તન અને મન બન્ને અનિયમિત બને ત્યારે...

01 December, 2019 04:24 PM IST  |  Mumbai | Dr Dinkar Joshi

તન અને મન બન્ને અનિયમિત બને ત્યારે...

માણસના શરીરના બે અવયવ એવા છે કે જે ઉંમર વધવા સાથે મુદ્દલ વધઘટ થતા નથી. બાળક જ્યારે માતાના ગર્ભથી છૂટું પડીને પહેલો શ્વાસ લે છે ત્યાંથી માંડીને છેલ્લા શ્વાસ લગી આ બે અવયવ એવા ને એવા જ રહે છે. વિજ્ઞાન એવું કહે છે કે ૨૦ વર્ષની ઉંમર સુધી અવયવોનો વિકાસ થતો રહે છે અને ૬૦ વર્ષની ઉંમર પછી આ અવયવો સંકોચાવા માંડે છે. એવીય ગણતરી મુકાઈ છે કે ૬૦ વર્ષની વય પછી દર દસકે માણસની લંબાઈ સુધ્ધાં સૂક્ષ્મ પ્રમાણમાં ઘટતી રહે છે, પણ આ નિયમને જે બે અવયવ સ્વીકારતા નથી એ પૈકી દૃશ્ય અવયવનું નામ આંખની કીકી છે. કીકી ક્યારેય નાની-મોટી થતી નથી. જન્મ સમયે નવજાત શિશુની આંખમાં કીકીનું જે પ્રમાણ હોય છે એ જ પ્રમાણ અંત સુધી જળવાયેલું રહે છે. બીજું અદૃશ્ય અવયવ મન છે. મન શરીરના કયા ચોક્કસ ભાગમાં છે એ આપણે જાણતા નથી. મન કેવું અને કેવડું હોઈ શકે એનીય કોઈને ખબર નથી, પણ મન છે એનો ઇનકાર કોઈ કરતું નથી. આ મન પણ માણસ સમજણો કે વિચારતો થાય ત્યારથી જેવું અને જેટલું પ્રવૃત્ત હોય છે એવું અને એટલું જ પ્રવૃત્ત જીવનના છેલ્લા શ્વાસ સુધી હોય છે. શરીરના અન્ય તમામ અંગો ગળી ગયા હોય, કાર્યક્ષમ રહ્યા ન હોય અને છતાં મન એવું ને એવું જ સાબુત હોય છે. પ્રત્યક્ષ સ્વરૂપે જે માણસ બીજાની સહાય વિના પાસું પણ બદલી શકતો ન હોય એ માણસ મન વડે સાત સમંદર તો ઠીક, પણ નવે ગ્રહોની પેલે પાર પહોંચી જતો હોય છે.

મન ક્યારેય આપણા વશમાં હોતું નથી. શરીરના અન્ય તમામ અવયવો પૂરેપૂરા આપણા વશમાં હોય છે. આપણે જો ધારીએ તો જ પગ ચાલતા હોય છે અને ધારીએ તો જ મોં વાટે શબ્દ બહાર નીકળતો હોય છે. અનિચ્છા હોય તો શરીરનું એકેય અંગ પ્રવૃત્તિ કરતું નથી, પણ મનનું એવું નથી. મન દિવસ અને રાત એક ક્ષણનીય રુકાવટ વિના, આપણી ઇચ્છા કે અનિચ્છાની મુદ્દલ પરવા કર્યા વિના પોતાની રીતે જ ચાલતું હોય છે. આમ તન વત્તા મન મળીને જે માણસ બને છે એમાં આખું જીવન તન ઉપર તે અધિકાર ભોગવે છે, પણ મન ઉપર તેની મુદ્દલ હકૂમત ચાલતી નથી. મન પાસે માણસ પરવશ બની જતો હોય છે.

જે તન ઉપર પોતે અધિકાર ભોગવે છે એવું માણસ જિંદગીભર માનતો હોય છે, એ જ અવયવો જ્યારે તેના વશમાં રહેતા નથી, તેની હકૂમતને ગાંઠતા નથી, તેની એક-એક ઇચ્છા અને આજ્ઞાનો સરેઆમ અનાદર કરવા માંડે છે ત્યારે એક લાખ રૂપિયાનો સવાલ ઊભો થાય છે કે જે અંગો પાસેથી અત્યાર સુધી માણસે ધાર્યું કામ લીધું હોય એ જ અંગો પાસેથી જ્યારે તે પોતાની ઇચ્છાનુસાર એકેય કામ લઈ શકતો નથી ત્યારે એક વિચિત્ર પરિસ્થિતિ સર્જાય છે. મન તો પહેલેથી વશમાં હતું જ નહીં અને હવે તન પણ તેના નિયંત્રણની બહાર જતું રહે છે ત્યારે તેના અસ્તિત્વને કઈ રીતે સ્વીકારી શકાય? એનું અસ્તિત્વ અત્યાર સુધી તન વત્તા મન હતું. મન ભલે અનિયંત્રિત હોય, પણ એ પ્રત્યક્ષ દર્શનીય નહોતું, પણ તન અને તન સાથે જોડાયેલા તમામ અવયવો ઉપર તે અધિકાર ભોગવતો હતો. આ અધિકાર પણ જ્યારે જતો રહે; તેની આંખ, કાન, જીભ, હાથ, પગ કે અન્ય અવયવો જ્યારે એવી દશામાં મુકાઈ જાય કે તે સ્વેચ્છાએ અને સ્વતંત્રતાથી કશું કરી શકે નહીં ત્યારે માણસ તરીકેના તેના અસ્તિત્વ સામે ગંભીર ખતરો પેદા થાય છે. હવે તેને માણસ શી રીતે કહી શકાય? તેનું સ્વતંત્ર અસ્તિત્વ જ હવે રહેતું નથી. અંગ્રેજીમાં જેને લિવિંગ વેજિટેબલ કહે છે એવી જ એક વનસ્પતિનો જ તે એક ભાગ બની જાય છે.

પણ આધુનિક કાયદો પોતાને સુસંસ્કૃત કહેવડાવે છે. આ સુસંસ્કૃત કાયદો આવા લિવિંગ વેજિટેબલને પણ માણસના સ્વતંત્ર અસ્તિત્વ તરીકે સ્વીકારે છે. અહીં સવાલ સ્વેચ્છા મૃત્યુનો પેદા થાય છે. તન ભલે લિવિંગ વેજિટેબલ બની ગયું હોય, પણ એના અસ્તિત્વનો અરધોઅરધ ભાગ મન તો કાર્યરત હોય જ છે. આ સંજોગોમાં મનથી જે માણસ એવું વિચારે કે તેના અસ્તિત્વનો હવે કશો અર્થ નથી અને સ્વેચ્છાપૂર્વક જ આ અસ્તિત્વનું વિલોપન કરવાનું તે ધારે તોય કાયદો એને મંજૂરી આપતો નથી.

જૈન ધર્મમાં સંથારાનો વિકલ્પ છે. આમાં તન કે મનની કોઈ વાત નથી, પણ વૈરાગ્ય વૃત્તિની વાત છે. માણસને જ્યારે એમ લાગે છે કે હવે તેનું જીવનકર્મ પૂર્ણ થઈ ગયું છે ત્યારે તે આમરણાંત અન્ન-જળનો ત્યાગ કરે અને આવા મૃત્યુને જૈન ધર્મે ધાર્મિક સ્વરૂપ આપીને સ્વીકૃતિ પણ આપી છે. મહાભારત વિદુરનું મૃત્યુ આવું જ એક ઉદાહરણ છે. એક રીતે કહીએ તો પાંડવોનું સ્વર્ગારોહણ પણ સ્વેચ્છા મૃત્યુ તરીકે જ ઓળખાવી શકાય. આમ સ્વેચ્છા મૃત્યુનો વિચાર આપણા માટે સાવ નવો ન કહી શકાય. વર્તમાન યુગમાં વિનોબા ભાવેએ પણ આયુષ્યના છેલ્લા કેટલાક દિવસો સ્વેચ્છાએ જ અન્ન-જ‍ળનો ત્યાગ કર્યો હતો.

માણસે ક્યાં અને કેમ જન્મ લેવો એ તેના હાથની વાત નથી, પણ જીવનનો બીજો છેડો એટલે મૃત્યુ એ પૂર્ણત: તેના હાથની જ વાત હોવી જોઈએ. કુદરતી રીતે સહજ પ્રક્રિયાથી જીવનનો અંત આવે એ સ્વીકાર્ય, પણ આવો સહજ અંત જ્યારે હાથવેંતમાં ન હોય, તન અને મન બન્ને ઉપરનો અધિકાર તે ખોઈ બેઠો હોય ત્યારે જીવનનો અંત લાવવાનો અધિકાર તેને મળવો જ જોઈએ. આમેય કોઈ પણ સ્થળ કે સમાજ માટે, જેમની કાર્યક્ષમતા પૂરી થઈ ગઈ છે એવા માણસો અનેક પ્રશ્નો પેદા કરે છે. વિજ્ઞાનના વિકાસ સાથે આયુષ્યરેખા લંબાતી જાય છે. બાળમરણનું પ્રમાણ ઘટતું જાય છે. ૬૦ વર્ષની ઉંમર પછી જો આવા નાગરિકોની વસ્તી સતત વધતી રહે તો એવીય ભીતિ રહે છે કે સમાજનું આર્થિક સંતુલન ખોરવાઈ જાય. આ સંજોગોમાં જે રીતે ઓછાં બાળકો ઉત્પન્ન કરવાની સરકારી નીતિ હોય છે અને આ નીતિ અનુસાર સંતતિ નિયમનનાં ઑપરેશનો કરાવનારને પ્રોત્સાહિત કરવામાં આવે છે એ જ રીતે, ચોક્કસ સંજોગોમાં સ્વેચ્છા મૃત્યુને પણ પ્રોત્સાહિત કરવું જોઈએ. સ્વેચ્છા મૃત્યુના આ પ્રકારમાં મર્સી કિલિંગનો પણ સમાવેશ થઈ જાય છે.

આ પણ વાંચો : ઘી ઢોળાયું તો ખીચડીમાં જ છેને ભાઈ

કેટલાક દેશોએ આ વિચારને અપનાવ્યો પણ છે. કેટલાક દેશોમાં આ વિશે ચર્ચાવિચારણા પણ થાય છે. આપણે ત્યાં બૌદ્ધિક સ્તરે આ વિશે કોઈ ખાસ ચર્ચા થતી નથી, પણ એવો સંભવ છે કે આવનારા સમયમાં આ વિષય પર પણ આપણે વિચારવું પડશે.

columnists weekend guide