એ પ્રસ્તાવ ક્યાં છે?

12 June, 2022 02:15 PM IST  |  Mumbai | Hiten Anandpara

તું ક્યાં છે? કોઈ અંગત મિત્રને ફોન કરીને આપણે આ સવાલ બેધડક પૂછી શકીએ

પ્રતીકાત્મક તસવીર

તું ક્યાં છે? કોઈ અંગત મિત્રને ફોન કરીને આપણે આ સવાલ બેધડક પૂછી શકીએ. ક્યાં છો એવું પત્ની પૂછે ત્યારે પતિની ઑફિસનું એસી વગર રિમોટે બે ડિગ્રી વધી જાય. થોડાં વર્ષો પહેલાં મુંબઈમાં ચાલબાજો આખું ને આખું બસ-સ્ટૉપ ઉપાડી ગયેલા ત્યારે રાહદારીઓ એકબીજાને પૂછતા હતા, ‘બસ-સ્ટૉપ ક્યાં છે?’ ઉદ્ઘાટનની રાહ જોવામાં હાંફી ગયેલો બ્રિજ પૂછે છે, ‘મિનિસ્ટર ક્યાં છે?’ આવા અનેક સવાલોનો જવાબ કદાચ આપી શકાય, પણ મિલન કુમાર નિરૂપે છે એ સ્થિતિ પીડાદાયક છે...
ઘણાં વર્ષેય છે તારું સ્મરણ એવી અવસ્થામાં
દિશાનિર્દેશ જાણે કોઈએ રાખ્યા હો રસ્તામાં!
ઘણાં વર્ષેય મેંદી કોઈની જોઉં ને યાદ આવે
ત્યાં મારા નામનું હોવું, ન હોવું ક્યાંય હિસ્સામાં
ભેગાં થવું અને છૂટાં પડવું એ નિયતિના ખેલનો એક હિસ્સો છે. કોઈના દોરીસંચારે સંજોગો ઘડાતા હોય એવું લાગે. જેની સાથે વર્ષોની યારી-દોસ્તી હોય એ કપરા સંજોગોમાં એવો છૂ થઈ જાય કે મૈત્રીની વ્યાસપીઠ સંકેલી લેવી પડે. મુકેશ પરમાર મુકુંદ કહે છે એવી સ્થિતિ કદાચ બધાએ ઓછાવત્તા અંશે અનુભવી હશે... 
સનમ મારા, તમે બીજા બધાની વાત ના કરશો
તમે પણ ત્યાં હતા હાજર છતાં ક્યાં હાથ દીધો છે?
તમે સમજો નહીં કે માત્ર મારી છે કથા ‘મુકુંદ’
અમે તો બસ બધાની જિંદગીનો સાર કીધો છે
આમ જુઓ તો બધાની જિંદગીની વાર્તામાં થોડુંક સરખાપણું હોવાનું. પાત્રો બદલાય, પ્રસંગો બદલાય, પણ અમુક વાતો કૉમન રહે. શિક્ષણ, કારકિર્દી, સંસાર વગેરે પ્રકરણો મોટા ભાગના લોકોની નવલકથામાં હોવાનાં. ડિગ્રી જુદી હોય, જીવનસાથીનાં નામ જુદાં હોય, જીવનશૈલી જુદી હોય, પણ એક વિશાળ છત્રી નીચે આ બધું ચાલ્યા કરે એવું લાગે. ક્યાંક વિસ્તરણ હોય તો ક્યાંક સંકોચન. ભગવતીકુમાર શર્મા આ બન્નેને આલેખે છે... 
પંખી પ્રસારી પાંખ સતત ઊડતાં રહ્યાં 
ગુંબજ ગગનનો એટલો આઝાદ ક્યાં હતો?
વધઘટ થતો રહ્યો છે એ સૂરજની સાથ-સાથ
પડછાયો મારો એવો અમર્યાદ ક્યાં હતો?
સૂરજમાં આપણને જીવનની વિવિધ અવસ્થા દેખાય. ઉદય, મધ્યાહ્‍‍ન અને અસ્ત. આપણે જન્મ લઈએ, જીવીએ અને છેવટે આથમીએ. પાનખર અને વસંતનું ચક્ર જીવનમાં પણ હોય છે. સફળતાના ઉતાર-ચડાવમાં પુરુષાર્થ અને નસીબ બન્ને ભાગ ભજવતાં રહે. કૈલાસ પંડિત કહે છે એવો ઝુરાપો વેઠવો અઘરો છે...
મેંદી ભરેલા હાથમાં એવી ભીનાશ ક્યાં
તરસ્યા થયેલા હોઠને ભીના કરી શકું
આવું મળું ને વાત કરું એ નસીબ ક્યાં?
કહેવાને આમ સાત સમંદર તરી શકું
લિમિટેડ કંપનીમાં ૧૦૦ માણસને સાચવી શકતો મૅનેજર પરિવાર સાથેના સંબંધમાં ખૂટતો અને તૂટતો હોય એવું બને. તેની કૉર્પોરેટ કુનેહ ઘરમાં કામ ન લાગે. કેટલીક વાર સંબંધોમાં પ્રયત્નો ઓછા નથી પડતા, પ્રેમ ઓછો પડે છે. ક્યારેક પ્રેમ ભરપૂર હોય તો સામે અપેક્ષાઓ આઇફલ ટાવર જેવી હોય. આઇફલ ટાવરની ડાળ પર બેસીને મોર ટહુકા કરે એવી આશા રાખવી અસ્થાને છે. મનીષ પરમાર વિમાસણ વ્યક્ત કરે છે... 
એક આખી જિંદગી ઓછી પડે
શું કબીરે ગાઈ છે વાણી હવે
ક્યાં ભરી રાખું સમયનું જળ કહો
આયખાની ડોલ છે કાણી હવે
સમયને પૂતળાની જેમ સ્ટૅચ્યુ નથી કરી શકાતો. એનો સ્વભાવ છે પસાર થવાનો. બંધ પડેલી ઘડિયાળમાં સમય સ્થિર થઈ જાય એને કારણે ઘટમાળ અટકતી નથી. સમયને આપણી જેમ દાદા કે પરદાદા નથી હોતા, પણ એ વર્ષો, દાયકાઓ કે સદીઓના નામે ઓળખાતો રહે છે. ચિનુ મોદી પડની નીચેનું પડ ખોલી આપે છે...
હું તને ક્યાંથી ઉતારું?
ખૂબ ઊંચી છાજલી છે
હોય લાંબી, લાંબી, લાંબ્બી
શ્વાસની વંશાવલિ છે
ક્યા બાત હૈ
શબ્દ છે ને સૂર છે, પણ ભાવ ક્યાં છે?
દિલને જે આકર્ષે એ પ્રસ્તાવ ક્યાં છે?

ફૂંક તું મારીશ તો એ રુઝાઈ જાશે
થઈ શકે નાસૂર એવો ઘાવ ક્યાં છે?

તું જ કાયમ લઈ સતાવે છે, સમય પણ
કોક દી તો આપ! મારો દાવ ક્યાં છે?

લોક શ્રદ્ધા લઈને ધસમસતા રહ્યા
તર્કનો પણ હોય એ અટકાવ ક્યાં છે?

એય પાછો ન્યાય તોળે છે ખરો
પહોંચે એને એવી સાચી રાવ ક્યાં છે?

છેક મઝધારે અમે ડૂબ્યા છે, પણ તેં  
મોકલી ઉગારવા એ નાવ ક્યાં છે?

દર્દ સાંખીને અમે આનંદ વહેંચ્યો
મિત્ર! ક્યાં છે? આપણો શિરપાવ ક્યાં છે?

અશોક જાની ‘આનંદ’
ગઝલસંગ્રહ ઃ ‘અવતરણ અજવાસનું’

columnists hiten anandpara