કહેવાયેલી વાત અને કરવા જેવી વાત

21 June, 2020 09:16 PM IST  |  Mumbai | Dr Dinkar Joshi

કહેવાયેલી વાત અને કરવા જેવી વાત

ક્યારેક એવું લાગે છે કે બોલચાલના રૂઢ થઈ ગયેલા કેટલાક શબ્દો એના સાચા અર્થમાં પુનર્વિચારણા માગે છે. સર્વધર્મસમભાવ એક આવો શબ્દ છે. અત્યારે આ શબ્દ કેટલીક વાર સેક્યુલરિઝમ એવા અર્થમાં પણ વપરાય છે. મારા ધર્મ પ્રત્યે મને જેટલી લાગણી કે શ્રદ્ધા હોય એટલી જ લાગણી અને શ્રદ્ધા બીજા ધર્મ માટે પણ હોવી જોઈએ એવો ગર્ભિત અર્થ આમાંથી નીકળે છે. વ્યવહારમાં આમ થઈ શકે ખરું? બીજા ધર્મ માટે હું સન્માન કે આદર ધરાવું અથવા તો સાવ તટસ્થ હોઉં એ બને, પણ બીજા ધર્મને હું મારા પોતાના ધર્મ જેટલો જ સન્માન્ય કે શ્રદ્ધેય માનું એ શી રીતે બને? મારી જનેતાની સખીઓ એટલે કે મારી આ માસીઓને હું માતાના જેટલો જ આદર આપું, પણ આ માસીઓને હું માતા માની શકું ખરો? એ માસી માતા બરાબર છે એ કબૂલ, પણ માતા નથી એ તો સ્વીકારવું જ જોઈએ. આ માસીને મારા માટે પ્રેમ હોઈ શકે, પણ એ પ્રેમ તેના પુત્ર જેટલો તો ન જ હોય! વ્યવહારમાં ગમે એવું બોલીએ, પણ હકીકતમાં આ પ્રમાણે થઈ શકતું નથી. હકીકતમાં જો આ પ્રમાણે થઈ શકતું હોત તો દુનિયાના તમામ પ્રશ્નો હળવાફૂલ થઈ ગયા હોત!

ઈશુએ બાઇબલમાં કહ્યું છે કે ‘Love thy neighbor as thyself.’ - ‘તમારા પાડોશીને તમે તમારી જાત જેટલો જ પ્રેમ કરો’ આ સુવાક્ય ગમે ત્યાં ટાંકવા જેવું છે. સાંભળતાવેંત ગમે એવું છે. કોઈ પણ માણસને સલાહ-શિખામણ આપવી હોય તો કહેવા જેવું છે, પણ વાસ્તવમાં આચરી શકાય છે ખરું? માણસ સૌથી વધુ પ્રેમ પોતાની જાતને જ કરે છે. પોતાની જાત સિવાય પોતાના સ્વજનોમાંથી કોને કેટલું ચાહે છે એ વાત માણસ પોતે જ નક્કી કરી શકતો નથી. પતિ કે પત્ની, માતા કે પિતા, ભાઈ કે બહેન, મિત્ર કે સંતાન આવા વિવિધ સંબંધો વચ્ચે માણસ ક્યારે અને કોને કેટલું ચાહતો હશે એ બદલાઈ જાય એવી માત્રા છે. આજે જેકોઈને પણ ભરપૂર પ્રેમ કરે છે તે આવતી કાલે પણ એવો ને એવો હશે એ ટકોરાબંધ કહી શકાતું નથી. આવા સુવાક્યનો અર્થ એકમાત્ર એટલો જ કરી શકાય કે માણસ-માણસ વચ્ચે સ્નેહાળ સંબંધ હોવો જોઈએ. તમારી પોતાની જાત જેટલી જ માત્રામાં તમે પાડોશીને ક્યારેય ચાહી શકો જ નહીં.

ધર્મની વાત કરીએ તો દરેક માણસને તેનો ધર્મ જન્મ સાથે જ મળે છે. મારી જનેતાને હું જન્મ પૂર્વે પસંદ કરી શકતો નથી. જેણે મને જન્મ આપ્યો એ મારી જનેતા છે. હું તેને બદલી શકતો નથી, પણ ધર્મ જન્મ સાથે જ મળ્યો હોવા છતાં ક્યારેક કાયદેસર ધોરણે બદલી શકાય છે. જનેતા કદી બદલી શકાતી નથી. ધર્મનો આરંભ માણસે ચોક્કસ હેતુથી કર્યો છે. રોજિંદા જીવનમાં કેટલાંય અણગમતાં કે પછી અનિષ્ટ લાગતાં કામ વધતા-ઓછા પ્રમાણમાં કરવાં પડે છે. આવા વખતે માણસને હૃદયમાં એક ડંખ પણ લાગે છે. આવા ડંખના સમયે કોઈક આધિદૈવિક શક્તિ પોતાની સાથે હોય તો આ ડંખ હળવો થતો હોય એવું તે અનુભવે છે. આવી આધિદૈવિક શક્તિ એટલે ઈશ્વર અથવા ધર્મ. આવા ચોક્કસ ધર્મની એક આચારસંહિતા માણસે ઘડી કાઢી. આ આચારસંહિતા સ્થળકાળના સંદર્ભમાં બદલાતી રહી. ગંગાજમનાના પ્રદેશમાં ૫૦૦૦ વર્ષ પહેલાં જે વિચારણા થઈ એ વૈદિક વિચારણા બની અને ૧૪૦૦ વર્ષ પહેલાં અરબસ્તાનની ભૌગોલિક પરિસ્થિતિ વચ્ચે જે જીવન વિશે વિચારણા થઈ એ ઇસ્લામ ધર્મ બન્યો. આમ છતાં આ ધર્મ પાછળનો માણસ તો એક જ હતો. આમ હોવાથી જુદા-જુદા ધર્મો વચ્ચે પણ એકવાક્યતા તો આવી જ ગઈ.

પણ આનો અર્થ એમ નથી કે બધા ધર્મો એકસરખા છે. જો એમ હોત તો એક ધર્મની હાજરીમાં બીજો ધર્મ બન્યો જ શા માટે હોત? યહૂદીમાંથી ખ્રિસ્તી બન્યો અને ખ્રિસ્તીમાંથી ઇસ્લામ ધર્મ બન્યો. એ જ રીતે વૈદિક ધર્મ, જૈન, બૌદ્ધ અને શીખ ધર્મ બન્યા. આ બધા ધર્મોને પરસ્પરથી એક કહેવા એ માનસિક ઉદારતા છે, પણ એ ઉદારતા એટલી હદે વ્યાપ્ત કરવી જોઈએ નહીં જેમાં મારો ધર્મ જ આંગળિયાત બાળક જેવો થઈ જાય. આંગળિયાત બાળક માતાની આંગળીએ આવ્યું હોય અને બાપના ઘરમાં નમાયું બાળક હોય એને કારણે આ નમાયા બાળકનું મૂલ્ય ઘટી ન જવું જોઈએ.

જોકે કહેવાતા ધર્મના પ્રવાહો સંપ્રદાયો બનીને વ્યક્તિગત અહંને સંતોષવા નવાનોખા નામે આપણી સામે આવે છે. વૈદિક ધર્મમાં શ્રીકૃષ્ણને સર્વસ્વ માનનારાઓ ક્યારેક વૈષ્ણવ સંપ્રદાય બને છે, ક્યારેક પ્રણામી સંપ્રદાય બને છે, ક્યારેક રાધે રાધે બને છે. એ જ રીતે ઇસ્લામ કે અન્ય ધર્મમાં બને છે. ૨૦૦ વર્ષ પહેલાં આપણી સામે આવેલા સ્વામીનારાયણ સંપ્રદાયમાં આજે ચાર-પાંચ ફાંટા પોતે જ અસલી સ્વામીનારાયણી છે એવા દાવા સાથે આપણી સામે છે જ. બુદ્ધ અને મહાવીર એક જ પ્રદેશમાં અને એક જ કાળમાં એકસાથે રહ્યા છે અને આમ છતાં આ બન્ને વચ્ચે પ્રત્યક્ષ સંવાદ થયો હોય એવો કોઈ ઐતિહાસિક પુરાવો નથી. એક જ કાળમાં આ બન્નેએ પોતપોતાના જુદા-જુદા વિચારો ધર્મના નામે જ પ્રસારિત કર્યા હતા.

જે ધર્મ માણસે પોતાની આત્મશાંતિ માટે ઊપજાવી કાઢ્યો એ જ ધર્મ માનવઇતિહાસમાં વધુમાં વધુ અશાંતિકારક બન્યો છે. મારો ધર્મ બીજા બધા ધર્મો કરતાં ચડિયાતો છે અથવા બીજા બધા ધર્મો મારા ધર્મ કરતાં ઊતરતા છે એ કોઈ ધાર્મિક માન્યતા નથી. ‘હું ચડિયાતો’ એવો જે પાયાનો અહમ્ દરેક માણસના મનમાં છે એ અહંનો દોરવાયો માણસ પોતાની દરેક માન્યતા અથવા પદાર્થો બીજા કરતાં ચડિયાતા માને છે. મારો દેશ, મારી ભાષા, મારી સંસ્કૃતિ, મારો પરિવાર આમ જેકંઈ મારું છે એ બીજા કરતાં ચડિયાતું છે એવા અહંકારને કારણે માણસ પોતાના ધર્મને પણ ચડિયાતો માનતો થઈ જાય છે. જેહાદ, ક્રુઝેડ કે ધર્મયુદ્ધ અંતે તો આ અહંકારનું જ પરિણામ છે.

‘સ્વધર્મે નિધનં શ્રેય, પરધર્મો ભયાવહઃ’ અદ્ભુત છે આ ગીતાવાક્ય. અહીં સ્વધર્મ એટલે આ બધા ધર્મોથી પર એક અદ્ભુત અર્થઘટન છે. આ અર્થઘટન જો એક વાર સમજાઈ જાય તો બીજા ફીફા જેવા શબ્દોનો સહારો લઈને પોતાના ધર્મને ચડિયાતો કહેવાની જરૂર પડતી નથી. એટલું જ નહીં, બીજાના ધર્મને ખોળામાં લેવાની પણ જરૂર પડતી નથી. પોતાને સેક્યુલર કહેવડાવતા અથવા કહેવડાવવા મથતા કેટલાક બુદ્ધિજીવીઓ જ્યારે નૃત્ય આરંભે છે ત્યારે આગળથી રૂપકડા જરૂર દેખાય છે, પણ પાછળથી નિરાવરણ દેખાય છે એ તેમની સ્મૃતિમાં રહેતું નથી.

દરેક ધર્મે પ્રતીકાત્મક સ્વરૂપે પોતાનાં ધર્મસ્થાનકો પણ બનાવ્યાં છે. મંદિર, મસ્જિદ, ચર્ચ, ગુરુદ્વારા ઇત્યાદિમાં પોતે માની લીધેલા ભગવાન વસે છે એનો સીધોસાદો અર્થ તો એ થાય છે કે ભગવાન એ સ્થાન છોડીને અન્યત્ર વસતા નથી. વાસ્તવમાં આ ધર્મસ્થાનકો જ ધર્મવિહીન બનતાં જાય છે.

ધર્મના નામે મુઠ્ઠીઊંચેરા માણસોએ સમયાંતરે જેકંઈ કહ્યું હોય છે એ એના હાર્દથી સમજવા જેવું હોય છે અને આ હાર્દ જો એક વાર સમજાઈ જાય તો જ કરવા જેવું હોય છે.

columnists dinkar joshi