ગાંધીજી પર ભાગલાનું દોષારોપણ કરનારાઓ પર કેવી દયા જાગવી જોઈએ?

01 August, 2020 01:28 PM IST  |  Mumbai | Manoj Joshi

ગાંધીજી પર ભાગલાનું દોષારોપણ કરનારાઓ પર કેવી દયા જાગવી જોઈએ?

જો તમે ઇતિહાસ વાંચ્યો હોય તો તમને એટલી તો ખબર જ હશે કે દેશને આઝાદી ભલે પંદરમી ઑગસ્ટે મળી, પણ આઝાદી આપવાનો નિર્ણય એ અગાઉથી લેવાઈ ગયો હતો અને એની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ હતી. ઇતિહાસમાં પહેલેથી જ મને રુચિ રહી છે એટલે જ્યારે પણ ઑગસ્ટ આવે ત્યારે આઝાદી અને એ આખો સમયગાળો યાદ આવી જાય. આ તમે વાંચો છો ત્યારે ઑગસ્ટ આંગણે આવીને ઊભો છે. દસકાઓ પહેલાં આજના દિવસે આઝાદીની તૈયારીઓ તડામાર રીતે ચાલી રહી હતી. દેશના ભાગલા થવાની અંતિમ ઘડીઓ શરૂ થઈ ગઈ હતી એવું પણ કહી શકાય. સરહદ નક્કી થઈ ગઈ અને નક્કી થયેલી સરહદ પર સીમાઓ અંકિત થવાની પણ શરૂ થઈ ગઈ હતી. એક હિન્દુસ્તાનમાંથી સર્જાયેલા ત્રણ ‌દેશ તમને જોવા મળશે, પણ ત્યારે એવું નહોતું. એ સમયે બે દેશોનું સર્જન થયું હતું, પણ એ જેકોઈ ભાગલા હતા એ બહુ વિચિત્ર રીતે કરવામાં આવ્યા હતા.

બે પાકિસ્તાન અને વચ્ચે એક મોટું હિન્દુસ્તાન.

કોઈ માની પણ ન શકે કે આ પ્રકારના ભાગલા હોઈ શકે, પણ મોહમ્મદ અલી ઝીણાની જીદને લીધે દેશનો ઇતિહાસ બદલી નાખવામાં આવ્યો હતો, તો ગાંધીજીનાં સપનાંઓને પણ રગદોળી નાખવામાં આવ્યાં હતાં. આજે જ્યારે પણ કોઈ જગ્યાએ એવું વાંચું કે સાંભળું કે ભાગલા પાછળ મહાત્મા ગાંધી પણ કારણભૂત છે ત્યારે બહુ ગુસ્સો આવે છે. ગુસ્સો પણ આવે અને બોલનારા કે પછી એવું લખનારા પર દયા પણ આવે.

જે ઇતિહાસ વિશે કોઈ જ્ઞાન નથી, કોઈ માહિતી નથી કે પૂરતી જાણકારી નથી એના વિશે બોલવાની કે લખવાની કોઈને સત્તા પણ નથી. આ ઇતિહાસ છે અને એને વર્ણવવા માટે પણ પુષ્કળ અભ્યાસ કરવો પડે. ગાંધી વિચારધારાને નહીં માનનારા કે પછી ગાંધી વિચારધારાથી વિપરીત ચાલનારા દ્વારા જે લખાયું હોય કે કહેવાયું એ વાંચી-સાંભળીને નિર્ણય પર આવો તો જે ભવ્ય ઇતિહાસ છે એ ભવ્ય ઇતિહાસની એક ટકાની વરવી પરિસ્થિતિ જ સમજી કહેવાય. હિન્દુસ્તાનના રાજા-મહારાજાઓના સમયનો જે ઇતિહાસ ભવ્ય અને ભાતિગળ છે એ જ રીતે ગાંધીજીના સમયગાળાનો ઇતિહાસ અદ્ભુત સંયમ અને અકલ્પનીય નિર્ણયશક્તિ સાથેનો પણ છે. આપણે ત્યાં ઇતિહાસને બહુ સહજ રીતે જોવામાં આવે છે; પણ ગ્રીક, ઇટલી જેવા દેશોમાં જઈને જોઈએ તો ખબર પડે કે એ સૌને પોતાના ઇતિહાસ પર કેવું અને કેટલું માન છે.

મહાત્મા ગાંધીના સમયગાળાને સાચી રીતે વર્ણવવામાં નથી આવ્યો અને એ માટેનું એક કારણ રાજકીય પણ છે. પાર્ટીઓએ જે રીતે રાજનેતા પર કબજો જમાવી લેવાની માનસિકતા રાખી છે એને લીધે એવું જ લાગવા માંડ્યું છે કે આઝાદીની ચળવળ સાથે જોડાયેલા આ રાજનેતા જાણે કે તેમની પાર્ટીના સભ્યો હતા. ઇતિહાસ જુદું કહે છે, જરા ધ્યાનથી વાંચજો. જો વાંચશો તો જ તમને તમારા દેશ અને તમારા દેશને મળેલી આઝાદી પર માન થશે.

columnists manoj joshi mahatma gandhi