્શન આ હતું. મીઠીબાઈમાં ઍડ‍્મિશન લીધું ત્યાં સુધી દીકરાને દૂર-દૂર સુધી નાટકલાઇનમાં ઇન્ટરેસ્ટ નહોતો

જે સત્ય ઘટના પરથી ફિલ્મ બની એ જ સત્ય ઘટનાને આધાર બનાવીને અમે નાટક તૈયાર કર્યું.

આપણે વાત કરતા હતા ૨૦૦પમાં રિલીઝ થયેલી ઇંગ્લિશ ફિલ્મ ‘એક્સોર્સિઝમ ઑફ એમિલી રોઝ’ પરથી અમે બનાવેલા નાટક ‘જંતરમંતર’ની. ફિલ્મનો અને રિયલ સ્ટોરીનો જે એન્ડ હતો એની સામે મને વાંધો હતો. હું હંમેશાં માનું છું કે માસ એટલે કે બહુધા ઑડિયન્સને એ જ વાર્તામાં રસ પડે જેમાં અંતે હીરો જીતતો હોય અને વાર્તાનો અંત ‘ખાધું, પીધું અને રાજ કર્યું’ પર આવતો હોય. નાટકના હૅપી એન્ડિંગ માટે અમે છેલ્લે હિરોઇનના શરીરમાંથી ભૂત નીકળી જાય છે એ લાઇન લીધી તો બીજી ઇન્ટરેસ્ટિંગ લાઇન એ લીધી કે એ ભૂત ઉતારનારા વારાણસીના પંડિત પર કોર્ટ-કેસ થાય છે અને નાટકમાં અમે કોર્ટરૂમ-ડ્રામા પર પણ ભાર આપ્યો. આ આખો આઇડિયા મારો. કહેવાનો ભાવાર્થ એ કે ક્રીએટિવ કામ હંમેશાં સહિયારા સર્જનથી ઊભું થાય અને એ કામ હંમેશાં દીપી ઊઠે. 
‘જંતરમંતર’ની સ્ટોરીલાઇન ક્લિયર થઈ ગઈ એટલે ઇમ્તિયાઝ પટેલે લેખન શરૂ કર્યું અને અમે કાસ્ટિંગ પર લાગ્યા. એ સમય પ્રમાણે ‘જંતરમંતર’નું કાસ્ટિંગ ‘ન ભૂતો, ન ભવિષ્યતિ’ સ્તરનું હતું એવું કહું તો જરાય અતિશયોક્તિ નહીં કહેવાય. અગત્યના કાસ્ટિંગમાં અમારી લીડ ઍક્ટ્રેસ, જેના શરીરમાં ભૂત આવે છે એ રોલ માટે અમે શ્રેયા બુગડેને કાસ્ટ કરી. મિત્રો, અત્યારે કલર્સ મરાઠી ચૅનલ પર ‘ચલા હવા યેઉ દ્યા’ નામનો બહુ પૉપ્યુલર શો આવે છે, શ્રેયા એ શોની લીડ ઍક્ટ્રેસ છે. આજે શ્રેયા મરાઠી ઇન્ડસ્ટ્રીનું બહુ સારું અને મોટું નામ છે. ઍક્ટ્રેસ પણ એટલી જ લાજવાબ. શ્રેયા મને કેવી રીતે મળી એ વાત પણ ઇન્ટરેસ્ટિંગ છે.
વર્ષ હતું ૨૦૦૭નું. મારો દીકરો અમાત્ય એસએસસીમાં હતો. અમાત્યનું હુલામણું નામ લાલુ એ સહેજ તમારી જાણ ખાતર. અમાત્યએ ટેન્થ પાસ કર્યું અને તેનું જુનિયર કૉલેજમાં ઍડ‍્મિશન લેવાનું હતું. અમાત્યને મીઠીબાઈમાં ઍડ‍્મિશન મળે એ માટે મારા પ્રયાસ ચાલતા હતા. અમાત્યને એસએસસીમાં ૬૭ પર્સન્ટેજ જ હતા, આટલા ટકામાં કેવી રીતે મીઠીબાઈમાં ઍડ‍્મિશન મળે? મીઠીબાઈમાં ઍડ‍્મિશન માટે મારો જે દુરાગ્રહ હતો એની પાછળનું એકમાત્ર કારણ, મીઠીબાઈ મારા ઘરથી નજીક. એ સમયે અમાત્યને નાટકમાં કોઈ જાતનો રસ નહોતો અને તેના આચારવિચાર જોતાં મને લાગતું પણ નહોતું કે તે આ લાઇનમાં આવશે. ઍનીવે, મીઠીબાઈમાં ઍડ‍્મિશન મળે એ માટે મેં મારા બધા સોર્સ કામે લગાડ્યા હતા. ભાઈદાસ અને મીઠીબાઈનું મૅનેજમેન્ટ એક જ એટલે મેં ભાઈદાસ ઑડિટોરિયમના મૅનેજર વિનય પરબને કહ્યું હતું તો ગુજરાતી નાટકના બહુ સારા વિવેચક એવા ઉત્પલ ભાયાણીને પણ વાત કરી હતી. ઉત્પલભાઈ અત્યારે આપણી વચ્ચે હયાત નથી. જો જરૂર પડે તો હું શ્રી વિલે પાર્લે કેળવણી મંડળના સર્વેસર્વા એવા ભૂપેશ પટેલને પણ વાત કરવા તૈયાર હતો, પણ અમાત્યનું ઍડ‍્મિશન થાય જ નહીં. આ એ સમયની વાત છે જે સમયે અમે ‘બુઢ્ઢાએ મારી સિક્સર’ની પ્રોસેસમાં હતા.
એક દિવસ મને અમારા ડિરેક્ટર વિપુલ મહેતાનો ફોન આવ્યો. વાત કરતાં-કરતાં એમ જ મારા મોઢામાંથી નીકળી ગયું કે ‘યાર જોને, લાલુનું ઍડ‍્મિશન થતું નથી.’ 
‘એમાં શું મોટી વાત છે?!’
આવો જવાબ આપીને વિપુલે મારી પાસે ૧૦ મિનિટ માગી અને નવમી મિનિટે તેનો ફોન આવી ગયો. 
‘લાલુને કહી દો, મીઠીબાઈ જઈને ફી ભરી આવે.’
મને બહુ નવાઈ લાગી. કેવી રીતે આ થયું એવું પૂછવાને બદલે મેં પહેલાં લાલુને ફી ભરવા રવાના કર્યો અને પછી વિપુલને પૂછ્યું તો ખબર પડી કે તે વર્ષોથી મીઠીબાઈ કૉલેજમાં ઇન્ટરકૉલેજિયેટ ડ્રામા કૉમ્પિટિશન માટે નાટકો કરાવતો, જેને લીધે મીઠીબાઈના ડ્રામા-પ્રોફેસર સાથે તેને સારો ઘરોબો. વિપુલે ડ્રામા-પ્રોફેસરને કહ્યું કે ‘સંજય ગોરડિયાના દીકરાનું ઍડ‍્મિશન કરવાનું છે.’ મીઠીબાઈમાં કલ્ચરલ ક્વોટા છે, અત્યારે પણ છે, પરંતુ હવે એ ક્વોટા યુનિવર્સિટી સાથે સંલગ્ન કરવામાં આવ્યો છે, પણ એ સમયે આ કલ્ચરલ ક્વોટા પર પ્રોફેસરના કહેણની અસર રહેતી. વિપુલે પ્રોફસરને કહ્યું, ‘સંજય ગોરડિયાનો દીકરો છે, આપણને નાટકમાં કામ લાગશે. તમે તેને ઍડ‍્મિશન આપો.’ 
પ્રોફેસર તરત માની ગયા અને લાલુનું ઍડ‍્મિશન થઈ ગયું. મેં લાલુને પણ આ જ વાત સમજાવી કે તારું ઍડ‍્મિશન કલ્ચરલ ક્વોટામાં થયું છે એ ભૂલતો નહીં. 
લાલુની કૉલેજ ચાલુ થઈ ગઈ અને પસાર થતા સમય વચ્ચે એક દિવસ આવીને તેણે મને કહ્યું કે ‘કાલે મને ઑડિશન માટે બોલાવ્યો છે.’
‘એ તો તારે જવું જ પડશે, તારું ઍડ‍્મિશન કલ્ચરલ ક્વોટામાં થયું છે.’ મેં તેને સમજાવીને કહ્યું, ‘એવું લાગે તો ત્યાં જઈને કહી દેજે કે મને ઍક્ટિંગ નથી આવડતી, તમે કહેશો તો હું બૅકસ્ટેજ કરવા તૈયાર છું.’
અમાત્યએ વાત સાંભળી લીધી અને બીજા દિવસે અમે બાપ-દીકરો પોતપોતાના કામે લાગી ગયા. દિવસ દરમ્યાન નવા નાટકની પ્રોસેસ ચાલતી હોય અને રાતે ‘છેલછબીલો ગુજરાતી’ નાટકના શો હોય. રાતે ઘરે પહોંચતાં મને સહેજે એકાદ વાગી જાય. સામાન્ય રીતે લાલુ એ સમયે સૂઈ ગયો હોય, પણ એ રાતે તે મારી રાહ જોતો જાગતો હતો. જેવો હું ઘરમાં એન્ટર થયો કે તરત લાલુએ મને કહ્યું
‘હું ઑડિશન આપી આવ્યો...’ હું કંઈ પૂછું એ પહેલાં જ લાલુએ કહ્યું, ‘મને મેઇન રોલ આપ્યો છે.’
‘કોણ છે એ ગાંડો ડિરેક્ટર?!’
એક્ઝૅક્ટ આ જ શબ્દો મારા મોઢામાંથી નીકળ્યા હતા.
‘અભિજિત ખાડે...’ લાલુએ ચોખવટ પણ કરી, ‘વિપુલભાઈએ આ વખતે એકાંકી નાટક કરવાની ના પાડી એટલે આ નવા ડિરેક્ટર આવ્યા છે.’
કૉલેજમાં એક પ્રોસેસ હોય છે. સિનિયર ઍક્ટર જે હોય તેને બોલાવીને પૂછે કે અહીં કોણ સારો ઍક્ટર છે તેનું નામ આપો. અભિજિતે મીઠીબાઈના સિનિયર ઍક્ટર સ્વપ્નિલ અસગાઉકરને પૂછ્યું અને સ્વપ્નિલે અમાત્યનું નામ આપ્યું. અમાત્ય ડિરેક્ટર પાસે ગયો, ઑડિશન લેવાયું, જેમાં તે પર્ફેક્ટ લાગ્યો એટલે લીડ રોલ આપી દીધો.
આ જ નાટકમાં લેડી ટીચરનો પણ રોલ હતો, એ ટીચર માટે શ્રેયા બુગડેને કાસ્ટ કરવામાં આવી હતી અને આમ શ્રેયા અમારા કૉન્ટૅક્ટમાં આવી. શ્રેયાને પહેલી વાર મેં અમાત્યના નાટકમાં જોઈ અને ત્યારથી મેં નક્કી કરી લીધું હતું કે હું તેને કાસ્ટ કરીશ. ‘જંતરમંતર’ની મોટામાં મોટી ખાસિયત જો કોઈ હોય તો એ કે તેનાં બધાં કૅરેક્ટર મહત્ત્વનાં હતાં. શ્રેયા પછી અમે લેડી લૉયરના રોલમાં ફાઇનલ કરી પલ્લવી પ્રધાન અને તેની સામે લાવ્યા અભય હરપળેને. અભય અને પલ્લવી બન્ને હસબન્ડ-વાઇફ, બન્ને લૉયર. બન્ને વચ્ચે કજિયો ચાલે છે અને એ બન્ને છૂટાં પડી ગયાં છે. મેઇન સ્ટોરીમાં આ એક સાઇડ સ્ટોરી પણ ચાલતી હતી.
પલ્લવી અને અભય પછી અમે મૅજિસ્ટ્રેટ તરીકે અર્શ મહેતાને કાસ્ટ કર્યો. અર્શ અત્યારે હયાત નથી. નાની ઉંમરે તેનો દેહાંત થયો. હજી ત્રણ મહત્ત્વનાં કૅરૅક્ટરનું કાસ્ટિંગ બાકી હતું. આ ઉપરાંત નાટકમાં પહેલી વાર ભૂત આવતું હતું એટલે પ્રોડક્શનની સાઇડ પર પણ અમારે અનેક નવા અખતરા કરવાના હતા. અમે કરેલા એક્સપરિમેન્ટ્સ અને બાકીના અગત્યના કાસ્ટિંગની વાત કરીશું આપણે હવે આવતા સોમવારે.

અમાત્ય જે એકાંકીમાં લીડ ઍક્ટર હતો એ જ નાટકમાં લેડી ટીચરનો પણ રોલ હતો. એ ટીચર માટે અમાત્યની કૉલેજમાં ભણતી શ્રેયા બુગડેને કાસ્ટ કરી હતી. આમ શ્રેયા અમારા કૉન્ટૅક્ટમાં આવી. શ્રેયાને પહેલી વાર મેં અમાત્યના નાટકમાં જોઈ અને ત્યારે જ મેં નક્કી કરી લીધું કે હું તેને મારા કમર્શિયલ નાટકમાં કાસ્ટ કરીશ.
columnists Sanjay Goradia