હીરાને ઓળખવાની આવડત માણસમાં ક્યારે આવે?

10 May, 2020 09:00 PM IST  |  Mumbai Desk | Bhavya Gandhi

હીરાને ઓળખવાની આવડત માણસમાં ક્યારે આવે?

હીરાની પરખ ક્યારે થાય?

આજે મારે તમને એક સ્ટોરી કહેવી છે. આ સ્ટોરીમાં એક હીરો છે. એક, ના, માત્ર એક હીરો છે અને હીરો હોય ત્યારે દરેક વખતે હિરોઇનની જરૂર નથી હોતી.

હીરોનું નામ રવિ. રવિ ગામડામાં રહે છે, સાવ નાનું ગામડું છે અને આ નાના ગામડામાં રહેતા રવિનું એક સપનું છે. તેને પૈસા કમાવા છે, અઢળક પૈસા કમાવા છે અને એ કમાવા માટે તેની પાસે કોઈ ખાસ તાલીમ નથી કે નથી કોઈ એવો એક્સ્ટ્રા ઑર્ડિનરી કહેવાય એવો અનુભવ. ધંધો ક્યારેય કર્યો નથી એટલે ધંધા માટેની સૂઝ પણ નથી. પણ તે સાવ ખાલી હાથ પણ નથી. હા, તેની પાસે છે એક હીરો. આ હીરો વેચીને રવિ પૈસા કમાઈ શકે છે. રવિને બધા ગામવાળાએ ભેગા થઈને સમજાવ્યું કે આ હીરો સાચો છે કે ખોટો અને એનું મૂલ્ય શું છે એ તને ગામમાં તો કોઈ કહી શકે એમ નથી. બહેતર છે કે તું આ હીરો લઈને મુંબઈ ચાલ્યો જા. મુંબઈમાં હીરાબજાર છે. તારા આ હીરામાં અને તારામાં જો હીર હશે તો એ મુંબઈમાં વેચાશે અને જો નહીં હોય તો પૈસા હાથમાં નહીં આવે, પણ તારે બીજા કોઈ રસ્તે કામ કરવું હશે તો તને એની પણ તક મળશે.
રવિને પોતાના પર એટલો ભરોસો નહોતો જેટલો તેને પોતાના હીરા પર ભરોસો હતો. ભાઈ નીકળ્યા મુંબઈ આવવા. રવિને આગળપાછળ કોઈ હતું નહીં એટલે મુંબઈ આવવા નીકળ્યો ત્યારે આખું ગામ તેને વળાવવા સ્ટેશને આવ્યું, વાજતેગાજતે રવિને ટ્રેનમાં બેસાડીને રવાના કર્યો.
રવિ આવી ગયો મુંબઈ અને પૂછપરછ કરતાં ખબર પડી કે બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (બીકેસી)માં હીરાના ઘણા વેપારીઓ છે, ત્યાં જઈને તે પોતાનો હીરો વેચી શકે છે. રવિકુમાર ચાલ્યા બીકેસી અને વારાફરતી બધા હીરાના વેપારીને મળવા લાગ્યા. કોઈએ પણ રવિની વાત સાંભળી નહીં અને બધાએ કહ્યું કે આ હીરો ખોટો છે. રવિ માટે પણ કહેવામાં આવ્યું કે તે ઠગ છે અને મુંબઈના વેપારીઓને છેતરવા આવ્યો છે. બધા રવિ પર હસે અને તેની મજાક ઉડાડે. રવિ સમજાવવાની કોશિશ કરે તો તેનો હીરો હાથમાં લઈને તરત જ વેપારી કહી દે કે આ ખોટો છે, કાચનો ટુકડો છે. ધીરે-ધીરે રવિને સમજાવા લાગ્યું કે અહીં હીરો વેચાવાનો નથી. હવે હીરો લઈને રવિ ગયો મલાડ. કેટલાક લોકોએ તેને કહ્યું કે ત્યાં પણ ઘણા વેપારીઓ છે. ત્યાં તારો હીરો વેચાઈ શકે છે, પણ એવું બન્યું નહીં. જે વાત બીકેસીમાં બની હતી એ જ વાતનું પુનરાવર્તન અહીં થયું અને રવિનો હીરો ખરીદવા કોઈ તૈયાર થયું નહીં. હવે રવિ હિંમત હારવા લાગ્યો હતો. પોતાની પાસે જે પૈસા હતા એ પણ હવે પૂરા થવા માંડ્યા હતા છતાં રવિ બનતા પ્રયત્ન કરતો કે એક વખત હીરો વેચાઈ જાય અને તેનું કામ થઈ જાય. સમય પસાર થતો ગયો અને એક વીક પસાર થઈ ગયું, પણ કોઈ ચાન્સ મળ્યો નહીં. ઠેરના ઠેર. રવિનો હીરો વેચાયો નહીં. હવે પૈસા ખતમ થવા માંડ્યા અને રવિને ખાવાનાં પણ ફાંફાં પડવા લાગ્યાં. હવે પરિસ્થિતિ એવી આવી કે રહી માત્ર બે જ ચીજ, એક તો પોતે એટલે કે રવિ અને બીજો હીરો.
આઠમા દિવસે રવિ પાછો પોતાની હિંમત ભેગી કરીને માર્કેટમાં ગયો અને એક વેપારીએ તેને જોયો. રવિને તેણે સામેથી બોલાવ્યો અને કહ્યું કે શું છે તારી પાસે કે સાત-સાત દિવસથી તું આવે છે તો પણ કોઈ ખરીદતું નથી. રવિને થોડું જોમ આવ્યું અને તેણે શેઠને હીરો બતાવ્યો.  મહેશ તેમનું નામ. મહેશ શેઠે  હીરો ચારે બાજુએ ફેરવીને જોયો અને કહ્યું કે શું કિંમત છે આ હીરાની? રવિએ કહ્યું કે આ હીરાની કિંમત છે એક લાખ રૂપિયા. મહેશ શેઠે  ફરી પાછો હીરો અને રવિને જોયો અને એક લાખ રૂપિયા ગણી આપ્યા. રવિ તો રાજીરાજી થઈ ગયો. રવિ જવાની તૈયારી કરતો હતો ત્યાં જ મહેશ શેઠે તેને કહ્યું કે તું મારે ત્યાં કામ કરીશ. રવિને તો કામ મળી ગયું અને તે રાજીખુશી મહેશ શેઠને ત્યાં કામ કરવા લાગ્યો. ધીરે-ધીરે સમય વીતવા લાગ્યો અને શેઠનો ધંધો રવિ વધારતો ગયો. રવિ બધું શીખી ગયો અને શેઠની મુંબઈ શહેરમાં જ ઘણી બ્રાન્ચ ખોલી નાખી. રવિ ખુશ અને શેઠ તેનાથી વધારે ખુશ. સમય પસાર થતો ગયો અને ધીમે-ધીમે પાંચ વર્ષ વીતી ગયાં. આખા ભારતમાં મહેશ શેઠની બ્રાન્ચ ઓપન થઈ અને શેઠનો ધંધો રાજાની કુંવરીની જેમ દિવસે અને રાતે વધવા લાગ્યો. ધીરે-ધીરે સમય વીતતો ગયો અને ધંધો રવિ અને મહેશ શેઠે બધે પ્રસરાવી દીધો. સમય પ્રમાણે ધંધો રવિ શીખતો ગયો અને બહુ મોટું એમ્પાયર બનાવી દીધું. 
સમયે પોતાનું કામ કર્યું અને એક દિવસ શેઠની તબિયત બગડી. શેઠને સંતાનમાં કોઈ હતું નહીં અને શેઠને સમજાયું કે હવે છેલ્લો સમય છે અને રવિને બોલાવીને કહ્યું કે આ તિજોરીની ચાવી છે અને એમાં આપણી બધી કામની ફાઇલો, દસ્તાવેજ છે એ લઈ લે એટલે તને સમજાવી દઉં. તિજોરીની અંદર જોયું તો બધાં કાગળ અને ફાઇલો હતી અને સાથે વર્ષો પહેલાં રવિએ શેઠને વેચેલો હીરો પણ હતો. રવિએ હીરાને ઉપાડીને જોયું અને એકઝાટકે રવિને સમજાઈ ગયું કે આ હીરો તો ખોટો છે. રવિએ તરત જ મહેશ શેઠને પૂછ્યું કે શેઠ આ હીરો તો ખોટો છે અને છતાં તમે મારી પાસેથી એ ખરીદ્યો? રવિના ચહેરાના રંગ ઊડી ગયા, કારણ કે રવિ કરતાં તો એ સમયે શેઠને વધારે ખબર પડતી હતી અને છતાં શેઠે આમ કેમ કર્યું હશે? રવિને પાસે બેસાડીને શેઠે પ્રેમથી કહ્યું કે મને ખબર હતી કે હીરો ખોટો છે પણ આ આખો ધંધો કોણે ઊભો કર્યો? આ આખું એમ્પાયર કોણે ઊભું કર્યું? તેં. અને મારી નજર ક્યારેય હીરાને પારખવામાં થાપ ખાય નહીં.  
ખરેખર સાચી વાત છે, સાચો ઝવેરી ક્યારેય હીરાને ઓળખવામાં થાપ ખાય નહીં. થોડા સમય પહેલાં હું મારી એક ફિલ્મનું શૂટિંગ કરતો હતો ત્યારે એક છોકરો મને મળવા આવ્યો. એ છોકરાએ ત્યારે સૉલ્જર પર એક શૉર્ટ ફિલ્મ બનાવી હતી અને બીજી એક શૉર્ટ ફિલ્મ તે બનાવતો હતો. મેં ફિલ્મ થોડી જોઈ અને જે સાચું હતું એ કહ્યું અને અમારી વાત ચાલતી હતી ત્યારે અમારા કૅમેરામૅન દાદા ત્યાં જ હતા અને એ બધું જોઈ રહ્યા હતા. હું તો ફટાફટ લાસ્ટ શૉટ માટે ચાલ્યો અને શૉટ આપીને પૅકઅપ કરી રવાના થવા લાગ્યો, પણ કૅમેરામૅન દાદા એ છોકરા સાથે વાત કરતા હતા અને લગભગ એકાદ કલાક પછી વાત કરીને આવ્યા એટલે મેં કહ્યું કે શું દાદા, તમે પણ ટાઇમ પાસ કરવા લાગો છો, પૅકએપને કેટલો ટાઇમ થયો અને ત્યારે તેમણે મને સમજાવ્યું કે ક્યારેય કોઈની સાથે એવી રીતે વાત નહીં કરવાની કે તું કાંઈ નથી. આવતી કાલે આ છોકરો જો રાઇટર કે ડિરેક્ટર બની ગયો તો એ તારી સાથે કામ ન પણ કરે. તારે હંમેશાં એ યાદ રાખવાનું કે તારી પાસે કોઈ આવે ત્યારે હંમેશાં તેની સાથે સારી રીતે જ વાત કરવાની અને કાંઈ ન થાય તો તું તેને મોટિવેટ કરવાનું તો કામ કરી જ શકે છે. ત્યારે તો મેં દાદાની વાત સાંભળી લીધી, પણ એ પછી મારે થોડા સમય પહેલાં જ્યારે અમદાવાદ જવાનું થયું અને ત્યારે એ જ છોકરો મને ફરી મળ્યો. છોકરાને બીજી વખત મળ્યા પછી મને સમજાયું કે દાદાની વાત કેટલી સાચી હતી. એ છોકરાએ એક બુક લખી છે અને એ પણ ડાયનોસૉર પર. અનબિલિવેબલ. સબ્જેક્ટ પણ ઘણો અઘરો છે અને છતાં એ છોકરાએ ડાયનોસૉર પર આખી ફિલ્મ એકદમ ઑથેન્ટિસિટી સાથે લખી છે. તમને એ સાંભળતી વખતે એવું જ લાગે કે તમે કોઈ હૉલીવુડ ફિલ્મની સ્ક્રિપ્ટ સાંભળી રહ્યા છો.
સાચું જ કહ્યું છે કોઈકે, સાચા હીરાની ઓળખ માત્ર અને માત્ર ઝવેરીને હોય.

columnists Bhavya Gandhi