કઈ છ ટિપ્સ તમને રિચ ડૅડ બનાવી શકે છે?

15 September, 2021 07:00 PM IST  |  Mumbai | Rashmin Shah

અમેરિકન રાઇટર રૉબર્ટ કિયોસાકીએ લખેલી ‘રિચ ડૅડ પુઅર ડૅડ’ બુક માત્ર એક પુસ્તક નથી, એક ક્રાન્તિ પણ છે. આ બુક દ્વારા જગતના લાખો લોકોએ પોતાની લાઇફને પુઅર ડૅડમાંથી રિચ ડૅડમાં કન્વર્ટ કરી

કઈ છ ટિપ્સ તમને રિચ ડૅડ બનાવી શકે છે?

રૉબર્ટ નામના એક ટીનેજરને હંમેશાં એવું લાગ્યા કરતું કે તેના પપ્પા આટલું ભણ્યા, વર્લ્ડની બેસ્ટ કહેવાય એવી યુનિવર્સિટીમાં પ્રોફેસરના પદ પર રહ્યા અને અનેક એવા સ્ટુડન્ટ્સને તૈયાર કર્યા જે આજે બિલ્યનેર્સ છે. એમ છતાં તેના પપ્પા કેમ હજી પણ નાના ઘરમાં રહે છે, કેમ હજી એ પંદર વર્ષ જૂની કાર વાપરે છે અને મોંઘીદાટ લક્ઝરી ભોગવતા નથી?
રૉબર્ટના મનમાં આ વાતનો રંજ પણ હતો અને તેને આ ફરિયાદોનો જવાબ પણ જોઈતો હતો. આ ફરિયાદને કારણે જ રૉબર્ટ પોતાની સરાઉન્ડમાં રહેલા તેના ફ્રેન્ડ્સના પપ્પાને પણ ઑબ્ઝર્વ કરતો અને એનું એક્ઝામ્પલ મનમાં ગોઠવીને વિચારતો કે આ માણસ એઇથ સ્ટાન્ડર્ડ સુધી જ ભણ્યો છે અને એ પછી પણ કેમ મિલ્યનેર છે, કેમ તેને કોઈ વાતની ઉતાવળ નથી હોતી, કેવી રીતે તે પોતાના દીકરા માટે પણ પૂરતો સમય કાઢી શકે છે; જ્યારે તેના પપ્પાને અડધો કલાક કાઢવામાં તકલીફ પડી જાય છે?
આ જ નહીં, આનાથી પણ આગળની અનેક અવઢવ અને મૂંઝવણનો જવાબ રૉબર્ટે યંગ એજમાં શોધ્યો અને માત્ર શોધ્યો જ નહીં, તેણે એ જવાબ ‘રિચ ડૅડ પુઅર ડૅડ’ બુકના સ્વરૂપમાં દુનિયાની સામે પણ મૂક્યો અને દુનિયાભરમાં દેકારો બોલી ગયો. હા, રૉબર્ટ કિયોસાકીની ‘રિચ ડૅડ પુઅર ડૅડ’ માત્ર બુક બનીને રહેવાને બદલે એક ક્રાન્તિ બની ગઈ અને સેંકડો અમેરિકનોની લાઇફ ચેન્જ કરવામાં નિમિત્ત બની. ૨૦૦૦ના એપ્રિલ મહિનામાં પબ્લિશ થયેલી આ બુકની પહેલી એડિશન માત્ર સોળ જ દિવસમાં વેચાઈ ગઈ. બેસ્ટસેલર પુરવાર થયા પછી એક ઇન્ટરવ્યુમાં રૉબર્ટ કિયોસાકીએ કહ્યું, ‘હું આ જ ઇચ્છતો હતો કે લોકોની માનસિકતા બદલાય અને બુક દ્વારા લોકો રિચ અને પુઅરનો ભેદ સમજે. રિચ ક્યારેય જન્મતા નથી અને પુઅર કોઈ હોતું નથી. નક્કી તમારે કરવાનું છે કે તમે રિચ બનવા માગો છો કે પછી પુઅર રહીને તમારે આખી લાઇફ અફસોસ કર્યા કરવો છે. રિચ બનવું એ લકની વાત નથી, પણ તમે પૈસાને કેવી રીતે જુઓ છો અને લાઇફનું પ્લાનિંગ કેવી રીતે કરો છો એના પર ડિપેન્ડ કરે છે.’
એક પુસ્તક, અનેક રેકૉર્ડ  |  ‘રિચ ડૅડ પુઅર ડૅડ’ એકમાત્ર બુક દ્વારા રૉબર્ટ કિયોસાકી દુનિયાભરમાં પૉપ્યુલર થઈ ગયો. લેખક બનવું એ રૉબર્ટનો ગોલ નહોતો એ તેણે સમય જતાં ‘રિચ ડૅડ’ નામની ઇન્વેસ્ટમેન્ટ ફર્મ શરૂ કરીને દુનિયાને દેખાડી પણ દીધું. રૉબર્ટની ‘રિચ ડૅડ’ કંપની ફાઇનૅન્સ ફીલ્ડની પહેલી મોટિવેશનલ કંપની બની. ‘રિચ ડૅડ’ કંપની આજે જગતની ચારસોથી વધુ કંપનીની કન્સલ્ટન્ટ છે અને ક્રિપ્ટો કરન્સીમાં પણ બહુ મોટી ઇન્વેસ્ટર છે.
‘રિચ ડૅડ પુઅર ડૅડ’ની વાત કરીએ તો આ બુકની અત્યાર સુધીમાં ઑફિશ્યલી પાંત્રીસ લાખ કૉપી વેચાઈ ચૂકી છે તો યુનિવર્સલ સ્ટુડિયોએ આ બુક અને રૉબર્ટ કિયોસાકીને ધ્યાનમાં રાખીને સવાબે કલાકની ડૉક્યુમેન્ટરી પણ બનાવી છે. ‘રિચ ડૅડ પુઅર ડૅડ’ જગતના ૧૦૯ દેશોની પ૧ ભાષામાં ટ્રાન્સલેટ થઈ છે અને એ પણ ઑફિશ્યલી. અનઑફિશ્યલી પણ આ બુક આટલી જ લૅન્ગ્વેજમાં ટ્રાન્સલેટ થઈ છે અને ગેરકાયદે રીતે છપાયેલી ચાલીસેક લાખ કૉપી આજે જગતભરમાં ફરે છે. રૉબર્ટ કિયોસાકીએ ‘રિચ ડૅડ પુઅર ડૅડ’માં કહ્યું છે કે જો આ બુકની સાચી અસર જોઈતી હોય, એના સિદ્ધાંતોને સાચી રીતે સમજવા હોય અને જીવનમાં અપનાવવા હોય તો તમારે એ વારંવાર વાંચવી પડશે અને આ બુકને તમારી લાઇફસ્ટાઇલ બનાવવી પડશે. જો મુકેશ અંબાણી જેવા રિચ ડૅડ બનવું હોય તો એ માટે સજાગ થઈને પ્રયાસ કરવા પડે અને રૉબર્ટની આ સલાહ સજાગ થવાની દિશામાં લઈ જવાનું કામ કરે છે.
નગ્ન સત્યને વસ્ત્રો શાનાં?  |  રૉબર્ટે કિયોસાકીએ ગરીબ પપ્પામાં પોતાના રિયલ પપ્પાને દેખાડ્યા છે તો શ્રીમંત પપ્પામાં તેણે તેના ફ્રેન્ડના પપ્પાની વાત કરી છે. રૉબર્ટને એક ઇન્ટરવ્યુમાં એવું પૂછવામાં આવ્યું કે તમને તમારા જ પપ્પાને ગરીબ કહેવામાં શરમ નહોતી આવી? ત્યારે રૉબર્ટે સરસ જવાબ આપ્યો હતો. રૉબર્ટે કહ્યું હતું કે ‘જે શરમની તમે વાત કરો છો એ શરમ જ આપણને ગરીબ રાખવાનું કામ કરે છે. જે નગ્ન સત્ય છે એને દુનિયાની સામે કૉલર ટાઇટ કરવા માટે પણ કપડાં શું કામ પહેરાવવાનાં? શું કામ એવી ખોટી બડાઈ હાંકીને તેમને અંધારામાં રાખવાના?’ 

‘રિચ ડૅડ પુઅર ડૅડ’માં સીધી વાત છે કે જે પોતાના પૈસાને સાચી રીતે મૅનેજ કરી શકે છે એ જ માણસ રિચ ડૅડ બની શકે. પછી ભલે તે ઓછું ભણેલો હોય. એજ્યુકેશનને રિચનેસ સાથે દેખીતો કોઈ સંબંધ નથી અને આ વાત ખોટી છે પણ નહીં.

સ્ટોરી શૉર્ટકટ

‘રિચ ડૅડ પુઅર ડૅડ’માં બે ડૅડની વાત છે. એક શ્રીમંત છે અને બીજો ગરીબ છે. રૉબર્ટ આખી બુકમાં ઇનડાયરેક્ટ્લી સૂત્રધાર છે, જેને રિચ ડૅડ પોતે રિચ શું કામ છે એનું રહસ્ય સમજાવતા રહે છે. આ રહસ્ય સમજાવતાં તે છ સૂત્ર શીખવે છે. આ છ સૂત્રમાંથી પહેલું સૂત્ર છે - શ્રીમંત ક્યારેય પૈસા માટે કામ નથી કરતા, પણ પૈસો તેમના માટે કામ કરે છે. બીજું સૂત્ર છે - પૈસા કમાવા કરતાં એને સાચવવા બહુ અઘરા છે. ત્રીજું લેસન છે - પસંદગીનું કામ મળે તો પણ એને આખી લાઇફ આપવાને બદલે સાઇડમાં તમારું એમ્પાયર ઊભા કરતા જવું. ચોથું લેસન - અમીર થવું હોય તો સેવિંગ્સની નહીં, ઇન્વેસ્ટમેન્ટની ચિંતા કરો. પાંચમું લેસન - શ્રીમંત પૈસા પાસે નથી જતો પણ તે પૈસો શોધવાનું કામ કરે છે અને છઠ્ઠું લેસન - જો ધનવાન બનવું હોય તો સતત શીખતા રહેવું અને નવું-નવું એક્સપ્લોર કરવાની તૈયારી રાખવી.

columnists Rashmin Shah