કોવિડની સારવાર ઘરે થતી હોય તો ફૂડમાં શું ધ્યાન રાખવાનું?

19 April, 2021 12:16 PM IST  |  Mumbai | Yogita Goradia

એકલું પાણી પીવાને બદલે સૂપ કે રસવાળાં ફળો લેશે તો એનાથી પણ ફાયદો થશે. એટલું યાદ રાખવાનું કે કંઈ પણ ખાધા પછી ગાર્ગલ કરીને મોંની સફાઈ રાખવી જરૂરી છે. 

GMD Logo

મારા ૨૬ વર્ષના દીકરાને કોવિડ પોઝિટિવ આવ્યો છે અને તેને અત્યારે હોમ ક્વૉરન્ટીન જ કર્યો છે. સિમ્પ્ટમ્સ પણ બહુ માઇલ્ડ છે.  જોકે તેની ભૂખ મરી ગઈ છે અને કંઈ જ ખાતો નથી. એને કારણે દવાઓ તેને ગરમ પડે છે. ડૉક્ટરને પૂછ્યું તો કહે છે કે ઘરનું કંઈ પણ ખવડાવો, પણ તે ખાતો ન હોવાથી નબળાઈ આવી ગઈ છે. ઘરે સારવાર દરમ્યાન શક્તિ જળવાઈ રહે અને દવાઓના ઉબકા ન આવે એ માટે શું ખવડાવવું જોઈએ?
 
સામાન્ય રીતે બહુ સ્પાઇસી અને ઑઇલી હોય એવું ફૂડ આ સમયમાં ટાળવું. એક સાથે લંચ કે ડિનરમાં ફુલ થાળી ખવડાવવાનો આગ્રહ રાખવાને બદલે થોડું-થોડું અમુક ઇન્ટરવલ પર ખવડાવતાં રહેવું. જો ભરપેટ એકસામટું ખાશે તો ઓડકાર, ઉબકા અને રીફ્લક્સ આવી શકે છે અને ડીસ્કમ્ફર્ટને કારણે તે ફરી ખાવા જ તૈયાર ન થાય. એટલે દિવસમાં છથી સાત વાર થોડુંક ખાવાનું આપવું. જો આ સમયમાં તે ખાય એટલું જ જરૂરી નથી, તે જે ખાય એ પોષણયુક્ત હોય એ પણ એટલું જ જરૂરી છે. પચી શકે એવું હળવું પ્રોટીન તેને આપો. એકલું પાણી પીવાને બદલે સૂપ કે રસવાળાં ફળો લેશે તો એનાથી પણ ફાયદો થશે. એટલું યાદ રાખવાનું કે કંઈ પણ ખાધા પછી ગાર્ગલ કરીને મોંની સફાઈ રાખવી જરૂરી છે. 
બીજું, આ સમયમાં સૌથી શ્રેષ્ઠ છે દહીં. ઘરે જમાવેલું ખાટું ન હોય એવું દહીં સવાર-સાંજ બે વાર તેને ખાવા આપો. આ ‌બીમારીમાં દરદીનું સ્ટમસ હેલ્ધી રહે એ જરૂરી છે. દહીં એ પ્રોબાયોટિકનું કામ કરશે અને પાચનક્રિયાને સારી રાખશે.  
ભૂખ લાગે અને પોષણ મળે એ માટે મગનું પાણી, દૂધી અને સરગવાનો સૂપ પણ આપી શકાય. એમાં ફરતું-ફરતું ગાજર, બીટ, કોબીજ જેવાં શાક ઉમેરીની મીઠું-મરી સાથે આપી શકાય. કેળાં, કેરી, બાફેલાં બટાટા પણ ઇન્સ્ટન્ટ એનર્જી આપશે. જીરા-વરિયાળીનું પાણી પીવા આપશો તો એનાથી પાચન પણ સુધરશે અને પેટમાં ઠંડક પણ રહેશે. બે ચમચી જીરું લઈ એમાં એક ટુકડો તજ, એક ચમચી વરિયાળી, થોડુંક આદું નાખીને ઉકાળો. ગૅસ પરથી ઉતારીને એમાં ચપટીક નમક અને લીંબુ નિચોવીને એ હૂંફાળું ગરમ હોય ત્યારે આ પાણી પીવું. 

columnists Dr. yogita goradiya