બિનજરૂરિયાતની યાદી મોટી થાય ત્યારે જરૂરિયાતની યાદી ટૂંકી થવા માંડે છે

29 September, 2020 04:12 PM IST  |  Mumbai | Manoj Joshi

બિનજરૂરિયાતની યાદી મોટી થાય ત્યારે જરૂરિયાતની યાદી ટૂંકી થવા માંડે છે

પ્રતીકાત્મક તસવીર

બે દિવસ પહેલાં કરકસર અને કંજૂસાઈ પર લખ્યું એ માટે અનેક લોકોના મેસેજ અને ફોન આવ્યા છે. સૌકોઈની એક જ ફરિયાદ છે, જરૂરિયાતોના નામે બિનજરૂરિયાતોની યાદી લાંબી થતી જાય છે. ખોટું નથી. એક સમય હતો જ્યારે જરૂરિયાત કોને કહેવાય એની પણ સમજણ નહોતી પડતી અને આજે કોઈ પણ બાળકને જોઈ લો તો તમને એની જરૂરિયાતનું લિસ્ટ વાજબી કહેવાય એના કરતાં મોટું દેખાઈ આવશે. બિનજરૂરી કહેવાય એવી જરૂરિયાત જ્યારે ઊભી થવા માંડે ત્યારે નાહકની પરેશાની અને ચિંતાનો પણ એમાં ઉમેરો થવા માંડતો હોય છે. આજે એવું જ થઈ રહ્યું છે. બિનજરૂરી ચીજવસ્તુઓનો જીવનમાં ઉમેરો થઈ ગયો છે. ઇચ્છા ન હોય એવી ચીજવસ્તુઓ હવે પ્રાયોરિટીના લિસ્ટમાં આવી ગઈ છે અને જે જીવનની આવશ્યકતા છે એ આવશ્યકતાઓનું મૂલ્ય ઓછું થવા માંડ્યું છે.
આવું થવાનું એકમાત્ર કારણ છે, દેખાદેખી. વગરકારણની એકબીજાની સામે રાખવામાં આવેલી ઈર્ષ્યા અને એ ઈર્ષ્યામાંથી ઊભો થતો દેખાડો. ફલાણા પાસે આ છે એટલે મારી પાસે એ તો હોવું જ જોઈએ, પણ એનાથી પણ વધારે કંઈક હોવું જોઈએ. ૫૦,૦૦૦ રૂપિયાનો મોબાઇલ ફોન હવે સામાન્ય છે. હમણાં જ મેં એક વેબિનારમાં કહ્યું કે ૫૦,૦૦૦ રૂપિયાનો મોબાઇલ વાપરીને એક વર્ષ પછી એ વેચી નાખનારી જનરેશનને કેવી રીતે પૈસાનું મૂલ્ય સમજાય એ વિચારવાના દિવસો આવી ગયા છે. દેશની મહત્તમ સંખ્યાના લોકો ૫૦,૦૦૦ રૂપિયામાં સોનાના દાગીના કરાવીને દીકરીનાં લગ્ન પૂર્ણ કરે છે અને દીકરીને નવો સંસાર ભેટ ધરે છે જ્યારે એટલા જ રૂપિયાનો મોબાઇલ આપણા મુંબઈની યંગ જનરેશન ખોઈ બેસે પછી પણ એ મોબાઇલ માટે નહીં, મોબાઇલમાં રહેલા ડેટાને લઈને રડતો હોય છે.
રૂપિયો ગૌણ છે અને રૂપિયાનું મહત્ત્વ જીવનમાં કશું જ નથી.
વાત એકદમ સાચી, પણ આ વાત એ સમયે સાચી છે જે સમયે તમે એ રૂપિયા કમાઈ શકવાની ક્ષમતા હાંસલ કરી શક્યા હો. રૂપિયા કમાવાની ક્ષમતા અને ત્રેવડ આવી ન હોય એ સમયે પૈસાને મૂલ્યહીન ગણવાનું કૃત્ય ન કરવું જોઈએ અને આ વાત દરેક યંગસ્ટરને લાગુ પડે છે.
બે દિવસ પહેલાં કહ્યું હતું કે કરકસરની જીવનશૈલી પણ દરેક યુવાને શીખવી જોઈએ અને મા-બાપની ફરજ પણ છે કે એ તેનાં સંતાનોને એ જીવનશૈલી પણ શીખવે. કરકસરની આવડત કેળવી શકાય તો એ કરકસરની આવડત શીખતાં-શીખતાં જ સુખની પરિભાષા પણ સમજાતી હોય છે. મોટા ભાગના લોકોના દુઃખનું કારણ બિનજરૂરી જરૂરિયાત જ હોય છે. જરાય જરૂરી નથી કે જરૂરિયાત ઘટાડવામાં આવે, એવું કહેવાનો અર્થ પણ નથી. કહેવાનો ભાવાર્થ એ છે કે બિનજરૂરી જરૂરિયાતોને પહેલાં ઓળખવામાં આવે અને એ પછી એને ઘટાડવામાં આવે.
મનની શાંતિ અને ખુશીની વ્યાખ્યા બદલાઈ જશે.
ચોક્કસ.

manoj joshi columnists