ક્યારે પાવરફુલ પુરુષો પણ પીગળી જાય છે?

25 January, 2021 02:17 PM IST  |  Mumbai | Varsha Chitaliya

ક્યારે પાવરફુલ પુરુષો પણ પીગળી જાય છે?

પ્રતીકાત્મક તસવીર

જર્નલ ઑફ ફૅમિલી સાયકોલૉજીનો અભ્યાસ કહે છે કે સમાજમાં શારીરિક અને માનસિક રીતે સશક્ત ગણાતો પુરુષ ભાવનાત્મક સંબંધો સામે હારી જાય છે. સામ, દામ, દંડથી પણ જેને હરાવવું મુશ્કેલ લાગે એવા પુરુષોને ખાસ વ્યક્તિનાં આંસુ પીગળાવી દે છે. ખરેખર પુરુષો નબળા પડી જાય ખરા? મુંબઈના કેટલાક પુરુષોનું આ બાબતે શું કહેવું છે તેમ જ તેમના જીવનમાં એવું કયું પાત્ર છે જેની સામે તેઓ હાર માની લે છે એ જાણીએ...

ફૅમિલી અટેચમેન્ટ સૉલિડ, પણ કોઈ બ્લૅકમેઇલ ન કરી શકે: જતીન ગોર

ફૅમિલીના એક મેમ્બર સામે નબળા પડી જાઓ તો સંયુક્ત કુટુંબમાં ન રહી શકો. ઘરના તમામ પુરુષો મન મક્કમ રાખીને નિર્ણયો લઈ શકે એટલા સક્ષમ હોય ત્યારે જ ત્રણ ભાઈઓનો બહોળો પરિવાર સાથે રહી શકે. વાઇફ અને સંતાનો સામે તમે હારી જાઓ તો ઘરની અંદર સમસ્યા ઊભી થાય. પરિવાર સાથે અટેચમેન્ટ તો સૉલિડ છે, પણ નબળી કડી કહી શકાય એવું કોઈ નથી. પોતાના અનુભવો શૅર કરતાં ગ્રાફિક્સ ડિઝાઇનિંગનો વ્યવસાય ધરાવતા જતીન ગોર કહે છે, ‘સામાન્ય રીતે બાળહઠ સામે માતા-પિતા અથવા વડીલો હાર માની લેતાં હોય છે. મારો સન ધૈર્ય ઘણી વાર જીદ કરીને ટૉય લઈ આવે. બે દિવસ પછી રમકડું બતાવીને કહું કે જો રમતો નથી તોય લીધું. આવી નાની બાબતમાં તેમની મનમાની ક્યારેક ચલાવી લેવી પડે છે. જોકે અમે જલદીથી સરેન્ડર નથી થતાં. ભાઈની દીકરી સિદ્ધિ નવમા ધોરણમાં હતી ત્યારે તેની સ્કૂલમાંથી દુબઈની ટ્રિપનું આયોજન કરવામાં આવ્યું હતું. દુબઈ જવા માટે તેણે ઘણા ધમપછાડા કર્યા, આંસુ સારીને રિસાઈ ગઈ. દીકરી રડે એ ગમે નહીં. એ વખતે ઇમોશનલ થઈ જવાયું હતું તોય ધીરજ રાખીને તેને રડવા દીધી. એ દરમ્યાન અમે લોકોએ દુબઈ ટ્રિપનો ખર્ચ લખી રાખ્યો. બે-ત્રણ દિવસે શાંત પડી ત્યારે કૉસ્ટિંગ બતાવીને સમજાવ્યું તો માની ગઈ. ફૅમિલીની અંદર દરેક પુરુષના જીવનમાં આવી ઇમોશનલ કસોટીઓ થતી હોય છે. નાનપણમાં અમે ઘણી આર્થિક તંગીનો સામનો કર્યો હોવાથી ખર્ચની બાબતમાં નબળા નથી પડતા. હા, કોઈ બીમાર હોય ત્યારે ટેમ્પરરી પિરિયડ માટે ચોક્કસ ઢીલા પડી જઈએ.’

દીકરી પ્લીઝ પપ્પા બોલે ત્યાં ઢીલા પડી જવાય: કુણાલ દફતરી

દીકરી પિતાના હૃદયમાં ઊંડાણ સુધી પહોંચીને ડોકિયું કરી શકે છે. આખા દિવસના થાકને પળવારમાં છૂમંતર કરી દેવાનો જાદુ તેને આવડે છે. એટલે જ દરેક પુરુષની લાઇફમાં પુત્રી સૌથી ઇમોશનલ પાત્ર હોય છે એવું મારું માનવું છે. નવી બનતી ઇમારતોના ઇલેક્ટ્રિકલ કૉન્ટ્રૅક્ટના બિઝનેસ સાથે સંકળાયેલા કુણાલ દફતરી પોતાના વીક પૉઇન્ટ વિશે વાત કરતાં કહે છે, ‘પાંચ વર્ષની રમતિયાળ અને મીઠડી રિતિકા તેની કાલીઘેલી ભાષામાં ‘પ્લીઝ પપ્પા ચાલોને, આ લાવી આપોને’ એવું બોલે ત્યાં જ ઢીલા પડી જવાય. લગ્નજીવનનાં ૧૨ વર્ષ બાદ જન્મેલી દીકરીની નાનામાં નાની ડિમાન્ડ પણ મારે મન બહુ મોટી વાત હોય. ઇમોશનલી બ્લૅકમેઇલ શું હોય એની આ ઉંમરનાં બાળકોને ખબર ન પડે, પરંતુ વાઇફ ઘણી વાર લાભ લે ખરી. સેટરડે રાત્રે ઘરે આવું ત્યારે લૉન્ગ ડ્રાઇવ પર લઈ જવાના છીએ એવી સરપ્રાઇઝ મળે અને બન્ને તૈયાર જ હોય. હકીકતમાં ઇચ્છા વાઇફની હોય અને શબ્દો રિતિકાના. લેટ નાઇટ બહાર નાસ્તો કરવા જવું હોય કે જુહુ બીચ ફરવા જવાની દીકરી હઠ પકડે તો બધાં કામ બાજુ પર મૂકી તેને પ્રાયોરિટી આપવી પડે. સામાન્ય રીતે થોડાંઘણાં તોફાન-મસ્તી કરતી હોય તોય ઘરમાં કોઈ બૂમ ન પાડે, પરંતુ ક્યારેક તેની મમ્મીને વઢવું પડે. ઑનલાઇન સ્ટડી અને હોમવર્ક એ પપ્પાનો વિષય નથી એથી ચૂપ રહું. જોકે મારાથી જોવાય નહીં એટલે બીજી રૂમમાં ચાલ્યો જાઉં. મારી દુનિયા દીકરીની આસપાસ ફરે છે અને રિતિકા દાદા-દાદી સાથે વધુ અટેચ્ડ છે.’

દીકરીના કહેવાથી ડેસ્ટિનેશન ચેન્જ કર્યું: મેહુલ ચિતલિયા

આમ તો મેન્ટલી સ્ટ્રૉન્ગ છું. સન અને વાઇફ કોઈ વસ્તુની ડિમાન્ડ કરે તો તરત લાવીને ન આપું. એ લોકોએ રાહ જોવી પડે, પણ ધિયાના મોઢામાંથી નીકળેલા શબ્દો મારા માટે ઇમોશનલ બ્લૅકમેઇલિંગનું કામ કરે છે. ૭ વર્ષની પુત્રી સામે તમામ હથિયાર હેઠાં મૂકી સરેન્ડર થઈ જતા કન્સ્ટ્રક્શનનો બિઝનેસ ધરાવતા મેહુલ ચિતલિયા કહે છે, ‘મારી લાઇફમાં સૌથી સ્ટ્રૉન્ગ અને સૌથી નબળું પાસું ધિયા છે એમ કહી શકાય. તેની હાજરીમાં પાવરફુલ ફીલ કરું અને આંખમાં આંસુ ડોકાય તો નબળો પડી જાઉં. મારા આ વીક પૉઇન્ટનો વાઇફ ઘણી વાર ગેરલાભ ઉઠાવે. તેને શૉપિંગ માટે જવું હોય અને ખબર હોય કે મારી પાસે સમય નથી ત્યારે દીકરીને આગળ કરીને કહેવડાવે. ત્યાં જઈને શૉપિંગની બૅગ વાઇફની જ ભરાવાની છે એ મનમાં જાણતો હોવા છતાં ધિયા કહે પપ્પા સન્ડે મૉલમાં જવું છે, એટલે બધાં કામકાજ સાઇડ પર મૂકીને લઈ જાઉં. ટેન્થમાં સ્ટડી કરતા દીકરાને પણ ખબર છે કે પપ્પાને મનાવવા માટેનો આઇડિયા નાની બહેન છે. એક વાર દીકરીની ખુશી માટે વેકેશન પ્લાનમાં મોટા પાયે ચેન્જિસ કરવાં પડ્યાં હતાં. સામાન્ય રીતે વિદેશ ફરવા જવાનું હોય તો બે-ત્રણ ફૅમિલી સાથે મળીને પ્લાન કરીએ જેથી મજા આવે. અમે લોકોએ દુબઈ ટૂર વિચારી હતી. બધું નક્કી હતું એવામાં ધિયા સ્કૂલ ફ્રેન્ડ પાસેથી સાંભળીને આવી કે હૉન્ગકૉન્ગમાં ડિઝનીલૅન્ડ છે. ઘરે આવીને ડિઝનીલૅન્ડ જોવાની જીદ પકડી. ઘણી સમજાવી કે બેટા બીજી વાર જઈશું, આ જગ્યાએ મજા આવશે, પણ ન માની. આખરે ડેસ્ટિનેશન ચેન્જ કરવું પડ્યું. ફાધરને ડૉટર પ્રત્યે એવો લગાવ હોય છે કે કોઈ વાતમાં ના પાડી શકાતું નથી.’

મમ્મી મારા જીવનની સૌથી નબળી કડી છે: મનીષ વોરા

આપણો સમાજ એવું માને છે કે પુરુષ બહુ સ્ટ્રૉન્ગ હોય છે, વાસ્તવમાં તે અંદરથી રોજ બ્રેક થતો હોય છે. માતા-પિતા, વાઇફ, સંતાનો બધાં જ સમય અને સંજોગો પ્રમાણે તેને ઇમોશનલી બ્લૅકમેઇલ કરી શકે છે અને કરતાં હોય છે. વાઇફ અને સંતાનો સામે મજબૂત રહી શકું છું, પણ મમ્મી મારા જીવનની સૌથી નબળી કડી છે એમ જણાવતાં સ્ટૉકબ્રોકર મનીષ વોરા કહે છે, ‘માતા માટે સૉફ્ટ કૉર્નર વધુ હોવાનું કારણ છે તેમણે કરેલો સંઘર્ષ. અમે ભાઈ-બહેનોએ નાની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. ત્યાર બાદ મમ્મીએ સખત મહેનત કરી હતી. તેઓ સર્વોચ્ચ સ્થાને બિરાજે છે. ગમે એટલી અગત્યની મીટિંગમાં હોઉં, મમ્મી માટે બધું સાઇડ પર મૂકીને ઘરે આવી જાઉં. તેઓ માંદાં પડે તો સહન ન થાય. તેમની હેલ્થની રિકવરી પ્રાયોરિટીમાં હોય. જોકે માતા ક્યારેય બ્લૅકમેઇલ ન કરે એ ભ્રમમાં પણ ન રહેવું. પરણેલી બહેનના ઘરે સામાજિક વ્યવહાર સાચવવાના હોય ત્યારે ઘણી વાર ઇમોશનલી બ્લૅકમેઇલ થયો છું. ફૅમિલીમાં બધાને મારા વીક પૉઇન્ટની ખબર, એટલે મમ્મીને આગળ કરીને કામ કઢાવી લે. મારા સન નિમિત્તને ટૂ-વ્હીલર લેવું હતું પણ મારી ના હતી. યંગ છોકરાઓને સ્પીડમાં સ્કૂટર ચલાવતાં જોઈને ઍક્સિડન્ટનો ભય લાગતો હતો. બધાએ મળીને મમ્મીને આગળ કર્યાં. રાતે ઘરે આવ્યો તો મમ્મીએ સ્કૂટર હશે તો સંતાનોને ક્લાસિસમાં જવામાં સારું પડશે, શાકભાજી લઈને ફટાફટ ઘરે આવી જવાય વગેરે ફાયદા ગણાવ્યા. તેમનો હુકમ એટલે પ્રભુની આજ્ઞા, ના પાડવાનો સવાલ જ નહોતો. આખરે સ્કૂટર માટે હા પાડવી પડી.’

columnists Varsha Chitaliya