કુછ શખ્સિયત ઐસી હોતી હૈ જિનકે પાસ આકર વક્ત ભી થમ જાતા હૈ

03 June, 2020 09:05 PM IST  |  Mumbai | Pankaj Udhas

કુછ શખ્સિયત ઐસી હોતી હૈ જિનકે પાસ આકર વક્ત ભી થમ જાતા હૈ

વો બીતે પલ યાદ હૈઃ સુરૈયાજીએ છેક ૨૦ વર્ષે ઘરની બહાર જાહેરમાં આવીને આલબમ લૉન્ચ કર્યું એનાથી મોટી વાત જીવનમાં બીજી કઈ હોઈ શકે?

‘ફિલ્મફેર’ના એડિટર બી. કે. કરંજિયાના દીકરા યઝદ કરંજિયાને મેં  રિક્વેસ્ટ કરી એટલે તેમણે કરંજિયાસાહેબને કહીને સુરૈયાજીને સંદેશો મોકલવાનું કહ્યું. કરંજિયાસાહેબ ખૂબ રિસ્પેક્ટફુલ નામ, જે વિશે મેં તમને ગયા બુધવારે કહ્યું હતું. તેમણે સુરૈયાજીને ફોન પર રિક્વેસ્ટ કરી કે પંકજ ગઝલ-સિંગર છે, તે તમને પર્સનલી મળવા માગે છે. માત્ર અને માત્ર કરંજિયાસાહેબની રિક્વેસ્ટને કારણે સુરૈયાજીએ હા પાડી અને મને પર્સનલી મળવા તેઓ તૈયાર થયાં. આ કન્ફર્મેશન મને યઝદીએ આપ્યું કે તારે બે દિવસ પછી બપોરે ૧૨ વાગ્યે તેમને રૂબરૂ મળવા જવાનું છે.

નક્કી થયેલા દિવસે હું ને મારી વાઇફ ફરીદા બન્ને મરીન ડ્રાઇવ પર કૃષ્ણ મહલ નામના અપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોરના તેમના ઘરે પહોંચ્યાં. સાચું કહું તમને, હું તો તેમને મળતાં પહેલાં જ એકદમ નર્વસ થઈ ગયો હતો. એક સમયનાં મહાન ઍક્ટ્રેસ, ગ્રેટ સિંગરને તમે મળવા જતા હો ત્યારે મનમાં જે મૂંઝવણ આવતી હોય એ મૂંઝવણ એ સમયે મારા મનમાં હતી. ઓળખાણને લીધે સમય મળ્યો હતો, પણ હવે તેઓ શું કહેશે, કેવું રીઍક્ટ કરશે એ બધા પ્રશ્ન મારા મનમાં ચાલતા હતા.

અમે તેમના ઘરે પહોંચ્યાં. હું તેમને પગે લાગ્યો અને પછી તેમની પાસે બેઠો. તેમણે મને કહ્યું કે ‘પંકજ મેં તમારી ગઝલ રેડિયો અને દૂરદર્શન પર અનેક વાર સાંભળી છે અને મને ગમે છે.’ મારે માટે આ વાત બહુ મોટી હતી. આભાર વ્યક્ત કરીને મેં તેમને આખું બૅકગ્રાઉન્ડ આપ્યું અને એમાં રૉયલ આલ્બર્ટ હૉલના આલબમની વાત પણ કરી અને કેવી રીતે એ આખું આલબમ લાઇવમાં રેકૉર્ડ કરવામાં આવ્યું છે એ પણ કહ્યું.. મેં વિનંતી કરતાં કહ્યું કે ‘હમ ચાહતે હૈં કિ આપ કે હાથોં યે આલબમ સબ કે સામને આયેં, રિલીઝ હો.’

જે જવાબની ખાતરી હતી એ જ જવાબ તેમની પાસેથી આવ્યો...

‘મૈંને બહાર જાના ૧૯૬૩ સે છોડ દિયા હૈ, પબ્લિક મેં જાતી હીં નહીં હૂં...’

મારી પાસે બીજી કોઈ વાત નહોતી. મને ખબર હતી કે તેમણે ઑલમોસ્ટ ૨૦ વર્ષથી બહાર જવાનું છોડી જ દીધું હતું. તેમનો કોઈ પબ્લિક અપીરિયન્સ હતો જ નહીં. લોકોને પણ ખબર નહોતી કે હવે તેઓ કેવાં દેખાય છે. તેમના ફૅન્સને પણ અણસાર નહોતો કે તેઓ કેવાં દેખાતાં હશે અને હકીકત સાવ જુદી હતી. તેઓ એટલાં સુંદર દેખાતાં હતાં કે તેમને જોયા પછી કોઈ પણ માણસ હતપ્રભ બની જાય. તેમણે સાડી પહેરી હતી. ચહેરો ખૂબસૂરત ચમક ધરાવતો હતો. ઉંમરનો અણસાર ક્યાંય દેખાતો નહોતો. ખૂબ જાજરમાન લાગતાં હતાં તેઓ.

સુરૈયાજીએ કારણ આપ્યું એટલે મેં વિનંતીની સાથોસાથ તેમની પાસે જીદ કે પછી કહો કે હક જતાવવાનો શરૂ કર્યો કે ‘આપ આવો. મારી બહુ ઇચ્છા છે કે આપના હાથે આ આલબમ સૌકોઈની સામે આવે.’ તેમની બોલકી આંખોથી તેઓ મારી વાત સાંભળી રહ્યાં હતાં. મેં એ વાતોમાં જ ‘ચાંદી જૈસા રંગ હૈ તેરા...’ પૉપ્યુલર ગઝલની પણ વાત કરી કે આમાં એક ગઝલ એ છે જેને માટે ઑલમોસ્ટ ચારથી છ મહિના સુધી અમે હેરાન થયા છીએ અને એ પછી એ ગઝલને ફાઇનલ સ્વરૂપ મળ્યું છે. મેં તેમને કહ્યું કે ‘આપ એટલાં ગૉર્જિયસ લાગો છો કે આપના ફૅન પણ ખુશ થઈ જશે. તેમને એવું લાગશે કે તેમનાં મહાન સિંગર અને ઍક્ટ્રેસ હજી પણ એવાં ને એવાં જ લાગે છે.

‘ઉંમર તો અપના કામ કરેગી હી...’

‘હા પર કુછ શખ્સિયત ઐસી હોતી હૈ જિનકે પાસ આકર વક્ત ભી થમ જાતા હૈ...’

તેમને મારી આ વાતથી કૉન્ફિડન્સ આવ્યો હોય એવું મને લાગ્યું. અમારી વાતો ચાલુ રહી, પણ એ વાતોમાં પછી ન આવવા વિશે કોઈ ચર્ચા નહોતી. ગઝલની, તેમના સમયની, લંડનની, રૉયલ આલ્બર્ટ હૉલની અને એવા અનેક વિષય પર વાતો થઈ અને એ વાતો વચ્ચે તેમનો આત્મવિશ્વાસ બુલંદ બનવા માંડ્યો એવું હું અત્યારે ધારી લઉં છું. વાતના એક પડાવ પર તેમણે મને કહ્યું કે ‘ચાલ, હું આવું છું, પણ મને અંદરથી ડર લાગે છે. કોઈ અજીબ સી બેચૈની હોતી હૈ.’

‘લંબે વક્ત કા યે અસર હૈ ઔર આપ બાકી સબ ભૂલ જાઈએ, સિર્ફ પાંચ મિનિટ... પાંચ મિનિટ કે લિએ આઇયે. આપકો ભી બહોત અચ્છા લગેગા.’

તેમણે કહ્યું કે અત્યારે હું હા નથી પાડતી, પણ મારી ના પણ નથી. મને જરાક વિચારી લેવા દે. અમે ત્યાંથી રવાના થયાં, પણ હવે મને ખાતરી હતી કે તેઓ આવશે એટલે મેં મ્યુઝિક ઇન્ડિયાના સ્ટાફને પણ કામે લગાડીને બધી વ્યવસ્થા કરી લીધી અને વચ્ચેના સમયમાં મેં તેમની પરમિશન લઈ લીધી. અરેન્જમેન્ટ પણ ખૂબ કરવાની હતી જેથી પોતાનાં ફેવરિટ ઍક્ટરને જોવા માટે કોઈ જાતની ટોળાશાહી ન થાય અને ધક્કામુક્કી ન સર્જાય. મ્યુઝિક ઇન્ડિયાની જ એક ટીમ તૈયાર કરી, જે તેમને ઑડિટોરિયમ પર લઈ આવે. સિક્યૉરિટી પણ ગોઠવી દીધી અને ઑગસ્ટ મહિનાનો એ દિવસ આવી ગયો જે દિવસે સુરૈયાજી ઑલમોસ્ટ ૨૦ વર્ષે બહાર આવવાનાં હતાં, પબ્લિક સામે હાજર થવાનાં હતાં.

સોફિયા કૉલેજના ઑડિટોરિયમમાં આ કૉન્સર્ટ હતી. સમય નજીક આવતો જતો હતો એમ-એમ એક્સાઇટમેન્ટનું લેવલ વધવા માંડ્યું હતું અને એ દિવસે તો એક્સાઇટમેન્ટ ચરમસીમા પર પહોંચી ગયું હતું. સુરૈયાજી, ધી ગ્રેટ સુરૈયાજી આવવાનાં છે. નિર્ધારિત સમયે તેઓ આવી પહોંચ્યાં અને આવીને ઑડિયન્સમાં બેસીને મારી ગઝલ સાંભળી, મેં તૈયારી રાખી હતી કે તેઓ આવે એટલે મારે કઈ ગઝલ તેમની સામે રજૂ કરવાની. એ જ ગઝલ જે આજે પણ સૌકોઈના મોઢે છે...

‘ચાંદી જૈસા રંગ હૈ તેરા, સોને જૈસે બાલ

એક તૂ હી ધનવાન હૈ ગોરી, બાકી સબ કંગાલ...’

સુરૈયાજીએ આખી ગઝલ સાંભળી અને એ પછી તેમના નામનું અનાઉન્સમેન્ટ થયું અને તેઓ સ્ટેજ પર આવ્યાં. સ્ટેજ પર આવીને તેમણે ‘પંકજ ઉધાસ લાઇવ ઇન રૉયલ ‍આલ્બર્ટ હૉલ’ આલબમનું લોકાર્પણ કર્યું. એ સમય લૉન્ગપ્લે રેકૉર્ડનો હતો. કૅસેટ ત્યારે એટલી પૉપ્યુલર નહોતી થઈ. સુરૈયાજીએ આવીને એ લૉન્ગપ્લે રેકૉર્ડ પર બાંધેલી રિબિન ખોલી. ખૂબ તાળીઓ પડી અને ધમાલ મચી ગઈ.

સુરૈયાજી માઇક હાથમાં નહોતાં લેવાનાં પણ એ દિવસે તેમણે સામેથી મ્યુઝિક ઇન્ડિયાના અધિકારીઓના હાથમાંથી માઇક લીધું અને પછી શૉર્ટ સ્પીચ આપી, જેમાં તેમણે મને ખૂબ આશીર્વાદ આપ્યા. લોકો મંત્રમુગ્ધ થઈ ગયા. આ એ જ અવાજ હતો જેના પર સિક્કા ઊછળતા હતા. ફિલ્મ બૉક્સ-ઑફિસ પર ટંકશાળ સર્જી દેતી હતી...

‘અય દિલે નાદાં તુઝે હુઆ ક્યા હૈ,

આખિર ઇસ દર્દ કી દવા ક્યા હૈ...’

આલબમ રિલીઝ કરવાની ફૉર્માલિટી પૂરી કરીને તેમણે આંખના ઇશારાથી જ કહ્યું કે હવે હું નીકળું છું. હું તેમને ગેટ સુધી વળાવવા માટે ગયો. ફંક્શનથી, લોકો વચ્ચે આવીને તેઓ ખૂબ જ ખુશ હતા. એ સમયે સોશ્યલ મીડિયા નહોતું. ટ્વિટર કે ફેસબુકનો જન્મ પણ નહોતો થયો અને ટીવી પણ આજના ટિપિકલ ટીવી જેવું નહોતું. ‘આપ કો આજ કૈસા લગતા હૈ?’ અને ‘આપ કા ક્યા માનના હૈ?’ જેવા સવાલ પૂછનારાઓ પણ નહોતા. ન્યુઝપેપર હતાં અને એનો જ દબદબો હતો. આપ માનશો નહીં, પણ બીજા દિવસે બધાં ન્યુઝપેપરના પહેલા પાને આ જ વાત, સુરૈયાજી દેખાયાં જાહેરમાં. આખી પ્રિન્ટ મીડિયાની દુનિયામાં ખળભળાટ મચી ગયો હતો. ૨૦ વર્ષ પછી આજે સુરૈયાજી લોકો સમક્ષ આવે છે અને કેવાં લાગે છે એની જ વાત બધી જગ્યાએ ચાલતી હતી. તમે પણ તેમને જોશો તો તમને ગ્રેસફુલ લાગશે. તેમનું વ્યક્તિત્વ અને તેમની જાજરમાન પ્રતિભા આજે પણ ફોટોમાંથી એવી જ ઝળકે છે. ફંક્શન પછી મારી તેમની સાથે વાત થઈ તો ખબર પડી કે તેઓ ખૂબ રાજી થયાં હતાં. તેમણે મને કહ્યું કે ‘સારું થયું લોકો સામે આવવાનો મને આ અવસર મળ્યો. મને અંદરથી એક ડર હતો કે લોકો સામે આવીશ ત્યારે તેઓ કેવી રીતે વર્તશે કે પછી શું થશે? પણ એ ડર નીકળી ગયો. આ ડર કાઢવા માટે પંકજ તારો ખૂબ-ખૂબ આભાર.’

આજે પણ જ્યારે મારા કાને ‘ચાંદી જૈસા રંગ હૈ તેરા...’ના શબ્દો પડે ત્યારે સૌથી પહેલાં જો કોઈ યાદ આવે તો એ સુરૈયાજી છે.

columnists pankaj udhas