ક્યારે પાટે ચડશે ટૂરિઝમની ગાડી?

12 July, 2020 07:18 PM IST  |  Mumbai | Varsha Chitaliya

ક્યારે પાટે ચડશે ટૂરિઝમની ગાડી?

વૈશ્વિક મહામારી બાદ સહેલાણીઓ વિદેશયાત્રા કરતાં પહેલાં સો વાર વિચાર કરશે એવું ચર્ચાઈ રહ્યું છે. દુનિયાભરના ટ્રાવેલ એજન્ટોને બિઝનેસ દેખાતો નથી, જ્યારે ભારતના હૉલિડે પ્લાનરોએ બિઝનેસને બેઠો કરવાની દિશામાં બમણા જોશથી કામકાજ શરૂ કરી દીધું છે. તેમનું માનવું છે કે યોગ અને આયુર્વેદનું આકર્ષણ, આશ્રમો અને મંદિરો, વાઇલ્ડલાઇફ, હિમાલયની બ્યુટી તેમ જ ફૂડ ઍન્ડ શૉપિંગ વધુ ને વધુ વિદેશી સહેલાણીઓને ભારત તરફ ખેંચી લાવશે. કોરોના પછીનો સમય ભારતીય ટૂરિઝમ માટે ગોલ્ડન પિરિયડ લઈને આવશે.

વૈશ્વિક મહામારીના કારણે દેશ-વિદેશના પ્લાન કૅન્સલ થતાં ગ્લોબલ ટૂરિઝમને અબજો ડૉલરનો આર્થિક ફટકો પડ્યો છે. નિષ્ણાતોનું માનવું છે કે હરવા-ફરવા માટે લોકો પાસે પૈસા ખૂટી જતાં ટૂરિઝમ ઇન્ડસ્ટ્રીને રિકવર થતાં ઘણો લાંબો સમય લાગવાનો છે. વિશ્વના દરેક દેશ ઇકૉનૉમીને બેઠી કરવા પ્રયાસો કરી રહ્યા છે, જેમાં ટૂરિઝમને પ્રમોટ કરવા પર ખાસ ભાર મૂકવામાં આવી રહ્યો છે. છ-આઠ મહિનામાં ગાડી પાટે ચડશે એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. જોકે વિદેશ ફરવા જવાનો મોહ ધરાવતા ભારતીય સહેલાણીઓ હવે વિદેશ તરફ મીટ માંડતાં પહેલાં સો વાર વિચાર કરશે એવું ચર્ચાઈ રહ્યું છે. તો શું ભારતીયો ફૉરેન ટૂર નહીં કરે? શું વિદેશીઓ ભારત આવશે? ભારતીય ટૂરિઝમનું ફ્યુચર કેવું હશે? ચાલો, ટ્રાવેલ એજન્ટોના બિઝનેસ પ્લાન અને ભૂતકાળમાં વિદેશ ફરી આવેલા સહેલાણીઓના ફ્યુચર પ્લાન જાણીએ.

ફૉરેન ટૂરો ઓછી થશે?

વિદેશ ફરવા જનારા સહેલાણીઓની સંખ્યા ઘટશે? આ પ્રશ્નનો જવાબ આપતાં પવઈ અને નરિમાન પૉઇન્ટ ખાતે ઑફિસ ધરાવતાં વાઇબ્રન્ટ એક્સ્પીરિયન્સિસનાં હૉલિડે પ્લાનર નિહારિકા મરદા કહે છે, ‘જ્યાં સુધી લોકો કમ્ફર્ટ ફીલ નહીં કરે ફૉરેન ફરવા નહીં જાય. ફૉરેન ટૂરો ઓછી થશે પણ બંધ નથી થવાની. લાંબા સમયથી ઘરમાં બેસીને લોકો કંટાળ્યા છે. અમારા જૂના ક્લાયન્ટ્સ ઇન્ટરનૅશનલ ટૂર ક્યારે શરૂ થશે એની પૂછપરછ કરે છે. આફ્રિકાના દેશોમાં જંગલ સફારીનો ક્રેઝ વર્તમાન માહોલમાં પણ જળવાઈ રહ્યો છે. જોકે સરકારી ધારાધોરણો અને કેટલાક નિયમોના લીધે બિઝનેસને ઇફેક્ટ થશે. ઓવરસીઝ ઇન્શ્યૉરન્સમાં કેવા ચેન્જિસ આવે છે એ જોવું પડશે. દરેક દેશ ટૂરિસ્ટોને આકર્ષવા જુદી ગાઇડલાઇન બહાર પાડશે. અમે ત્યાંથી ગ્રીન સિગ્નલ મળવાની રાહ જોઈ રહ્યા છીએ. દુબઈ અને થાઇલૅન્ડમાં કોરોનાના કેસ ઓછા હોવાથી શરૂઆતમાં લોકો આ સ્થળો પ્રિફર કરશે. હાલમાં વેઇટ ઍન્ડ વૉચ એકમાત્ર વિકલ્પ છે.’

સામાન્ય રીતે નવેમ્બર-ડિસેમ્બરમાં વિદેશ ફરવા જવાનું બુકિંગ અત્યારે ચાલુ હોય છે, પરંતુ આ વર્ષે ફૉરેન ટૂરની ઇન્ક્વાયરી સાવ ઓછી થઈ ગઈ છે એમ જણાવતાં વેદ વૉયેજિસના ફાઉન્ડર તેજલ વેદ કહે છે, ‘યુરોપ-અમેરિકામાં કેસ વધુ હોવાથી લોકો રિસ્ક નહીં લે. ફૉરેન ફરવા જવાનો ક્રેઝ સો ટકા ઓછો થવાનો છે. મેડિકલ ઍન્ડ ઇકૉનૉમિકલ ઇશ્યુ ટૉપ પર છે. આપણે ત્યાં લોકો હરવા-ફરવા માટે મની સાઇડમાં મૂકતાં હોય છે. જમ્મુ-કાશ્મીરના બજેટમાં અપર મિડલક્લાસ ફૅમિલી દુબઈ અને થાઇલૅન્ડ જઈ ફૉરેન ફરી આવ્યાની ખુશી અનુભવે છે. ઘેરબેઠાં લોકોનું આ સેવિંગ ખર્ચાઈ ગયું છે. ઇન્ટરનૅશનલ ફ્લાઇટ શરૂ થયા બાદ કેટલાક સહેલાણીઓ ઍરલાઇન્સ પાસે જમા થયેલી ક્રેડિટ વાપરવા માટે ટૂર કરે તો નવાઈ નહીં. લૉકડાઉનના લીધે વેકેશન અને હનીમૂન સીઝન ધોવાઈ ગઈ છે. જે લોકોએ અગાઉથી ફ્લાઇટનું બુકિંગ કરી રાખ્યું હતું તેમને પૈસા પાછા આપવાની જગ્યાએ ક્રેડિટ આપવામાં આવી છે. મની વેસ્ટ ન જાય એવું વિચારીને લોકો ફરવા જશે, પરંતુ નવાં બુકિંગ નહીં થાય. હવે ડોમેસ્ટિક ટૂરિઝમનો ટ્રેન્ડ પાછો આવશે.’

ઇનબાઉન્ડ ટૂરિઝમ

ઇન્ડિયન ટૂરિસ્ટોમાં ફૉરેન ટૂરનો ક્રેઝ ઘટશે તો શું વિદેશીઓ ભારત આવશે? મુંબઈ, ગુજરાતનાં જુદાં-જુદાં શહેરો, દુબઈ અને જપાનમાં ઑફિસ ધરાવતા પટેલ હૉલિડેઝનાં ટીમ મેમ્બર મિત્તલ ગોરડિયા આ સંદર્ભે વાત કરતાં કહે છે, ‘યુએસ અને યુરોપમાં કોરોનાના હાઇએસ્ટ કેસ હોવાથી ભારતીય સહેલાણીઓ આ દેશોમાં ફરવા જવાનું પસંદ નહીં કરે. ઇકૉનૉમિકલ પોઈન્ટ ઓફ વ્યુથી જોઈએ તો આવનારા સમયમાં વિદેશયાત્રા પર બ્રેક લાગવાની છે. દર વર્ષે ફૉરેન ફરવા જવાનો મોહ રાખનારા ટૂરિસ્ટોનો ઝુકાવ દુબઈ, સિંગાપોર, થાઇલૅન્ડ સુધી સીમિત રહેશે એવું દેખાતાં અમે બિઝનેસ સ્ટ્રૅટેજી ચેન્જ કરી છે. અત્યાર સુધી અમારું ફોકસ ભારતીય સહેલાણીઓને વિદેશ મોકલવા પર હતું. હવે વધુમાં વધુ વિદેશીઓને ભારત ખેંચી લાવીશું. હવે પછીનો સમયગા‍ળો ઇનબાઉન્ડ ટૂરિઝમનો હશે.’

આયુર્વેદ અને યોગમાં વિદેશીઓને બહુ રસ પડે છે. અમારી કંપનીએ ઋષિકેશના કેટલાક આશ્રમો સાથે ટાઇઅપ કરી ઑડિયો-વિઝ્યુઅલ પીપીટી તૈયાર કર્યું છે એવી માહિતી આપતાં મિત્તલ ગોરડિયા કહે છે, ‘બિઝનેસને નવી દિશા આપવા બે મહિનાથી ૧૪ જણની ટીમ બમણા જોશથી કામ કરી રહી છે. ડિજિટલ પ્લૅટફૉર્મના માધ્યમથી અમે વિદેશી ટૂરિસ્ટો સાથે વાત કરી તેમની પસંદ-નાપસંદ જાણવાનો પ્રયાસ કર્યો છે. ભારતની કલ્ચરલ વૅલ્યુનું તેમને આકર્ષણ છે. ઉત્તરાખંડના આશ્રમો, કેરળમાં આયુર્વેદિક ઉપચારો, ગુજરાતમાં ગીરનાં જંગલો અને સોમનાથનું મંદિર, સ્ટૅચ્યુ ઑફ યુનિટી અને અમદાવાદનો સાબરમતી આશ્રમ તેમ જ રિવરફ્રન્ટ જોવાની ઇચ્છા તેમણે વ્યક્ત કરી છે. ઑનલાઇન અપ્રોચ બાદ બિઝનેસ ટૉવર્ડ્સ ઇન્ડિયા બૂસ્ટ થશે એવું અમને જણાઈ રહ્યું છે. કોરોના બાદ ઇન્ડિયન ટૂરિઝમનો સારો સમય આવવાનો છે.’

આવનારા સમયમાં ઇનબાઉન્ડ બિઝનેસને વેગ મળશે એ વાત સાથે સહમત થતાં નિહારિકા મરદા કહે છે, ‘અમારી કંપની ટ્રાવેલને કલ્ચરલ પ્રોડક્ટ તરીકે લૉન્ચ કરે છે. ટ્રાવેલનો અર્થ જ એ છે કે તમે કંઈક જુદી દુનિયા જુઓ. આપણને સ્વિટ્ઝરલૅન્ડના પર્વતો આકર્ષે છે, કારણ કે સ્નોફૉલ અને આટલો બરફ આપણને અહીં જોવા મળતો નથી. ત્યાંના લોકો બરફથી કંટાળે છે જ્યારે આપણે એમાં આળોટીએ છીએ. એવી જ રીતે વિદેશીઓને આપણી સંસ્કૃતિનું અટ્રૅક્શન છે. ન્યુ એજ જનરેશનના ટૂરિસ્ટ લોકલ પીપલને મળી એ સ્થળની કલ્ચરલ વૅલ્યુ અને ફૂડનો અનુભવ લેવામાં રસ ધરાવે છે. રાજસ્થાનની આગતા-સ્વાગતા, તામિલનાડુનાં ભવ્ય મંદિરો અને સો પ્રકારના વેજિટેરિયન ફૂડ તેમના માટે નવું છે. વિદેશીઓને અહીં ખેંચી લાવવામાં આવતાં ઇન્ડિયન ટૂરિઝમ અને ઇકૉનૉમીને લાભ થશે. જોકે ભારતીયોએ દૃષ્ટિકોણ બદલવાની સખત જરૂર છે. વિદેશીઓ પાસેથી વધુ પૈસા પડાવવાની દાનત ન રાખો. વિદેશથી આવતા સહેલાણીઓને ખરા અર્થમાં અતિથિ દેવો ભવની અનુભૂતિ થશે તો ૨૦૨૧માં ભારતીય પ્રવાસનને ગતિ મળશે.’

ડોમેસ્ટિક ટૂરિઝમ

વિદેશી સહેલાણીઓ ભારત તરફ ખેંચાશે અને ભારતીયો ડોમેસ્ટિક ટૂર કરશે. ટૂરિઝમને ડબલ ફાયદો થશે એવો અભિપ્રાય આપતાં તેજલ વેદ કહે છે, ‘અમારી કંપનીએ હાલમાં ફૉરેન ટૂરને પ્રમોટ કરવાનું લગભગ બંધ જ કરી દીધું છે. અમારું ફોકસ માત્ર ડોમેસ્ટિક ટૂર પર છે. ઉત્તરાખંડ, ગુજરાત, કેરળ, રાજસ્થાન અને યુપી મુખ્ય આકર્ષણ છે.’

ઉત્તરાખંડમાં ટૂરિસ્ટોની સંખ્યા બમણી થવાના પૂરેપૂરા ચાન્સિસ છે એમ જણાવતાં મિત્તલ ગોરડિયા કહે છે, ‘ભારતનું આ રાજ્ય ટૉપ પર રહેવાનું છે. ત્યાર બાદ કેરળનો નંબર આવે છે. છ મહિનામાં તમામ રાજ્યો માટેનું બુકિંગ શરૂ થઈ જશે. લોકોનું માઇન્ડ ઇન્ડિયા તરફ સેટ થવા લાગ્યું છે. આ ઉપરાંત આપણા દેશના લોકો પણ હવે ભારત પૂરું જોઈએ લઈએ એવું વિચારતા થયા છે. આવતું વર્ષ સોએ સો ટકા ભારતનું હશે.’

મહામારી બાદ લોકો ખોટેખોટા અને દેખાદેખીમાં ફરવા નહીં નીકળે. પર્પઝફુલ ટ્રાવેલનો ટ્રેન્ડ ડોમેસ્ટિક ટૂરિઝમનો બૂસ્ટર ડોઝ બનશે. નિહારિકા મરદા કહે છે, ‘લોકો ખરા અર્થમાં રિલૅક્સેશન માટે બહાર નીકળશે. ભારતીય સહેલાણીઓ ઉપરાંત ન્યુ ઝીલૅન્ડ, સાઉથ આફ્રિકા, ઑસ્ટ્રેલિયા અને રશિયાના ટૂરિસ્ટો સાથે અમે ડાયરેક્ટ કનેક્ટ થઈ રહ્યા છીએ. તેમના પૉઇન્ટ્સ નોટડાઉન કરવામાં આવ્યા છે. ફૉરેન ટૂરિસ્ટોને ભારતમાં ખેંચી લાવવા અમે કટિબદ્ધ છીએ.’

ટ્રાવેલ એજન્ટો સાથે થયેલી વાતચીત, તેમની પ્રોડક્ટ અને મહેનત જોતાં ઇન્ડિયન ટૂરિઝમનું ફ્યુચર બ્રાઇટ લાગે છે. દેશ-વિદેશ ફરવાના શોખીનોનો ઝુકાવ ભારત તરફ વધુ હોય એવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. કોઈ પણ દેશની ઇકૉનૉમીમાં ટૂરિઝમનો ફાળો મુખ્ય હોય છે એ જોતાં ભારતમાં ગોલ્ડન પિરિયડ આવવાનો છે.

આફ્રિકાના દેશોમાં જંગલ સફારીનો ક્રેઝ વર્તમાન માહોલમાં પણ જળવાઈ રહ્યો છે. એ સિવાયના દેશનું આકર્ષણ ઓસરી રહ્યું છે. અમારી કંપની ટ્રાવેલને કલ્ચર પ્રોડક્ટ તરીકે લૉન્ચ કરી રહી છે. ન્યુ એજ જનરેશનના ટૂરિસ્ટને રાજસ્થાનની આગતા-સ્વાગતા, તામિલનાડુનાં ભવ્ય મંદિરો અને વેજિટેરિયન ફૂડ આકર્ષે છે. ફૉરેન ટૂરિસ્ટોની ચૉઇસને ધ્યાનમાં રાખી તેમને અહીં ખેંચી લાવવામાં આવતાં ઇન્ડિયન ટૂરિઝમ અને ઇકૉનૉમીને લાભ થશે.

- નિહારિકા મરદા, હૉલિડે પ્લાનર

જે લોકોએ અગાઉથી ફ્લાઇટનું બુકિંગ કરી રાખ્યું હતું તેમને પૈસા પાછા આપવાની જગ્યાએ ઍરલાઇન્સ દ્વારા ક્રેડિટ આપવામાં આવી હોવાથી મની વેસ્ટ ન જાય એવું વિચારી વિદેશ જનારા લોકો હશે, પરંતુ નવાં બુકિંગ નહીં થાય. હવે ડોમેસ્ટિક ટૂરિઝમનો ટ્રેન્ડ પાછો આવશે. વૈશ્વિક સિનારિયો જોતાં અમારું ફોકસ માત્ર ડોમેસ્ટિક ટૂરને પ્રમોટ કરવા પર છે જેમાં ઉત્તરાખંડ, ગુજરાત, કેરળ, રાજસ્થાન અને યુપી મુખ્ય આકર્ષણ છે

- તેજલ વેદ, હૉલિડે પ્લાનર

દેશદુનિયા ખૂંદવાના શોખીનોનો હવેનો ટ્રાવેલ-પ્લાન કેવો છે?

બે વર્ષ સુધી યુરોપ-અમેરિકાની ટૂરની તો વાત જ નહીં કરવાની: વિનીત સાવલા, ટ્રાવેલર

જંગલ સફારી ટૂરનું જબરદસ્ત આકર્ષણ ધરાવતા ઘાટકોપરના વિનીત સાવલા સામાન્ય રીતે વર્ષમાં ત્રણેક વાર ડોમેસ્ટિક અને એક વાર ફૉરેન ટૂર પ્લાન કરતા હોય છે. કોવિડ-19ની ભારતમાં એન્ટ્રી થઈ એ પહેલાં તેઓ લંડન ફરી આવ્યા હતા. ભૂતકાળમાં જર્મની, યુએસ અને યુરોપ સહિત અનેક જગ્યાએ જઈ આવ્યા છે. આ વર્ષે કેન્યાનો પ્લાન હતો એમ જણાવતાં તેઓ કહે છે, ‘મસાઇમારા વાઇલ્ડલાઇફ જોવા જવાની ખૂબ ઇચ્છા હતી. જુલાઈ મહિનામાં ત્યાં ઍનિમલ માઇગ્રેશનનો પિરિયડ હોય છે. અમને હરવા-ફરવાનો ગાંડો શોખ છે. ત્રણ-ચાર ફૅમિલી મળીને જઈએ એટલે જલસો પડી જાય. અત્યારે એટલો કંટાળ્યો છું કે ઇન્ટરનૅશનલ ફ્લાઇટ ચાલુ થાય એટલી વાર છે. જપાન કે ન્યુ ઝીલૅન્ડની સીઝન જોઈ પ્લાન કરીશું. જોકે બે વર્ષ સુધી યુરોપ અને યુએસ બાજુ ફરવા નથી જવું. આવનારા સમયમાં અનેક કારણોસર ફૉરેન જનારા ટૂરિસ્ટોની સંખ્યા ઘટવાની છે. લોકોને ઇકૉનૉમિકલી બેઠાં થતાં વાર લાગશે. વર્તમાન માહોલમાં ફૉરેન ટૂર પ્લાન કરતી વખતે ઘણું વિચારવું પડે. ઓવરસીઝ મેડિકલ ઇન્શ્યૉરન્સ હોય તો પણ ડર લાગવાનો છે. અજાણી જગ્યાએ બીમાર પડો તો હેલ્પલેસ થઈ જાઓ અને ફસાઈ જાઓ તો બજેટ ખોરવાઈ જાય, જ્યારે ઇન્ડિયામાં કોઈ પણ રાજ્યમાં તબીબી સહાયની જરૂર પડે તો કોઈક રીતે કૉન્ટૅક્ટ થઈ જાય. જરૂર પડે તો ઘરભેગા થઈ જવાય. આમ ડોમેસ્ટિક ટૂર બધી રીતે સુટેબલ રહેશે. અમે કાશ્મીરથી કન્યાકુમારી બધું જોઈ લીધું છે. માત્ર આસામ બાકી છે. જો વિદેશ ફરવા નહીં જવાય તો આસામનો પ્લાન છે. જંગલ સફારીમાં સોશ્યલ ડિસ્ટન્સનો પ્રૉબ્લેમ નહીં આવે.’

નેક્સ્ટ મે મહિના સુધી કાંઈ નહીં, એ પછી કોરોનાના કેસ ઓછા હશે ત્યાં જઈશું: નિમેષ જંબુસરીઆ, ટ્રાવેલર

નવું વર્ષ શરૂ થાય એટલે સૌથી પહેલાં મે મહિનામાં વાઇફનો બર્થ-ડે સેલિબ્રેટ કરવા, પછી મૉન્સૂન સીઝનને માણવા અને ડિસેમ્બરમાં ઍનિવર્સરી સેલિબ્રેશન માટે બહારગામ ફરવા જવાનો વણલખ્યો નિયમ છે બોરીવલીના પ્રકૃતિપ્રેમી નિમેષ જંબુસરીઆનો. હમણાં સુધી તેઓ ભારતનાં જુદા-જુદા હિલ સ્ટેશનો પર ફરવા જતા હતા. છેલ્લાં ત્રણેક વર્ષથી વિદેશ ફરવા જવાનું શરૂ કર્યું છે. દુબઈ, બૅન્ગકૉક, પટાયા, સિંગાપોર જઈ આવ્યા છે. રિફ્રેશમેન્ટ માટે વેકેશન મૂડ જોઈએ એમ જણાવતાં તેઓ કહે છે, ‘અત્યારે ક્યાંય જવાનો મૂડ નથી. કોરોના-સંક્રમણના કેસ જોતાં આવતા વર્ષના મે મહિના સુધી અમે ફૉરેન ટૂર પ્લાન કરવાના નથી. એ પછી જે જગ્યાએ કેસ ઓછા હશે ત્યાં કદાચ જઈએ. વાસ્તવમાં સ્વિટ્ઝરલૅન્ડનું પ્લાનિંગ છે. મારી દીકરી જર્મનીમાં રહેતી હોવાથી બન્ને જગ્યાએ એકસાથે ફરી શકાય એમ છે. ત્યાંની સરકારની માર્ગદર્શિકા જોયા બાદ નક્કી કરીશું. જો સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવું ફરજિયાત હશે તો જવાનો અર્થ નથી. માસ્ક પહેરીને ફરવામાં મજા નથી. હોટેલમાં પડ્યા રહેવામાં વેસ્ટ ઓફ મની થાય. મારા કઝિનની ફૅમિલી ત્રણ મહિના પછી ન્યુ ઝીલૅન્ડથી પાછી ફરી. વિદેશમાં આવી કોઈ મુસીબત આવે એના કરતાં આપણું કુલુ-મનાલી બેસ્ટ હિલ સ્ટેશન છે. વિશ્વના દેશોની સરખામણીએ ભારતમાં ફરવું સુરક્ષિત છે. કોરોના પછી ટૂરિસ્ટો સ્થળ કરતાં સલામતીને પ્રાથમિકતા આપશે. મને લાગે છે કે એકાદ વર્ષ લોકો ડોમેસ્ટિક ટૂર જ પસંદ કરશે. જોકે ઇન્ડો-ચીન બૉર્ડર ટેન્શનના લીધે લેહ-લદ્દાખ તરફ જનારા ટૂરિસ્ટોની સંખ્યા પણ ઘટશે.’

એક વર્ષ ભૂતાનથી આગળ નથી જવું: પૂર્વેશ શાહ, ટ્રાવેલર

સાત વર્ષમાં ઇન્ડોનેશિયા, ન્યુ ઝીલૅન્ડ, મલેશિયા, બાલી, બૅન્ગકૉક જેવાં અનેક સ્થળોએ ફરી આવેલા બોરીવલીના પૂર્વેશ શાહ ફૉરેન ડેસ્ટિનેશન પર બ્રેક મૂકવાનું વિચારી રહ્યા છે. તેઓ કહે છે, ‘માર્ચ એન્ડિંગ બાદ મને રિલૅક્સેશનની બહુ જરૂર હોય છે. આ વર્ષે વર્કલોડ અને થાક જેવું કશું છે નહીં. સામાન્ય રીતે અમે મે મહિનામાં વિદેશયાત્રા કરીએ છીએ. ફૅમિલી અથવા ફ્રેન્ડ્સનું ગ્રુપ બનાવીને જઈએ. ઍડ્વેન્ચરસ ઍક્ટિવિટી સાથે વીસેક દિવસનો પ્રોગ્રામ હોય. અત્યારે વિદેશમાં વાતાવરણ સુરક્ષિત નથી. ઇન્ટરનૅશનલ બૉર્ડર સ્ટાર્ટ થયા પછી પણ એક-દોઢ વર્ષ સુધી વેકેશન જેવો માહોલ દેખાય એવું મને નથી લાગતું. સોશ્યલ ડિસ્ટન્સની ગાઇડલાઇન ટૂરિસ્ટોને આકર્ષી નહીં શકે. ફૉરેન ટૂરમાં દરેકની તબિયત અને સલામતી વિશે વિચારવું પડે. બિગ બજેટ ટૂરમાં મેન્ટલ સ્ટ્રેસ સાથે જવાથી એનો ચાર્મ રહેતો નથી. સો ટકા ખાતરી નહીં થાય ત્યાં સુધી અમે દૂરના દેશોમાં ફરવા જવાનું ટાળીશું. વધીને ભુતાન કે નજીકના દેશમાં જઈએ. આમેય એશિયા સેફ અને પૉકેટ-ફ્રેન્ડ્લી છે. મોટા ભાગે તો ડોમેસ્ટિક વેકેશન પ્લાન થશે. વેકેશન પ્રોગ્રામ બનાવવાનો હેતુ ફન અને એન્જૉયમેન્ટ છે. બેસ્ટ એ છે કે મુંબઈથી નજીક પંચગની કે મહાબળેશ્વરમાં મસ્ત-મજાનો રિસૉર્ટ બુક કરી રિલૅક્સ થઈ આવો. હમણાં તો આજ શ્રેષ્ઠ વિકલ્પ છે.’

columnists Varsha Chitaliya