કોરોના વેકેશનમાં આજકાલ કઈ વાનગીઓ છે ટ્રેન્ડમાં?

13 April, 2020 04:18 PM IST  |  Mumbai | Pooja Sangani

કોરોના વેકેશનમાં આજકાલ કઈ વાનગીઓ છે ટ્રેન્ડમાં?

વાનગીઓ

મિત્રો કેમ છો? સૌ મજામાં રહેજો હોંને અને ઘરમાં જ રહેવાનું છે હમણાં તો. કારણ કે રાષ્ટ્રીય કક્ષાએ દેશભરમાં લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે અને હજી પણ એ લંબાવવાના અણસાર મળી રહ્યા છે. અમુક રાજ્યોએ તો પોતાની સ્થિતિ પારખીને અગમચેતી રાખીને લૉકડાઉન લંબાવી દેવાની સ્વયં ઘોષણા પણ કરી દીધી છે. આપણને દેશના આપણા બંધુ અને ભગિનીઓની ચિંતા થાય એ સ્વાભાવિક છે. મુંબઈમાં તો લૉકડાઉન ચોથા સપ્તાહમાં પ્રવેશી ચૂક્યું છે અને હજી પણ લંબાય એવા સંકેત મળી રહ્યા છે, પરંતુ ભારતીય લોકોના લડાયક મિજાજ સામે ટૂંક સમયમાં જ કોરોના હારી જાય અને લોકોની જીત થાય એવી આશા રાખીએ અને સૌ બહુ જલદીથી આ પરિસ્થિતિમાંથી ઊગરી જઈને નૉર્મલ સ્થિતિમાં આવી જાય.

તો મિત્રો બધા ઘરે બેઠા કરે શું? ત્રણ જ પ્રવૃત્તિ હૉટ ફેવરિટ છે કુકિંગ, ઇટિંગ અને નેટ સર્ફિંગ. અને હા કોઈ કોઈ વાર તો મહાભારત અને રામાયણ પણ ટેલિવિઝન પર જોઈ લેવાય છે. તો પછી કુકિંગ અને ઇટિંગ બન્ને એક સિક્કાની બે બાજુ છે એટલે કે ખાવું હોય તો રાંધવું પડે અને રાંધેલું હોય તો ખાવાનું મન થાય. તો પછી આજકાલ શું ખાવું, શું ખાવું દરેક ઘરમાં થાય છે. હવે જેમ-જેમ દિવસો લંબાતા જાય છે એમ લોકો જે રોજબરોજ બહાર ખાવા જતા હોય એના જેવી જ વાનગીઓ ઘરે ખાવાનું મન થાય એ સ્વાભાવિક છે અને લોકો ઘેરબેઠાં પ્રયોગ કરીને બનાવે પણ છે. તો ચાલો આપણે એવી વાનગીઓની વાત કરીએ જે દરેક ઘરમાં આજકાલ ટ્રેન્ડિંગ છે અને સોશ્યલ મીડિયામાં પણ એ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે.

આયુર્વેદિક ઉકાળા અને હળદર નાખેલું દૂધ પીવાનું જરાય ભુલાય નહી. આપણા આયુષ મંત્રાલય દ્વારા કોરોનાથી બચવા માટે અને રોગપ્રતિકાકર શક્તિ વધે એ માટે આયુર્વેદિક ઉકાળા જેમાં લીંબું, અજમો, તુલસી, આદું, મધ જેવી ચીજો નાખીને દિવસમાં બેથી ત્રણ વાર પીવા જોઈએ.

પાણીપૂરીની હોમમેડ પૂરી  

ભાઈ અઠવાડિયામાં એક વાર પાણીપૂરી ખાવા ન મળે તો જાણે યુગોથી ભૂખ્યાં હોય એવો અનુભવ કરનારાં અનેક ભાઈઓ અને બહેનો તમને તમારી આસપાસમાં મળી જ જશે. હવે જોવાનું એ છે કે પાણીપૂરીવાળા ભૈયાઓ તો પોતાના વતનભેગા થઈ ગયા હશે અથવા તો ઘેરબેઠાં બજાર ખૂલવાની રાહ જોતા હશે. તો પછી આજકાલ તો ગૃહિણીઓ ઘરે જ પાણીપૂરીની પૂરી બનાવીને આરોગતી થઈ ગઈ છે. બહારથી પૂરીનો સ્ટૉક મળે છે, પરંતુ આજકાલ ઘરે જ તાજી અને કરકરી પૂરી બનાવીને સંપૂર્ણ હોમમેડ પાણીપૂરી બનાવવાનો ટ્રેન્ડ ચાલ્યો છે. જો આમ ને આમ લોકો ખાતા થઈ જશે તો પાણીપૂરીવાળાઓએ ધંધો બદલવો પડે તો નવાઈ નહીં.

ડાલગોના કૉફી

ભાઈ આ લૉકડાઉન પહેલાં તો મોટા ભાગના લોકોએ આનું નામ પણ નહોતું સાંભળ્યું, પરંતુ દણિક્ષ કોરિયાનું જાણીતું પીણું ડાલગોના કૉફીનો પ્રયોગ નહી કર્યો હોય એવા લોકો જવલ્લે જ જોવા મળશે. સમગ્ર સોશ્યલ મીડિયા આ કૉફીથી છવાઈ ગયું છે અને બધા આ કૉફી બનાવવા માટે ચૅલેન્જ પણ  ફેંકે છે. સામાન્ય રીતે કૉફી બને એના કરતાં વધુ વાર લાગે એવી આ કૉફી બનાવવામાં ખાસ્સો સમય જાય છે, કારણ કે નીચે દૂધની સફેદી અને ઉપર કૉફીને ફીણીને આવતો સહેજ પીળાશ પડતો કલર જોઈને જ પીવાનું મન થાય. પાણી, કૉફી અને ખાંડ ઉમેરીને ખૂબ ઝડપથી લાંબા સમય સુધી ફીણવાને કારણે જાણે સાબુનાં ફીણ ઊફરાઈ ગયાં હોય એવું કૉફીનું બંધારણ બની જાય. બસ પછી એક ગ્લાસમાં દૂધ અને  ઉપર આ ફીણના બેવડા રંગવાળી આ કૉફી પીવાની મજા માણવાની. બહુ કંઈ ખાસ સ્વાદ નથી, પરંતુ કંઈક નવું કર્યાનું મન થાય.

કાચી કેરીનું અથાણું

ઢેંટેણેનનનનનન... અથાણાંની પ્રિય સીઝન દરવાજે આવી ગઈ છે, પરંતુ હજી કેરી ક્યાં આવી છે. બીજી બાજુ આખા વર્ષનો સ્ટૉક તો ક્યારનોય ખાલી થઈ ગયો છે. તો કરવું શું? તો કરો જુગાડ. હા, બજારમાં કાચી કેરી તો મળે જ છે તો એેમાંથી ઇન્સ્ટન્ટ અથાણું બનાવી દેવાનું. કેરીના ઝીણા-ઝીણા કટકા કરીને એની અંદર સૂકા-લીલા મરચાંનો પાઉડર, મેથીના કુરિયા, મીઠું અને શિંગ તેલને સહેજ ઉકાળીને બધું મિક્સ કરીને બે દિવસ મૂકી રાખો. તૈયાર છે અથાણું. એવી જ રીતે છૂંદો પણ બનાવીને ખાવાની મજા આવે છે. કેરી આવશે ત્યારે બનાવીશું, પરંતુ અત્યારે તો ખાઈ લો આવું ઇન્સ્ટન્ટ અથાણું.

ખસ્તા કચોરી અને પંજાબી સમોસાં

ખસ્તા કચોરી તો બહાર જેવી ઘરે મજા જ ન આવે એવું માનનારા મોટા વર્ગમાં તમે ચોક્કસ હશો જ એવું મારું માનવું છે, પરંતુ શું થાય અત્યારે બહાર તો મળતી નથી તો પછી ઘરે બનાવીને ખાવાનો સંતોષ તો માણવો જ જોઈએ. એ હિસાબે આજકાલ ઘરમાં ખસ્તા કચોરી પર હાથ અજમાવવામાં આવી રહ્યો છે. બહાર જેવી ફૂલેલી, ખસ્તા એટલે કે ક્રિસ્પી કચોરીની અંદર મગની દાળનું પૂરણ કે ડુંગળીનું પૂરણ નાખો તો અનુક્રમે દાલ કચોરી કે પ્યાઝ કચોરી બને અને ચટણીઓ નાખીને ખાવાની મજા આવે. એવી જ રીતે પંજાબી સમોસાં પણ બનાવીને કચોરીની સાથે જોડી જમાવી દેવામાં આવે છે.

શ્રીખંડ

આમ તો શ્રીખંડ બારેમાસ બનાવવામા આવે તો વાંધો નથી અને ઘણા તો જ્યારે મન થાય ત્યારે બનાવતા જ હોય છે, પરંતુ આજકાલ શ્રીખંડનો જાણે જબરદસ્ત ટ્રેન્ડ ચાલ્યો છે. ઘરે દૂધમાંથી દહીં બનાવીને એમાંથી જ અનેક જાતના સ્વાદના શ્રીખંડ બનાવવામાં આવે છે. બહુ મજા આવે ખાવાની અને પૂરી સાથે તો એની જબરદસ્ત જોડી જામે છે. આથી ડ્રાયફ્રૂટ, મિક્સ ફ્રૂટ તથા સાદો શ્રીખંડ બનાવવાની બહુ મજા આવે છે એટલી જ મજા સંતોષના ઓડકાર સાથે ખવાની આવે છે.

ભેળ અને રગડા પૅટીસ

જો પાણીપૂરીની જ વાત કરી હોય તો તેના જ પરિવારનાં કાકા-મામાનાં ભાઈ-બહેન જેવા ભેળ અને રગડા પૅટીસને તો કેમ ભૂલી જવાય? ઘરમાં ખાવાપીવાનું કંઈ જ ન ભાવે ત્યારે ભેળ બનાવીને ખાઈ લો. સાંજે ભૂખ લાગી હોય ત્યારે પણ તીખી ભેળ બનાવીને આરોગવાની ખૂબ મજા આવે છે. ભેળની જેમ વટાણા કે છોલે પલાળીને એનો રગડો બનાવ્યા બાદ બટાટાની પૅટીસ તેમ જ ખજૂર, આમલી, લસણ અને ફુદીના-મરચા-કોથમીરની ચટણી બનાવીને એની ઉપર નાખીને ખાવાની મજા જ મજા છે. બાકી તો ભજિયાં, ખમણ, જાતજાતનાં પંજાબી શાક, મૅગી, પાસ્તા, મેકરોની અને કુકીઝની તો અહીં વાત કરાય એમ નથી. લોકો એ ખૂબ ખાય છે અને મોજ કરે છે.

ફાફડા, કઢી અને પપૈયાનું છીણ

લો ફાફડા ન ખાધા હોય તો રવિવાર કેવી રીતે જાય અને ફાફડા સપ્તાહમાં એક વાર ન ખાઈએ તો વળી ગુજરાતી કઈ રીતે કહેવાઈશું. પણ એમ કાંઈ ફાફડા વગર થોડું ચાલે? બહાર મળે એવા સૉફ્ટ અને ક્રિસ્પી ફાફડા ઘરે બનાવવા ખૂબ અઘરા છે, પરંતુ લોકો હવે એમાં પણ હાથ અજમાવી રહ્યા છે. ફાફડા બનાવ્યા બાદ જાણે બહુ મોટો વિજય મેળવ્યો હોય એવા ભાવ સાથે ફેસબુક પર પણ પોસ્ટ કરવામાં આવે છે. ફાફડા સાથે સબકડા ભરીને પીવાય એવી ખાટી-મીઠી કઢી, પપૈયાનું કે ગાજરનું છીણ અને તળેલાં લીલાં મરચાં સાથે જ્યાફત ઉડાડો એટલે મજા જ મજા.   

indian food mumbai food columnists