જ્યારે પંડિત નેહરુજીએ ઑટોગ્રાફ સ્વરૂપે પ્રદીપજી પાસેથી આખું ગીત માગી લી

21 June, 2020 09:22 PM IST  |  Mumbai | Rajni Mehta

જ્યારે પંડિત નેહરુજીએ ઑટોગ્રાફ સ્વરૂપે પ્રદીપજી પાસેથી આખું ગીત માગી લી

પંડિતજીની ઉપસ્થિતિમાં ‘અય મેરે વતન કે લોગોં...’નું કાવ્યપઠન કરતા કવિ પ્રદીપજી

‘અય મેરે વતન કે લોગોં’ના સર્જન પાછળના તકદીરના ઉતાર-ચડાવ આપણે જોયા. છેક છેલ્લી ઘડીએ આશા ભોસલેની બાદબાકી થઈ ગઈ અને લતા મંગેશકરને મોકો મળ્યો. એ અન્યાય આશા ભોસલે કદી ભૂલી નહીં શકે. દિલ્હીના કાર્યક્રમમાં કવિ પ્રદીપને આમંત્રણ જ નહોતું અપાયું. જોકે નફિકરા પ્રદીપજીએ આ વિશે કદી કડવા સ્વરે વાત નથી કરી. સમજદાર વ્યક્તિ એટલું તો જાણતી હોય છે કે કશુંક અણગમતું બનવાથી જિંદગીમાં પૂર્ણવિરામ નથી આવી જતું, પરંતુ દરેક વ્યક્તિ એ સ્તરે વિચારતી નથી. હજી એક હસ્તી એવી હતી જેના નસીબમાં અવગણના લખાઈ હતી. તેઓ હતા આ ગીતના સંગીતકાર સી. રામચંદ્ર. જ્યારે મુંબઈમાં ‘વૉર વિડો વેલ્ફેર ફન્ડ’ ચૅરિટી કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવ્યું ત્યારે આ ઘટના બની હતી.

૧૯૬૪માં મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમા થયેલા આ કાર્યક્ર્મમાં હું પણ શ્રોતા તરીકે હાજર હતો. એ દિવસોમાં ૨૫ રૂપિયાની મોંઘી ટિકિટ (જે સસ્તામાં સસ્તી હતી)  લઈને મિત્રો સાથે સ્ટેડિયમના નૉર્થ સ્ટૅન્ડમાંથી કાર્યક્રમ માણવાનો રોમાંચ, આ લખી રહ્યો છું ત્યારે હજી બરકરાર છે (એ કૉલેજના શરૂઆતના દિવસો હતા. હું એ દિવસોમાં ટ્યુશન કરીને મહિનાના ૧૫૦ રૂપિયા કમાતો, જેને કારણે મારો સંગીતના કાર્યક્રમ જોવાનો અને રેકૉર્ડ ખરીદવાનો  શોખ સારી રીતે પૂરો થતો. બાકી ખિસ્સાખર્ચી માટે મહિનાના ૧૦૦ રૂપિયા મળતા એમાં આ લક્ઝરી શોખ પૂરા ન થાય). મારા જીવનનો એ પહેલો લાઇવ શો હતો જેમાં ૧૦૦થી વધુ મ્યુઝિશ્યન્સ સહિત લતા મંગેશકર અને મોહમ્મદ રફી સાથે અનેક નામી કલાકારો પર્ફોર્મ કરવાનાં હતાં. મોટા ભાગના લોકોને ફિલ્મસ્ટાર્સનું આકર્ષણ હતું જ્યારે મારે માટે ગાયક કલાકારો અને સંગીતકારો મોટા સ્ટાર્સ હતા.

ઓપન ઍરમાં વિશાળ સ્ટેજ પર શંકર-જયકિશન અને બીજા સંગીતકારો એક પછી એક આવીને ઑર્કેસ્ટ્રા કંડક્ટ કરતા એ દૃશ્ય અવિસ્મરણીય હતું. દરેક ગીતની અનાઉન્સમેન્ટ એક ફિલ્મકલાકાર કરતા. આમદર્શકો માટે તો ‘પૈસા વસૂલ’ કાર્યક્ર્મ હતો. એ દિવસે મોહમ્મદ રફીએ ‘યે મેરા પ્રેમ પત્ર પઢ કર કે તુમ નારાઝ ના હોના’ની રજૂઆત કરી હતી (હજી ‘સંગમ’ રિલીઝ નહોતું થયું). આ ગીતની અનાઉન્સમેન્ટ રાજ કપૂરે કરી અને જ્યારે અભિનયના બાદશાહ દિલીપકુમારની સ્ટેજ પર એન્ટ્રી થઈ ત્યારે તો આખા સ્ટેડિયમમાં તાળીઓનો વરસાદ વરસ્યો. તેમણે પોતાની આગવી અદામાં લતા મંગેશકરને આમંત્રણ આપ્યું અને ત્યાર બાદ લતાજીએ ‘અય મેરે વતન કે લોગોં...’ની રજૂઆત કરી ત્યારે તો દરેકની આંખો ભીની થઈ ગઈ હતી.

મને એક વાતની નવાઈ લાગી કે જ્યારે બીજા સંગીતકારોનાં ગીતોની રજૂઆત થતી ત્યારે એ સંગીતકારો સ્ટેજ પર આવીને ઑર્કેસ્ટ્રા કંડક્ટ કરતા, પરંતુ આ ગીત વખતે સી. રામચંદ્રની હાજરી નહોતી. જોકે એના કારણ વિશે વધુ વિચારવા જેટલી સમજશક્તિ એ દિવસોમાં નહોતી છતાં મનમાં એ પ્રશ્ન જરૂર થયો હતો. સાચું પૂછો તો આ ગીતના સર્જન દરમ્યાન પહદા પાછળની કોઈ વાતની ખબર નહોતી. સી. રામચંદ્રની સ્ટેજ પરની ગેરહાજરીની સાચી હકીકતની તો વર્ષો પછી ખબર પડી જ્યારે શિરીષ કણેકરનું પુસ્તક ‘ગાયે ચલા જા’’ વાંચ્યું. મરાઠીમાં શિરીષ કણેકર અને અંગ્રેજીમાં રાજુ ભારતન. હિન્દી ફિલ્મો અને સંગીતની ઊંડી જાણકારી ધરાવતા આ બે લેખકો મારા અત્યંત પ્રિય લેખકો છે અને તેમની શૈલીનો હું મોટો ચાહક છું. 

હવે જે કિસ્સો તમારી સાથે શૅર કરું છું એની સચ્ચાઈ વર્ષો બાદ એક સિનિયર મ્યુઝિશ્યને પણ  કરી છે જેઓ પોતે મુંબઈના આ કાર્યક્રમમાં  હાજર હતા. પ્રસ્તુત છે શિરીષ કણેકરના શબ્દોમાં આ વાત જેનો અનુવાદ જયા મહેતાનો છે.

‘આ કિસ્સો મેં રાજુ ભારતન પાસે સાંભળ્યો અને હું બહુ ખુશ થયો. લતા મંગેશકરે સી. રામચંદ્રની રચના મંચ પરથી ગાયેલી મેં કદી સાંભળી નથી. અપવાદરૂપ ફ્ક્ત ‘અય મેરે વતન કે લોગોં...’ ગીત હતું. આ કાર્યક્ર્મમાં પણ લતા એ ગીત ગાવા ઊભાં થયાં. ગીતનો જનક ત્યાં હાજર હોવા છતાં વાદ્યવૃંદ કંડક્ટ કરવા માટે નહોતો, એટલું જ નહીં, અમસ્તો નજરેય ચડતો નહોતો. અનાઉન્સર હતા દિલીપકુમાર જેમણે પોતાના જાદુભર્યા અવાજમાં શ્રોતાને ખબર હતી એ ગીતની પાર્શ્વભૂમિ રજૂ કરી. પ્રથમ આ મહાન ગીત લતાજીએ પંડિતજી સામે ગાયું એ પ્રસંગ તેમણે રસભર શબ્દોમાં વર્ણવ્યો. કાવ્ય પ્રદીપનું છે એ કહ્યું. લતાના કંઠની મહત્તા કહી. ગીત સાંભળીને પંડિતજી કેવી રીતે રડી પડ્યા એ પણ કહ્યું. બધું, બધું જ કહ્યું. આ ગીતના સંગીતકાર સી. રામચંદ્ર છે એ નાનીઅમસ્તી બિનમહત્ત્વની માહિતી આપવાનું તેઓ ભૂલી ગયા એટલે શ્રોતા સમક્ષ એ સંગીતકારને ઉપસ્થિત કરવાનો કે લતાને કદાચ ન રુચનારો પ્રશ્ન જ ઊભો થયો નહીં.’

અનાઉન્સમેન્ટ કરીને દિલીપકુમાર વિન્ગમાં આવ્યા અને ત્યાં કાંકરાની જેમ બાજુએ કઢાયેલા સી. રામચંદ્ર તેમના પર લગભગ ધસી જ ગયા‍. ‘યુસુફ, તુઝે માલૂમ નહીં થા કિ ઇસકા મ્યુઝિક મૈંને દિયા હૈ?’ સી. રામચંદ્રએ ઊંચા અવાજે પૂછ્યું.

 ‘નહીં અણ્ણા, સચમુચ મુઝે પતા નહીં થા.’ અભિનયકૌશલ હોડમાં મૂકીને ભોળપણનો દેખાવ કરતા દિલીપકુમાર બોલ્યા.

 ‘અરે છોડ યે સબ બાતેં, યુસુફ. સમજાય છે મને બધું. તેં આ પોતે કર્યું નથી એ પણ હું સમજું છું, પણ તને એમ કહેવામાં આવ્યું છે, ખરુંને?’

 ‘દિલીપકુમારને કોઈ કહેતું નથી. નો વન ડિક્ટેટ્સ ટર્મ્સ ટુ દિલીપકુમાર.’ દિલીપકુમારે ઘમંડથી કહ્યું.

 ‘ભૂલી જા એ દિવસો.’ સી. રામચંદ્ર ગર્જ્યા, ‘એક સમય એવો હતો જ્યારે સી. રામચંદ્રને કોઈ કહેતું નહોતું. આજે સી. રામચંદ્રને પણ કહે છે અને દિલીપકુમારને પણ કહે છે.’

આ કિસ્સો કદાચ માની ન શકાય, પરંતુ એ વિશે આગળ વાત કરતાં શિરીષ કણેકર લખે છે, ‘આ પ્રસંગની સત્યાસત્યની ખાતરી કરવાનો જરાય પ્રયત્ન નથી કરવો એમ મનમાં નક્કી કરીને હું સી. રામચંદ્રને મળવા ગયો. ‘બેચૈન કરનેવાલે તુ ભી ચૈન ન  પાયે’ (યાસ્મિન–લતા મંગેશકર) જેવો ભાવ વ્યક્ત કરનાર સી. રામચંદ્રની મારા મનમાં જે પ્રતિમા હતી એની સાથે સુસંગત એવો જ એ કિસ્સો હતો. ‘ના, એવું  કાંઈ બન્યું જ નથી’ એમ સી. રામચંદ્ર બોલ્યા હોત તો એ સત્યદર્શન મારે નહોતું જોઈતું. મારી કલ્પનાના સી. રામચંદ્રએ એવો જ લાપરવાહ જવાબ આપ્યો હોત એથી કિસ્સો નાનો અને અતિરંજિત છે એ જ્ઞાનથી સી. રામચંદ્રની મારા મનમાંની પ્રતિમા ઝાંખી પડી હોત એથી હું ડરતો હતો. અજ્ઞાનનો આનંદ મને વધારે પ્રિય હતો. ખરો ન હોય તો પણ ખરો હોવો જોઈએ એવો એ કિસ્સો હતો.’

‘મેં સાંભળેલો એ કિસ્સો શબ્દશઃ ખરો નીકળ્યો અને એ બરોબર ઉત્તર જાણે મેં જ દિલીપકુમારના મોઢા પર માર્યો હોય એવો આનંદ મને થયો.’

‘અય મેરે વતન કે લોગોં...’ સાથે સંકળાયેલો એક બીજો કિસ્સો મને યાદ આવે છે. લતા મંગેશકર એક ઇન્ટરવ્યુમાં કહે છે, ‘દિલ્હીના કાર્યક્રમ બાદ પંડિતજીએ મને કહ્યું હતું કે જ્યારે દિલ્હી આવે ત્યારે મને મળવા આવીશ તો આનંદ થશે. હું એક વાર દિલ્હી ગઈ ત્યારે તેમના ઘરે ગઈ હતી. એ દિવસે ઇન્દિરા ગાંધી ત્યાં મળ્યાં. મને આવકારતાં કહે છે, બેસો, પંડિતજી થોડા સમયમાં ફ્રી થશે. એટલી વારમાં રાજીવ અને સંજય આવ્યા.  મારી સાથે ઓળખાણ કરાવી અને મને કહ્યું કે એ દિવસે આ બન્ને કાર્યક્રમમાં નહોતા આવ્યા. તો તેમને ‘અય મેરે વતન કે લોગોં...’ ગાઈને સંભળાવોને? મેં નમ્રતાથી ના પાડતાં કહ્યું કે આજે એ શક્ય નથી. ભવિષ્યમાં કોઈ કાર્યક્રમ હશે ત્યારે તમને સૌને એ મોકો

જરૂર મળશે.’

***

ફરી પાછા પ્રદીપજીના જીવન-કવનની સફર પર આવીએ. આખરે એ દિવસ આવ્યો જ્યારે પ્રદીપજીની પંડિતજી સાથે મુલાકાત થઈ. દિલ્હીના કાર્યક્રમમાં ‘અય મેરે વતન કે લોગોં’ સાંભળીને ભાવવિભોર થઈ ગયેલા પંડિત‍ નેહરુજીએ પૂછ્યું કે ‘કોણ છે આનો કવિ? મારે તેને મળવું છે.’ ત્યારે કોઈની પાસે આનો જવાબ નહોતો. પ્રદીપજીને આ  કાર્યક્રમ માટે આમંત્રણ જ નહોતું અપાયું એટલે થોડા સમય બાદ પંડિતજી મુંબઈ આવ્યા ત્યારે તેમણે પ્રદીપજીને મળવાની ઇચ્છા વ્યક્ત કરી. એ સમયના ચીફ મિનિસ્ટર યશવંતરાવ ચવાણે કૉન્ગ્રેસના કાર્યકર ભાનુશંકર યાજ્ઞિકનો સંપર્ક કર્યો અને ગાડી મોકલાવી અને આમ પ્રદીપજી રાજભવન પહોંચ્યા.

એ મુલાકાતને યાદ કરતાં પ્રદીપજી એક ઇન્ટરવ્યુમાં  કહે છે, ‘સીધાસાદા, સફેદ વસ્ત્રોમાં મને જોઈને પંડિતજી ઉમળકાભેર ભેટી પડ્યા અને બોલ્યા, ‘કહાં કે હો ભાઈ?’ 

મેં કહ્યું, ‘જી, અલાહાબાદ કા. આનંદ ભવન કે પાસ હી રહતા થા. ઉન દિનો મૈં બહુત છોટા થા. આપ કે ઘર આનાજાના હોતા થા. સોચતા થા કિ આપકે દર્શન હો જાયે‍, પર આપ કભી દિખતે નહીં થે.’

આ સાંભળીને પંડિતજી બોલ્યા, ‘ઔર તબ મુઝે માલૂમ નહીં થા કિ ઇતના છોટા સા લડકા કભી મુઝે રુલાયેંગા. વરના તુમસે ઝરૂર મિલતા.’

અને પછી પંડિતજી સાથે વાતચીતનો દોર શરૂ થયો. તેમને ખબર પડી કે ‘દૂર હટો અય દુનિયાવાલોં હિન્દુસ્તાં હમારા હૈ’ મેં લખ્યું છે, તો બોલ્યા, ‘યે આપ કા લિખા હુઆ હૈ? કમાલ હૈ. જબ ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ કે લિએ હમ જેલ મેં થે તબ એક સિપાહીને મુઝે યે ગાના દિયા થા.’ મેં તેમને યાદ અપાવ્યું કે નાગપુરના કૉન્ગ્રેસ અધિવેશનમાં મારું  એક ગીત તમને ખૂબ ગમ્યું હતું.

 ‘કહની હૈ ઇક બાત મગર

ઇસ દેશ કે પહેરેદારોં સે,

 જનતા સે, નેતાઓં સે,

ફૌજોં કી ખડી કતારોં સે

સંભલ કે રહના અપને ઘર મેં

છૂપે હુએ ગદ્દારોં સે.

(ફિલ્મ ઃ ‘તલાક’ - સી. રામચંદ્ર)

પંડિતજી બોલ્યા, ‘વો ભી આપ કા ગાના હૈ? મુઝે આજ હી યે સબ પતા ચલા. આપ સે એક બિનતી હૈ કિ આજ શામ કો હમારી એક મીટિંગ હૈ, વહાં આપ એક ગીત સુના  સકતે હૈં?’ મેં પૂછ્યું, ‘કૌન સા?’ તો જવાબ મળ્યો, ‘અય મેરે વતન કે લોગોં.’ મેં કહ્યું, ‘લતાજીએ જે રીતે ગાયું છે એ ઢંગથી નહીં સંભળાવી શકું. એક શાયર, એક કવિ, જે રીતે તરન્નુમમાં પેશ કરે એ રીતે, બિના કોઈ ઢોલ-નગાડે સુનાઉંગા.’

અને આમ એકાદ કલાકની મુલાકાત સવારથી રાત સુધી ચાલી. છૂટા પડતી વખતે પંડિતજીએ પ્રદીપજી પાસેથી એ કાગળ માગ્યો જેના પર કવિએ પોતાના હસ્તાક્ષરમાં આ અમર ગીત લખ્યું હતું. દુનિયાઆખી જેના ઑટોગ્રાફ માટે તરસતી હતી એવા પંડિત નેહરુજીએ પ્રદીપજીના ઑટોગ્રાફ આખા ગીતના સ્વરૂપે લીધા એ ઘટનાનું મહત્ત્વ દુનિયાને સમજાય કે ન સમજાય એની પ્રદીપજીને ક્યાં પરવા હતી? 

columnists jawaharlal nehru