વૉટ્સઍપ વહાલ-કોરોનાએ આ ટાઇમપાસ ચૅટબૉક્સને ફૅમિલી ઝોનનું રૂપ આપ્યું

21 May, 2020 10:49 PM IST  |  Mumbai | Manoj Joshi

વૉટ્સઍપ વહાલ-કોરોનાએ આ ટાઇમપાસ ચૅટબૉક્સને ફૅમિલી ઝોનનું રૂપ આપ્યું

હા, આ હકીકત છે. વૉટ્સઍપ અત્યારે એ જ રૂપમાં છે અને વૉટ્સઍપનું આ રૂપ સૌથી શ્રેષ્ઠ છે. અનેક પરિવારો આજે વૉટ્સઍપના આધારે આખો દિવસ પસાર કરે છે અને પરિવાર સાથે હોવાનો આનંદ માણે છે. આ જે આનંદ છે અને આ જે ખુશી છે એ ખુશી લૉકડાઉનના સમયમાં વર્ણવી શકાય એવી નથી. સમય આવ્યે જ સંબંધોનું મૂલ્ય સમજાતું હોય છે. વૉટ્સઍપે આ સંબંધોનું મૂલ્ય સમજાવાનું શરૂ કર્યું. એક સમયે હતો જ્યારે વૉટ્સઍપનો ત્રાસ છૂટતો હતો અને આજે આ સમય છે જ્યારે લૉકડાઉન વચ્ચે આ જ વૉટ્સઍપ ફૅમિલી સાથે જોડવાનું કામ કરે છે. અનેક પરિવાર એવા છે જેમણે પોતાની ફૅમિલીના વૉટ્સઍપ ગ્રુપમાં ધમાલ મચાવી દીધી છે તો અનેક પરિવાર એવા છે જેમણે પોતાની ફૅમિલીને વૉટ્સઍપ થકી એકછત નીચે લાવવાનું કામ કરી દીધું છે. વૉટ્સઍપની આ તાકાત હતી અને આ જ તાકાતનો ઉપયોગ કરવાનો હતો. જો કોરોના ન હોત તો આજે પણ આ તાકાતને કોઈ ઓળખી શક્યું ન હોત.
કોરોના અને કોરોનાના કારણે આવેલા લૉકડાઉન વચ્ચે આજે એવી નોબત આવી ગઈ છે કે પરિવાર પોતાના જ સ્વજનોથી દૂર થઈ ગયો છે. દૂર પહેલાં પણ હતો, પરંતુ એની દૂરીનો અંદાજ સ્પર્શી નહોતો રહ્યો. લૉકડાઉન વચ્ચે આ અંદાજ સ્પર્શી ગયો અને સ્પર્શેલા એ ઘા પર મલમ લગાવવાનું કામ વૉટ્સઍપે કર્યું. આજે એ પરિસ્થિતિ છે કે વૉટ્સઍપની અનિવાર્યતા અને એ પણ સાચી રીતે સૌકોઈને સમજાઈ ગઈ અને આ સમજણ જરૂરી હતી.
વૉટ્સઍપ થકી પરિવાર જોડાયેલા રહ્યા તો અનેક પરિવારો એવા છે જેણે વૉટ્સઍપ થકી પોતાના રૂટ્સ સુધી પહોંચવાનું કામ પણ કર્યું તો અનેક લોકો એવા છે જેણે આ વૉટ્સઍપ થકી સેવાની સરવાણીઓ પણ દુનિયા સુધી પહોંચાડી. વૉટ્સઍપનું સૌથી બેસ્ટ સ્વરૂપ આજ સુધીમાં ક્યારેય નહોતું આવ્યું જે આ લૉકડાઉન દરમ્યાન જોવામાં આવ્યું. હમણાં જ એક ન્યુઝ વાંચ્યા કે ગુજરાતના એક સિનિયર પોલીસ ઑફિસર નિયમિતપણે પોતાના વૉટ્સઍપ ગ્રુપમાં ઍક્ટિવ રહે છે અને દિવસ દરમ્યાન ચોક્કસ સમય અંતરે ગ્રુપમાં મેસેજ મૂકીને બધાએ જમી લીધું એવું પૂછવાથી માંડીને સૌકોઈની તબિયત બરાબર છે એ પણ જાણે છે. આ અગાઉ પણ આ બધા ગ્રુપમાં હતા એમ છતાં, એ ગ્રુપમાં ઉષ્મા નહોતી. અગાઉ પણ સૌકોઈ વૉટ્સઍપ પર હતા, પણ એ વાતચીતમાં ટાઇમપાસની ફીલ વધારે હતી. સમય બરબાદીનું માધ્યમ જો કોઈ હોય તો એ વૉટ્સઍપ હતું, પણ કોરોનાના લૉકડાઉન પછી વૉટ્સઍપની ઇમ્પોર્ટન્સ ચેન્જ થઈ અને એ પારિવારીક સ્વરૂપમાં આવી ગયું. હું કહીશ કે લૉકડાઉન પહેલાં અને લૉકડાઉન પછીનું જીવન જેમ અલગ-અલગ હશે એવું જ સોશ્યલ મીડિયાથી માંડીને બીજી અનેક બાબતમાં પણ થવાનું છે, થઈ રહ્યું છે. આ વાત વૉટ્સઍપને પણ લાગુ પડે છે.
લૉકડાઉન પછીનું અને પહેલાંનું વૉટ્સઍપ અને એની અગત્યતા હવે ચેન્જ થઈ છે. પહેલાંનું વૉટ્સઍપ પ્રાઇવેટ સર્કલ હતું અને હવેનું વૉટ્સઍપ પારિવારીક રૂપમાં છે. પહેલાંનું વૉટ્સઍપ આપણી હિન્દી ફિલ્મ ‘ડિસ્કો ડાન્સર’ના રૂપમાં હતું તો લૉકડાઉન પછીનું વૉટ્સઍપ એ રાજશ્રી પ્રોડકશન્સની ‘હમ સાથ સાથ હૈ’ના સ્વરૂપમાં આવી ગયું છે. આ જ રૂપ માટે વૉટ્સઍપ બન્યું હતું અને આ જ રૂપ એનું યથાવત્ રહે એવું સૌકોઈ ઇચ્છશે.

manoj joshi columnists