નાટક ભાઈ અને ફિલ્મ વાસ્તવ વચ્ચે શું સામ્ય હતું?

01 September, 2020 10:22 PM IST  |  Mumbai | Sanjay Goradia

નાટક ભાઈ અને ફિલ્મ વાસ્તવ વચ્ચે શું સામ્ય હતું?

સેમ ટુ સેમ : ‘ભાઈ’ નાટકના જ વિષય પરથી ફિલ્મ ‘વાસ્તવ’ બની, જે સંજય દત્તની કરીઅરની માઇલસ્ટૉન બની ગઈ.

પડી ભાંગવું કે પછી તૂટી જવું એ લક્ઝરી ગણાય, કૉમનમૅનને પોસાય નહીં. ટીવી-સિરિયલની વાત નક્કી થઈ અને એ પછી શફીભાઈએ બીજી સિરિયલ સાઇન કરી લીધી અને અમારી સિરિયલની ના પાડી દીધી. એવું જ નાટકમાં બન્યું. શફીભાઈએ ‘ઑલ ધ બેસ્ટ’ નાટકનું મુહૂર્ત કરી નાખ્યું એટલે મારું નાટક ચાલુ થાય એ પહેલાં જ બંધ થઈ ગયું, નાસીપાસ થવું મને પોસાય નહીં, થયું કે આમ ને આમ ક્યાં સુધી ચાલશે? સમય આવી ગયો છે કે આપણે જ આપણા શફી ઈનામદાર અને શૈલેશ દવે ઊભા કરવા પડશે. આ મારું કામ છે અને મારે જ મારું એ કામ કરવું પડશે, નવા લેખક-દિગ્દર્શક સાથે કામ કરવું પડશે.
મારું આ બધું મનોમંથન ચાલતું હતું એ દરમ્યાન જ મને ‘ભાઈ’ નાટકની ઑફર આવી, જેની થોડી વાત આપણે ગયા મંગળવારે કરી હતી. ‘ભાઈ’ નાટક સિદ્ધાર્થ રાંદેરિયાએ લખ્યું હતું અને એ જ ડિરેક્ટ કરવાના હતા. નાટકના પ્રોડ્યુસર કિરણ સંપટ હતા. ‘ભાઈ’માં મને એક રોલ ઑફર થયો. પહેલાં મેં એ કરવા માટે ના પાડી હતી. ના પાડવાનું એક કારણ હતું કે કિરણભાઈનાં નાટકોની બહારગામની ટૂર લાંબી ચાલે અને મારે મુંબઈમાં શફીભાઈનું ફિલ્મોનું કામ જોવાનું હોય એટલે લાંબો સમય બહાર રહેવું પરવડે નહીં. મેં ના પાડી, પણ કિરણભાઈ મારી પાછળ પડી ગયા કે સંજય, તારા માટે જ રોલ છે અને તું કરશે તો જ મજા આવશે. મેં ટૂરની વાત કરી દીધી હતી એટલે તેમણે રસ્તો પણ કાઢ્યો અને કહ્યું કે ટૂરમાં ઍડ્જસ્ટ કરી લઈશું, તું હમણાં એ ચિંતા ભૂલી જા.
મેં નાછૂટકે નાટક કરવા માટે હા પાડી દીધી. મિત્રો, આ ‘ભાઈ’ નાટક પરથી પછી તો ફિલ્મ પણ બની. સંજય દત્તવાળી ‘વાસ્તવ’. મૂળ ‘ભાઈ’ નાટક મરાઠી નાટક ‘આમચ્યા યા ઘરાત’ પર આધારિત હતું. ફરક એટલો જ કે ગુજરાતી નાટકના નિર્માતાએ મૂળ મરાઠી નાટકના રાઇટર પાસેથી પરમિશન લીધી હતી અને ‘વાસ્તવ’વાળાઓએ નહીં. ‘વાસ્તવ’માં ડેઢ ફુટિયાનો જે રોલ હતો એ રોલ મારો હતો. ડિટ્ટો એવો તો બિલકુલ નહીં, પણ એ પ્રકારનો અને એ રોલને મેં મારી રીતે ભજવ્યો. નાટકમાં ઇન્સ્પેક્ટરનું કૅરૅક્ટર કૌસ્તુભ ત્રિવેદીએ કર્યું તો સંજય દત્તવાળું કૅરૅક્ટર એટલે નાટકનું લીડ ભાઈનું કૅરૅક્ટર સિદ્ધાર્થ રાંદેરિયાએ કર્યું હતું. સિદ્ધાર્થનાં મા-બાપના રોલમાં કલ્પના દીવાન અને શરદ સ્માર્ત હતાં. ફિલ્મમાં સંજય દત્તના ભાઈનું પણ એક પાત્ર હતું, જે મોહનિશ બહલે કર્યું હતું. નાટકમાં આ રોલ માટે એક નવા કલાકારને લેવામાં આવ્યો. એ કલાકારનું નામ સચિન ખેડેકર. સચિન સિદ્ધાર્થનો ભાઈ બને છે. સચિન આમ તો મહારાષ્ટ્રિયન એટલે ગુજરાતી કેવી રીતે બોલી શકે? સચિનને ગુજરાતીનો સારોએવો મહાવરો હતો, કારણ કે એ સમયની એની ગર્લફ્રેન્ડ અને આજની તેની વાઇફ જલ્પાને લીધે. જલ્પા ગુજરાતી છે એ તમારી જાણ ખાતર.
‘ભાઈ’ રિલીઝ થયું અને નાટક સુપરડુપર હિટ થયું. મારી ભૂમિકાનાં ખૂબ વખાણ થયાં. જેમણે એ નાટક જોયું હતું તેઓ આજે પણ મને મળે છે તો કહે છે કે તમારી ‘ભાઈ’ની ભૂમિકા હજી સુધી ભુલાતી નથી. ‘ભાઈ’ નાટકની ઍક્ટિંગને કારણે મારી લાઇફમાં કેવો મોટો ચેન્જ આવ્યો એની વાત કહું તમને.
એક દિવસ બન્યું એવું કે હું કોઈ નાટક જોવા માટે પાટકર ઑડિટોરિયમ ગયો. નાટક શરૂ થાય એ પહેલાં મારી પાછળની રોમાંથી એક હાથ આવ્યો, હાથમાં વિઝિટિંગ કાર્ડ હતું. મેં કાર્ડ લીધું એટલે મારા કાનની નજીકથી અવાજ આવ્યો ઃ
‘કાલે ફોન કરજો...’
હું પાછળ જોઉં એ પહેલાં તો ઑડિટોરિયમની લાઇટો બંધ થઈ અને નાટક શરૂ થઈ ગયું. એ ભાઈ પોતાની જગ્યાએ જતા રહ્યા હશે એવું મેં ધારી લીધું. ઇન્ટરવલ પડ્યો, પણ એ ભાઈ મને મળ્યા નહીં. નાટક પૂરું થયું એ પછી પણ મને એ ભાઈ મળ્યા નહીં. પેલું વિઝિટિંગ કાર્ડ મારા ખિસ્સામાં મૂક્યું.
કાર્ડ પર નામ હતું, હરેશ મહેતા.
હરેશ મહેતા કાપડના બહુ મોટા વેપારી. હવે તો એ કાપડના મૅન્યુફૅક્ચરર પણ છે D&J નામની શૂટિંગ-શર્ટિંગ બ્રૅન્ડના માલિક છે. એ વખતે તેમની ઑફિસ મૂળજી જેઠા માર્કેટમાં આવેલી જૂની હનુમાન ગલીમાં હતી. મેં ફોન કર્યો એટલે તેમણે મને રૂબરૂ મળવા બોલાવ્યો. હું ગયો એટલે હરેશભાઈ મને કહે, ‘સંજયભાઈ, હું તમારી ‘ભાઈ’ નાટકની ઍક્ટિંગનો બહુ મોટો ફૅન છું. તમે લીડ ઍક્ટર હો એવું એક નાટક બનાવો, ફાઇનૅન્સ હું કરીશ.’
હું તો રાજીનો રેડ, બ્લુ ને લીલો થઈ ગયો. આમ પણ મેં તમને કહ્યું એમ, મારા મગજમાં વિચાર ઘૂમરાતો જ હતો કે સમય આવી ગયો છે આપણું પોતાનું પ્રોડક્શન ચાલુ કરવાનું. વર્ષ હતું ૧૯૯૩નું અને હરેશભાઈની ઑફર સાથે જ મને મારું નાટક ‘ફતેહચંદનું ફુલેકું’ યાદ આવી ગયું.
‘ફતેહચંદનું ફુલેકું’ની મૂળ વાર્તા બહુ સરસ હતી, પણ દિગ્દર્શક રાજેશ જોષી અને લેખક પ્રકાશ કાપડિયાએ નાટકને બહુ ફેલાવી દીધું હતું. એ સમયે પણ મને થતું હતું કે એવું કરવાની જરૂર નહોતી, પણ મિત્રો, એ સમયે મારું એટલું ઊપજતું નહોતું અને મને એટલું આવડતું પણ નહોતું. ‘ફતેહચંદનું ફુલેકું’ નાટક મારા નાટક ‘બા રિટાયર થાય છે’ પહેલાં આવ્યું હતું. તમારી વાત, તમારો અભિપ્રાય ત્યારે જ જગત માને જ્યારે તમે પોતે જીવનમાં કંઈ ઉકાળ્યું હોય.
‘ફતેહચંદનું ફુલેકું’ નાટકમાં મને હજી પણ સ્કોપ દેખાતો હતો. મેં રાજુ અને પ્રકાશનો કૉન્ટૅક્ટ કર્યો અને તેમને કહ્યું કે ‘ફતેહચંદનું ફુલેકું’ આપણે ફરીથી રિવાઇવ કરીએ. મેં મારી શરત તેમને કહી કે હું કહું એમ તમારે વાર્તામાં ફેરફાર કરવા પડશે. આવી શરત મૂકવાનું કારણ એ કે પ્રકાશ અને રાજુ બન્ને ખૂબ જિદ્દી પ્રકૃતિના. રાતે વાત થાય ત્યારે રાજુ જોષી ટિપિકલ રીતે બધી વાત કબૂલ કરે, સીન કાપવા પણ તૈયાર થાય, પણ સવાર પડતાં તે ફરી જાય. કહે કે મારે કંઈ નથી કરવું, હું મારા કામથી સંતુષ્ટ છું. આવો અનુભવ થયો હતો એટલે જ મેં તેમની પાસે શરત મૂકી અને શરત એ બન્નેએ કબૂલ પણ રાખી.
મારી શરત માનવા પાછળનું કારણ એ પણ હતું કે નાટક ઑલરેડી રિલીઝ થઈ ગયું હતું અને રિઝલ્ટ પણ આવી ગયું હતું, ફ્લૉપ. આવા સમયે હું જે કહું એ મુજબના ચેન્જ કરવામાં કોઈને ખોટું પણ નહોતું લાગતું. રખેને આ રીતે હવે નાટક નીકળી જાય.
પ્રકાશ કાપડિયા સાથે મેં વાર્તા પર કામ કરવાનું શરૂ કર્યું તો બીજી તરફ મારું નાટક ‘ભાઈ’ મારમાર ચાલતું હતું. આ તરફ ધીમે-ધીમે શફીભાઈનું કામ પણ પ્રમાણમાં ઘણું ઓછું થઈ ગયું એટલે શફીભાઈની પરવાનગી લઈને હું ટૂર પર પણ જવા લાગ્યો. ટૂરમાં મારી સાથે કૌસ્તુભ ત્રિવેદી અને સચિન ખેડેકર રૂમ-પાર્ટનર. ટૂરને લીધે અમારી ત્રણેયની દોસ્તી ખૂબ સારી થઈ, પણ કૌસ્તુભ સાથે મારે ઘનિષ્ઠ મિત્રતા થઈ. આ ટૂર સમયે મારા નાટક ‘ફતેહચંદનું ફુલેકું’ની સ્ક્રિપ્ટનું કામ ચાલુ થઈ ગયું હતું. નાટકનું ટાઇટલ હજી અમે નક્કી નહોતું કર્યું પણ એની સર્જનપ્રક્રિયા ખાસ્સી આગળ વધી ગઈ હતી. ટૂર દરમ્યાન મેં કૌસ્તુભને ઑફર કરી કે આપણે સાથે મળીને પાર્ટનરશિપમાં કામ કરીએ. કૌસ્તુભને પણ મારું સૂચન ગમ્યું અને આમ હું અને કૌસ્તુભ બન્ને પાર્ટનર બન્યા.
અહીં એક નવો પ્રશ્ન મારી સામે આવ્યો. નવું પ્રોડક્શન શરૂ કરવાનું હતું એટલે હવે બૅનરનું એટલે કે કંપનીનું નામ શું રાખવું?
અગાઉ ‘બા રિટાયર થાય છે’ નાટક શફીભાઈની કંપની ‘હમ’ હેઠળ થયું હતું, તો ‘હૅન્ડ્ઝ અપ’ અને ‘આભાસ’ નાટક મેં શરૂ કરેલા બૅનર ‘સ્વાગતમ્’ના નેજા હેઠળ થયાં હતાં પણ મારે આ નામ રાખવું નહોતું. તો હવે કરવું શું?
સંજય ગોરડિયા પ્રોડક્શન.
લાંબી મથામણ પછી મેં બૅનરનું એટલે કે કંપનીનું નામ આ નક્કી કર્યું. બૅનરનું નામ આવું રાખવા પાછળ ક્યાંક ને ક્યાંક મારું બ્રૅન્ડિંગ કરવાનો વિચાર કારણભૂત બન્યો. હવે નવું નાટક આ કંપનીના નેજા હેઠળ બનશે.
(શેક્સપિયરે કહ્યું છે કે નામમાં શું દાટ્યું છે, પણ એની આ વાતનો જવાબ મુંબઈની થિયેટર-ઇન્ડસ્ટ્રી પાસેથી મને કેવી રીતે મળ્યો એની વાતો કરીશું આવતા મંગળવારે.)

columnists Sanjay Goradia