કઢાઈ હતી જ નહીં એટલે અમે કુકરમાં ભજિયાં બનાવ્યાં

09 September, 2020 09:22 PM IST  |  Mumbai | Rashmin Shah

કઢાઈ હતી જ નહીં એટલે અમે કુકરમાં ભજિયાં બનાવ્યાં

ટેસ્ટ કરવા ચાલોઃ દોસ્તોનું કહેવું છે કે મારા હાથની પનીર ભુર્જી બહુ મસ્ત બને છે કહે છે જયેશ મોરે

૧૦૨ નૉટઆઉટ જેવું અદ્ભુત નાટક, હેલ્લારો અને નૅશનલ અવૉર્ડ જીતેલી રૉન્ગસાઇડ રાજુ જેવી સિમ્પલી સુપર્બ કહેવાય એવી ફિલ્મ અને ભાખરવડી જેવી લૅન્ડમાર્ક બની ગયેલી સિરિયલ. જયેશ મોરેના લિસ્ટમાં એકથી એક ચડિયાતા માઇલસ્ટોન છે, પણ આ જ જયેશ મોરે ખાવાની વાત આવે ત્યારે બ્લૅન્ક થઈ જાય. ૧૦ વર્ષથી મુંબઈમાં રહીને એકલા હાથે રસોઈ બનાવતા જયેશ મોરે મિડ-ડેના રશ્મિન શાહને કહે છે, ‘હું ખાવા માટે નહીં, જીવવા માટે ખાઉં છું’

મુંબઈ આવીને એકલું રહેવાનું શરૂ થયું અને એને લીધે થોડી ફૂડમાં ચિંતા ચાલુ થઈ, પણ એ પહેલાં ક્યારેય કોઈ જગ્યાએ મને ફૂડમાં તકલીફ નથી પડી. ચિંતા પણ એ વાતની કે મને મારા સમયે ખાવાનું મળશેને! બાકી, ખાવા માટે આ જોઈશે કે પેલું જોઈશે કે એવું કશું મને લાગતુંવળગતું નથી. જે હોય અને જેટલું હોય એટલું ચાલે. મારો બહુ સિમ્પલ નિયમ છે, જે મળે એ ખાઈ લેવું. તમને એક વાત કહું. મારા ફેવરિટ શોખમાં કે પછી પસંદીદા ટાઇમપાસમાં દૂર-દૂર સુધી ફૂડ આવતું નથી. ના, ક્યારેય નહીં અને જરાય નહીં. હું ખાવા માટે નહીં, જીવવા માટે ખાઉં છું. મેં બધું કર્યું છે; ફિલ્મો, સિરિયલ, નાટક એટલે એ મુજબ મારે ખાવાની હૅબિટને ઢાળવી પણ પડે. જો નાટકનો શો હોય તો જમવાનો સમય ફિક્સ હોય, રાતનો શો પૂરો થાય એટલે ૧૨ વાગ્યા પછી જમવાનું હોય. જમવામાં થેપલાં અને દહીં હોય. શાકમાં કાં તો રસાવાળા બટાટા હોય અને કાં તો સેવ-ટમેટાં અને સીઝનમાં ઊંધિંયુ હોય, સૅલડ અને મરચાં હોય. ફિલ્મ અને સિરિયલના શૂટિંગમાં બધું થોડું વ્યવસ્થિત હોય. લંચ-બ્રેક પડે અને રાતે શૂટિંગ હોય તો સાંજે પહોંચવાનું હોય એટલે પ્રોપર ડિનર હોય, પણ મારે એના મેન્યૂની વાત નથી કહેવી, મારે ચાની વાત કરવી છે. સેટ પર ચા સતત ચાલુ જ હોય. ચાના આપણે શોખીન એટલે મારી ચા એકધારી ચાલુ હોય. ચા પીતા જવાની અને કામ કરતા જવાનું.
મારે એક બીજી પણ વાત કહેવી છે. મેં ક્યારેય જમવાનો પ્રોગ્રામ નથી બનાવ્યો. ક્યારેય નહીં. હા, કોઈ જતું હોય તો હું સાથે જાઉં પણ મારો કોઈ પ્રોગ્રામ ન હોય. મૂળ હું સુરતનો એટલે જમણનો શોખીન હોઉં, પણ ખબર નહીં કેમ હું એવો શોખીન નથી. તમને એક ખાસ વાત કહેવાની છે. સુરતમાં મરાઠી પૉપ્યુલેશન ખાસ્સું વધારે છે એટલે સુરતમાં તમને મરાઠી ફૂડ પણ મળે ખરું. દસેક વર્ષથી મુંબઈ આવી ગયો છું, પણ સુરતની વાત નીકળે ત્યારે ઊંબાડિયું અચૂક યાદ આવે.
સુરત શહેરના ઊંબાડિયા કરતાં મને હાઇવેનું ઊંબાડિયું વધારે ભાવે. એમાં મરચાં અને મરીની તીખાશ એવી હોય કે નાકમાંથી તો ઠીક, આંખમાંથી પણ પાણી નીકળવા માંડે. જો પેપર-ડિશમાં ઉઊંબાડિયું મળ્યું હોય તો તમે જે હાથે પ્લેટ પકડી હોય એ હાથથી આંખ સાફ ન કરી શકો, આંખો બળવા માંડે. અમદાવાદમાં મને ગમતી જગ્યા જો કોઈ હોય તો એ ગાંઠિયારથ. મને ત્યાંના ગાંઠિયા બહુ ભાવે. મેં ખાધા પણ બહુ છે. મુંબઈમાં ભાઈદાસની સામે મળતાં વડાપાંઉ અને સૅન્ડવિચ બહુ ખાધાં છે અને પાર્લા-ઈસ્ટની ખાઉગલીમાં પણ હું પુષ્કળ વાર જમ્યો છું. હા, નાસ્તાનું જમણ કર્યું છે.
જોકે આ બધું પણ પાંચેક વર્ષથી બંધ કરી દીધું. જો મારે ખાવાનું શોધવા જવાનું હોય તો હું શોધવા તો ન જ જાઉં, પણ મારી સામે ઢોસાવાળો આવી જાય તો હું ઢોસાથી કામ ચલાવી લઉં. સાઉથ ઇન્ડિયન ફૂડ બહુ લાઇટ છે. ઇડલીનું આપણે પ્રોપર માર્કેટિંગ
કેમ નથી કરી શક્યા એ વાતની મને હંમેશાં નવાઈ લાગે. આટલું લાઇટ અને હેલ્ધી ફૂડ મારી દૃષ્ટિએ બીજું કોઈ નહીં હોય. પચવામાં ઈઝી અને પેટ પણ ભરાઈ જાય.
હું તો ઘણી વાર વેજિટેબલ્સ પણ એમ જ કાચાં ખાઈ લઉં. વેજિટેબલ્સની કોઈ સાઇડ-ઇફેક્ટ હોતી નથી. યાદ રાખજો કે નૅચરલ કોઈ પણ ચીજવસ્તુની ક્યારેય સાઇડ-ઇફેક્ટ હોતી નથી. આપણે બધાએ મૅક્સિમમ કુક કરી-કરીને ફૂડના સત્ત્વ ઉડાડવાનું કામ કર્યું છે.
મને ખીચડી બહુ ભાવે અને દાળભાત પણ. આ બન્ને વરાઇટી હું લગભગ રોજ ખાઈ શકું. હું ‘૧૦૨ નૉટઆઉટ’થી મુંબઈ આવ્યો અને ત્યારથી મુંબઈમાં એકલો રહું છું. આવ્યો ત્યાં સુધી મને કશું બનાવતાં આવડતું નહીં, પણ આજે મને ખીચડીથી માંડીને રોટલી, મોટા ભાગનાં શાક અને દાળ-ભાત બધું બનાવતાં આવડે છે. અઠવાડિયામાં ચાર દિવસ તો મેં રોટલી બનાવી પણ ન હોય. રસાવાળું શાક હોય અને દાળ-ભાત હોય. સાથે દહીં મળી જાય એટલે મજા, આપણું કામ પૂરું.
ફૂડ બનાવતાં હું રતનભાઈ પાસેથી શીખ્યો. બન્યું એમાં એવું કે મુંબઈમાં શરૂઆતમાં અમે ૪ જણ સાથે રહેતા હતા. એ ચારમાંથી રતનભાઈ પોતે કુક. રતનભાઈને જ મેં કહ્યું કે તમે મને કંઈક બનાવતાં શીખવો. તેમણે મને સૌથી પહેલી આઇટમ શીખવાડી એ હતી ખીચડી. ફૂડ-મેકિંગની એક ખાસિયત કહું તમને. શરૂ-શરૂમાં બહુ અઘરું લાગે અને કંટાળો પણ આવે. ફૂડ બનાવવું એ ટાઇમ ટેકિંગ પ્રોસેસ છે અને જો તમે શીખતા હો તો ચોક્કસ તમને એમ થાય કે હું આ શું કામ કરું છું? શરૂઆતમાં ખીચડી જેવી સામાન્ય ચીજ બનાવવામાં પણ બહુ ટાઇમ લાગતો ત્યારે મને એવું જ થતું અને વિચાર પણ આવતો કે શું કામ આવું કંટાળાજનક કામ મેં હાથમાં લીધું, પણ પછી ધીરે-ધીરે ફાવટ આવતી ગઈ. હવે ખાવાનું બનાવવામાં મને કંટાળો નથી આવતો અને સાચું કહું તો ટાઇમ પણ એટલો નથી જતો.
લૉકડાઉનમાં મેં ઘણી રેસિપી બનાવી. ઑનલાઇન ગાઇડન્સ લઈને બનાવેલી આ રેસિપીમાં કોઈ ગોટાળા નહોતા એવું હું વિનાસંકોચ કહી શકું. ભીંડાનું શાક અને રીંગણના ઓળો અને રીંગણના ઓળાના પણ ત્રણ-ચાર પ્રકાર. દહીં ઓળો પણ બનાવ્યો અને માત્ર બાફેલા રીંગણનો ઓળો પણ બનાવ્યો. ભઠ્ઠા પર શેકીને રીંગણનો ઓળો બનતો, એમાં કોઈ જાતનો વઘાર આવે જ નહીં. રીંગણ ભઠ્ઠામાં શેકી, એના પરની છાલ ઉતારી લેવાની
અને પછી એનો છૂંદો કરીને એમાં તલનું તેલ અને જરૂર મુજબ મસાલા નાખવાના. બહુ સરસ લાગે ખાવામાં. પનીર ભુર્જી પણ હું બેસ્ટ બનાવું છું
એવું કહું તો ચાલે. મેં કહ્યું એમ, મને ક્યારેય ખબર નથી પડતી કે ખાવામાં શું ઓછું પડ્યું છે, પણ મારા જેટલા ફ્રેન્ડ્સ ખાય તેઓ તો સાચું જ કહે અને એ લોકોનું કહેવું છે કે પનીર ભુર્જી બહુ સરસ બને છે. આ વાત કરીએ છીએ ત્યારે પણ પનીર ભુર્જી જ બનાવવાનો પ્રોગ્રામ છે.
મુંબઈ આવ્યો એની શરૂઆતના દિવસોની તમને વાત કહું. મુંબઈનો વરસાદ શરૂ થયો અને સાહેબ, શું વરસાદ, વાત નહીં પૂછો, મજા પડી જાય એવો. બધા કહે કે વરસાદમાં ચાલો ભજિયાં બનાવીએ. અમે તૈયારી કરી. લોટ લીધો, વેજિટેબલ્સ લીધાં, બધું તૈયાર કર્યું અને તેલ હાથમાં લીધું. જેવું તેલ હાથમાં લીધું કે તરત જ યાદ આવ્યું કે આપણે મુંબઈમાં નવા-નવા છીએ, આપણી પાસે કઢાઈ તો છે જ નહીં.
હવે પાછા પગ કેમ કરવા?
અમે કુકર લીધું અને એમાં તેલ રેડીને ભજિયાં બનાવવાનું શરૂ કર્યું.. પહેલો ઘાણ બરાબર નહોતો ઊતર્યો, પણ એ પછીનાં બધાં ભજિયાં અદ્ભુત બન્યાં અને ખાવામાં જલસો પડી ગયો.સુરત શહેરના ઊંબાડિયા કરતાં પણ મને હાઇવેનું ઊંબાડિયું વધારે ભાવે. એમાં મરચાં અને મરીની તીખાશ એવી હોય કે નાકમાંથી તો ઠીક, આંખમાંથી પણ પાણી નીકળવા માંડે. અમદાવાદમાં મને ગમતી જગ્યા જો કોઈ હોય તો એ ગાંઠિયારથ. મને ત્યાંના ગાંઠિયા બહુ ભાવે. મેં ખાધા પણ બહુ છે. મુંબઈમાં ભાઈદાસની સામે મળતાં વડાપાંઉ અને સૅન્ડવિચ બહુ ખાધાં છે અને પાર્લા-ઈસ્ટની ખાઉગલીમાં પણ હું પુષ્કળ વાર જમ્યો છું. હા, નાસ્તાનું જમણ કર્યું છે.

સ્મશાન અને ચા

હા, આ સાંભળીને તમને ઝાટકો લાગશે, પણ હું સ્વીકારું છું કે હું ધૂની સ્વભાવનો છું, ભીડ અને ટોળાં આપણને ગમે નહીં. સુરતમાં મારી ફેવરિટ જગ્યા છે કુરુક્ષેત્રની સ્મશાનભૂમિ. રાંદેરનું આ સ્મશાન એ માત્ર સ્મશાન નથી, પણ એક ઐતિહાસિક સ્થળ છે. પાંડવો જ્યારે ભ્રમણ પર નીકળ્યા હતા ત્યારે તેઓ અહીં રોકાયા હતા. બહુ સરસ જગ્યા છે. એટલી સરસ કે મને ત્યાં બેસવાનું બહુ ગમે. ત્યાં જાઉં, શાંતિથી બેસું, મનોમંથન કરું. ચારે તરફ નીરવ શાંતિ હોય અને મારા હાથમાં ચા હોય. હા, આ સ્મશાન પાસે એક ચાની લારીવાળો ઊભો રહે છે તેની ચા જેવી ચા મેં બીજે ક્યાંય પીધી નથી. બને કે એ સ્મશાનભૂમિનો પ્રતાપ પણ હોય.

indian food Rashmin Shah columnists