જ્યારે એક અંગ્રેજી કટારલેખકે ગુજરાતી સાહિત્યજગતમાં ડૂબકી મારી ત્યારે...

20 June, 2021 01:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કલા અને સંસ્કૃતિના ઊંડા અભ્યાસુ અને કટારલેખક એવાં સુમેધા પાટકર-મ્હાત્રેએ લૉકડાઉન દરમ્યાન એક નવી ભાષા શીખવા માટે ઝંપલાવ્યું. મૂળ મરાઠી એવાં લેખિકાને ભગિની ભાષાઓ મરાઠી-ગુજરાતી વચ્ચેની સામ્યતાઓ અને ભેદભરમો જાણીને જબરી રમૂજ પણ થઈ

મનોજ શાહના ‘મરીઝ’ નાટકમાં ગુજરાતના ગાલિબ તરીકે જાણીતા અબ્બાસ અબ્દુલ અલી વાસી ‘મરીઝ’ની ભૂમિકામાં ધર્મેન્દ્ર ગોહિલ.

મરીઝ અર્થાત્ દરદી. કોવિડના આ સમયમાં આ એક પરિચિત વાસ્તવિકતા બધા માટે બની રહી, પરંતુ પ્રખ્યાત ગુજરાતી કવિ મરીઝ (અબ્બાસ અબ્દુલ અલી વાસી) એ લૉકડાઉનના સમયગાળામાં મારા માટે એનાથી વિપરીત રહ્યા. તેમની ગઝલો જીવનની સ્વીકૃતિને પ્રોત્સાહન આપે છે. તેમના શેરોમાં વણાયેલું ચિંતન આ કપરા સમયમાં જરૂરી શાતાની મહત્તા  કરે છે. તેમનો શેર છે : દુ:ખમાં હૃદયને રાખો, રાખો ના દુ:ખ હૃદયમાં.   
લૉકડાઉનના ગાળામાં એક વર્ષ પહેલાં મેં ગુજરાતી લર્નિંગ પ્રોજેક્ટ શરૂ કર્યો. ઑનલાઇન પ્રોસેસમાં સંખ્યા અને મૂળાક્ષરો એમ એક પછી એક પગલું આગળ વધીને મારે શીખવાનાં હતાં. બપોરે ચા દરમિયાન મારી લેખિકા-મિત્ર આયેશા ખાન સાથે ફોન-ઇન ટ્યુશનમાં સામસામે ગોષ્ઠિ ચાલી. એક ઇતરભાષી તરીકે મારા માટે આ જુદો જ અનુભવ હતો. 
મારાં લખાણોને સુધારવાની સંમતિ આપતાં પહેલાં, આયેશાએ સ્પષ્ટ કર્યું કે તેણે બરોડાની વતની તરીકે ગુજરાતીનો અભ્યાસ ફક્ત બીજી ભાષા તરીકે જ કર્યો છે. કૉસ્મોપૉલિટન વાતાવરણમાં થયેલા તેના ઉછેરમાં ગુજરાતી વાતચીતની જરૂર નહોતી. તેમનો પરિવાર મુસ્લિમ અને તેમના મૂળ નાશિકમાં. પરિવારના સભ્યો મુખ્યત્વે ઉર્દૂ અને અંગ્રેજીનો ઉપયોગ કરે.  
અલબત્ત, બરોડા અને અમદાવાદમાં પત્રકારત્વનો અનુભવ હોવાને કારણે આયેશાને ગુજરાતી ભાષા અને વાતાવરણ સાથે સાંસ્કૃતિક જોડાણ હતું. માત્ર બોલાતી ભાષા જ નહીં, રૂઢિપ્રયોગો વગેરે પણ તેણે મને સમજાવ્યાં. માનાર્થે વપરાતા ભાઈ અને બહેન જેવા શબ્દોની આવશ્યકતા સમજાવી. કચ્છ, કાઠિયાવાડ, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં રહેલું ભાષાનું વૈવિધ્ય સમજાવ્યું. ‘ગુજરાતી આ પ્રદેશોમાં આગવી રીતે પ્રગટ થાય છે, સાંસ્કૃતિક પરિવેશ સાથે બોલી પણ બદલાય છે. એનો રણકો પકડવાની જરૂર પડે.’ કોવિડના બીજા દોર પછી આ શબ્દો મારા મનમાં પડઘાતા રહ્યા અને ગુજરાતી શીખવાના મારા પ્રયાસમાં હું એક પગલું આગળ વધી હતી.
નવી ભાષા શીખનારા વિદ્યાર્થી માટે શિક્ષકો પાસે સમય અને ધૈર્ય બન્ને હોવા જોઈએ. ખાસ કરીને વર્ક ફ્રૉમ હોમના વાતાવરણમાં ઘણા બધા નવા પડકારોનો સામનો કરવાનો હોય. હકીકતમાં, ‘નાણું મળશે, પણ ટાણું નહીં મળે’ એ કહેવતનો અર્થ મને લૉકડાઉનમાં વિશેષ સમજાયો. જ્યાં સમય જ ધન છે એવાં શહેરોમાં નિરાંતે શીખવાડી શકે એવા શિક્ષકો મને 
મળતા ગયા.   
શરૂઆતમાં, આયેશાએ રોજિંદા શબ્દોના ઉચ્ચાર શીખવાડવામાં નોંધપાત્ર સમય આપ્યો. આ બોલાતી ગુજરાતી ભાષા મારી માતૃભાષા મરાઠીમાં રહેલા શબ્દોની અત્યંત નજીક લાગી. ભગિની ભાષાના કેટલાક શબ્દો તેણે બતાવ્યા, જેમાં અનુવાદની જરૂર ન પડે. દા.ત. નકામું, કંટાળો, કરકસર, ખરેખર. વળી, કેટલાક શબ્દોએ અમારાં ટ્યુશન્સને આશ્ચર્યસભર બનાવ્યાં. ‘સંપ’નો અર્થ મરાઠીમાં ‘હડતાલ’ છે, પણ ગુજરાતીમાં  ‘એકતા’ થાય. અમે ‘નવરા’ શબ્દ પર ખૂબ હસ્યા, જેનો અર્થ ગુજરાતીમાં ‘કામ વગર’નો થાય, પણ મરાઠીમાં અર્થ થાય ‘પતિ’.  
ધીરે-ધીરે હું શબ્દકોશને સમજતી ગઈ અને મેં ગુજરાતી ઇનસાઇડર્સ સાથે વાતો કરવાનું નક્કી કર્યું. કવિઓ, ડૉક્ટર્સ, કલાકારો, પ્લમ્બર્સ, કુરિયર બૉય્ઝ, તંત્રીઓ... આ મથામણ મને મહેમદાબાદસ્થિત લેખક ઉર્વીશ કોઠારીના સંપર્કમાં લઈ આવી. વર્ષોથી ગુજરાતી અખબારો અને સામયિકો સાથે કામ કરનાર ઉર્વીશભાઈ સાથેનો પરિચય મારા માટે શાણપણનું સરનામું બની ગયો.  
આકસ્મિક રીતે, જ્યારે મેં તેમને મારા શિક્ષક તરીકે પસંદ કર્યા ત્યારે જ તેમની મોટા ભાઈ અને સાહેબ વિડિયોઝ રાષ્ટ્રીય સ્તરે નોંધાઈ હતી. તેમની લાઇફસ્ટાઇલમાં વૉટ્સઍપને બહુ સ્થાન ન હોવાને કારણે કલાક લાંબા મોબાઇલ ફોનની વાતચીતમાં ભાષાની નવી બેન્ડવિથ ખૂલતી ગઈ.  
ઉર્વીશ કોઠારીના અનેક વિડિયોમાં સરદાર એટલે સરદાર, મને ખૂબ જ પ્રભાવિત કરી ગયો.  ફક્ત નવી ભાષાને આત્મસાત કરવા માટે જ નહીં, પરંતુ ભારતની આઝાદી પછીની વ્યૂહરચનાને આકાર આપનારા સરદાર વલ્લભભાઈ પટેલને સમજવા માટે પણ મને ખપ લાગ્યો. સરદારને આલેખતું ઉર્વીશભાઈનું પુસ્તક ‘સાચો માણસ, સાચી વાત’ ગુજરાતના વિચારશીલ નેતાઓ અને તળના મલક સુધી કામ કરનાર પ્રતિભાઓને સમજવામાં કામ લાગ્યું.  
એ જ રીતે, ગુજરાતી સાહિત્યના પ્રખ્યાત પાત્ર ભદ્રંભદ્રને આલેખતી ઉર્વીશભાઈની વાતોમાં બુદ્ધિજીવી વલણ જાગૃત થતું દેખાયું, જે કઠોર બ્રાહ્મણવાદી અભિગમની વિરોધમાં હતું. તેમણે મને નડિયાદનાં ૧૦૦ વર્ષ જૂના ડાહીલક્ષ્મી જાહેર પુસ્તકાલયનો પરિચય કરાવ્યો, જ્યાં અલગ-અલગ વક્તાઓ ગ્રંથનો પંથ રચી આપે છે. 
તેમણે મને પત્રકારત્વની સમયમર્યાદા સાથે ગુજરાતી ભાષા શીખવવાની ના પાડી. ‘ભાષાને આત્મસાત કરવી હોય તો આખી જિંદગી પણ ઓછી પડે, પણ થોડીક ક્ષણો ભાષાનું સત સમજવામાં મદદરૂપ થઈ શકે.’ તેમના શબ્દો મને શ્રોતા તરીકે સમૃદ્ધ કરતા ગયા. 
હું કેટલાક વક્તાઓ તરફ વળી જેમણે ગુજરાતી સાઇબર સ્પેસમાં પોતાના વિચારોને વિશ્વભરમાં પહોંચાડયા છે. તેમની ભાષાકીય સજ્જતા અને વૈવિધ્ય મારા માટે ઉપયોગી બની રહ્યા. વૈવિધ્યપૂર્ણ સામગ્રી પીરસતા, યુટ્યુબના માધ્યમથી મનોરંજન પૂરું પાડતા અને નવી પેઢી સાથે પણ અનુસંધાન સાધી શકતા આ ગુરુ હતા. તેમની ભાષાકીય સજ્જતા મારા માટે પ્રેરણારૂપ હતી. કાઠિયાવાડી રમૂજી શૈલીમાં સાંઈરામ દવેની ‘લગનમાં લોચા’, કાજલ ઓઝા વૈદ્યના ‘તમે જેવા છો જીવનમાં એવા શ્રેષ્ઠ છો’ તથા લગ્ન અને જિંદગી અંગે સલાહ આપતાં પ્રવચનો, સંજય રાવલની ‘વિદ્યાર્થીની સાચી પરીક્ષા: પ્રેરણા’ અને હાસ્યકલાકાર ઓજસ રાવલનાં ગુજ્જુ ઉચ્ચારણો પર અમે ખૂબ હસ્યા. 
પ્રત્યેક વક્તા પાસેથી જિંદગીનો નવો રંગ શીખવા મળ્યો. ખાસ કરીને મરાઠીમાં જન્મેલા ગુજરાતી સંશોધનાત્મક પત્રકારત્વ કરતા પ્રશાંત દયાલ પાસેથી ગુજરાતમાં ત્રણ દાયકા લાંબા ક્રાઇમ કવરેજ વિશેની અવનવી વાતો સાંભળવા મળી. તેઓ ગુનેગારોના પુનર્વસન માટે પણ કામ કરે છે. તેમના માટે, ગુનાની દુનિયા જ એક મહાન શિક્ષક હતી. સોહરાબુદ્દીન શેખ જેવા પ્રખ્યાત એન્કાઉન્ટર કેસ તેમને અસામાન્ય અભિવ્યક્તિની દુનિયામાં દોરી ગયા. 
સ્ટેજ પર ગુજરાતી સાહિત્યિક પાઠોને ભજવણી દ્વારા રજૂ કરીને ભાષાને મહત્તા આપવાના રંગમંચના નિર્દેશક મનોજ શાહના પ્રયત્નોથી હું પ્રભાવિત થઈ. આઇડિયાઝ અનલિમિટેડના બૅનરમાં તેમની સાથે કાર્યરત નવા યુવાન ગુજરાતી કલાકારો અંગ્રેજી પૃષ્ઠભૂમિ ધરાવે છે. તેમને ગુજરાતના ઉત્તમ કવિઓ અને સર્જકો સાથે પરિચય કરાવવા તેમણે સતત પ્રયાસો કર્યા. અભિનેતાઓને ભૂમિકાના ભાગરૂપે નર્મદ, નરસિંહ મહેતા અને અખો વાંચવા માટે તેમણે દબાણ કર્યું અને આ રીતે ગુજરાતી અસ્મિતા જીવંત રાખી. જ્યારે લૉકડાઉન સમાપ્ત થશે ત્યારે મનોજ શાહ ડૉ. આનંદીબાઈ જોશી નાટકનું મંચન કરવા તૈયાર જ છે. હું નાટ્યલેખક ગીતા માણેકના ભારતની પ્રથમ મહિલા ચિકિત્સકના આ અભિનવ પ્રયોગને જોવા ઉત્સુક છું.   
અત્યારે હું ઑનલાઇન વિડિયોઝ પર મદાર રાખું છું, પણ મને ખ્યાલ છે કે વ્યાકરણ અને વાક્યરચના સામસામે રહીને વધારે સારી રીતે શીખી શકાય. નવો વિદ્યાર્થી જોડણી, સમાસ વગેરે વિશે સાઇબર લેસનના નબળા નિર્માણના કારણે ભૂલો કરી શકે છે.
ગુજરાતી લેખક-અનુવાદક અશ્વિની બાપટને લાગે છે કે ઑનલાઇન ટૂલ્સ ઘણી વાર સાંસ્કૃતિક અર્થઘટન કરવામાં મદદરૂપ નથી થતા. ખાસ કરીને સમાન રણકો ધરાવતા શબ્દોની અર્થછાયા નથી પકડાતી. ગુજરાતી તરીકે જન્મેલાં અશ્વિની બાપટ લગ્ન પછી મરાઠી શીખ્યાં, ખાસ કરીને પુણેમાં રહ્યાં પછી. તેમણે અરુણ કોલ્હાટકરની દીર્ઘ કવિતા ‘દ્રોણ’ ગુજરાતીમાં અનુવાદિત કરી છે. તેઓ કહે છે કે ગૂગલ અનુવાદો પર ભારે વિશ્વાસ તમને ગેરમાર્ગે દોરી શકે છે. દાખલા તરીકે, મરાઠીમાં ‘ધાવ’ શબ્દનો અર્થ થાય ચાલવાનું, જ્યારે ગુજરાતીમાં અર્થ થાય ‘સ્તનપાન’.
મરાઠી પરિવારમાં જન્મેલાં ગુજરાતી લેખક, અરુણા જાડેજાએ હાસ્યલેખક પુ. લ. દેશપાંડેને ગુજરાતીમાં પ્રસ્તુત કર્યા છે. તેમનું પણ આવું જ માનવું છે. તેમને લાગે છે કે ઑનલાઇન સાધનો પ્રાદેશિક રંગમાં પરિણમી શકતાં નથી, જ્યારે તેમણે પુ.લ.ને ગુજરાતીમાં લાવવાનો નિર્ધાર કર્યો ત્યારે તેમણે પુ.લ.નાં પત્ની સુનિતાબાઈને પોતાની ક્ષમતા વિશે ખાતરી આપવી પડી હતી.  અરુણાબહેન જાડેજાએ જણાવ્યું હતું કે માત્ર પુ.લ.ની વિશેષ શૈલીને ગુજરાતીમાં ઉજાગર કરવામાં જ તેમને ઘણાં વર્ષો થયાં.
મારું ગુજરાતી શિક્ષણ ભાષા કરતાં લોકો વિશે વધારે હતું. તે મને અનુવાદકોના સંપર્કમાં લઈ આવ્યું. સાહિત્યિક અનુવાદ અથવા નાટ્યમંચન અથવા પત્રકારત્વના અભ્યાસમાં ભાષાના વિવિધ સ્વરૂપ સાથે પરિચય થયો.  
મારા અનેક ગુજરાતી શિક્ષકો મને ઘણી વાર યાદ અપાવે છે કે શબ્દો આપણને ત્યારે જ પકડશે, જ્યારે તેઓ આવું કરવાનું નક્કી કરે. મારે ટૂંકા ગાળાની અપેક્ષાઓ વિના ધીરજ રાખી આ પ્રક્રિયા ચાલુ રાખવાની છે. લૉકડાઉનમાં આપણે ધૈર્યપૂર્વક જ આગળ વધવું પડે, ભલે આપણી ધારેલી સ્પીડ ન મળે.  

columnists sumedha raikar-mhatre