વૉટ્સઍપ મેનિયા: આદતને સદ્કાર્યમાં ફેરવવાની અનોખી કળા શીખવી છે તમારે?

22 January, 2020 03:29 PM IST  |  Mumbai | Manoj Joshi

વૉટ્સઍપ મેનિયા: આદતને સદ્કાર્યમાં ફેરવવાની અનોખી કળા શીખવી છે તમારે?

વૉટ્સઍપ

સોશ્યલ મીડિયાને હવે જીવનમાંથી દૂર કરી શકાય એવી આશા રાખવી તો ગેરવાજબી છે, પણ જ્યારે આશાઓ ગેરવાજબી બને ત્યારે એનો ઉપયોગ સાચી દિશામાં થાય એ જોવાનું શરૂ કરી દેવું જોઈએ. દિવસ આખો વૉટ્સઍપ પર પડ્યાપાથર્યા રહેતા સોશ્યલ મીડિયાના નરબંકાઓએ નક્કી કરવાનું છે તેમણે તેમની આદતને કેવી રીતે સદ્કાર્યમાં ફેરવવી અને કેવી રીતે કોઈને ઉપયોગી થવા માટે સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરવો?

આ થઈ શકે એમ છે અને કરી શકાય એવી પ્રક્રિયા છે. આજે વૉટ્સઍપ પર અઢળક ગ્રુપ બને છે, અનેક પ્રકારના બ્રૉડકાસ્ટ મેસેજ થતા રહે છે જેમાં મુખ્યત્વે પ્રમોશનના કે પછી ફાલતુ ચા-દૂધ અને કોફીના મેસેજ હોય છે, પણ એવું કરવાને બદલે તમે એવી દિશા પકડો કે જેમાં સમાજનું હિત પણ જોડાયેલું હોય અને

સોશ્યલ મીડિયાનો લાભ પણ મળી રહેવાનો હોય. ગ્રુપ બનાવો એવા કે જેમાં તમે બીજાને મદદ કરવાની પહેલ મૂકી શકતા હો. એવાં ગ્રુપ છે વૉટ્સઍપ પર કે જેમાં નોકરીઓની પોસ્ટ મૂકવામાં આવે છે. એવાં ગ્રુપ પણ છે જેમાં સતત જોક્સ અને શાયરીઓનો વરસાદ ચાલ્યા કરતો હોય, પણ એવાં કોઈ ગ્રુપ જોયાં છે જેમાં માત્ર જરૂરિયાત વિશે માહિતીઓ આપવામાં આવી રહી હોય. કોઈને ભણવાની બુક્સ જોઈતી હોય તો એ ગ્રુપમાં મૂકવાથી બુક્સ મળી જાય અને કોઈને બ્લડની આવશ્યકતા હોય અને તમને એ ગ્રુપમાંથી એની ખબર પડી જાય અને સામેની વ્યક્તિની આ જરૂરિયાત પૂરી પણ થાય. કરવાની જરૂર આની છે, આ પ્રકારના બ્રૉડકાસ્ટ મેસેજ કોણે વાંચ્યા અને કેટલી વખત વાંચ્યા આ પ્રકારના મેસેજ?

કલાકમાં એક વાર, દિવસમાં એક વાર કે પછી અઠવાડિયામાં એકાદ વાર?

ના, મહિનામાં એકાદ વખત માંડ આવા મેસેજ આવતા હોય છે. હા, આ પ્રકારના મેસેજ ક્યારેક કોઈ શાયરીના કે પછી જોક્સનાં ગ્રુપમાં અચાનક વાંચવા મળી જાય એવું બની શકે, પણ એનો અર્થ એવો નથી કે આ પ્રકારની સજાગતા રાખવામાં આવે છે અને એને સજાગપણે પાલન પણ કરવામાં આવે છે. ના, બિલકુલ

નહીં. બનાવો એવાં ગ્રુપ કે જે સુવિચાર નહીં, પણ સારી આદતો કેળવે. શું ન ખાવું જોઈએ એવી વાતો કરનારા સુફિયાણા મેસેજ ગમે ત્યાં અને ગમે ત્યારે વાંચવા મળે એવું બને એના કરતાં એ પ્રકારના મેસેજનું એક ગ્રુપ જ શું કામ ન હોય? શું કામ ઇન્ડિયન પ્રોડક્ટના પ્રમોશનનાં ગ્રુપ ન હોય અને શું કામ ભાતીગળ કલાઓનું પ્રમોશન કરતાં ગ્રુપ ન હોય? હમણાં એક સ્પેશિફિક શૉપિંગ ઍપ્લિકેશનના ફ્રીમાં મળતા સામાનના પ્રમોશનના મેસેજ બહુ બધાં ગ્રુપમાં જોવા મળે છે, પણ એ મેસેજ જોયા પછી એવો વિચાર આવ્યા વિના રહેતો નથી કે પાણીની બૉટલનું પ્રમોશન કરતા લોકો શું કામ પાણીનાં માટલાંના લાભની વાતો કરતું હોય એવું ગ્રુપ નથી બનાવતા? સોયાબિનના લાભની વાતો કરનારા લોકો મગથી થતા ફાયદાની વાતો કરવા માટે શું કામ ગ્રુપનો ઉપયોગ નથી કરતા?

કરો અને બનાવો આવાં ગ્રુપ અને એમાં ઍક્ટિવ થઈને આ પ્રકારની સારી અને મહત્વની વાતો શૅર કરવાનું રાખો. જો એવું કરી શક્યા તો તમે સોશ્યલ મીડિયાને ભારતીય સંસ્કાર આપી દીધા એવું કહેવાશે, જો એવું કરી શક્યા તો તમારી ચોવટ કરવાની ચેટ ઍપ્લિકેશન પણ લાભદાયી પુરવાર થશે.

manoj joshi columnists