તમે ભલે ઘરમાં જ આઇસક્રીમ બનાવતા હો, એ છે તો કુલ્ફી જ

12 June, 2020 08:20 PM IST  |  Mumbai | Sejal Patel

તમે ભલે ઘરમાં જ આઇસક્રીમ બનાવતા હો, એ છે તો કુલ્ફી જ

ગરમીની સીઝનમાં ઘરે આઇસક્રીમ બનાવવાની કડાકૂટ કર્યા પછી પણ તમે જોયું હોય તો એનો સ્વાદ બહારના આઇસક્રીમ જેવો નથી હોતો. એનું કારણ શું? જીલેટો પૉપ્સિકલ્સ બનાવવામાં માહેર એવા નિકેતુ દેઢિયા પાસેથી આજે જાણીએ આઇસક્રીમ, જીલેટો અને કુલ્ફી વચ્ચેનો ફરક

તમે બહારથી આઇસક્રીમનું ફૅમિલી પૅક લાવો ત્યારે કદી પૅકેટ પર એનું વજન વાંચ્યું છે? ૧૦૦૦ મિલીલિટરનો આઇસક્રીમ લો તો એમાં ક્યારેક ૬૦૦-૬૫૦ ગ્રામ અથવા તો ૭૦૦થી ૭૫૦ ગ્રામ જેટલો જ આઇસક્રીમ હોય છે. એવું કેમ? આ સવાલના જવાબમાં જ છુપાયેલો છે આઇસક્રીમ, જીલેટો અને કુલ્ફી વચ્ચેનો ફરક. જીલેટોના પૉપ્સિકલ્સ બનાવતા નિકેતુ દેઢિયા આ ડિફરન્સ સમજાવતાં કહે છે, ‘આ બધાં એવાં ડિઝર્ટ છે જેમાં ઇન્ગ્રીડિયન્ટ્સ તો લગભગ સરખાં જ વપરાતાં હોય છે, પણ એની પર થતી પ્રોસેસ અલગ-અલગ હોવાથી એનું ટેક્સ્ચર ડિફરન્ટ આવે છે. આ પ્રોસેસ માટે ખાસ પ્રકારનાં મશીન્સ હોય છે જે મિશ્રણને ચર્ન કરે. જ્યારે મિલ્કવાળા પ્રવાહીને ચોક્કસ તાપમાને, ચોક્કસ ગતિમાં અને ચોક્કસ માત્રામાં ચર્ન કરવામાં આવે ત્યારે અલગ-અલગ કન્સિસ્ટન્સી અને ટેક્સ્ચર તૈયાર થાય છે.’
ઍૅૅૅર કન્ટેન્ટ છે મુખ્ય ફૅક્ટર
ટેક્સ્ચર અલગ થવાનું કારણ હોય છે ચર્નિંગની પ્રોસેસ દરમ્યાન ઍર કન્ટેન્ટની માત્રામાં વધઘટ થાય છે. ઘરે આઇસક્રીમ બનાવવાની પ્રોસેસની સરખામણી કરીને નિકેતુભાઈ સમજાવે છે, ‘સામાન્ય રીતે ઘરે આઇસક્રીમ બનાવો ત્યારે દૂધને ઉકાળીને ઠારવામાં આવે અને પછી એને ફ્રીઝરમાં ઠંડો થવા મૂકવામાં આવે. એક વાર સેટ થયેલું મિશ્રણ કાઢીને એને ચર્ન કરવામાં આવે અને ફરીથી સેટ કરવા દેવામાં આવે. આ મિશ્રણને જો તમે એકાદ વાર જ ચર્ન કરો તો એ એકદમ ગાઢું જ રહે અને એમાંથી જે તૈયાર થાય એ કુલ્ફી જેવી કન્સિસ્ટન્સી ધરાવે. એનો મતલબ એ કે એનો ટેસ્ટ એકદમ રિચ અને હેવી હોય. ઘરે તમે આઇસક્રીમ બનાવી શકતા જ નથી કેમ કે એમાં મિશ્રણને નિશ્ચિત માત્રામાં ચર્ન કરવાનું હોય છે. જીલેટો એ આઇસક્રીમ અને કુલ્ફી એ બન્ને વચ્ચેની પ્રોડક્ટ છે. આઇસક્રીમમાં ખૂબ ઍર હોય છે જેને કારણે એ મોંમાં મૂકતાં જ પીગળી જાય છે, પણ એનો ટેસ્ટ કુલ્ફી જેવો રિચ નથી આવતો. જ્યારે જીલેટો એ બન્ને વચ્ચેનું વર્ઝન છે. એમાં આઇસક્રીમ કરતાં ઍર કન્ટેટ ઓછી હોય છે એટલે એ વધુ ક્રીમી અને રિચ ટેસ્ટ ધરાવે છે.’

ઘરે ટ્રાય કરી જુઓ આ પૉપ્સિકલ્સ ઃ ગ્રીષ્મા દેઢિયા

મૅન્ગો પૉપ્સિકલ
☞ એક કપ ફ્રેશ ક્રીમ
☞ અડધો કપ કન્ડેન્સ્ડ મિલ્ક
☞ એક કપ આફૂસ કેરીનો પલ્પ
☞ અડધી ચમચી લીંબુનો રસ
બનાવવાની રીત
સૌથી પહેલાં ચિલ્ડ ફ્રેશ ક્રીમને એકદમ ફ્લફી થઈ જાય ત્યાં સુધી બીટરમાં ચર્ન કરો. બરાબર થઈ જાય એ પછી એમાં કન્ડેન્સ્ડ મિલ્ક અને મૅન્ગોનો પલ્પ ઉમેરો. એ પછી ફરીથી પાંચેક મિનિટ માટે એને બીટ કરો.
એ મિશ્રણમાં અડધા લીંબુનો રસ ઉમેરો. બરાબર હલાવો અને પછી તમારે જે શેપના પૉપ્સિલ્સ બનાવવા હોય એ મોલ્ડમાં રેડી દો.
જો તમારી પાસે મોલ્ડ ન હોય તો ઍરટાઇટ કન્ટેનરમાં મૂકી આખી રાત અથવા તો આઠ કલાક ફ્રીઝરમાં મૂકી રાખો.

 

ડાર્ક ચૉકલેટ પૉપ્સિકલ
☞ ૨૦૦ ગ્રામ ડાર્ક ચૉકલેટ
☞ ત્રણથી ચાર મોટી ચમચી શુગર
☞ પા કપ મિલ્ક
☞ પા કપ ફ્રેશ ક્રીમ
☞ એક મોટી ચમચી કોકો પાઉડર
બનાવવાની રીત
પહેલાં ગનાશ બનાવો. એ માટે ડાર્ક ચૉકલેટને કટ કરીને અડધો કપ
ફ્રેશ ક્રીમ અને મિલ્કમાં મિક્સ કરો.
ગૅસ પર ધીમા તાપે ગરમ કરો અને સતત હલાવતા રહો.
ચૉકલેટ મેલ્ટ થઈ જાય એટલે એમાં કોકો પાઉડર, શુગર નાખીને ફરીથી હલાવો.
શુગર ઓગળી જાય એટલે ગૅસ બંધ કરીને રૂમ ટેમ્પરેચર જેવું ઠંડું પડવા દો.
આઇસક્રીમ બનાવવા માટે ૪૫૦ ગ્રામ ફ્રેશ ક્રીમ લઈને એને ખૂબ વ્હીપ કરો. ક્રીમ એકદમ સરસ વ્હીપ થઈ જાય એટલે એમાં તૈયાર કરેલો ગનાશ ઉમેરો. ગનાશ રૂમ ટેમ્પરેચર જેટલો ઠંડો થઈ ગયો હોય એ જરૂરી છે.
બધી જ સામગ્રીને બરાબર મિક્સ કરીને એને મોલ્ડમાં નાખી દો અને ફ્રીઝરમાં સેટ થવા મૂકો. લગભગ આઠ કલાક જેટલો સમય લાગશે.

જો પૉપ્સિકલ્સના મોલ્ડ્સ ન હોય તો આઇસક્રીમની જેમ પણ સર્વ કરી શકાય

indian food sejal patel life and style columnists