જ્યારે કવિ ઉમાશંકર જોષી આંખ મીંચીને સાંભળી રહ્યા હતા કવિ કમલ વોરાને

08 July, 2020 09:25 PM IST  |  Mumbai | Ruchita Shah

જ્યારે કવિ ઉમાશંકર જોષી આંખ મીંચીને સાંભળી રહ્યા હતા કવિ કમલ વોરાને

કમલ વોરા

એ ધન્ય ક્ષણનો વિચાર કરીને આજે પણ બિઝનેસમૅન હોવા છતાં ગુજરાતી કવિતાઓના ક્ષેત્રે અનોખું પ્રદાન કરનાર ઘાટકોપરમાં રહેતા કવિ કમલ વોરા આનંદથી રોમાંચિત થઈ જાય છે. લૉકડાઉનમાં તેમણે લખેલી કેટલીક વિશેષ કવિતાઓથી લઈને અત્યારના સમયમાં આવેલા બદલાવ પર તેમની સાથે વાતો કરીએ ૭૦ વર્ષની ઉંમરે પણ તેમના અવાજમાં એક મજબૂત દૃઢતા અને મક્કમતા વર્તાય છે તો તેમનાં કાવ્યોમાં  નિષ્ઠા અને સટિક ગંભીરતા અકબંધ છે. ગુજરાતી સાહિત્યને થોડું જાણનાર કોઈ પણ વ્યક્તિ કમલ વોરાના નામથી અજાણ્યો નહીં હોય. નવાઈની વાત અે છે કે લોકોમાં પ્રિય ગણાય એવા ગઝલ કે પ્રાસ-અનુપ્રાસવાળાં કાવ્યો તેમણે નથી લખ્યાં અને છતાં તેમને ભરપૂર લોકપ્રિયતા મળી છે. અછાંદસ કાવ્યોમાં તેમણે અદ્ભૂત કામ કર્યું છે. પહેલાં અનુભૂતિ અને પછી શબ્દોરૂપી અભિવ્યક્તિ નહીં, પણ પહેલાં અભિવ્યક્તિ અને પછી અનુભૂતિ અે ઊલટી ધારાને તેમણે અપનાવી અને એને પૂરેપૂરો ન્યાય આપીને લોકોમાં એની પ્યાસ પણ જગાવી. કમલભાઈ કહે છે, ‘એવી ઘણી બાબતો છે જેનો અનુભવ આપણને ક્યારેય થયો નથી, પણ જેને શબ્દોરૂપે રજૂ કરાય તો કદાચ એ નવાનક્કોર અનુભવને આપણે પામી શકીઅે. અે જ પ્રકારનું આલેખન મારી કૃતિઓમાં તમને મળશે. ભાવપૂર્ણ ઊર્મિ કાવ્યના એ જમાનામાં આ પ્રકારનું લખાણ લખવું અે સામા પ્રવાહે તરવા જેવું હતું, જોખમ હતું, પરંતુ મને એના પરિણામનો ડર નહોતો. હું કંઈ કવિ તરીકે એસ્ટૅબ્લિશ થવા ત્યારે પણ લખતો નહોતો અને આજે પણ લખતો નથી. મને કોઈ નામનાની અભિલાષા નહોતી. હું તો નિજાનંદ માટે લખતો હતો. મારા એ નિજાનંદમાં લોકોને પણ આનંદ આવ્યો એ તો બાયપ્રોડક્ટ છે.’

કમલભાઈ દરઅસલ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છે અને ૭ વર્ષ તેમણે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર તરીકે પોતાના પિતા કામ કરતા હતા અે જ ફૅક્ટરીમાં કલ્યાણમાં નોકરી પણ કરી અને પછી તેમણે પોતાના ભાઈ સાથે ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીમાં ઝંપલાવ્યું. મૂળ રાજકોટમાં જન્મેલા કમલભાઈ કહે છે, ‘મારાં મમ્મીને વાંચવું ખૂબ ગમતું. એ સમયે તો મનોરંજન માટે કે સમય પસાર કરવા માટે વાંચન અેક શ્રેષ્ઠ પર્યાય હતો. મમ્મીને કારણે હું પણ વાંચન ખૂબ કરતો અને બીજું, શાળામાં ભણતો હતો ત્યારે અધ્યાપકો પણ સરસ મળ્યા કે તેમને કારણે સાહિત્ય અને કવિતાઓ પ્રત્યેનો મારો ઝુકાવ વધતો ગયો. શિક્ષકો ટેક્સબુકની બહારનું પણ ભણાવતા.’
લગભગ અઢાર વર્ષની ઉંમરે તેમણે પહેલું કાવ્ય લખેલું. એ પછી અત્યાર સુધીમાં લગભગ પાંચ કાવ્યસંગ્રહ જેટલાં કાવ્યો તેઓ લખી ચૂક્યા છે, જેમાંથી ત્રણ પુસ્તકરૂપે પ્રગટ પણ થઈ ચૂક્યાં છે. કમલભાઈ કહે છે, ‘હું જે કાવ્યો લખતો હતો એ જુદા ઘાટનાં રહ્યાં છે અને બહુ બધા લોકોને એમાં રસ પડે એવાં નહોતાં અને છતાં તેને લોકોમાં સ્વીકૃતિ મળતી ગઈ. જોકે મારા જીવનની સૌથી મોટી ધન્ય ક્ષણ અેટલે ઉમાશંકર જોષી મુંબઈ આવેલા અને તેમની સમક્ષ મારે મારાં કાવ્યનું પઠન કરવાનું હતું. તેઓ આંખ બંધ કરીને ધ્યાનમગ્ન થઈને અે સાંભળી રહ્યા હતા. અેવામાં બીજી રૂમમાં કોઈ સહેજ અવાજ કરતું હતું અને ખલેલ પહોંચી તો પોતે ઊભા થઈને તેમને શાંતિ જાળવવાનું કહ્યું હતું અને ફરી અે કાવ્યોને એકરસ થઈને સાંભળી રહ્યા હતા. મારા માટે એ અપૂર્વ આનંદની ક્ષણ હતી. મને હંમેશાં કવિતા ખૂબ પવિત્ર લાગી છે અને મેં મારા પક્ષથી એને ચીલાચાલુ થવા નથી દીધી. ગુજરાતી ભાષા અને ગુજરાતી સાહિત્યનું ભવિષ્ય ધૂંધળું છે અેવું લોકો કહી રહ્યા છે, પરંતુ મને નથી લાગતું. બોલચાલમાં ગુજરાતી ભાષા ટકી રહી છે અને એ જ એની લાંબી આવરદાની સાબિતી છે. હા, હવે લોકો કવિતાનાં પુસ્તકો ઓછાં વાંચે છે, પરંતુ તમે જોશો તો સમજાશે કે સોશ્યલ મીડિયા અને અન્ય ડિજિટલ માધ્યમોમાં કવિતાઓ વંચાય છે, એનું શૅરિંગ થાય છે. લોકો વધુ પ્રમાણમાં કવિતાઓ લખતા થઈ ગયા છે. કેવી લખે છે એ મહત્ત્વની બાબત નથી, પરંતુ લખે છે એ મહત્ત્વનું છે.’
અત્યારે લૉકડાઉનમાં પણ કમલભાઈએ લખેલા એક કાવ્યમાં પ્રકૃતિને આપણા દ્વારા થયેલા નુકસાનને હૃદયસોંસરવી શૈલીમાં કરેલા નિરૂપણને મમળાવીએ.

પ્રાર્થના
માફ કર! માફ કર!
સૂર્યને ટાઢો કર્યો, માફ કર!
પાણી મેલાં, માફ કર!
ધરતીમાં ઝેર વાવ્યાં, માફ કર!
આકાશ ધુમાડે ગૂંગળાવ્યું, માફ કર!
પવનને અંગારવાયુથી દઝાડ્યો, માફ કર!
માફ કર!
જંગલો ચાવી ગયાં
પહાડો ઓહિયાં કર્યા
નદીઓ ગટગટાવી, માફ કર!
આ હાથનાં કર્યાં, માફ કર!
આંચક્યું, ખૂંટવ્યુ, ઝૂંટવ્યું છે
લાવ... લાવ... લાવ... હજી લાવ
કહી લીધું, લીધું, લીધું, લીધા કર્યું છે
મનુષ્યના
પશુ-પક્ષી-પ્રકૃતિના પેટ પર
પાટુ દીધું છે, માફ કર!
હે વિષાણુ!
વિષ ઉતાર અમારાં!
આ પહેલી વાર અથવા છેલ્લી વાર...
અમારાં પાપ માફ કર!
-કમલ વોરા

ruchita shah columnists