કચ્છના સફેદ રણના પ્રવાસમાં અચાનક ધર્મેશ વ્યાસ શા માટે અકળાઈ ગયા?

04 March, 2021 10:08 AM IST  |  Mumbai | Latesh Shah

કચ્છના સફેદ રણના પ્રવાસમાં અચાનક ધર્મેશ વ્યાસ શા માટે અકળાઈ ગયા?

કચ્છના રણની મજા માણી રહેલા દીપક ઘીવાલા, સુજાતા મહેતા, શીલા બુટાલા, રાજેન્દ્ર બુટાલા, ધર્મેશ વ્યાસ, સુરભિ વ્યાસ, કૌસ્તુભ ‌ત્રિવેદી, લતેશ શાહ અને મિત્રો.

ગયા ગુરુવારનું રીકૅપ:

આપણું તો ભાઈ એવું છે કે જે જેમ છે એ એમ જ કહેવું એટલે કહેવાની મજા આવે. મગજની માંહે પ્રવેશીને જૂની યાદોને ઉખેડવાની, ઉલેચવાની મજા આવે. હું દરેક જગ્યાએ પહોંચું, રિહર્સલમાં મહેનત કરું તો ક્યારેક વર્કશૉપમાં પહોંચી ન શકાય. એ વખતે ટૅક્સીમાં જવાના પૈસા હોય નહીં એટલે બસ, ટ્રેન અને પગ આ ત્રણ જ વેહિકલ હતાં એટલે સમયસર પહોંચવું અઘરું હતું. એમાં એક મોટી ઘટના બની. મને બૉમ્બે યુનિવર્સિટીમાંથી એફટીઆઇઆઇ (ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા), પુના જવાનું આમંત્રણ મળ્યું જ્યાંથી ઘણા ફિલ્મ ઍક્ટરો તૈયાર થયા હતા. આમ તો મને ફિલ્મમાં ઍક્ટિંગ કરવાનો શોખ નહોતો, કારણ કે મને લાગતું કે યે મુંહ ઔર મસૂર કી દાલ? મને ફિલ્મોમાં કામ ન મળી શકે એમ જ ન હોય તો ફિલ્મોમાં કામ કરવાનો મોહ શું કામ રાખવો? પણ જેવો ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં વિઝિટ કરવાનો યુનિવર્સિટીએ ચાન્સ આપ્યો એટલે મોંમાંથી લાળ ટપકવા લાગી. ફિલ્મ ઍક્ટર બનવાનાં સપનાં સાકાર થતાં હોય એમ લાગ્યું. જો હું પુના જાઉં તો મારે બેત્રણ દિવસ અહીંનાં બધાં રિહર્સલોમાં દાંડી મારવી પડે. એ લોકો મને નાટકોમાંથી કાઢી મૂકે.

અને એ પછી 

હું જો ત્રણચાર દિવસની એફટીઆઇઆઇ, પુનાની વિઝિટ ટૂર મુંબઈ યુનિવર્સિટીની ફિલ્મ ક્લબ તરફથી કરું એટલે ચારેકોર દેકારો બોલી જાય એમ હતો. રાડા થઈ ગયા. ત્રાગાંઓ થયાં. મારી લાલચ ત્યાં ભણતા વિદ્યાર્થીઓને જોવાની અને મળવાની હતી. એ જમાનામાં ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા તરીકે આ ટ્રેઇનિંગ સેન્ટર ભારતભરમાં પ્રખ્યાત હતું. અહીંથી રાઇટર, ડિરેક્ટર, ઍક્ટર, સિનેમૅટોગ્રાફર, એડિટર, સાઉન્ડ એન્જિનિયર્સ ટ્રેઇન થઈને ભારતભરની  ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છવાઈ જતા હતા. મારી ઉત્સુકતા, આતુરતા અને વિસ્મયનો પાર નહોતો. હું બધું કામ છોડીને જવા તૈયાર હતો. એમ છતાં મારી માંહે તો ભય પ્રસરેલો હતો કે જો હું એફટીઆઇઆઇ જઈશ અને મને અહીં બધાં નાટકોમાંથી કાઢી મૂકશે તો? દરેક નાટકના શોની તારીખ નજીક આવી રહી હતી અને આઇએનટીની ઍક્ટિંગ વર્કશૉપ પણ ધમ-ધમ ચાલતી હતી. સર મહેશ દેસાઈ થિયરી શીખવાડતા હતા. સ્ટેનિસલવાસ્કીની ઍન ઍક્ટર્સ પ્રિપેર પરથી મૉડર્ન ઍક્ટિંગ કેવી રીતે થાય એનાં લેક્ચર આપતા હતા. એમાં તમે એક લેક્ચર ચૂકી જાઓ તો ઘણું મિસ કરી જાઓ અને પ્રૅક્ટિકલ ટ્રેઇનિંગ દિનકર જાની, શફી ઇનામદાર, લક્ષ્મીકાંત કર્પે અને ક્યારેક મિષ્ટાનની જેમ પ્રવીણ જોષી પણ આવતા.

એ વર્કશૉપમાં શીખવાની લાલચ પણ જબરદસ્ત હતી.

બીજી બાજુ શાળાના વાર્ષિક મેળાવડાનું નાટક અઠવાડિયામાં જ ભજવવાનું હતું. કૉલેજ ડેનું નાટક દસ દિવસમાં પર્ફોર્મ કરવાનું હતું. વાગડ કલા કેન્દ્રનું નાટક પંદર દિવસમાં નવા કલાકારો સાથે થવાનું હતું.

જેમ-જેમ જ્યાં-જ્યાં ખબર પડી કે હું ચાર દિવસ મુંબઈમાંથી છૂ થવાનો છું એટલે પહેલાં સ્કૂલનાં પ્રિન્સિપાલ જયબાળા ચાંદારાણાએ મને તેમની કૅબિનમાં બોલાવ્યો અને મને સમજાવ્યો કે હું પુના ન જાઉં અને નાટકના રિહર્સલમાં હાજર રહું. મને પ્રેમથી સમજાવ્યો. સ્કૂલની જૂની યાદો તાજી કરાવી. મને લાગણીભીનો કરી નાખ્યો. મારી મસ્તીઓ યાદ કરાવીને મને હસાવ્યો તોય હું ન માન્યો ત્યારે તેમના ઓરિજિનલ સ્વભાવ પ્રમાણે મને ધમકાવ્યો. પ્રેમથી મારી જગ્યાએ મુખ્ય રોલમાં નવીન છેડાને લેવાની વાત કરી.

‘તુમ્હારે મેં અકલ કબ આએગી?’ કહીને મિસ વાધવાણી બરાડ્યાં. કે. સી. કૉલેજના રામા વાટુમલ હૉલમાં કૉલેજ ડેનાં રિહર્સલ્સમાં બેઠેલા વિદ્યાર્થીઓ કંપી ઊઠ્યા. હું માથું નીચું કરીને ઊભો હતો. ‘નાટક મેં તુમ્હે મેઇન રોલ દિયા હૈ.’ પ્રો. નારવાણી તાડૂક્યા. મિસ વાધવાણી અને પ્રો. નારવાણી કૉલેજ ડેનાં ઇન્ચાર્જ હતાં. ‘તુમ ચાર દિન રિહર્સલ સે દાંડી નહીં માર સકતે. વરના તુમ્હારે બારે મેં સોચના પડેગા.’

વાગડ કલા કેન્દ્રના ડૉ. રાયચંદ નિસરે  પ્રેમથી રજૂઆત કરી, ‘તમે આવો કે ન આવો રિહર્સલમાં, નાટક સારું થાવું જોઈએ અને મસ્ત જાવું જોઈએ નહીં તો આવતા વર્ષથી ફંક્શનમાં નાટક બંધ થઈ જશે. તમારા સિવાય બધા નાટકમાં નવા છે. તમે ચાર દિવસ બહારગામ જાઓ એ કેમ ચાલે લતેશભાઈ?’

ત્રિકોણના ત્રણે ખૂણે હું અટવાયો. પણ મારું ત્રિકોણ નહોતું, પંચકોણ હતું. દિનકર જાનીએ ચોકો માર્યો, ‘નાટક કરવાની કળા આત્મસાત કરી નથી અને ચલા મુરારી હીરો બનને. પહેલાં નાટકોમાં પ્રવીણ થાઓ, પછી ફિલ્મમાં દિલીપ બનવાનું વિચારજો મિસ્ટર લતેશ શાહ.’

પરીએ મારી પુનાની વાત સાંભળીને ચાલતી પકડી, રિસાઈને!

પાંચે બાજુથી બાણો છૂટ્યાં એવી રીતે કે વીંધાઈ ગયો, છલની-છલની થઈ ગયો.

શું કહું? કોને કહું?

મને સલાહ આપનાર મારાથી વધુ સમજદાર હોવાનો ડોળ કરતા, સુફિયાણી સલાહ આપતા અને મારી દુર્દશા પર મારી પીઠ પાછળ મારી મજાક ઉડાવતાં મારી કૂથલી કરતા હતા.

શું નિર્ણય લઉં? શું પકડું અને શું છોડી દઉં એ જ સમજાતું નહોતું. ફાઇવ વર્સસ વનની ગેમમાં હું બૂરી રીતે ગૂંચવાયો હતો. ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ જવાની ઉત્કંઠા એટલી બધી હતી કે ત્યાં ભરતી થવાનો પાકો ઇરાદો હતો. હું જો એફટીઆઇઆઇમાં ઍઝ અ ડિરેક્ટર ટ્રેઇનિંગ લઉં તો ભવિષ્યનો ફિલ્મ્સનો ટૉપમોસ્ટ ડિરેક્ટર થઈ શકું અને ગ્લોબલી આપણા દેશનું નામ રોશન કરી શકું.

પાંચ હર્ડલ્સમાંથી પાસ થવાનું હતું. એફટીઆઇઆઇમાં ચાર દિવસ જાઉં તો બાકી બધા કહે તને ખાઉં! ક્યા કરું કુછ કહા નહીં જાએ, એફટીઆઇઆઇ જાએ બિના રહા નહીં જાએ. નાટક સે નિકાલેંગે યે સહા નહીં જાએ. જયબાળાબહેને ગાલ લાલ કરી મોઢું ફુલાવતાં કહ્યું, ગેટ આઉટ. બીજી વાર મોઢું નહીં દેખાડતો. વાધવાણીએ તમાચો માર્યો અને નારવાણીએ પ્રિન્સિપાલ કુંદનાનીને કહીને મને કઢાવી નાખ્યો. વાગડ કલા કેન્દ્રએ કચ્છી પત્રિકામાં મારા નામનો હોબાળો મચાવ્યો. આઇએનટીએ મને ધક્કા મારીને વર્કશૉપમાંથી બહાર ધકેલી દીધો અને પરી હસતાં-હસતાં મારી પાસે આવી. થયું, કોઈ એક તો મારી સાથે છે. તે સ્લો મોશનમાં મારી પાસે આવી, મેં સરસ મજાની સ્માઇલ આપી અને તેણે બદલામાં જોરદાર થપ્પડ મારી. હું ચીસ પાડી ઊઠ્યો. મારી બાજુમાં સૂતેલો મારો ભાઈ ચીસ પાડી જાગી ગયો અને ભેંકડા તાણીને રડવા લાગ્યો. મેં તેનું મોઢું દબાવીને ભાઈબાપા કર્યા અને સાંજે આઇસક્રીમ ખવડાવવાની પ્રૉમિસ આપી ત્યારે શાંત થયો. મને થયું કે સપનું આટલું ખતરનાક છે તો વાસ્તવિકતા કેટલી ભયાનક હશે? બીજા દિવસે બધાએ જે પ્રતિક્રિયાઓ આપી એ સાંભળીને હું ચોંકી ગયો. જગ્યા ઓછી

બચી છે, લાંબી અને અકલ્પ્ય વાત શૅર કરવા માટે. આવતા ગુરુવારે જ વ્યવસ્થિત વાતનું મંડાણ કરીશ.

અત્યારે ફિલ્મના એક્સલન્સ અવૉર્ડ્સના બે દિવસના અવૉર્ડ ફંક્શનના જલસાની વાત કરીએ. અભિલાષ ઘોડા અને તિહાઈ આયોજિત ફિલ્મ્સ એક્સલન્સ અવૉર્ડ કચ્છના વાઇટ રણમાં યોજાયો. ગુજરાત ટૂરિઝમ તરફથી ડેસ્ટિનેશન અવૉર્ડ ફંક્શનને લીલી ઝંડી દેખાડવામાં આવી. અભિલાષે વિજય રાવલ દ્વારા મુંબઈ રંગભૂમિ અને ફિલ્મના ગુજરાતી કલાકારોને આમંત્ર્યા. વિજયે ફોન ઘણા કલાકારોને કર્યા. પરેશ રાવલ, શર્મન જોષી, મનોજ જોષી, સિદ્ધાર્થ રાંદેરિયા, મને, સુજાતા મહેતા, સંજય ગોરડિયા, દીપક ધીવાળા, રાગિણી, ધર્મેશ વ્યાસ, સુરભિ વ્યાસ, વિનોદ સરવૈયા,  વિપુલ વિઠલાણી, વંદના વિઠલાણી, રાજેન્દ્ર બુટાલા, શીલા બુટાલા, ઉર્વીશ પરીખ અને ભાવિની, કલ્યાણી  ઠાકર, મેહુલ બૂચ, કૌસ્તુભ ત્રિવેદી અને અન્ય કલાકારોને પણ તેણે ફોન કર્યા. એમાંથી પરેશ રાવલ અને મનોજ જોષી સિવાય બધા કલાકારો બાંદરા-ભુજની એસી ટ્રેનમાં રાત્રે પોણાબારે બાંદરા અને સવાબારે બોરીવલીથી બેઠા. હું, સુજાતા, ધર્મેશ, સુરભિ, રાજેન્દ્ર બુટાલા, શીલા બુટાલા બાંદરા ટ્રેનમાં એકબીજાને ગ્રીટ કરીને ગોઠવાયાં. બીજાં બધાં બોરીવલીથી પ્રવેશ્યાં. બધાં એક વર્ષના સોલિટ્યુડ, કોરોના ક્વૉરન્ટીન બાદ એકબીજાને મળ્યાં.

અચાનક રાત્રે ધર્મેશ ગુસ્સામાં ગર્જના કરવા લાગ્યો. હું અને વિનોદ તેની સાથે A1ના પૅસેજમાં ઊભા હતા. બન્ને ચોંક્યા. એવું તે શું થયું કે ધર્મેશે ગુસ્સામાં અનાપશનાપ બોલવા માંડ્યું? જાણીએ આવતા ગુરુવારે.

(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

columnists latesh shah