રાતનાં પગલાં પડે છે સાંભળો

27 September, 2020 05:42 PM IST  |  Mumbai | Hiten Aanandpara

રાતનાં પગલાં પડે છે સાંભળો

પ્રતિકાત્મક તસવીર

કોરાનાને માત કરે એવા અસરકારક ડ્રગ્સનું સંશોધન ચાલી રહ્યું છે ત્યારે બૉલીવુડમાં વ્યાપેલી ડ્રગ્સની બદી ઘૂંઘટ કે પટ ખોલીને બહાર આવી છે. કોઈએ ધાર્યું નહોતું એવાં-એવાં નામ બિગ બૉલીવુડ બાસ્કેટમાંથી પૉપકૉર્નની જેમ ઊછળી રહ્યાં છે. યુવાન હિરોઇનો એમાં ઝડપાઈ છે. બૉલીવુડ એટલે કૌવતનો કરિશ્મા ઉપરાંત કાર્ટેલ, કાસ્ટિંગ કાઉચ, મી ટુ, નેપોટિઝમ અને ડ્રગ્સ એવાં સમીકરણો બંધાયાં છે. યુવા પેઢી જે નટ-નટીઓને રોલમૉડલ તરીકે જોતી હોય તેમનો અંચળો ઊતરી રહ્યો છે. ૨૦૧૯માં યોજાયેલી પાર્ટી અને લાગતાવળગતાઓની ડ્રગ-પેડલર સાથેની ચૅટ પુનજીર્વિત કરાઈ અને કોથળામાંથી નશીલી બિલાડી બહાર આવી. ડૉ. મહેશ રાવલ કહે છે એ સાચું પડતું જણાય છે...

ખરીદાય, વહેંચાય છે રોજ માણસ

જરૂરત બધાને ગળી જાય છે અહીં

ગમે એટલી ગુપ્તતા જાળવી લ્યો

છતાં ભીંત પણ સાંભળી જાય છે અહીં

પોતપોતાના મકામ હાંસલ કરનાર નટ-નટીઓએ ડ્રગ્સમાં પડવાની જરૂર શું હતી એ સવાલ ઊભો થાય. એનાં બે કારણ તરવરીને સામે આવે છે; એક, સંઘર્ષકાળમાં ઊપજતી હતાશાને ટાળવા ડ્રગ્સને સહારે જવું પડે. બે, મનવાંચ્છિત સફળતા મળ્યા પછી નવી-નવી અનુભૂતિઓ કરવાની ઉત્કટ ઝંખના જાગે. એને શામવા અજાણી ગલીઓની એક લટાર પછી આદત બની જાય. અન્ય એક તારણ એવું પણ નીકળે છે કે નાની ઉંમરે સ્વતંત્રતા અને સફળતા મળી હોય અને ઘરે ચોંપ રાખનારું કોઈ વડીલ હાજર ન હોય ત્યારે પગ લપસવાનો ભય ઝાઝો રહે છે. અલ્પેશ પાગલની ચેતવણી દરેક દિવસે સાચી પડતી જણાય છે...

કૈં પણ નહીં બાકી રહે આગળ પછી

તું શબ્દ સાથે મૌનને સાંભળ પછી

આ એક પળ બાકી હતી, આવી ગઈ

શું શું ન જાણે આવશે આ પળ પછી

સમાચાર-માધ્યમો જણાવે છે એ પ્રમાણે ડ્રગ્સના ડર્ટી તાણાવાણા ઑપ્ટિકલ ફાઇબરની જેમ બારીકાઈથી ગૂંથાયા છે. સરહદો પાર વિસ્તરેલી આ સમસ્યા છે. સમર્થનમાં અને વિરોધમાં બૉલીવુડમાં પણ બે પક્ષ પડી ગયા. કેટલાક કલાકારોએ અવાજ ઉઠાવ્યો કે આ બદી તો બધે જ છે, તો માત્ર બૉલીવુડને શું કામ બદનામ કરવામાં આવે છે. તો રવીના ટંડન જેવી સફળ અભિનેત્રીએ આ બદીને સાફ કરવાની વાત કરી. ઈંડામાંથી સાપોલિયાનું માથું જ હજી બહાર આવ્યું છે. આખું શરીર તો  બાકી જ છે. રમેશ પારેખ ચીંધે છે એવા કોઈ સંત મળવા અને મળે તો સમજવા દુષ્કર છે...

સૃષ્ટિ છે એક કોયડો ને અણઉકેલ છે

જાણ્યું તો જાણ્યું એ કે એ દુર્ભેદ્ય જેલ છે

ઉઘરાવી ઝેર, વહેંચે છે ખૈરાતમાં અમી

– એવું અમે તો સંત વિશે સાંભળેલ છે

બધા અત્યારે જોઈ અને સાંભળી રહ્યા છે. ગૂગલી પર ગૂગલી ફેંકાઈ રહી છે. હજી ઘણી સ્ફોટક વિગતો બહાર આવશે. પાકિસ્તાન ઉપરાંત હ્યુમન ટ્રાફિકિંગ સાથે છેડા અડે એવું જાણકારોનું અનુમાન છે. રાજ્ય સરકાર કેટલું છુપાવશે અને કેન્દ્ર સરકાર કેટલું ગોતશે એના પર બધું નિર્ભર છે. અહીં સત્તાની સાઠમારી પણ છે અને ગુનાની ગંભીરતા પણ છે. અશરફ ડબાવાલાની પંક્તિઓ પ્રમાણે સાંભળવાની પણ સજ્જતા કેળવવી પડશે...

છે મહેલનો હુકમ કે એને દેશવટો દ્યો

દરવાજો ખૂલતાં જ બધું જે કળી શકે

જે બહારના લય-તાલમાં ઝૂમી જનાર છે

ઢોલકમાં જઈ અવાજ નહીં સાંભળી શકે

કોરોનાને કારણે ગણેશોત્સવનાં ઢોલનગારાં શાંત જ રહ્યાં અને નવરાત્રિના ગરબા પણ ઑનલાઇન પ્લાન થઈ રહ્યા છે. અત્યારે જે વાજેગાજે છે એવા સુશાંતના કેસમાં સંભવિત આરોપી રિયા ચક્રવર્તીની તરફેણ કૉન્ગ્રેસ રિયાસતે કરી. બેટી-બેટી કહીને બંગાળથી અનેક લોકો બચાવમાં આવી ગયા. ઠાકરેસરકારે રિયાને પોતાની બેટી તરીકે ટ્રીટ કરી અને કંગનાને પારકી બેટી ગણીને હિટ કરી. હિરેન ગઢવીની જેમ આપણને પણ વિમાસણ થાય...

નિર્દોષતા સ્વયંની સાબિત કરી શું કરવું?

મેલી ભલે હો ચાદર ઓઢી રખાય જીવણ

કેવળ મને કહે તું, ને કોઈ સાંભળી લે

તો શક્ય છે ફરીથી ગીતા લખાય જીવણ

સારું છે કે સાંભળવા માટે ઉપલી કોર્ટ છે. નહીંતર નીચલી કોર્ટમાં નીચલે પાયે ઊતરી, સાઠગાંઠના મંજીરા વગાડી ફતેહ મેળવી લેવાની આવડત ગુનેગારો કેળવી જ લેતા હોય છે. અનંત રાઠોડ પ્રણય કહે છે એવું ઘણું બધું ગુપ્ત જ રહેતું હોય છે...  

મારી જ ભીતરે છતાં મારાથી ગુપ્ત છે

ચર્ચાય સઘળું મધ્યમાં કાંઠાથી ગુપ્ત છે

થડની અબોલ ચીસ કુહાડીએ સાંભળી

પણ ધાર જાણતી બધું હાથાથી ગુપ્ત છે

સરકારથી ગુપ્ત રહીને મુંબઈ પોલીસ કશું કરે એ વાતમાં માલ નથી. જોકે આ ‘માલ’ શબ્દ બૉલીવુડની ચૅટમાં જુદી રીતે ઊપસી આવ્યો. કહેવાતા માન્યવર, માનનીય, સન્માનનીય, આદરણીય, ભોળકા માણસો એને ચીજ, વસ્તુ કે મટીરિયલ ગણવાની ચબરાકી કરે તો વાંક કોનો કાઢવો? આ એવા માણસો છે જે અવૉર્ડ વાપસી ગૅન્ગના નામચીન સભ્યો છે. આ એવા માણસો છે જે આતંકવાદી માટે હોલસેલમાં મીણબત્તી લઈને નીકળશે, પણ નિર્દોષ માટે રીટેલ દીવો પણ નહીં પેટાવે. જયેશકુમાર ‘જયલા’ની વાત નોંધવા જેવી છે...

કે એમની સાથે પ્રણયમાં થઈ ગયું ચૈતન્ય એ,

મારા જ હાથે મેં હવે મારી કબર ખોદી લીધી.

આ કાનથી હું સાંભળું, આ કાનથી કાઢું પછી,

‘જયલા’ ગમી જે વાત ખૂબ એ વાતને નોંધી લીધી

ક્યા બાત હૈ

મૌનના પડઘા પડે છે, સાંભળો

ફૂલમાં ફોરમ રડે છે, સાંભળો

 

પેન, કાગળ, મેજ ને રોતો પૂછે

બારણે કોઈ અડે છે, સાંભળો

 

તોરણો, આંખો ઢળી સૂઈ ગયાં

ટોડલો એને જડે છે, સાંભળો

 

રોડ, ભીંતો ને ગલી શકમંદ છે

રાતનાં પગલાં પડે છે, સાંભળો

 

મંજિલો તો હરકદમ સામે મળે

મન સતત પહાડો ચડે છે, સાંભળો

- ભરત ત્રિવેદી

columnists