આતંકવાદી માર્યા જાય એ પછી તેનો પક્ષ લેનારાઓને શું કહેશો તમે?

16 July, 2020 09:41 PM IST  |  Mumbai | Manoj Joshi

આતંકવાદી માર્યા જાય એ પછી તેનો પક્ષ લેનારાઓને શું કહેશો તમે?

પ્રતીકાત્મક તસવીર

લૉકડાઉન વચ્ચે પણ અને અત્યારના કોરોનાકાળ વચ્ચે પણ કાશ્મીરમાં એકધારી સેના કામ કરી રહી છે અને આતંકવાદીઓને ખતમ કરવાની પોતાની ફરજ નિભાવે છે. થઈ રહેલી આ બન્ને કામગીરી દર્શાવે છે કે બેમાંથી કોઈ, ન તો સેના કે ન તો આતંકવાદી, બેમાંથી એક પણ શાંતિથી બેસી નથી રહ્યા. કોરોનાકાળ વચ્ચે પણ તેમનું મિશન ચાલુ જ છે અને દેશમાં અશાંતિ ફેલાય એ માટે તેઓ કાર્યરત છે જ. આ આતંકવાદી પોતાના હેતુમાં પાર ન પડે, એ કોઈ કાળે દેશમાં અશાંતિ ફેલાવી ન શકે એ માટે સેના પોતાના જીવના જોખમે કામ કરે છે અને આતંકવાદીના આશ્રયસ્થાનમાં ઘૂસીને તેમને ઠાર મારે છે. દુઃખ ત્યારે થાય જ્યારે આતંકવાદીને મારવામાં આવે એ પછી હ્યુમન રાઇટ્સ અને વાણી સ્વતંત્રતાના નામે આપણા દેશમાં શબ્દોનું હુલ્લડ મચી જાય અને આતંકવાદીઓનો પક્ષ લેનારાઓનું એક આખું ટોળું બહાર આવી જાય. આ રીતે કોઈના પર હુમલો ન થાય, આ રીતે કોઈનો જીવ લેવાનો અધિકાર સરકાર પાસે નથી, આ પ્રકારે કોઈ એન્કાઉન્ટરની ફાઇલ બંધ ન થવી જોઈએ વગેરે, વગેરે, વગેરે...
હદ છે. જેનો જીવ ગયો તે આતંકવાદ સાથે જોડાયેલી વ્યક્તિ છે, જેનો જીવ ગયો તેણે આ દેશમાં અનેક લોકોના જીવ લીધા છે, જેનો જીવ ગયો તે હજી પણ એવી યોજના બનાવવાની વેતરણમાં છે કે જેને લીધે અનેક નિર્દોષોએ પોતાનો જીવ ગુમાવવો પડે અને એ પછી પણ આતંકવાદ સાથે જોડાયેલી તે વ્યક્તિ માટે જીવબળતરા કરવામાં આવે. જ્યારે પણ હું આ પ્રકારનું દૃશ્ય જોઉં છું ત્યારે મારા મનમાં એક વિચાર આવે, આતંકવાદીઓને મારવાને બદલે હવે તેમને પકડીને આ પ્રકારની બીમાર અને ગંદી માનસિકતા ધરાવતા લોકોના ઘરમાં છૂટો મૂકી દેવો જોઈએ, જેથી તેમને ખબર પડે કે આતંકવાદ શું છે અને આતંકવાદી કઈ બલા છે. આતંકવાદ સાથે માત્ર હિન્દુસ્તાન જ નહીં, સમગ્ર દુનિયા લડી રહી છે. સમગ્ર દુનિયાએ આ આતંકવાદની અવળી અસર જોઈ લીધી. અરે, ખુદ પાકિસ્તાન અને બંગલા દેશ જેવાં રાષ્ટ્રોમાં પણ આતંકવાદીઓએ પોતાનું કહ્યું કરાવવા માટે આતંકનો રસ્તો અપનાવી લીધો. આ જ દર્શાવે છે કે આતંકવાદ સાથે જોડાયેલી એક પણ વ્યક્તિ સાથે કોઈ જાતની રહેમની નજર ન દાખવવી જોઈએ અને એ પછી પણ, એ પછી પણ આપણા દેશના સ્યુડોસેક્યુલરિસ્ટ આ જ કામ કરી રહ્યા છે, કારણ કે તેમણે ઍરકન્ડિશન ચેમ્બરમાં બેસીને સ્ટેટમેન્ટ કરવાના છે, કારણ કે તેમણે કોઈની વૉટ-બૅન્કને સાચવી રાખવાની છે, કારણ કે તેમને એ પ્રજાતિની રહેમ નજર વચ્ચે જીવવું છે, કારણ કે તેમના પરિવારમાંથી ક્યારેય કોઈનું બાળક, કોઈનો બાપ, કોઈની મા કે કોઈનો ભાઈ આતંકવાદના કારણે માર્યા નથી ગયા. કારણ કે તેમની માટે આતંકવાદ એક ઘટના છે; પણ આતંકવાદ એક ઘટના નહીં, આતંકવાદ એ માણસાઈના નામે થતી વેદના છે. આ પીડા તે દરેક વ્યક્તિએ સહન કરવાની છે જેની આગળ નિર્દોષ શબ્દ લખવામાં આવ્યો છે. આતંકવાદમાં ક્યારેય કોઈ જાણીતી વ્યક્તિ મરતી નથી અને એનું કારણ છે કે આતંકવાદીને ક્યારેય કોઈ એકલદોકલને મારવામાં રસ હોતો નથી. તેને તો બસ એક જ વિચાર આવે છે, કેવી રીતે અઢળક લોકોનાં ઘરમાં આંસુ વહાવી દઉં અને અમારી માગણીની, અમારા સંગઠનની તાકાતનો પરિચય કરાવી દઉં.

manoj joshi columnists