અબ બસ:બળાત્કારીઓને થતી સજામાં કઈ વાતનું ધ્યાન રાખવાનો સમય આવી ગયો છે?

15 December, 2019 04:44 PM IST  |  Mumbai Desk | manoj joshi

અબ બસ:બળાત્કારીઓને થતી સજામાં કઈ વાતનું ધ્યાન રાખવાનો સમય આવી ગયો છે?

પ્રતીકાત્મક તસવીર

આપણે વાત કરીએ છીએ બળાત્કારીઓને સજા આપવાની બાબતે. એ હકીકત છે કે હવે આપણે આ પ્રકારના કિસ્સા ન બને એને માટે જાગ્રત થવાનું નથી. આપણે જાગ્રત છીએ જ, પણ હવે સરકાર આ બાબતમાં જલદી કડક કાયદો બનાવે એ દિશામાં કામ કરવાનું છે તો સાથોસાથ એ કાયદો એ પ્રકારે પણ બનાવવાનું સૂચન કરવાનું છે જેનાથી પાછળ રહેલી વ્યક્તિ એટલે કે પીડિતાને દુ:ખ સહન કરવામાં આછીસરખી રાહત રહે અને બળાત્કારી માત્ર જીવ આપીને છૂટી ન જાય. આપણે આને માટે કોઈ નવાં પગલાં નથી લેવાનાં, કોઈ એવાં સ્ટેપ પણ નથી લેવાનાં જેનાથી જમીન-આસમાનનો ફરક આવી જાય.

એક વાત યાદ રાખજો કે ભોગ બનેલી મહિલાએ પાછળ જીવવાનું છે એ કોઈએ ભૂલવાનું નથી. મોતથી બદતર સજા તો આરોપીએ ભોગવવાની છે, પણ મહિલાએ પાછળ રહેવાનું છે અને એ પણ નવેસરથી જીવન શરૂ કરીને તેણે રહેવાનું છે. આવી પરિસ્થિતિ વચ્ચે જો મહિલાના સ્વમાન અને સ્વાભિમાનને ધ્યાનમાં રાખવામાં આવે તો બહુ મોટો ફરક પડશે. હું માનું છું કે આરોપીની જેકોઈ સંપત્તિ હોય એને ટાંચમાં લેવાવી જોઈએ અને એની હરાજીમાંથી જે રકમ આવે એ મહિલાને મળવી જોઈએ. ધારો કે આરોપી લુખ્ખો છે, ભૂખડીબારસ છે તો તેના જેકોઈ ગાર્ડિયન છે તેની સંપત્તિને ટાંચમાં લઈને એની હરાજી થવી જોઈએ, એ રકમ મહિલાના પક્ષમાં આવવી જોઈએ. આ વાંચીને જો તમને એમ થતું હોય કે ગાર્ડિયન શું કામ આ બધું સહન કરે તો મારું કહેવું છે કે પરિવારને તો જ સભાનતા આવશે કે ખોટા સંસ્કારની કે પછી ખોટી સોબતની અસર કઈ હદે તેમનું જીવન પણ નરક બનાવી શકે છે. એ નરક બન્યું છે, કબૂલ, પણ એ માનસિક નરકની વાત છે, એમાં ક્યાંય સામાજિક કે આર્થિક નુકસાનીની વાત આવતી નથી. આ બન્ને નુકસાન પણ અત્યંત આવશ્યક અને આવકારદાયક છે એવું કહું તો કશું ખોટું નથી. દુનિયા અંતે તો દુન્યવી સુખ અને સુવિધા કે સગવડને જ આધીન થઈને રહેવાની છે અને એ છીનવાઈ જાય, જેનો ભાઈ-દીકરો-પતિ કે પિતા આવું કામ કરે એ છીનવાઈ જાય તો એમાં કશું ખોટું પણ નથી. પડવું જોઈએ દુ:ખ, પડવી જોઈએ તકલીફ. સહન કરવી પડે મુશ્કેલીઓ, જો સમયસર સંગાથ પર ધ્યાન ન આપ્યું હોય તો અને એમાં કોઈ જાતનો શોક મનાવવાની જરૂર નથી. જે દીકરીનું જીવન નરક બનાવવાનું પાપ તમારા ઘરના કહેવાતા મર્દે કર્યું છે એ દીકરીની ચિંતા માટે કંઈક થવું જ જોઈએ.
બીજા કોઈ વિચાર મનમાં આવે એ પહેલાં જ કહી દઉં કે અહીં વાત વળતરની નથી. અહીં વાત વધારે ભીંસમાં મૂકવાની છે. જે કૃત્ય થયું છે એને માટે આપવામાં આવે એ બધી સજા ઓછી છે એટલે વાત અહીં, સજાને વધારે આકરી બનાવવાની છે. જો સજા આકરી બનશે તો જ માણસ આવું હીન કૃત્ય કરતાં પહેલાં વિચાર કરશે. કૃત્યને રોકવું હશે તો કડક
થવું પડશે.

columnists manoj joshi