ચાહે કંઈ પણ થાય, આર્થિક પગભર થઈશ અને સમાજનો નજરિયો બદલીને જ જંપીશ

28 February, 2021 02:30 PM IST  |  Mumbai | Sejal Patel

ચાહે કંઈ પણ થાય, આર્થિક પગભર થઈશ અને સમાજનો નજરિયો બદલીને જ જંપીશ

પગભરતા તરફ પાપા પગલીઃ સુરતના અડાજણ વિસ્તારમાં રાજવીએ પોતાની મમ્મીના નામે ફરસાણની શૉપ શરૂ કરી છે.

હજી બે વર્ષ પહેલાં સુધી સમાજમાં છોકરા તરીકે જીવતી રાજવીએ જ્યારે પોતાની કિન્નર તરીકેની ઓળખનો છડેચોક સ્વીકાર કરવાની હિંમત દાખવી ત્યારે ખુદ તેના પિતાએ પણ તેને તરછોડી દીધી. સમાજે પણ તિરસ્કાર અને ધુતકાર જ આપ્યા. જોકે જન્મદાતા માના સાથથી તેણે હિંમત ન હારવાનો અને પોતાના પગ પર ઊભા રહેવાનો અડગ નિર્ણય લીધો. હવે તેનું એક જ લક્ષ્ય છે કે પોતાના જેવા લોકોને પણ સામાન્ય વ્યક્તિ જેવો સ્વીકાર મળે એ માટે કંઈ પણ કરી છૂટવું

૩૪ વર્ષ પહેલાં સુરતના બ્રહ્મક્ષત્રિય પરિવારમાં અનેક માનતા પછી એક બાળકનો જન્મ થયો. સામાન્ય રીતે ઘરમાં બાળકનો જન્મ ખુશી આપે; પણ જ્યારે બાળક ન નર, ન નારી હોય ત્યારે પરિવારમાં સન્નાટો છવાઈ જાય. આ પરિવારે પણ ચુપકીદી સાધવાનું નક્કી કર્યું. બાળકને દીકરા તરીકે જ મોટો કર્યો. નામ આપ્યું ચિરાયુ. માએ દીકરાને એક સામાન્ય છોકરાની જેમ જ ઉછેરવાનું અને ભણાવવાનું રાખ્યું. ભણવામાં હોશિયાર ચિરાયુને સ્કૂલના સમયમાં તો કોઈ વાંધો ન આવ્યો, પણ જેમ-જેમ કિશોરાવસ્થાનો ઉંબરો પાર કર્યો એટલે તેનાં વર્તન અને વ્યવહાર બદલાવા લાગ્યાં. ચિરાયુની અંદર જબરદસ્ત મનોદ્વંદ્વ શરૂ થયું. બીજાં છોકરા-છોકરીઓ કરતાં પોતે ભિન્ન છે એની પ્રતીતિ થવા લાગી. ટીનેજ દરમ્યાન આવતાં શારીરિક પરિવર્તનોએ તેને અંદરથી હલબલાવી નાખ્યો. અનેક સવાલો બાદ તેને પોતાના અસ્તિત્વની હકીકત ખબર પડી ત્યારે તે હચમચી ગયો. રાતના અંધારામાં એકલા રડતા રહેવાનું અને પોતાની ઓળખને સમજવા, સ્વીકારવા માટે જાત સાથે જ લડાઈ કરવાની. ધીમે-ધીમે ઓળખીતા-પાળખીતાઓમાં વાતો થવા લાગી અને ચિરાયુની અંદરનું પોતાના અસ્તિત્વના સ્વીકાર માટેનું યુદ્ધ પણ ચરમ પર પહોંચ્યું. પોતે કિન્નર છે એ જાણીને તેણે પોતાના જેવા લોકોની શોધ ચલાવી. બાર-તેર વર્ષની ઉંમરે જ તેણે નજીકનાં કિન્નર મંડળોમાં પણ જવાનું શરૂ કર્યું. કિન્નર મંડળોના મેમ્બરો સાથે તે પોતાનું દિલ હલકું કરી શકતો, પરંતુ પોતે પણ તેમના જ સમાજનો હિસ્સો છે એનો જાહેરમાં સ્વીકાર કરતાં ખચકાટ થતો. બહારથી જાણે બધું જ બરાબર છે એવું બતાવતા ચિરાયુની અંદર અનેક સવાલોનો સમુદ્ર ઘૂઘવતો રહેતો. જીવનના લગભગ ત્રણ દાયકાથી વધુનો સમય આંતરિક દ્વંદ્વ સાથે રહ્યા બાદ તેણે નક્કી કરી લીધું કે હવે બસ થયું. ૩૨ વર્ષની વયે તેણે પોતે કિન્નર છે એવું સમાજ સામે જાહેર કરી જ લીધું. નવું નામ તેણે પોતે પસંદ કર્યું રાજવી. રાજવી જાન. અને શરૂ થઈ એક નવી જ યાત્રા.

કિશોરાવસ્થા અને યુવાવસ્થાના કડવા-મીઠા અનુભવોને યાદ કરતી વખતે રાજવીનો અવાજ આજે પણ ગળગળો થઈ જાય છે. રાજવી કહે છે, ‘તમે ભલેને પૅન્ટ-શર્ટ પહેરીને ફરો, પણ અમુક ઉંમર પછી દેખાવ અને હલનચલન પરથી હકીકત છુપાવવી અઘરી હતી. તમે છોકરો કે છોકરી નહીં પણ કિન્નર છો એની ખબર બીજાને પડી જ જતી હોય છે. એને કારણે રસ્તામાં લોકો મહેણાંટોણાં મારે અને ગંદી ભાષામાં તમને હડધૂત કરતાં સંબોધનો પણ કરે તથા પીઠ પાછળ વાતો કરે. સાચું કહું તો આ પુરુષપ્રધાન સમાજમાં મને આવી ડ્યુઅલ આઇડેન્ટિટીમાં રહેવાનું નહોતું ફાવતું. મને થતું કે હું જે છું એ લોકો જાણે જ છે, પણ હું એનો સામી છાતીએ સ્વીકાર નથી કરતી એટલા માટે તેમને મારી પાછળ ગંદું બોલવાની છૂટ મળે છે. કિન્નર કંઈ ખરાબ નથી હોતા એવું જો મારે સમાજને સમજાવવું હોય તો પહેલાં મારે હું કિન્નર છું એવું સ્વીકારીને સારા કિન્નરનું ઉદાહરણ બનવું પડશે.’

કિન્નરને પણ જીવવાનો હક છે અને એ હક માટે લડવું હોય તો પણ પહેલું પગથિયું એનો જાહેર સ્વીકાર જ છે. આ વાત સમજાયા પછી બીજો સંઘર્ષ શરૂ થયો. એ વિશે રાજવી કહે છે, ‘જ્યારે મેં નક્કી કર્યું કે મારે નામ બદલીને જાહેર જીવનમાં કિન્નર તરીકે જ રહેવું છે ત્યારે સમાજના ડરે પપ્પાએ ધરાર ના પાડી દીધી. બહુ જ સંઘર્ષનો સમય હતો એ. પપ્પા કોઈ કાળે મારી હકીકતનો જાહેર સ્વીકાર કરવા તૈયાર નહોતા. તેમણે કહ્યું કે સમાજમાં જાહેર કરવું હોય તો તું આ ઘરમાં નહીં રહી શકે, હું પણ જોઉં છું કે તું કેવી રીતે આ સમાજમાં રહી શકે છે, લોકો તને ફોલી ખાશે. તેમણે તો ચૅલેન્જ પણ આપી કે હક માટે લડવું હોય તો પહેલાં તારા પગ પર ઊભી થા. એ સમયે પણ મમ્મીએ મને સાથ આપ્યો. તેણે મને હિંમત આપી કે તું જે કંઈ પણ કરીશ એમાં મારો પૂરો સાથ હશે.’

પોતે ભણેલી-ગણેલી છે એટલે પગભર થઈ શકાય એટલું તો તે કોઈ પણ રીતે રળી શકશે એવો તેને વિશ્વાસ હતો, કેમ કે ફાંકડું અંગ્રેજી બોલતી અને એમએસસી સુધી ભણેલી રાજવીએ કેટલાંય વર્ષો સુધી અંગ્રેજી મીડિયમનાં બાળકોને ટ્યુશન પણ આપ્યાં હતાં. જોકે એ વખતે તેની ઓળખ છુપાવેલી હતી. હવે સાચી ઓળખ છતી કર્યા પછી શું કરવું એ મોટો સવાલ હતો. સૌથી પહેલાં તો ઘર શોધવામાં જ મુશ્કેલી આવી. રાજવી કહે છે, ‘ઘર જોવા જાઉં એ પહેલાં બધું જ બરાબર હોય, પણ મને જોઈને જ લોકો જાતજાતનાં બહાનાં કાઢે. હમણાં નથી આપવું એમ કહીને ટાળી દે. એક જગ્યાએ તો ઍડ્વાન્સ આપી દીધા પછી જ્યારે ત્યાં શિફ્ટ થવાની તૈયારી કરી ત્યારે ઘરમાલિકે ના પાડી દીધી. સોસાયટી અને લોકાલિટીનું બહાનું આપીને કહે કે અમારા આજુબાજુવાળા કહે છે કે સારા વિસ્તારમાં ‘માતાજી’ને રહેવા ન અપાય. મને સમજાતું નથી કે એક તરફ તમે અમને માતાજી કહો છો, અમારા આશીર્વાદ લો છો અને બીજી તરફ એ જ માતાજી સારા વિસ્તારમાં ન રહી શકે એવું કહો છો? હું કંઈ મફતમાં તો ઘર રહેવા નથી માગતીને? રેન્ટ, દલાલી, ડિપોઝિટ બધું જ આપીને પણ અમારા જેવા લોકોને સારા ઘરમાં રહેવાનો અધિકાર નથી? જો કોઈ પુરુષ કે સ્ત્રીના શરીરમાં લાલ લોહી દોડે છે તો શું કિન્નરોનું લોહી કાળું છે? અમારા જેવા લોકો ગમેએટલા ટૅલન્ટેડ હોય કે ભણેલા-ગણેલા હોય કોઈ તેમને નોકરી નથી આપતું. કેમ? અમને પણ સન્માનભેર કમાઈને ખાવું છે, પણ સમાજ અેમ કરવા જ નથી દેતો. સમાજ અમારા જેવા લોકોને તિરસ્કૃત કરીને જીવવું દુષ્કર કરી દે છે. આવી જિંદગી જીવવાનું અઘરું હોવાથી અમારામાં સુસાઇડ-રેટ્સ પણ ખૂબ વધારે છે.’

સમાજમાં સ્વીકૃતિ ન મળતી હોવાથી કિન્નરોએ નાછૂટકે આશીર્વાદ આપીને માગીને જીવન-ગુજરાન ચલાવવું પડે છે. રાજવી કહે છે, ‘કોઈને આવી જિંદગી ગમતી નથી હોતી, પણ જ્યારે ગુજરાન ચલાવવા માટે કંઈ ન હોય ત્યારે શું કરવું? અેવામાં વ્યક્તિ ખોટા માર્ગે મજબૂરીથી દોરાતી હોય છે.  અમારે આત્મનિર્ભર થવું છે, મહેનત કરીને ખાવું છે; પણ સમાજ નથી નોકરી આપતો, નથી અમને ધંધો કરીને આત્મસન્માનપૂર્વક પેટિયું રળવા દેતો. એમ છતાં અમે લોકોને દુઆ જ આપીએ છીએ. સમાજ અમારા જેવા લોકોને મજબૂર કરે છે પરાવલંબી જીવન જીવવા માટે. જ્યારે મેં મારી આઇડેન્ટિટી રિવીલ કરી ત્યારે જ મને ખબર હતી કે મારે મારા હક માટે લડવું પડશે. મને સમજાઈ ગયેલું કે નોકરી તો નહીં મળે એટલે પગભર થવા માટે મારે પોતાનું જ કંઈક સ્વતંત્ર કામ કરવું પડશે. એટલે મેં પેટ ફૂડની શૉપ શરૂ કરવાનું વિચાર્યું.’

કેમ પેટ ફૂડની જ શૉપ? બીજું કંઈ કેમ નહીં? આવા સવાલના જવાબમાં તેણે જે જવાબ આપ્યો એ હચમચાવી દેનારો હતો. રાજવી કહે છે, ‘આપણે ત્યાં પાળતુ ન હોય એવા ડૉગીઓ સાથે કેવું વર્તન કરવામાં આવે છે એ જોયું છે? લોકો તેને હડ-હડ કરીને લાત જ મારતા હોય. અમારા જેવા લોકોને પણ સમાજ તરફથી આવી જ રીતે હડધૂત કરવામાં આવે છે. આ પ્રાણીઓ પણ કશું બોલી નથી શકતાં અને અમે પણ કંઈ નથી કરી શકતા. તો મારી અને અે શ્વાનની સ્થિતિ સરખી જ થઈને? સમાજના અમારા તરફના તિરસ્કારને કારણે મને આ મૂંગાં પ્રાણીઓ સાથે ખૂબ લગાવ છે. એટલે થયું કે જે લોકો મૂંગા પ્રાણીને પાળીને પ્રેમ કરી શકે છે એવા લોકો જ કદાચ મારી સ્થિતિ સમજશે. એ જ કારણોસર મેં પેટ ફૂડની શૉપ શરૂ કરેલી.’

પેટ ફૂડ શૉપ હજી ઠરીઠામ થઈ ન થઈ અને કોરોનાનો સમય આવી ગયો. ભલભલા એસ્ટાબ્લિશ્ડ લોકોને પણ રોજગારીના વાંધા થઈ ગયા હતા ત્યારે રાજવીના હજી નવાસવા બિઝનેસ માટે તો મસમોટી ચૅલેન્જ ઊભી થાય અેમાં શું નવાઈ? એમાં પાછું પ્રાણીઓ માટેનું પ્રેમાળ દિલ. રાજવી કહે છે, ‘પાળેલાં પ્રાણીઓને તો માલિકો ઘરનું ખવડાવી દેતા હોય, પણ રસ્તે રઝળતા ડૉગીઝની હાલત બહુ ખરાબ હતી. રાતે રડતા ડૉગીઝનો અવાજ સાંભળું ને દિલ રડી ઊઠે. એટલે મેં દુકાનનાં ફૂડ-પૅકેટ્સ ડૉગીઝને ખવડાવવાનું શરૂ કરી દીધું. મને હતું કે આ ફેઝ કંઈ બહુ લાંબો નહીં ચાલે, પણ લૉકડાઉન લંબાઈ ગયું.’

કોઈ ધંધા વિના દુકાનનું ભાડું ચડ્યું, માલ ખતમ થઈ ગયો અને દેવું વધી ગયું. હવે શું કરવું? તેના માનેલા ભાઈની મદદથી રાજવીએ ફરીથી ધંધો ઊભો કરવાનું બીડું ઝડપ્યું. આ વખતે ફરસાણ અને સૂકા નાસ્તાનો ધંધો શરૂ કર્યો. રાજવી કહે છે, ‘છેલ્લા એક વર્ષ દરમ્યાન ઘણા પરિવારોમાં આર્થિક પગભરતા માટે બહેનોએ નાસ્તા બનાવવાના ગૃહઉદ્યોગો શરૂ કર્યા હતા. આ ગૃહઉદ્યોગોને પ્લૅટફૉર્મ મળે અને મને પણ પૅકેટદીઠ જેકંઈ મળે એમાં મારું ગુજરાન થાય એમ વિચારીને ફરસાણનું કામ શરૂ કર્યું. મમ્મી જાગૃતિના નામે જ શરૂ કર્યું - ‘જાગૃતિ ફરસાણ’. પહેલા નોરતે આ નવો આરંભ કરેલો. જોકે એમાં પણ શરૂઆતમાં લોકોનો સાવ જ મોળો રિસ્પૉન્સ હતો. ‘માતાજી’ની દુકાનમાંથી તો કેવી રીતે લવાય? એવું વિચારીને શૉપમાં આવેલા ઘરાકો પણ પાછા જતા રહેતા. મારી આ લડતમાં મને મારી મમ્મીનો પૂરો સાથ મળ્યો. મમ્મી પણ દિવસમાં બે કલાક મારી દુકાને આવીને બેસે છે અને મને સપોર્ટ કરે છે. આપણો સમાજ પ્રગતિશીલ કહેવાય છે, પણ આપણી વિચારસરણી પ્રગતિશીલ નથી. જોકે કેટલાંક સામાજિક સંગઠનોના યુવાનોએ મને સમજવાની પહેલ કરી. લોકો શું કહેશે એની ચિંતા કોરાણે મૂકીને મેં પણ સોશ્યલ મીડિયામાં ઇન્ટરવ્યુ આપ્યા અને મારા મનની વાત લોકો સુધી પહોંચાડી. હવે ધીમે-ધીમે લોકો અમારા કામને સ્વીકારી રહ્યા છે. પહેલાં લોકો મારી દુકાને આવતાં ખચકાતા હતા, પણ હવે અહીંથી સામાન લઈને મને સપોર્ટ કરનારાઓ આગળ આવ્યા છે. થોડોક બદલાવ આવ્યો છે, પણ હજી ઘણી લાંબી મજલ અમારે કાપવાની છે.’

માતા-પિતાનું એકનું એક સંતાન એવી રાજવી ૩૨ વર્ષ સુધી પરિવાર સાથે રહી. જોકે હવે તે એકલી રહે છે. હાલમાં તે સુરતના પાલનપુર જકાતનાકા પાસે ભાડાના ઘરમાં રહે છે અને અડાજણની અયોધ્યાનગરી રોડ પર ફરસાણની દુકાન ધરાવે છે. રાજવી કહે છે, ‘મારે નૉર્મલ લોકો જેવી જિંદગી જીવવી છે. હું ઇચ્છું છું કે મારા પપ્પા પણ મારા અસ્તિત્વનો સ્વીકાર કરે અને મને અપનાવી લે. છેલ્લા થોડાક મહિનામાં મેં હકની લડાઈ માટે સમાજમાં જે અવાજ ઉઠાવ્યો છે એની વાતો તેમની પાસે પહોંચે છે ત્યારે તે હજીયે નજરઅંદાજ જ કરે છે, પણ મને વિશ્વાસ છે કે એક દિવસ તેઓ પણ મને સ્વીકારશે. ઇન ફૅક્ટ, હું મારી જાતને બહુ જ નસીબદાર માનું છું કે મને આ પરિવારમાં જન્મ મળ્યો. મેં જોયું છે કે મોટા ભાગના પરિવારોમાં મારા જેવું બાળક જન્મે તો તેને એમ જ કિન્નર મંડળમાં આપી દેવાય છે. મારી મમ્મીએ તો મને ખૂબ પ્રેમ આપ્યો છે, તેમણે મને એજ્યુકેશન આપ્યું છે. ૩૨ વર્ષ સુધી મને એક પરિવારના વાતાવરણમાં જીવવા મળ્યું છે. બાકી અમારા જેવા લોકોને તો બહુ નાનપણથી જ તરછોડી દેવામાં આવે છે. કિન્નર મંડળમાં જ ગુરુ-શિષ્યની સાથે લોકો વિવિધ સગપણ પણ જોડીને પારિવારિક હૂંફ ઊભી કરવાની કોશિશ કરતા હોય છે. હું ઇચ્છું છું કે મારું ગુજરાન ચલાવીને હું સમાજમાં દાખલો બનું અને બીજા કિન્નરો પણ આત્મનિર્ભર થવાની દિશામાં પહેલ કરે. આમ થશે તો જ મારા જેવા લોકોને સમાજ અને પરિવારની સ્વીકૃતિ મળશે. અમારી કોઈ મોટી ડિમાન્ડ નથી. બસ, અમને પણ મહેનત કરીને ખાવા મળે અને માણસ હોવાનું સન્માન મળે, તો ઘણું.’

નર-નારીનું કૉમ્બિનેશન

રાજવી કહે છે, ‘સરકાર જો અમને મત આપવાનો અધિકાર આપતી હોય તો સામાન્ય લોકો અમને કેમ નથી સ્વીકારી શકતા? લોકો અમને માતાજી કહે છે, પણ અમારું જીવન કેટલું મુશ્કેલીભર્યું હોય છે એનો કદાચ સામાન્ય લોકોને અંદાજ પણ નહીં હોય. અમારામાં નર અને નારી બન્નેની શક્તિ છે. માતૃત્વ અને મમતા પણ અમારામાં છે અને નર જેવી કઠોરતા પણ છે. હું તો સરકારને કહેવા માગું છું કે અમારા જેવા લોકોને સરહદ પર મોકલો. અમારી આગળ-પાછળ તો કોઈ નથી. સૈનિકને પરિવાર હોય છે અને તે શહીદ થાય છે ત્યારે પરિવાર રઝળી પડે છે. એના કરતાં અમારા જેવા લોકો હશે તો દેશ માટે કામ તો આવીશું.’

જન્મથી જ રાજવીનો એક દીકરા તરીકે ઉછેર કરવામાં આવ્યો છે. ૩૨ વર્ષ સુધી તે પુરુષની જેમ રહી અને હજી બે વર્ષ પહેલાં જ તેણે અસ્તિત્વનો સ્વીકાર કર્યો.

columnists sejal patel