રાજ કપૂરની ફિલ્મ બનાવવાની ઘેલછા માટે પૃથ્વીરાજ કપૂરનો શું અભિપ્રાય હતો?

09 January, 2022 03:13 PM IST  |  Mumbai | Rajani Mehta

૪૦ના દસકામાં નૉર્થ વેસ્ટ ફ્રન્ટિયર પ્રાંતના મૂરી નામના હિલ-સ્ટેશન પર યોજેલા બાળકોના એક કાર્યક્રમમાં બાળક રાજ કપૂરે ‘હમારી બાત’ ફિલ્મનાં બે ગીત ગાયાં. એ રજૂઆત દર્શકોને એટલી પસંદ આવી કે ત્યાર બાદ દરેક સ્ટેજ-શોમાં રાજ કપૂરની ડિમાન્ડ વધતી ગઈ

આગ ફિલ્મમાં નરગિસ સાથે રાજ કપૂર

‘પુત્રનાં લક્ષણ પારણામાંથી’ એ ઉક્તિ મુજબ રાજ કપૂરની સંગીત પ્રત્યેની અભિરુચિ અને સમજની જાણ પૃથ્વીરાજ કપૂરને વર્ષો પહેલાં થઈ ગઈ હતી. ૪૦ના દસકામાં નૉર્થ વેસ્ટ ફ્રન્ટિયર પ્રાંતના મૂરી નામના હિલ-સ્ટેશન પર યોજેલા બાળકોના એક કાર્યક્રમમાં બાળક રાજ કપૂરે ‘હમારી બાત’ ફિલ્મનાં બે ગીત ગાયાં. એ રજૂઆત દર્શકોને એટલી પસંદ આવી કે ત્યાર બાદ દરેક સ્ટેજ-શોમાં રાજ કપૂરની ડિમાન્ડ વધતી ગઈ. રાજ કપૂરની ‘સિન્ગિંગ ટૅલન્ટ’ની વાત કરતાં પૃથ્વીરાજ કપૂર કહે છે... 
‘બિહારમાં પૂર આવ્યાં એટલે અમે રિલીફ ફન્ડ માટે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. મોટા ભાગે આવા કાર્યક્રમ પૂરા થાય એટલે હું હાથમાં કટોરો લઈને દરવાજા પર ઊભો રહું અને લોકો બહાર નીકળતી વખતે યથાશક્તિ પોતાનો ફાળો આપતા જાય. એ દિવસે કાર્યક્રમ પૂરો થયો અને લોકો બહાર નીકળતા હતા ત્યાં રાજ સ્ટેજ પર આવ્યો અને ગીત ગાવાનું શરૂ કર્યું. એ સાંભળીને લોકો પાછા આવ્યા અને બેસી ગયા. ગીત પૂરું થયું અને લોકોએ આખો કટોરો ભરીને પૈસા આપ્યા. ફરી પાછો રાજ સ્ટેજ પર આવ્યો અને ગીત ગાવાનું શરૂ કર્યું. ફરી વાર લોકોએ મારો કટોરો છલકાઈ જાય એટલા પૈસા આપ્યા.
આવું જ કંઈક ૧૯૪૩માં થયું. અમે મસૂરીમાં હતા અને રાજને કાશ્મીર જવું હતું. તેણે મારી પાસે પૈસા માગ્યા. મેં તેને પૈસા ન આપ્યા અને જવાની પણ ના પાડી દીધી. તેની ઉંમર એવી નહોતી કે તે એકલો કાશ્મીર જઈ  શકે. તેને ખોટું લાગ્યું અને નિરાશ થઈ ગયો, પણ કાંઈ બોલ્યો નહીં. રાતે ૧૧ વાગ્યે તે ઊઠ્યો અને કમ્પાઉન્ડમાં થોડે દૂર એક ટેકરા પર બેસીને ‘દુખિયારા જીવ’ (એ સમયનું લોકપ્રિય ગીત) ગાવાનું શરૂ કર્યું. તેના અવાજમાં જે દર્દ હતું એની એવી અસર થઈ કે આજુબાજુના મજૂર લોકો ભેગા થઈ ગયા. ગીત સાંભળીને હું ઊભો થયો. બારીની બહાર જોયું તો એક મોટું ટોળું જમા થઈ ગયું હતું. 
એ વખતે મને ખબર નહોતી કે રાજ એ ગીત ગાય છે. કુતૂહલપૂર્વક હું રૂમની બહાર નીકળ્યો, કારણ કે એક કલાકાર તરીકે મને એ અનુભૂતિ થઈ કે ગાયક પોતાની સઘળી વેદના-સંવેદના નિચોવીને ગીતની રજૂઆત કરે છે. મને જોઈને રાજ ગાતાં-ગાતાં મારી તરફ આવ્યો. કહેવાની જરૂર નથી કે મેં રાજના હાથમાં ૩૦૦ રૂપિયા મૂક્યા. 
‘દીવાર’માં તેણે જે ગીત ગાયાં એ હજારો શ્રોતાઓએ સાંભળ્યાં હતાં. દરેક શોમાં તેને વાહ-વાહ મળતી. ઘરે જ્યારે ઢોલક લઈને તે ગીત ગાતો ત્યારે એ લહાવો માણવા જેવો હતો. તેના અવાજમાં એવી તાકાત હતી કે એની મદદથી તે જીવનના વિવિધ રંગોને જીવંત કરી શકતો. મને એ વાતનો અફસોસ છે કે તેણે  ફિલ્મોમાં પોતાને માટે ગીત ન ગાયાં.’  
પૃથ્વી થિયેટર્સમાં રાજ કપૂરની મુલાકાત એવી વ્યક્તિઓ સાથે થઈ જેની સાથે તેમણે અનેક યાદગાર ફિલ્મો બનાવી. તેઓ હતા ઇન્દ્રરાજ આનંદ, શંકર-જયકિશન, શૈલેન્દ્ર અને હસરત જયપુરી. એ ઉપરાંત પડદા પાછળ તેમની સાથે કામ કરનાર પ્રકાશ અરોરા, કેવીએસ રામન અને જી. જી. મયેકર. જોકે રાજ કપૂર એ દિવસોમાં સૌથી વધુ નજીક હતા વિશ્વ મહેરા સાથે. તેમણે  આરકે ફિલ્મ્સ અને બહારની ફિલ્મોમાં નાના-મોટા રોલ કર્યા. પોતાનાથી ઉંમરમાં નાના હોવા છતાં રાજ કપૂર જીવન પર્યંત તેમને ‘મામાજી’ કહેતા, કારણ કે તેઓ તેમની માતાના કાકાના દીકરા હતા. એક ઇન્ટરવ્યુમાં વિશ્વ મહેરા કહે છે... 
‘પૃથ્વી થિયેટર્સમાં કામ કરતા ત્યારે અમે ૧૮-૧૯   વર્ષના હતા. હું રાજથી મોટો હતો, પરંતુ તે દરેક વાત મારી સાથે શૅર કરે. ડાન્સ-માસ્ટર સોહનલાલ હેમાવતી નામની એક ડાન્સરને પાપાજી પાસે લઈ આવ્યા. પાપાજીએ રાજ કપૂરને કહ્યું કે તેને સ્ટેજ-ઍક્ટિંગની તાલીમ આપ. રાજ સ્વભાવનો રોમૅન્ટિક, પરંતુ થોડો શરમાળ હતો. હેમાવતી તેને ગમતી, પરંતુ એનાથી વિશેષ કાંઈ નહીં. હેમાવતીએ થોડાં નાટકોમાં કામ કર્યું અને પછી તેણે ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું. પછીથી તે અભિનેતા સપ્રુને પરણીને જીવનમાં ઠરીઠામ થઈ.’
વિશ્વ મહેરા રાજ કપૂરના જીવનની એક રોમૅન્ટિક ઘટનાનો હસતાં-હસતાં ઉલ્લેખ કરતાં કહે છે, ‘મને ખબર છે કે ૧૯૪૩-’૪૪માં રાજ જ્યારે બૉમ્બે ટૉકીઝમાં હતો ત્યારે તેણે પ્રથમ વાર પ્રેમની અનુભૂતિ કરી. જોકે એ ‘પપી લવ’થી વિશેષ કાંઈ નહોતું. ઇન્દ્રરાજ આનંદ (અભિનેતા ટીનુ આનંદના પિતા)ની પત્નીના દૂરના સગાની એક છોકરી સાથે રાજની પહેલી મુલાકાતથી આંખમિચોલી શરૂ થઈ. બન્ને મેટ્રો ટૉકીઝમાં ફિલ્મ જોવા જતાં. ફિલ્મ શરૂ થયા બાદ થિયેટરમાં જાય અને પૂરી થાય એ પહેલાં નીકળી જાય એટલે કોઈ જોઈ ન જાય. એક દિવસ એવું બન્યું કે ઇન્ટરવલમાં લાઇટ થઈ અને જોયું તો છોકરીનો કાકો બાજુની સીટ પર બેઠો હતો. આપણે કહીએ કે ફિલ્મોમાં આવું થાય, પરંતુ જીવનમાં પણ આવું બનતું હોય છે.
જોકે એ પ્રેમકહાણી આગળ વધી નહીં. બન્નેના પારિવારિક સંબંધ જીવનભર રહ્યા. રાજના અંતિમ દિવસોમાં તે હૉસ્પિટલમાં પણ આવી હતી.  એક સમય હતો જ્યારે અમે એ દિવસોની વાત કરીને હસતા હતા, આજે એ યાદો આંખને ભીની કરી મૂકે છે.’
૧૯૪૬ની ૧૨ મેએ રાજ કપૂર (૨૧ વર્ષ) અને  કૃષ્ણા મલ્હોત્રા (૧૬ વર્ષ) લગ્નગ્રંથિથી જોડાયાં. વિશ્વ મહેરા એ પ્રસંગને યાદ કરતાં કહે છે, ‘લગ્ન માટે અમે રેવા (મધ્ય પ્રદેશ) ગયા હતા, જ્યાં કૃષ્ણાના પિતા  ઇન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસ હતા (કૃષ્ણાદેવી અભિનેતા પ્રેમનાથનાં બહેન). લગ્નના દિવસે સવારે રાજનો પગ મચકોડાઈ ગયો. કોઈકે તેને કહ્યું કે આ તો અપશુકન કહેવાય. આવું સાંભળીને રાજ ચોરીમાં બેસવા તૈયાર નહોતો. પાપાજીએ તેને સમજાવ્યો ત્યારે માંડ-માંડ તે રાજી થયો. 
એ દિવસોમાં રાજ ફિલ્મો સાથે નાટકોમાં પણ કામ કરતો  હતો. નાગપુરમાં પૃથ્વી થિયેટર્સના નાટક ‘પઠાન’નો શો હતો. અહીં રાજે મને કહ્યું કે હું મારી ફિલ્મ-કંપની શરૂ કરવાનો વિચાર કરું છું. તે એટલો એક્સાઇટેડ હતો કે તેણે ‘આગ’ની વાર્તા લખવાનું શરૂ કરી દીધું. હકીકતમાં ‘આગ’ તેના જીવનની વાત હતી. એક યુવાન તરીકે તેના જીવનમાં જે રોમૅન્ટિક ઉતાર-ચડાવ આવ્યા, જે અનુભૂતિ થઈ એનું ચિત્રણ એમાં હતું. વાર્તા લખીને તેણે ઇન્દ્રરાજ આનંદને સ્ક્રીનપ્લે અને ડાયલૉગ લખવાનું કામ સોંપ્યું.
એ દિવસોમાં તેની ઑફિસ નહોતી. તેની પહેલી ગાડી ‘ફૉર્ડ’ તેની હાલતી-ચાલતી ઑફિસ હતી. આરકે ફિલ્મ્સની પહેલી ફિલ્મ ‘આગ’નું મુહૂર્ત થયું વરલીમાં આવેલા ઈસ્ટર્ન સ્ટુડિયોમાં. ૧૯૪૭ની ૬ ફેબ્રુઆરીએ પૂજા કરીને શૂટિંગ શરૂ થયું અને એક વર્ષમાં આ ફિલ્મ 
પૂરી થઈ. પૂરી ફિલ્મનો ખર્ચો હતો સાડાત્રણ લાખ રૂપિયા.’
વિશ્વ મહેરાની વાત સાંભળતાં એમ લાગે કે ફિલ્મ બનાવવી એ રાજ કપૂર માટે બહુ સહેલી વાત હતી. હકીકત જુદી જ હતી. ‘આગ’માં ત્રણ નાયિકા હતી અને તેમની કથા આલેખતાં રાજ કપૂરે આ ફિલ્મની દરેક ફ્રેમમાં તેમના આત્માની શોધ કરી હતી. ફિલ્મમાં પ્રેમનાથની એક ચિત્રકાર તરીકેની મહત્ત્વની ભૂમિકા હતી, જ્યારે રાજ કપૂર એક અભિનેતા-દિગ્દર્શકનો રોલ કરતા હતા. બન્નેનો સ્ત્રી માટેનો અભિગમ જુદો હતો. રાજ કપૂર વાસ્તવિક જીવનમાં   સ્ત્રીના અંતરંગની શોધમાં હતા એટલે હકીકતમાં રાજ કપૂર પડદા પર અને પડદા પાછળ પોતાની મનોદશાને જીવી રહ્યા હતા. તેમની ઇચ્છા હતી કે ત્રણ સક્ષમ અભિનેત્રીઓ મળે તો તેમનું આ સપનું સાકાર થાય.
એક આડવાત. પૃથ્વીરાજ કપૂર પ્રકાશ સ્ટુડિયોમાં શૂટિંગ કરતા ત્યારે રાજ કપૂર તેમનું ટિફિન લઈને આવતા. ફુરસદના સમયે તેઓ વિજય ભટ્ટના અસિસ્ટન્ટ રાજા નવાથે સાથે ગપ્પાં મારતા. એક દિવસ તેમણે કહ્યું, ‘અહીં તને કેટલો પગાર મળે છે?’ જવાબ મળ્યો, ‘૩૦૦ રૂપિયા.’ રાજ કપૂરે કહ્યું,’ થોડા સમયમાં હું મારી ફિલ્મ શરૂ કરવાનો છું. મારો અસિસ્ટન્ટ બની જા, તને ૫૦૦ રૂપિયા પગાર આપીશ.’
પૃથ્વીરાજ કપૂરને આ વાતની ખબર પડી એટલે તેમણે રાજા નવાથેને ચેતવણી આપતાં કહ્યું, ‘રાજની વાતોમાં ભેરવાઈને નોકરી છોડવાની મૂર્ખાઈ ન કરતો. તે ભલે મોટી-મોટી વાત કરતો હોય, ફિલ્મ બનાવવી એ ખાવાના ખેલ નથી. તેને ગપ્પાં મારવાની ટેવ છે.’ 
આમ ખુદ પાપાજીને પણ રાજ કપૂરની વાતોમાં બહુ દમ નહોતો લાગતો. તેઓ માનતા કે દીકરો ‘આરંભે શૂરા’ની જેમ થોડા સમયમાં થાકીને બેસી જશે, પણ રાજ કપૂર એમ હિંમત હારે એમ નહોતા. એ વાતનો ઇનકાર ન થાય કે એક અભિનેતા તરીકે રાજ કપૂર હજી ઇન્ડસ્ટ્રીમાં એસ્ટૅબ્લિશ નહોતા થયા જેના નામ પર ફિલ્મ ચાલે. તેમને સુરૈયા, નર્ગિસ જેવી માતબર હિરોઇનનો સાથ જોઈતો હતો. સુરૈયાની ના આવી, પરંતુ નર્ગિસની માતાને તેમણે મોંમાગી રકમ આપીને રાજી કરી. ફાઇનલી જે ત્રણ હિરોઇન નક્કી થઈ હતી એ હતી કામિની કૌશલ, નિગાર સુલતાના અને નર્ગિસ. 
એક ઇન્ટરવ્યુમાં રાજ કપૂર ‘આગ’ના નિર્માણ સમયની વાતો કરતાં કહે છે, ‘એ દિવસો મારા માટે ખૂબ મુશ્કેલીના હતા. હંમેશાં પૈસાની  તંગી રહેતી. ફિલ્મના મુહૂર્તથી માંડીને રિલીઝ સુધી, ડગલે ને પગલે, મારે ખૂબ સંઘર્ષ  કરવો પડ્યો. મારી ગાડી ગીરવી મૂકી. દોસ્તો પાસેથી પૈસા ઉધાર લીધા. ત્યાં સુધી કે યુનિટના માણસોના ચા-નાસ્તાનો ખર્ચો મારો નોકર દ્વારકા આપતો (જીવન પર્યંત દ્વારકા આર. કે. ફિલ્મ્સના ‘પેરોલ’ પર  હતો). હું પોતે ફિલ્મ્સનાં ટિન લઈને એક ડિસ્ટ્રિબ્યુટરની ઑફિસથી બીજાની ઑફિસ જતો, પરંતુ કોઈ ફિલ્મ રિલીઝ કરવા તૈયાર નહોતું. કંટાળીને મેં ઇન્ડસ્ટ્રીના મોટા વગદાર ડિસ્ટ્રિબ્યુટર્સ માટે ફિલ્મની ‘ટ્રાયલ’ ગોઠવી.
એ વખતે અડધી ફિલ્મ પૂરી થઈ હતી. ટ્રાયલ જોતાં એક જણ તો ઘસઘસાટ ઊંઘી ગયો. બીજો કહે, ‘આ ફિલ્મ કોઈ ટેરિટરીમાં ચાલે એમ નથી.’ ત્રીજો કહે, ‘હું  અડધીપડધી  ફિલ્મ નથી જોતો. મને સ્ટારમાં રસ છે.’ એકે કહ્યું, ‘હું ઈસ્ટ પંજાબ (ટેરિટરી) માટે ૧૫,૦૦૦ રૂપિયા આપીશ.’ આ મહાશય થોડા સમય પછી એ જ ટેરિટરી માટે મારી ફિલ્મના દોઢ લાખ રૂપિયા આપવા માંડ્યા. 
કેવળ એક માણસ હતો જેણે કહ્યું, ‘ફિલ્મ ચાલે કે ન ચાલે, મારે મુંબઈના ડિસ્ટ્રિબ્યુશનના રાઇટ્સ જોઈએ છે.’ તેઓ હતા બાબુભાઇ મહેતા (‘આગ’થી લઈને ‘મેરા નામ જોકર’ સુધી રાજ કપૂરની દરેક ફિલ્મોની શરૂઆત થતાં જ બૉમ્બે ટેરિટરીના રાઇટ્સ બાબુભાઈ મહેતા ખરીદી લેતા. ‘મેરા નામ જોકર’નું શૂટિંગ ચાલતું હતું એ દરમ્યાન તેમનું અવસાન થયું હતું). તેમણે ઉમળકાથી મારો હાથ પકડી, અભિનંદન આપતાં શુકનનો ચાંદીનો એક રૂપિયો મારા હાથમાં મૂક્યો.’
બાબુભાઈ મહેતાની નજરે રાજ કપૂર એક ‘અનકટ ડાયમન્ડ’ હતા. સાચો જોહરી આવી તક ન છોડે. એ રૂપિયો કેવળ રાજ કપૂર માટે નહીં, પરંતુ દરેક ડિસ્ટ્રિબ્યુટર માટે શુકનિયાળ બની રહ્યો. રૂપેરી પડદા પર કેવળ એક અભિનેતા નહીં, એક પ્રોડ્યુસર-ડાયરેક્ટર નહીં, પરંતુ એક એવી ફિલ્મ-કંપનીની શરૂઆત થઈ જેની ફિલ્મો આવતા બે દાયકા સુધી ટિકિટબારી પર ટંકશાળ પાડવાની હતી. ‘આગ’થી જે ડિસ્ટ્રિબ્યુટર્સ આરકે ફિલ્મ્સ સાથે જોડાયા હતા તેઓ છેક ‘મેરા નામ જોકર’ સુધી રાજ કપૂર સાથે રહ્યા. આ પણ એક યુનિક રેકૉર્ડ હતો.

columnists rajani mehta