લટકવાથી હાઇટ વધે કે ન વધે, યોગાસનોથી વધે છે

09 April, 2020 06:14 PM IST  |  Mumbai | Ruchita Shah

લટકવાથી હાઇટ વધે કે ન વધે, યોગાસનોથી વધે છે

યોગાસન

જર્નલ પ્લોસ જિનેટિક્સનો પ્રકાશિત થયેલો એક અભ્યાસ કહે છે કે સારી હાઇટના માત્ર ફિઝિકલ ઍડ્વાન્ટેજ જ નથી પરંતુ ઊંચા આઇક્યુ અને જીવન પ્રત્યેના હકારાત્મક અભિગમ સાથે પણ એનું ડાયરેક્ટ કનેક્શન છે. વૈજ્ઞાનિકો કહે છે કે વ્યક્તિની હાઇટમાં લગભગ ૬૦થી ૮૦ ટકા રોલ તેના ડીએનએનો હોય છે. એ ઉપરાંત તેનાં હૉર્મોન્સ, તેની ખાવાપીવાની આદતો, ઍક્ટિવિટી લેવલ અને મેડિકલ કન્ડિશન પણ વ્યક્તિની હાઇટ નક્કી કરે છે. જોકે અમેરિકન મૉલેક્યુલર રિસર્ચર કહે છે કે માત્ર જિનેટિક્સ જ નહીં પરંતુ ન્યુટ્રિશનનો બાળકની હાઇટ પર બહુ મોટો પ્રભાવ હોય છે. ગ્રોથ હૉર્મોન્સનું સિક્રેશન પણ વ્યક્તિની હાઇટ નક્કી કરે છે જે ડાયટ અને ફિઝિકલ એક્સરસાઇઝથી પ્રભાવિત થાય છે. લગભગ ૧૬થી ૧૮ વર્ષ સુધી વ્યક્તિની હાઇટ વધી શકતી હોય છે. એ સમયે જો પૂરતું ધ્યાન આપવામાં આવે તો બાળકોની હાઇટને વધારી શકાય છે. આજે જાણીએ કે યોગને કારણે બાળકોની હાઇટ કેવી રીતે વધી શકે છે અને કયાં આસનો કરાવવાથી લાભ થશે અને શા માટે.

કેવી રીતે ફાયદો કરે?

આગળ ઘણી વાર વાત કરી ચૂક્યા છીએ કે યોગ માઇન્ડ અને બૉડી બન્ને પર કામ કરે છે. હાઇટ વધારવામાં પણ એની ઉપયોગિતા એટલે જ છે એમ જણાવીને ૧૮ વર્ષથી યોગક્ષેત્રે સક્રિય સિનિયર યોગ ટીચર શિલ્પા ઘોણે કહે છે, ‘માઇન્ડને રિલૅક્સ કરીને પહેલાં તો સ્ટ્રેસને દૂર કરે અને બીજું, ફ્લેક્સિબિલિટી વધે, બ્લડ- સર્ક્યુલેશન વધે જે ગ્રોથ હૉર્મોન્સના સ્રાવને વધારે છે. બેથી ત્રણ ઇંચ હાઇટ વધવાનું મેં મારી જનરલ પ્રૅક્ટિસમાં પણ જોયું છે. બેશક, એના પર કોઈ સર્વેક્ષણ થયાં નથી, પરંતુ કેટલીક બાબતો તર્કબદ્ધ છે. જેમ કે તમારી બૅક સ્ટ્રેટ હોય અને એ મસલ્સ સ્ટ્રેચ થાય એટલે સ્વાભાવિક રીતે જ તમે સહેજ લાંબા દેખાઓ. કદાચ આ જ કારણ છે કે માત્ર બાળકો જ નહીં પણ મોટા લોકો પણ જો નિયમિત યોગ પ્રૅક્ટિસ કરે તો એકથી દોઢ ઇંચ તેમની હાઇટ વધેલી લાગે. પૉશ્ચર સુધરે એટલે તમે લાંબા લાગો.’

એજ ફૅક્ટર

હાઇટમાં જિનેટિક્સનો બહુ મોટો રોલ હોય છે એવું કહેવાય છે. શિલ્પા ઘોણે કહે છે, ‘યોગ અને મેડિટેશન ડીએનએમાં બદલાવ લાવી શકે છે એવા રિસર્ચો થયાં છે. ઊંચાઈની બાબતમાં એ કેટલા અકસીર છે એ ન કહી શકાય, પરંતુ એટલું ચોક્કસ કહીશ કે આઠેક વર્ષ પછીની ઉંમરથી જો બાળકને યોગ કરાવાય તો તેની હાઇટના જિનેટિક બંધારણને થોડાક અંશે ઓવરલેપ કરી શકાય. યોગમાં યુક્તાહારની વાત આવે છે. બાળક જ્યારે વિકસિત થઈ રહ્યું હોય ત્યારે ઉચિત માત્રામાં તમામ પોષક તત્ત્વો તેને મળી રહે, તે સ્ટ્રેચિંગ કરે અને પ્રાણાયામ દ્વારા શરીરની અંતઃસ્રાવી ગ્રંથીઓની સક્રિયતા પણ વધારે એટલે સ્વાભાવિક રીતે જ ગ્રોથ હૉર્મોન્સ સહિતનાં હૉર્મોન્સનો સ્રાવ બહેતર બને.’

કઈ ઉંમરમાં બાળકોને યોગ કરાવવા?

આ વિષય પર દરેક શિક્ષકના પોતપોતાના અભિપ્રાયો રહ્યા છે. શિલ્પા ઘોણે આ વિશે કહે છે, ‘ત્રણથી સાત વર્ષથી ઉંમરમાં બાળકોનાં હાડકાં ખૂબ જ નાજુક હોય છે. વધુ પડતું પ્રેશર આવે કે ઓવર સ્ટ્રેચ થાય તો નુકસાન થઈ શકે છે. જો બાળક બરાબર હોલ્ડ ન કરી શકે, ટેક્નિકનો પ્રૉપર ઉપયોગ ન કરી શકે તો પણ એ જોખમી પુરવાર થઈ શકે છે. ચાર અને પાંચ વર્ષનાં બાળકોને કેટલાક લોકો શીર્ષાસન કરાવતા હોય છે જે પણ તદ્દન ખોટું છે. તમારાં ઇન્સ્ટ્રક્શન્સ સમજવા માટે પણ બાળકોમાં થોડીક મૅચ્યોરિટી આવે એ જરૂરી છે. એ રીતે મારી દૃષ્ટિએ આઠ વર્ષથી નાનાં બાળકોને ખૂબ સમજીવિચારીને યોગાસનો કરાવવાં જોઈએ.’

કોઈ કરે કે ન કરે, પણ ૧૧ વર્ષનો મીત નિયમિત યોગ કરે એટલે કરે જ

સાઉથ મુંબઈમાં રહેતો ૧૧ વર્ષનો મીત જૈન છેલ્લાં ત્રણ વર્ષથી યોગ કરે છે. તે ડાન્સ ક્લાસમાં જાય છે ત્યાં તેમને યોગ પણ શીખવવામાં આવે છે. જોકે અત્યારે લૉકડાઉન ચાલે છે તો તે જાતે પોતાની રીતે રોજની ત્રીસ મિનિટ યોગ શીખવવામાં ગાળે છે. મિત કહે છે, ‘સૂર્ય નમસ્કાર, ધનુરાસન અને ભુજંગાસન મારાં ફેવરિટ છે. એક ટાઇમમાં હું વીસ સૂર્યનમસ્કાર આરામથી કરી શકું છું. મને પોતાને પણ સમજાય છે કે મારી બૉડીને ફ્લેક્સિબલ કરવા માટે અને સ્ટૅમિના બિલ્ડ કરવા માટે યોગ બહુ હેલ્પ કરશે. મારા ફ્રેન્ડ ગ્રુપમાં કોઈ યોગ નથી કરતું, બટ આઇ રિયલી એન્જૉય ઇટ.’

 ઈઝી છે એટલે પદ્માસન ફેવરિટ છે આઠ વર્ષના વિરાજનું

આઠ વર્ષનો કાંદિવલીમાં રહેતો વિરાજ સોમૈયા પણ રોજ તેના પેરન્ટ્સ સાથે યોગ કરે છે. વિરાજ કહે છે, ‘મારી સ્કૂલમાં અમને યોગ ક્લાસ હોય છે. ટ્રી પોઝ, કાઉ પોઝ મારા ફેવરિટ છે. પદ્માસન પણ ઈઝી છે એટલે મને ગમે છે. મારા ફ્રેન્ડે કીધેલું કે યોગથી હાઇટ વધે એટલે હું રેગ્યુલરલી યોગ કરવા માંડ્યો છું.’

ટ્રિકી પોઝ ગમે છે ૧૩ વર્ષની સાચીને

મલાડમાં રહેતી સાચી પરીખ યોગની ઇન્ટસ્કૂલ કૉમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કરવા જતી હોય છે. તે કહે છે, ‘યોગના બહુ બધા બેનિફિટ્સ છે અને મને પણ એ મહેસૂસ થયા છે. હું દરરોજ તો નહીં પણ અઠવાડિયામાં ત્રણ દિવસ યોગ કરું છું. સ્કૂલ કૉમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કરું છું. મને ટ્રિકી આસનો કરવામાં વધારે મજા આવે. સ્ટૅન્ડિંગ ચક્રાસન મારું બહુ જ સારું થાય છે.’

જાણી લો કયાં આસનો

તમારા બાળકની હાઇટ વધારવામાં હેલ્પ કરશે

તાડાસન

વૃક્ષાસન

ગોમુખાસન

સુપ્ત તાડાસન

ભુજંગાસન

સૂર્ય નમસ્કાર

ત્રિકોણાસન

સર્વાંગાસન

health tips yoga ruchita shah columnists