ઑક્સિજન સિવાય ખરેખર શરીરમાં કેટલા પ્રકારના પ્રાણ વાયુ છે?

24 September, 2020 04:24 PM IST  |  Mumbai | Ruchita Shah

ઑક્સિજન સિવાય ખરેખર શરીરમાં કેટલા પ્રકારના પ્રાણ વાયુ છે?

પણા શરીરની જુદી જુદી ક્રિયાઓની જવાબદારી પાંચ પ્રાણ અને પાંચ ઉપપ્રાણે સંભાળી લીધી છે. સૂક્ષ્મ સ્તરે શરીરમાં કામ કરતા પાંચ પ્રાણનું જબરદસ્ત મહત્ત્વ છે

તમે નિર્ણય લેવામાં પાછા પડતા હો કે તમારામાં આત્મવિશ્વાસનો અભાવ હોય એ પાછળ તમારા પ્રાણ પણ જવાબદાર હોઈ શકે છે. યોગ અને આયુર્વેદની દૃષ્ટિએ આપણા શરીરની જુદી જુદી ક્રિયાઓની જવાબદારી પાંચ પ્રાણ અને પાંચ ઉપપ્રાણે સંભાળી લીધી છે. સૂક્ષ્મ સ્તરે શરીરમાં કામ કરતા પાંચ પ્રાણનું જબરદસ્ત મહત્ત્વ છે જેને સમજવાનો પ્રયાસ કરીએ આજે એવી કેટલીયે બાબતો છે આપણા અસ્તિત્ત્વ સાથે સંકળાયેલી, જે અજુબાઓથી ભરપૂર છે. એવી જ એક રહસ્યપૂર્ણ બાબત અને છતાં દેખીતી રીતે અનુભવી શકાય એવી બાબત છે પ્રાણ. આપણું સંચાલન ઊર્જા દ્વારા થાય છે. જેમ ઇલેક્ટ્રિસિટી હોય અને લાઇટ ચાલુ થાય એમ શરીરમાં પ્રાણ ઊર્જાના માધ્યમે આપણા શરીરનું સંચાલન થાય. પ્રાણ વાયુ એટલે ઑક્સિજન એવું આપણે માનીએ છીએ પરંતુ આયુર્વેદ અને યોગમાં પાંચ પ્રકારના પ્રાણ વાયુનું વિવરણ ખૂબ જ પૉપ્યુલર છે. શરીરના જુદા જુદા ફંકશનને મૅનેજ કરવામાં આ પ્રાણનો મહત્ત્વનો રોલ હોય છે. જે સિસ્ટમમાં ગડબડ થાય એ સિસ્ટમ સાથે સંકળાયેલા પ્રાણને પુષ્ટ કરો તો બગડેલા સ્વાસ્થ્યમાં ઘણો લાભ થઈ શકે. દરેક પ્રાણ સાથે એક તત્ત્વ અને શરીરના ચક્રો પણ સંકળાયેલા હોય છે. પંચ પ્રાણ વાયુ કયા અને શું કરે એ હવે વિગતવાર જાણીએ.
૧ - પ્રાણ વાયુ
પંચ પ્રાણ વાયુમાં પહેલા નંબરે આવે પ્રાણ. એનું નામ જ પ્રાણ છે કારણ કે તેનું કામ મહત્ત્વનું છે અને આપણા અસ્તિત્ત્વમાં તેની ભૂમિકા સૌથી મોટી છે. તમારા ડાયાફ્રામ અને ગળાના હિસ્સામાં આ પ્રાણ વાયુનું સ્થાન હોય છે અને તે ઉપરની તરફ ગતિ કરે છે. પાંચેયમાં સૌથી ઉપર પ્રાણ વાયુ છે. ફિઝિકલી ખાવું, શ્વાસ લેવો, પાણી પીવું, ગળવું જેવી બાબતો આ પ્રાણ વાયુની જવાબદારી છે. મેન્ટલી આપણી પાંચ ઇન્દ્રિય સાથે તેનું કનેક્શન છે. એટલે તમે ખૂબ જ ઘોંઘાટમાં રહો કે આંખો અંજાઈ જાય એટલી લાઇટમાં રહો, ટીવીમાં ખૂનખરાબા વાળી બાબતો જુઓ, અતિલાઉડ મ્યુઝિક સાંભળો તો પ્રાણવાયુ ડિસ્ટર્બ થઈ શકે. જેનો પ્રાણ વાયુ સ્ટ્રોંગ હોય તેઓ ઝડપથી કોઈ બાબતથી ઉત્તેજિત થતા નથી. જ્યારે પ્રાણ વાયુ ડિસ્ટર્બ હોય ત્યારે મેડિટેશન વગેરે કરવાનું પણ વ્યક્તિ માટે અઘરું થઈ જતું હોય છે.
૨ - અપાન વાયુ
પંચ પ્રાણમાં બીજા નંબરે આવતા અપાન પ્રાણનું મુખ્ય કામ છે એલિમિનેશનનું. તેનો પ્રવાહ નીચેની તરફનો હોય છે. આપણા શરીરનો કચરો બહાર કાઢવામાં અપાનની મુખ્ય ભૂમિકા હોય છે. તમારી નાભિથી લઈને ગુદા દ્વાર વચ્ચેના જે પણ અવયવો છે એ અપાન દ્વારા કન્ટ્રોલ થાય છે. જેમાં તમારા નાનાં, મોટાં આંતરડાં, કિડની, યુરિન સિસ્ટ, રિપ્રોડક્ટિવ સિસ્ટમ વગેરે આવી જાય. યુરિનેશન અને મળવિસર્જન એ બન્ને એ અપાનનું મુખ્ય કામ કહી શકાય. ઇવન પુરુષોમાં વીર્યકણો બહાર આવવાની, મહિલાઓમાં માસિક સ્રાવ અને બાળકનો જન્મ પણ અપાનને કારણે જ શક્ય બને છે. અપાન વાયુ ડિસ્ટર્બ થાય ત્યારે એલિમિનેશનની આ તમામ ક્રિયાઓમાં વિક્ષેપ ઊભો થાય છે. અપાન વાયુ જેનો બરાબર હોય એ માત્ર શરીરનો જ નહીં પણ મનનો કચરો પણ આસાનીથી બહાર ફેંકી શકે છે. આવી વ્યક્તિના વિચારોમાં સ્પષ્ટતા હોય છે. જોકે અપાન વાયુ વીક થાય ત્યારે વ્યક્તિના વિચારો અસ્પષ્ટ અને મન હંમેશાં ચિંતિત રહે છે. તે પોતાની જાતને એકલો અને આધારહિન માનવા માંડે છે.
૩ - સમાન વાયુ
નાભિ અને ડાયાફ્રામની વચ્ચેના ભાગમાં સમાન વાયુનો સાઇડની તરફ પ્રવાહ હોય છે. લિવર, સ્પ્લીન, પેન્ક્રિઆઝ, પેટ, નાનું આંતરડું અને મોટું આંતરડું જેવા શરીરના હિસ્સા પર સમાન વાયુની દેખરેખ હોય છે. પાચન અને પાચન થયા પછી શરીરને પોષક તત્ત્વો શોષવા માટે તૈયાર કરવાની જવાબદારી સમાન વાયુ પર હોય છે. માત્ર ભોજનનું જ નહીં પરંતુ જીવનમાં બનતી તમામ ઘટનાઓને પચાવવાની ક્ષમતા સમાન વાયુ વ્યવસ્થિત રીતે કામ કરતો હોય એવી વ્યક્તિમાં હોય છે. મુસીબતોને ડાયજેસ્ટ કરીને તેમાંથી તે શીખનારા હોય છે. સમાન વાયુ અતિસક્રિય હોય ત્યારે વ્યક્તિને ખૂબ ભૂખ લાગે છે અને તે આંતરિક સાધનામાં ફોકસ નથી કરી શકતો. સમાન વાયુમાં ગડબડ થાય ત્યારે પેટને લગતા રોગો થતા હોય છે. તમારી જઠરાગ્નિ પર સમાન વાયુનો કન્ટ્રોલ હોય છે. સમાનનો અર્થ પણ બેલેન્સિંગ એવો થાય છે. એટલે કે જ્યારે સમાન વાયુ બરાબર કામ ન કરે ત્યારે માત્ર તમારા પેટમાં જ નહીં માનસિક રીતે પણ અપસેટનેસ આવતી હોય છે. બેલેન્સિંગ પ્રોબ્લેમ હોય, જજમેન્ટને લગતી સમસ્યા ઉદ્ભવે, કૉન્ફિડન્સ લેવલ લો થાય, ઇચ્છાશક્તિ મરી પરવારે કે કોઈ જાતનું મોટિવેશન જ ન આવે જેવી સમસ્યાઓ પણ સર્જાઈ શકે છે.
૪ - ઉદાન વાયુ
ગરદનની ઉપર, ચહેરા પર અને માથાના ભાગમાં ઉદાન વાયુનું સ્થાન હોય છે. તમારા મસ્તિષ્કની કાર્યપ્રણાલી અને પાંચેય ઇન્દ્રિયોના ફંકશનિંગ પર ઉદાન વાયુનો સૌથી વધુ પ્રભાવ હોય છે. તમારા
હાથ-પગની મુવમેન્ટમાં પણ ઉદાન વાયુ જવાબદાર હોય છે. તેની ગતિ ઉપરની તરફ હોય છે. તમારી વાચા, જાતને એક્સપ્રેસ કરવાની તમારી ક્ષમતા અને તમારો ગ્રોથ ઉદાન વાયુ સાથે સંકળાયેલો છે. ઉદાન વાયુ સારી રીતે કામ કરતો હોય એ વ્યક્તિ કોઈ પણ પડકાર ઝીલીને આગળ વધવામાં માનતો હોય, તેની બોલી મંત્રમુગ્ધ કરનારી હોય અને દૃઢ ઇચ્છાશક્તિવાળો પણ હોય. વધુ પડતો ઉદાન વાયુ સક્રિય હોય તો એ વ્યક્તિ ઉદ્ધત અને અહંકારી હોય છે. જ્યારે ઉદાન વાયુમાં ગડબડ હોય ત્યારે વ્યક્તિને સ્પીચને લગતી સમસ્યા ઉદ્ભવે છે. ગરદન, માથું અને કંઠને લગતી સમસ્યા ઉદાન વાયુમાં ઉદ્ભવેલી સમસ્યાનું પરિણામ હોઈ શકે છે. જીવનના કપરા અનુભવો વિશે ન વિચારી શકવું કે વાત ન કરી શકવી એ સમાન વાયુમાં ઊભા થયેલા બ્લૉકેજનું કારણ હોઈ શકે છે.
૫ - વ્યાન વાયુ
આ વાયુ આખા શરીરમાં હોય છે, પરંતુ તેની ગતિનો પ્રવાહ સેન્ટરથી બહારની તરફ હોય છે. સમાન વાયુથી ઊંધો હોય છે તેનો પ્રવાહ. સમાન બહારથી સેન્ટર તરફ ગતિ કરે છે. વ્યાન વાયુને તમે આપણા શરીરના પ્રવાહી તત્ત્વ સાથે જોડી શકો છો. વ્યાન વાયુને તમે આપણી અંદરનો ડિસ્ટ્રિબ્યુટર કહી શકો, પોષક તત્ત્વો, ઑક્સિજન, પાણી એમ બધાં જ તત્ત્વોને શરીરના પ્રત્યેક કોષો સુધી વ્યાન વાયુ પહોંચાડે છે. વ્યાન વાયુ શરીરમાં ગ્લુકોન ડી જેવું કામ કરે છે.
જ્યારે પણ શરીરમાં એનર્જીની
જરૂર સર્જાય, વ્યાન ત્યાં પોષક તત્ત્વો પહોંચાડીને એનર્જીનું સર્જન કરાવડાવે છે. મગજમાંથી શરીરના તમામ
સ્નાયુઓ
સુધી
સંદેશ પહોંચાડવાનું અને સ્નાયુઓ દ્વારા મગજને સંદેશ પહોંચાડવામાં પણ વ્યાન વાયુની મહત્ત્વની ભૂમિકા છે. ઠંડીમાં શરીરમાં થતી ધ્રુજારી, પસીનો એ બધું જ વ્યાન વાયુની કારીગરીનું પરિણામ છે. એટલું જ નહીં તમારા વિચારોની, તમારી લાગણીઓની ગતિમાં પણ વ્યાન વાયુની મહત્ત્વની ભૂમિકા છે. વ્યાન વાયુમાં જ્યારે ગડબડ થાય ત્યારે શરીરના પ્રત્યેક અવયવ સુધી પોષણ ન મળે, સ્કિનને લગતા રોગો થાય, નર્વસ બ્રેકડાઉન થઈ શકે, વ્યક્તિ મગજથી સંકુચિત થતો જાય, નવા વિચારનો સ્વીકાર ન કરી શકે. વ્યાનનો પ્રભાવ વધી જાય તો પણ તકલીફ, એ વ્યક્તિમાં માનસિક અનસ્ટેબિલિટી નિર્માણ થઈ શકે.
(પ્રિય વાચકમિત્રો, આ જ રીતે પાંચ ઉપપ્રાણ કયા અને તેની કાર્યપ્રણાલી શું તેમ જ પાંચેય પ્રાણને સંતુલિત કરવા માટે શું કરી શકાય એ વિશે આવતા ગુરુવારે વાત કરીએ.)

પ્રાણ અને વાયુ અલગ
છે ઃ ડૉ. મુકુંદ વી. ભોલે

થોડુંક ટેક્નિકલ લાગી શકે છે પરંતુ પ્રાણ સાથે સંકળાયેલી અને ઓછી જાણીતી વિગત તરફ એક નજર કરીએ. મેડિકલ ફિઝિશ્યન, યોગાચાર્ય તથા કૈવલ્યધામ ઇન્સ્ટિટ્યુટના રીસર્ચ વિભાગમાં જૉઇન્ટ ડિરેક્ટર તરીકે નિવૃત્ત થયેલા અને વૈશ્વિક સ્તરે જાણીતા યોગનિષ્ણાત ડૉ. મુકુંદ વી. ભોલે કહે છે, ‘આપણે ત્યાં વાયુ અને પ્રાણને એક જ માનવામાં આવે છે. જોકે બન્ને અલગ અલગ બાબત છે. વાયુ દસ છે અને પ્રાણ પાંચ છે. મુખ્ય વાયુ પ્રાણ, અપાન, વ્યાન, સમાન, ઉદાન અને ઉપવાયુ નાગ, કુર્મ, કૃકુલ, દેવદત્ત અને ધનંજય છે. વાયુ શરીરની મોટર અૅક્ટિવિટી સાથે સંકળાયેલા છે જ્યારે પ્રાણ સેન્સરી અૅક્ટિવિટી સાથે. જેમ કે સમાન વાયુ પાચનનું કામ કરે છે. પાચન કરવું એ મોટર અૅક્ટિવિટી થઈ અને પાચન થયું એનું જ્ઞાન એ સેન્સરી અૅક્ટિવિટી. બીજું શરીરના વાયુને આપણે જોઈ નથી શકતા પરંતુ અનુભવી શકીએ છીએ. જે રીતે આપણે હવા શ્વાસમાં ભરીએ ત્યારે એ હવામાં ઑક્સિજન કયો, કાર્બનડાયોક્સાઇડ કયો, નાઇટ્રોજન કયો એ આપણી ઇન્દ્રિયો દ્વારા આપણે સમજી નથી શકતા પરંતુ જો વૈજ્ઞાનિકો આધુનિક મેડિકલ સાધનોનો ઉપયોગ કરે તો કહી શકે કે તમે એક લિટર હવા લીધી તો એમાં ઑક્સિજનનું પ્રમાણ કેટલું હતું, કાર્બનડાયોક્સાઇડનું પ્રમાણ કેટલું હતું. જોકે ધ્યાનને જો ઊંડાણ આપીએ તો આપણે પ્રાણવાયુને સમજી શકીએ છીએ. આપણા શરીરમાં આ જ રીતે યોગની દૃષ્ટિએ દસ વાયુ છે અને તેને આપણે સેન્સ દ્વારા ઓળખી શકીએ છીએ.
પેટમાં થઈ રહેલી પ્રાણની ગતિ અને છાતિના હિસ્સામાં રહેલા પ્રાણના ભેદને સમજી શકીએ છીએ.’

health tips ruchita shah columnists