તમારી દિવાળીને ઉજાસથી ભરવાની અમને એક તક તો આપો

27 October, 2024 02:03 PM IST  |  Mumbai | Jigisha Jain

દિવાળીના તહેવારમાં દીવડા, તોરણો અને ગિફ્ટ-આઇટમો બનાવનારા આ સ્પેશ્યલ લોકોના હુન્નરને પ્રોત્સાહન આપીને તેમની દિવાળી પ્રજ્વલિત કરીશું તો તેમના જીવનમાં રોજગારની તકનો પ્રકાશ રેલાશે

આ છે સ્પેશ્યલ બાળકો

જુદાં-જુદાં વોકેશનલ સેન્ટર્સ અને સ્કૂલ્સ માનસિક અને શારીરિક રીતે અક્ષમ લોકોને આત્મનિર્ભર અથવા તો પોતે પણ પગભર થઈ શકે છે એવા આત્મવિશ્વાસથી સંચિત કરવા માટે કંઈક હુન્નર શીખવતાં હોય છે. દિવાળીના તહેવારમાં દીવડા, તોરણો અને ગિફ્ટ-આઇટમો બનાવનારા આ સ્પેશ્યલ લોકોના હુન્નરને પ્રોત્સાહન આપીને તેમની દિવાળી પ્રજ્વલિત કરીશું તો તેમના જીવનમાં રોજગારની તકનો પ્રકાશ રેલાશે

દિવાળીની ગિફ્ટ-આઇટમોનો અમારો સ્ટોર જોશો તો કહેશો કે I AM ABLE

બોરીવલી-વેસ્ટમાં બાળકો અને વયસ્કો મળીને કુલ ૩૫ જેટલા શારીરિક અને માનસિક રીતે અક્ષમ લોકોને ટ્રેઇનિંગ અને સાથે રોજગાર મળી રહે એ માટે જીનશિક્ષા છેલ્લાં ૯ વર્ષથી સઘન રીતે કાર્ય કરી રહી છે. એની સ્થાપના જીનિશા છેડાએ કરી હતી. આ સંસ્થામાં ઑટિઝમ, ADHD, ડાઉન સિન્ડ્રૉમ, લર્નિંગ ડિસેબિલિટી, સાંભળવામાં તકલીફ જેવી તકલીફ ધરાવતાં બાળકો અને વયસ્કો છે. છેલ્લા બે મહિનાથી તેઓ દિવાળીની ગિફ્ટ-આઇટમ્સની તૈયારી કરી રહ્યાં છે. એ વિશે વાત કરતાં જીનિશા છેડા કહે છે, ‘૨૦૨૧થી અમે લોકોએ અમારી સંસ્થાનાં બાળકો માટે I AM ABLE નામનો એક સ્ટોર શરૂ કર્યો છે જ્યાં તેમણે બનાવેલી વસ્તુઓ અમે વેચીએ છીએ અને તેમને રોજગારની એક તક આપીએ છીએ. એ માટે પહેલાં તેમને અમે તૈયાર કર્યા. થાય છે એવું કે આ બાળકો ડિફરન્ટ્લી ઍબલ્ડ છે. દરેકમાં કોઈ ને કોઈ આવડત છે જેને અમે ઓપ આપવાની કોશિશ કરીએ છીએ. જે વ્યક્તિ થોડી ક્રીએટિવ હોય તેને ડ્રૉઇંગ શીખવીએ છીએ, જે વ્યક્તિ થોડી ટેક્નિકલ વસ્તુઓ કરી શકતી હોય તેને ડિજિટલ પ્રિન્ટિંગ શીખવીએ છીએ. આમ અમારા સ્ટોરમાં તમને એ લોકો જે કરી શકે છે એવી તેમની આવડતની જુદી-જુદી વસ્તુઓ મળશે. 
આ દિવાળીએ બાળકો પાસે શું ખાસ બનાવડાવવામાં આવ્યું છે? એનો જવાબ આપતાં જીનિશા છેડા કહે છે, ‘આ વખતે અમે રૂટીનના દીવડા અને તોરણો એ બધું તો બનાવડાવ્યું જ છે, પરંતુ આ વખતે તેમણે લાકડાની ટ્રે અને કોસ્ટર્સ ખૂબ સારાં બનાવ્યાં છે. આ બધું હાથથી પેઇન્ટ કર્યું છે. આ સિવાય અમુક ખાસ પેઇન્ટિંગની ડિજિટલ કૉપી કાઢીને અમે મગ્સ, ડાયરી, ટોટે બૅગ્સ, ટી-શર્ટ પણ બનાવ્યાં છે. અમારો પ્રયાસ હંમેશાં એ રહે છે કે એ લોકો જે કરી શકે છે એ આવડતને ધ્યાનમાં રાખીને એવું કંઈક બનાવીએ જે સમાજમાં લોકોને કામ લાગી શકે.’ 
શું એ પ્રયાસ કામિયાબ નીવડે છે? આ પ્રશ્નનો જવાબ આપતાં જીનિશા છેડા કહે છે, ‘અમુક લોકોને અમારી પ્રોડક્ટ્સ ગમે છે. અમે ઇકો-ફ્રેન્ડ્લી અને સસ્ટેનેબલ પ્રોડક્ટ્સ બનાવીએ છીએ. જોકે અમુક લોકો એવા પણ છે જેમને અમારી પ્રોડક્ટ્સ અતિ સાદી લાગે છે. એક તરફ આ બાળકોની આવડત છે અને સામે વિશાળ માર્કેટ છે જ્યાં દરરોજ ક્રીએટિવ વસ્તુઓ આવી રહી છે. આ માર્કેટમાં ટકી રહેવા આ બાળકોને લોકોના સાથ-સહકારની જરૂર તો પડવાની જ છે. થોડું તેઓ શીખે અને થોડું આપણે શીખીએ એ જરૂરી છે.’ 

જીનશિક્ષાની પ્રોડક્ટ્સ ખરીદવા માટે...
સરનામું : અમર કો-ઑપરેટિવ સોસાયટી, શૉપ-નંબર ૧થી ૬, ચીકુવાડી, બોરીવલી-વેસ્ટ. 
ફોન-નંબર : 086574 37253

અમારી પાસે પણ સ્પેશ્યલ હુન્નર છે

અંધેરી-વેસ્ટમાં ઑલ ઇન્ડિયા વિમેન્સ અસોસિએશનની મહિલા પરિષદ સંચાલિત શિશુ કલ્યાણ કેન્દ્ર છે જ્યાં ૪૫થી વધુ શારીરિક અને માનસિક રીતે અક્ષમ ૧૬થી ૪૫ વર્ષના લોકો કાર્યરત છે. અહીં એ લોકોનું ઘણું ધ્યાન રાખવામાં આવે છે. તેમની ક્ષમતા વધારવાના પ્રયાસો સાથે તેમની આવડત મુજબનું તેમની પાસે કામ હોય અને એ કામ તેમને આવક પણ આપી શકે એવા પ્રયાસો સતત થાય છે જેમાં દિવાળી માટે ગિફ્ટ-આઇટમ્સ બનાવવાનું કાર્ય પણ મુખ્ય રીતે સામેલ છે. આ સંસ્થા આમ તો છેલ્લાં ૪૦ વર્ષથી કાર્યરત છે. મૃદુલા શાહ એના પ્રણેતા છે. આ મહિલા પરિષદનાં કમિટી મેમ્બર અને અહીં અક્ષમ લોકોનું કાઉન્સેલિંગ કરતાં કાનન શાહ કહે છે, ‘સ્પેશ્યલ બાળકોની વાત આવે ત્યારે એક વસ્તુ એ સમજવાની છે કે આ બાળકો ઊર્જાનો ભંડાર છે. તેમની ઊર્જાને એક દિશા આપવાની જરૂર રહે છે જે કામ અમારું છે. દરેક બાળકમાં કોઈ ને કોઈ ક્ષમતા તો હોવાની જ. અમારો પ્રયાસ એ રહે છે કે આ ક્ષમતાને ઓળખીને એને ઓપ આપીએ જેના દ્વારા તે બાળક નૉર્મલ બાળકોની જેમ આત્મનિર્ભર બની શકે.’દિવાળીમાં આ વર્ષે જાત-જાતના દીવા, તોરણો અને શણગારની બીજી ઘણી જુદી-જુદી વસ્તુઓ તેમણે બનાવી છે. આ સિવાય હાથસાળની વસ્તુઓ જેમાં આસન કે નૅપ્કિન જેવી ઘણી વસ્તુઓનો સમાવેશ થાય છે જે તેઓ ઘણી સારી બનાવી શકે છે. તેમણે બનાવેલી વસ્તુઓ ખુદ કેન્દ્ર પર કે કેન્દ્રની બાજુમાં આવેલા શૉપર્સ સ્ટૉપમાં એક સ્ટૉલ દ્વારા વેચાય છે. આ સિવાય જુદી-જુદી ક્લબ્સ અને કૉર્પોરેટ્સની મદદથી આ લોકોને એકસાથે ઑર્ડર મળે છે.

શિશુ કલ્યાણ કેન્દ્રની પ્રોડક્ટ્સ ખરીદવા માટે...
સરનામું : વિરલ અપાર્ટમેન્ટ, એસ. વી. રોડ, અંધેરી-વેસ્ટ. 
ફોન-નંબર : 099694 35089

અમે શું નથી કરી શકતા એને બદલે જુઓ કે અમે શું કરી શકીએ છીએ

અંધેરી-ઈસ્ટમાં ઑટિઝમ ધરાવતાં બાળકો માટે કાર્યરત સંસ્થા એટલે ટુગેધર ફાઉન્ડેશન. પોતાની બે ઑટિસ્ટિક દીકરીઓ હોવાને કારણે આ બાળકોની તકલીફો સારી રીતે સમજી શકતાં સંગીતા ચક્રપાણિએ આ સંસ્થાની શરૂઆત ૨૦૧૫માં કરી હતી. અહીં ટ્રેઇનિંગ સેન્ટર અને રોજગાર માટેની વર્કશૉપ ચાલે છે જ્યાં ઑટિઝમ અને બીજી બૌદ્ધિક અક્ષમતા ધરાવતાં બાળકો કામ શીખે છે. તેઓ એક બેકરી ચલાવે છે જે FSSAI પ્રમાણિત છે. આ સિવાય ફાઇનૅન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ માટે ડેટા એન્ટ્રીનું યુનિટ અને પેપરપ્લેટ મૅન્યુફૅક્ચરિંગ યુનિટ, પેપરબૅગ ડિઝાઇન યુનિટ અને આ બધો જ સમાન વેચવા એક દુકાન પણ તેઓ ધરાવે છે જે સ્પેશ્યલ બાળકો દ્વારા જ ચલાવવામાં આવે છે. તેમની પાસે ૩૫ જેટલાં બાળકો અને વયસ્કો છે જેઓ અહીં કામ કરે છે.  તેમના વિશે વાત કરતાં આ સંસ્થાનાં પ્રણેતા સંગીતા ચક્રપાણિ કહે છે, ‘ઑટિઝમ ધરાવતાં બાળકો ઘણાં જુદાં હોય છે, પણ એનો અર્થ એ નથી કે તેઓ આત્મનિર્ભર ન બની શકે. અમારી કોશિશ એ જ છે કે આ બાળકોને તેમની સ્કિલ મુજબનું કામ આપીને તેમની કમાણી કરાવી શકાય. જરૂર છે ફક્ત અમુક પ્રકારની સંવેદનશીલતાની.’ ટુગેધર ફાઉન્ડેશન દ્વારા હાલમાં જ દિવાળી મેલા યોજાઈ ગયો જ્યાં તેમણે સ્ટૉલ રાખીને સામાન વેચ્યો હતો. હવે તેમની પાસેથી જે પણ સામાન જોઈએ એ માટે તેમની સંસ્થાના સ્થાને ચાલતી દુકાન પર જવું જરૂરી છે અથવા આપેલા નંબર પર વૉટ્સઍપ પર મેસેજ કરવો.

ટુગેધર ફાઉન્ડેશન
સરનામું : પ્રિમાઇસ ૧૨, પૂનમ કીર્તિ સોસાયટી, MMRDA કૉલોની, પૂનમનગર,
અંધેરી-ઈસ્ટ.
ફોન-નંબર : 070211 84634

શારીરિક અને માનસિક રીતે અક્ષમ બાળકો અને વયસ્કોની ક્ષમતાને નવો ઓપ આપીને, તેમને ટ્રેઇન કરીને તેમના માટે રોજગાર ઊભો કરનારી મુંબઈમાં બીજી ઘણી સંસ્થાઓ છે. તમે અહીંથી પણ કરી શકો છો શૉપિંગ.
સંસ્થા : શ્રદ્ધા ચૅરિટેબલ ટ્રસ્ટ
સરનામું : જનતાનગર, BMC સ્કૂલ બિલ્ડિંગ, એમ. પી. મિલ્સ કમ્પાઉન્ડ રોડ, તાડદેવ.
કૉન્ટૅક્ટ-નંબર : 022-2351 3735 
સંસ્થા : ક્ષિતિજ
સરનામું : મ્યુનિસિપલ 
સ્કૂલ, F6/F7, ગિલ્ડર રોડ, 
મુંબઈ સેન્ટ્રલ.
કૉન્ટૅક્ટ-નંબર : 099300 38094/96
સંસ્થા : ઓમ ક્રીએશન ટ્રસ્ટ
સરનામું : આનંદ નિકેતન, કિંગ જ્યૉર્જ મેમોરિયલ, ફેમસ સ્ટુડિયો પાસે, મહાલક્ષ્મી.
કૉન્ટૅક્ટ-નંબર : 088792 11312
સંસ્થા : સ્વયંસિદ્ધા ઇન્ડસ્ટ્રિયલ કો-ઑપરેશન સોસાયટી ફૉર હૅન્ડિકૅપ્ડ બાય પેરન્ટ્સ
સરનામું : ૩૬, સુભાષનગર, ચેમ્બુર.
કૉન્ટૅક્ટ-નંબર : 89760 67204

columnists andheri borivali mumbai diwali