પોતાના વિદ્યાર્થીકાળમાં પેપર-લીકના વિરોધમાં આંદોલન કરીને યુનિવર્સિટીના વાઇસ-ચાન્સેલર પાસે રાજીનામું અપાવ્યું

26 July, 2026 02:56 PM IST  |  Mumbai | Rashmin Shah

નરેન્દ્ર મોદીએ હંમેશાં પોતાની આજુબાજુ યંગ ફેસને રાખ્યા છે. ધર્મેન્દ્ર પ્રધાન એમાંનો જ એક યંગ ચહેરો હતા.

ફૅમિલી સાથે ધર્મેન્દ્ર પ્રધાન.

હજારો જેન-ઝી પ્રોટેસ્ટર્સ જેમનું રાજીનામું માગી રહ્યા હતા એવા શિક્ષણપ્રધાને આખરે પદ છોડી દીધું. છેલ્લા ૩૬ દિવસથી ટૉક ઑફ ધ નેશન બની ગયેલા ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા માટે સરકારે કેમ આટલો સમય લીધો? નરેન્દ્ર મોદીની કૅબિનેટના મહત્ત્વના સાથીઓમાંના એક ધર્મેન્દ્ર પ્રધાનની રાજકીય સફર પર એક નજર કરીએ

દેશના લાખો સ્ટુડન્ટ્સે જેમના રાજીનામાની ડિમાન્ડ કરી હતી, દેશનો વિરોધ પક્ષ જેમના રાજીનામાના નામે સંસદભવનની કાર્યવાહી અટકાવીને બેસી ગયો હતો, જેને કારણે અનઑથોરાઇઝ્ડ પૉલિટિકલ પાર્ટી ક્રૉક્રૉચ જનતા પાર્ટી હવે ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું રાજીનામું માગવા માંડી ત્યારે આખરે ૩૬ દિવસના આંદોલન પછી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું. દેશના એજ્યુકેશન મિનિસ્ટર ધર્મેન્દ્ર પ્રધાનની આખી કારકિર્દી જુઓ તો સમજાય કે નરેન્દ્ર મોદી તેમના રાજીનામાની વાતને પાછળ કેમ ઠેલતા હતા. ચોક્કસપણે એમાં નરેન્દ્ર મોદીનો સ્વભાવ તો કારણભૂત હતો જ, પણ સાથોસાથ એ પણ એટલું જ સાચું કે ધર્મેન્દ્ર પ્રધાન પોતે પણ BJP અને નરેન્દ્ર મોદીની કૅબિનેટમાં અત્યંત મહત્ત્વના સ્થાન પર હતા. NIIT-UGના પેપર-લીકને કારણે વિવાદમાં ફસાયેલા ધર્મેન્દ્ર પ્રધાન અગાઉ દેશને એવી-એવી યોજનાઓ આપી ચૂક્યા છે જેણે તેમને નરેન્દ્ર મોદીની નજીક લઈ જવાનું કામ કર્યું હતું.

નરેન્દ્ર મોદીએ હંમેશાં પોતાની આજુબાજુ યંગ ફેસને રાખ્યા છે. ધર્મેન્દ્ર પ્રધાન એમાંનો જ એક યંગ ચહેરો હતા.

વાત પર્સનલ

મૂળ ઓડિશાના ધર્મેન્દ્ર દેબેન્દ્ર પ્રધાનનો જન્મ ૧૯૬૯ની ૨૬ જૂને થયો છે. ઓડિશાના અનુગુલ જિલ્લાના તાલચેર નામના ગામમાં જન્મેલા ધર્મેન્દ્ર પ્રધાનના પપ્પા દેબેન્દ્ર પ્રધાન પણ BJP સાથે હતા અને અટલ બિહારી વાજપેયી સરકારમાં કૅબિનેટ મિનિસ્ટર રહી ચૂક્યા છે. પપ્પા પણ વાજપેયીની અત્યંત નજીક હતા, પણ કેટલોક જશ દીકરા અને નરેન્દ્ર મોદીના નસીબમાં લખાયેલો હતો એટલે ધર્મેન્દ્ર પ્રધાનને વડા પ્રધાનની વધુ નજીક રહેવા મળ્યું.

ભુવનેશ્વરની ઉત્કલ યુનિવર્સિટીમાંથી ઍન્થ્રોપૉલૉજીમાં માસ્ટર્સ કરનારા ધર્મેન્દ્ર પ્રધાનનાં પત્ની મૃદુલા પ્રધાન હાઉસવાઇફ છે. ધર્મેન્દ્ર પ્રધાનને એક દીકરી અને એક દીકરો છે. દીકરો નિશાન પપ્પા-મમ્મીની સાથે દિલ્હીમાં જ રહે છે. પ્રોટોકૉલ મુજબ તેને ક્યાંય લાઇમલાઇટમાં આવવા દેવામાં નહોતો આવતો તો અમેરિકામાં ભણતી ધર્મેન્દ્ર પ્રધાનની દીકરી નૈમિશા પ્રધાન ઑલરેડી ક્રૉક્રૉચોની અડફેટે ચડી ગઈ હતી. ક્રૉક્રૉચોએ સોશ્યલ મીડિયા પર તેને ટ્રોલ કરવાનું શરૂ કરતાં નૈમિશાએ પોતાનાં સોશ્યલ મીડિયા અકાઉન્ટ્સ બંધ કરવાં પડ્યાં હતાં. અમેરિકાની મૅસેચુસેટ્સની ટફ્ટ્સ યુનિવર્સિટીની ધ ફ્લેચર લૉ સ્કૂલમાં ઇન્ટરનૅશનલ લૉમાં માસ્ટર્સ કરતી નૈમિશા અત્યારે US-ઇન્ડિયા સ્ટ્રૅટેજિક પાર્ટનરશિપ ફોરમ એટલે કે USISPFમાં ઇન્ટર્નશિપ કરે છે. દીકરી અમેરિકામાં ભણે છે એ બહાર આવ્યા પછી ક્રૉક્રૉચોએ ગાઈ-વગાડીને કહેવાનું શરૂ કરી દીધું હતું કે દેશના એજ્યુકેશનનું સ્તર એ હદે કથળેલું છે કે એજ્યુકેશન મિનિસ્ટર પોતે પોતાનાં સંતાનોને દેશમાં ભણાવવા રાજી નથી.

વાત પૉલિટિકલ

ધર્મેન્દ્ર પ્રધાનનું નામ ભલે અત્યારે આ સ્તરે લાઇમલાઇટમાં આવ્યું, પણ ઓડિશામાં તો વર્ષોથી તેમનું નામ તેજતર્રાર નેતા તરીકેનું છે. કૉલેજ સમયથી જ તેઓ પૉલિટિક્સમાં દાખલ થયા અને તાલચેર કૉલેજમાં ભણતાં-ભણતાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એટલે કે ABVP સાથે સંકળાયા હતા. ત્યાર પછી ભારતીય જનતા યુવા મોરચામાં પહેલી વાર ૨૦૦૦માં ઓડિશાની પલ્લહડા સીટ પરથી વિધાનસભ્ય બન્યા. આ એ સમયની વાત છે જ્યારે ઓડિશામાં નવીન પટનાઈકની પાર્ટી સામે ઇજ્જતભેર હારવું એ પણ સન્માનનીય ગણાતું.  ૨૦૦૪થી ૨૦૦૬ સુધી તેમણે BJPના નૅશનલ સેક્રેટરી અને ઑલ ઇન્ડિયા જનરલ સેક્રેટરી જેવાં મહત્ત્વનાં પદો સંભાળ્યાં.

પલ્લહડા સીટ પરથી વિધાનસભ્ય બનનારા ધર્મેન્દ્ર પ્રધાને નવીન પટનાઈકનું જીવવું હરામ કર્યું અને અહીંથી નરેન્દ્ર મોદી અને ધર્મેન્દ્ર પ્રધાનની દોસ્તી શરૂ થઈ. નરેન્દ્ર મોદીના કહેવાથી જ ધર્મેન્દ્ર પ્રધાનને ૨૦૧૨માં બિહારથી રાજ્યસભાના સંસદસભ્ય તરીકે દિલ્હી મોકલવામાં આવ્યા જે શિરસ્તો છેક ૨૦૨૪ સુધી ચાલ્યો. વચ્ચેના આ ૧૨ વર્ષ સુધી તેઓ બિહાર અને મધ્ય પ્રદેશથી રાજ્યસભાના સંસદસભ્ય તરીકે દિલ્હીમાં રહ્યા અને ૨૦૨૪માં ઓડિશાની સંબલપુર બેઠક પરથી લોકસભાનું ઇલેક્શન લડીને લોકસભાના સંસદસભ્ય બન્યા. અલબત્ત, નરેન્દ્ર મોદીએ રાજ્યસભાના આ સભ્યને ૨૦૧૪માં જ પોતાની કૅબિનેટમાં લઈ લીધા હતા.

૨૦૧૪માં ધર્મેન્દ્ર પ્રધાનને પેટ્રોલિયમ મિનિસ્ટ્રીના સ્વતંત્ર પ્રભારી બનાવવામાં આવ્યા અને ૨૦૧૭માં તેમને આ જ મિનિસ્ટ્રીના કૅબિનેટ મિનિસ્ટર બનાવવામાં આવ્યા. આ એ પિરિયડ જ્યાંથી તેઓ નરેન્દ્ર મોદીના ખાસ બનવાના શરૂ થયા.

પેટ્રોલિયમ મિનિસ્ટ્રીના કાર્યકાળ દરમ્યાન ધર્મેન્દ્ર પ્રધાને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ઇન્ટ્રોડ્યુસ કરી જેને કારણે કરોડો ઘરમાં ગૅસનાં સિલિન્ડરો પહોંચ્યાં.

૨૦૧૯થી ૨૦૨૧ના સમયગાળામાં ધર્મેન્દ્ર પ્રધાનને સ્ટીલ મિનિસ્ટ્રી સોંપવામાં આવી જેમાં તેમણે ઇસ્પાતી ઇરાદા અને મિશન પૂર્વોદય નામની યોજના દ્વારા ૩૨ ટકા જેટલું દેશનું સ્ટીલ પ્રોડક્શન વધાર્યું. ૨૦૧૭થી જ તેમને સ્કિલ ડેવલપમેન્ટ અને ઑન્ટ્રપ્રનરશિપ મિનિસ્ટ્રી આપવામાં આવી જે ૨૦૨૪ સુધી તેમની પાસે રહી. આ મિનિસ્ટ્રીમાં તેમણે સ્કિલ સાથી યોજના હેઠળ લાખો બેરોજગારોને સ્કિલ્ડ કરવાના પ્રયાસ કર્યા. ૨૦૨૧માં ધર્મેન્દ્ર પ્રધાનને એજ્યુકેશન મિનિસ્ટ્રી સોંપવામાં આવી. તેમના આ કાર્યકાળ દરમ્યાન નૅશનલ એજ્યુકેશન પૉલિસીનું અમલીકરણ કરવાનું શરૂ થયું તો સાથોસાથ નૅશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે NTAમાં સુધારાઓ શરૂ કરવામાં આવ્યા. અત્યારે જેનો વિવાદ છે એ NEET પણ આ જ એજન્સી અંતર્ગત આવે છે. એનું પેપર લીક થયા પછી રી-એક્ઝામ સમયે દરેક સ્થળ પર હેલિકૉપ્ટરથી પેપર પહોંચાડવામાં આવ્યાં એ યોજનાનો અમલ હકીકતમાં આવતા વર્ષથી થવાનો હતો, પણ રાહ જોવાની આ નીતિ ધર્મેન્દ્ર પ્રધાનને અભડાવી ગઈ.

નરેન્દ્ર મોદી અને ધર્મેન્દ્ર પ્રધાન

નરેન્દ્ર મોદી અને ધર્મેન્દ્ર પ્રધાન વચ્ચે ૨૦૧૦થી ઘનિષ્ઠ સંબંધો છે તો બન્ને વચ્ચે ઘણું સામ્ય પણ છે.  ૧૯૯૦થી ૧૯૯૨ના સમયગાળામાં જ્યારે BJPની જૂજ રાજ્યોમાં જ ઓળખ હતી ત્યારે ધર્મેન્દ્ર પ્રધાને સાઇકલ પર આખા ઓડિશાનો પ્રવાસ કર્યો હતો અને BJPને લોકો સુધી પહોંચાડવાનું કામ કર્યું હતું. આ કામ અગાઉ નરેન્દ્ર મોદી ગુજરાતમાં કરી ચૂક્યા હતા. જ્યાં BJPનો કાર્યકર હોય ત્યાં તેના ઘરે રહેવાનું અને જો સંઘ કે BJPનો કોઈ કાર્યકર ન હોય તો મંદિરે સાઇકલ પાર્ક કરીને સૂઈ જવાનું. નરેન્દ્ર મોદીએ પણ આવું જ કર્યું છે અને ધર્મેન્દ્ર પ્રધાને પણ એ જ કામ કર્યું છે.

નરેન્દ્ર મોદીને વડા પ્રધાનપદ માટે પ્રમોટ કરવા જોઈએ એવું શરૂઆતમાં BJPના જે યંગ લીડરોએ કહ્યું હતું એ યંગ લીડરમાંના એક એટલે ધર્મેન્દ્ર પ્રધાન. નરેન્દ્ર મોદીના ટ્રસ્ટેડ લેફ્ટનન્ટ તરીકે જે નામો આવે છે એ નામોમાં એક મહત્ત્વનું નામ ધર્મેન્દ્ર પ્રધાનનું છે. કર્ણાટક, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશના અગાઉના ઇલેક્શનમાં સ્ટ્રૅટેજી બનાવવામાં ધર્મેન્દ્ર પ્રધાનનો મહત્ત્વપૂર્ણ હાથ રહ્યો છે તો ઓડિશામાં નવીન પટનાઈકના ૨૪ વર્ષ જૂના શાસનનો અંત લાવીને ૨૦૨૪માં BJPની સરકાર બનાવવામાં ધર્મેન્દ્ર પ્રધાનની રણનીતિ અને મહેનતનો મોટો હાથ રહ્યો છે. આ જ કારણસર એવું પણ માનવામાં આવે છે કે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી તેમને ઓડિશા સ્ટેટની વિધાનસભામાં પણ મહત્ત્વની જવાબદારી સોંપી શકાય છે.

વાત પરિવારની

ધર્મેન્દ્ર પ્રધાનના પપ્પા દેબેન્દ્ર પ્રધાન BJPના સિનિયર નેતા હતા. ૧૯૯૮થી ૨૦૦૪ની વાજપેયી સરકારમાં તે ઓડિશાની દેવગઢ બેઠક પરથી ઇલેક્શન જીત્યા અને તેમને રોડ ટ્રાન્સપોર્ટ અને ઍગ્રિકલ્ચર મિનિસ્ટ્રીના સ્ટેટ લેવલના મિનિસ્ટર બનાવવામાં આવ્યા. દેબેન્દ્ર પ્રધાનની ઇચ્છા હતી કે તેમનો દીકરો ધર્મેન્દ્ર આ લાઇનમાં ન આવે, પણ દીકરો કૉલેજના સમયથી જ રાજકારણમાં ઍક્ટિવ થઈ જતાં પિતા તેનાથી નારાજ થયા હતા. એક વખત તો તેમણે ધર્મેન્દ્ર પ્રધાનને ઘરમાંથી કાઢી પણ મૂક્યા અને ધર્મેન્દ્ર પ્રધાને મમ્મી વસંત મંજરી પ્રધાનની ફ્રેન્ડના ઘરે થોડા દિવસ રહેવું પડ્યું હતું.

તાજેતરમાં પેપર-લીકનાં કારણોસર ધર્મેન્દ્ર પ્રધાનની સામે વિદ્યાર્થીઓ આંદોલન પર ઊતર્યા હતા એ જ ધર્મેન્દ્ર પ્રધાને પણ ઓડિશા યુનિવર્સિટીમાં પેપર-લીક થવાને કારણે આંદોલન કર્યું હતું અને રસ્તા પર ઊતરી આવ્યા હતા. કહે છેને કર્મા-રિટર્ન્સ. એવું જ એ સમયે બન્યું હતું. ધર્મેન્દ્ર પ્રધાનના એ આંદોલનને કારણે યુનિવર્સિટીના વાઇસ-ચાન્સેલરે રાજીનામું આપવું પડ્યું હતું.

માત્ર ૧૬ વર્ષે જેલ 

૧૯૮૪માં ધર્મેન્દ્ર પ્રધાનની ઉંમર માત્ર ૧૬ વર્ષની હતી ત્યારે તાલચેર કૉલેજમાં તેઓ ભણતા હતા. એ જ વર્ષે તે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે પણ જોડાયા અને બે જ મહિનામાં કૉલેજની સુવિધાઓના મુદ્દે આંદોલન શરૂ થયું. વિદ્યાર્થીઓના હકો માટે શરૂ થયેલા એ આંદોલને મોટું સ્વરૂપ લઈ લીધું અને એમાં ધર્મેન્દ્ર પ્રધાને અન્યો સાથે આગેવાની લીધી. આંદોલન હિંસક બને એવું લાગતાં પોલીસ બોલાવી લેવામાં આવી અને પોલીસે તમામ કાર્યકરોની ધરપકડ કરી, જેમાં ધર્મેન્દ્ર પ્રધાન પણ એક હતા. એ સમયે વિદ્યાર્થીઓના વાલીઓને બોલાવવામાં આવ્યા, પણ દેબેન્દ્ર પ્રધાન પોલીસ-સ્ટેશને મળવા ન ગયા એટલે ધર્મેન્દ્ર પ્રધાનને માત્ર ૧૬ વર્ષની ઉંમરે એક દિવસ જેલમાં રહેવું પડ્યું.
બીજા દિવસે પોલીસે પોતે જ રહેમદિલી સાથે તેમને છોડ્યા હતા.

વાત પૉલિસીની

ધર્મેન્દ્ર પ્રધાન તેમના પપ્પાને કારણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં પણ અદકેરું મહત્ત્વ ધરાવે છે. સંઘની લાઇનદોરી પર ચાલનારા ધર્મેન્દ્ર પ્રધાન મિનિસ્ટર બન્યા પછી પણ સંઘના સ્થાપનાદિને સંઘના કાર્યાલય પર અચૂક જાય છે. તેમણે તેમના દીકરા નિશાનને પણ સંઘની ટ્રેઇનિંગ આપી છે. ધર્મેન્દ્ર પ્રધાન માને છે કે સંઘની વિચારાધારા રાષ્ટ્રીય વિચારોને આગળ વધારે છે જે આજના યુવાનોમાં અત્યંત જરૂરી છે. જેન-ઝીએ જે આંદોલન શરૂ કર્યું એ આંદોલન માટે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું; પણ તેમને નજીકથી ઓળખનારાઓનું કહેવું છે કે તેમને ગુમાવવા BJPને કોઈ હિસાબે પોસાય એમ નથી, કારણ કે ધર્મેન્દ્ર પ્રધાને અગાઉ અનેક વાર ટ્રબલ-શૂટરની ભૂમિકા ભજવી છે તો સાથોસાથ તેમની ઇમેજ પાર્ટીમાં ડિલિવરી આપનારા નેતા તરીકેની છે.

વિદ્યાર્થીઓનું આંદોલન જે સ્તર પર પહોંચ્યું હતું એ જોઈને સંઘે પણ નિર્દેશ આપી દીધો હતો કે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારીને તેમને હાલપૂરતા BJP સંગઠનમાં ઍક્ટિવ કરી દેવા.

columnists gujarati mid day neet exam Education narendra modi indian government Rashmin Shah