આગામી વર્ષોમાં કોની ડિમાન્ડ વધવાની છે? સમજો તો ઇશારા કાફી...

12 November, 2020 10:55 PM IST  |  Mumbai | Jayesh Chitalia

આગામી વર્ષોમાં કોની ડિમાન્ડ વધવાની છે? સમજો તો ઇશારા કાફી...

આપણા દેશમાં મેડિકલ ફીલ્ડમાં અઢળક તકો ઊભી થવાની છે

જો ૨૦૨૦ના વર્ષ પાસેથી પણ આપણે જીવનની સાચી સમજ મેળવી શક્યા ન હોઈએ તો આપણું ભલું કોઈ નહીં કરી શકે. કોઈ શું, આપણે પોતે પણ નહીં કરી શકીએ. ખેર, વર્તમાન જગતમાંથી આપણને ભાવિમાં કેવા વિકાસની તકો ઉપલબ્ધ થશે એનો ચિતાર મળી શકે છે, જસ્ટ અસત્યના અંધકારમાંથી બહાર નીકળીને સત્યના માર્ગે આગળ વધીએ...

જો વર્તમાન સમયમાં તમને તમારાં સંતાનો માટે કયા ક્ષેત્રમાં કારકિર્દી બનાવવી, કયા શિક્ષણમાં આગળ વધવાથી ભાવિ ઉજ્જ્વળ થઈ શકે એમ છે, કઈ લાઇન લેવી જોઈએ? શેનો અભ્યાસ વધુ કરીને એ ક્ષેત્રમાં નિષ્ણાત બનવાની જરૂર છે? વગેરે સવાલ થતા હોય તો આ લખનાર પોતે એજ્યુકેશન-કાઉન્સેલર નથી તો પણ આ તબક્કે એટલું ચોક્કસ કહી શકાય કે આગામી સમયમાં આપણા દેશમાં મેડિકલ ફીલ્ડમાં અઢળક તકો ઊભી થવાની છે, એમાં પણ ખાસ કરીને સાઇકોલૉજિસ્ટ અને સાઇકિયાટ્રિસ્ટની જબરદસ્ત ડિમાન્ડ નીકળશે. આ સાથે ટેક્નૉલૉજી અને ફાઇનૅન્સ સેક્ટરમાં પણ જબ્બર ડિમાન્ડ નીકળવાની છે. આમ વિશ્વાસપૂર્વક કહી શકવાનાં કારણો આ રહ્યાં. આ કારણો જાણ્યા પછી તમે પણ કહેશો કે હા ભાઈ, વાત તો સાવ સાચી છે. ચાલો આ કારણો જાણીએ-સમજીએ...
પહેલાં મેડિકલ ક્ષેત્રની માગને સમજીએ. એમાં પણ શરૂઆત આંખથી કરીએ. આપણી આંખો દિવસભર ક્યાં હોય છે? મોબાઇલમાં, કમ્પ્યુટર, લૅપટારૅપ, ટીવીમાં. પૂછો પોતાને જ. અર્થાત્ આંખોની શું દશા થવાની છે એ સમજી લો. અત્યારે પણ નાનાં-નાનાં બાળકોને પહેરવાં પડતાં ચશ્માં આની શરૂઆત છે. હવે પછી તો આંખોના ડૉક્ટરોની તેજી પાક્કી છે. એમાં આંખ સંબંધી દરેક પ્રકારની સમસ્યા આવી જશે. બીજામાં આપણા કાનની હાલત પણ કંઈક આવી જ થવાની છે. કાન સતત અવાજ-ધ્વનિ પ્રદૂષણથી પીડિત છે. કાનમાં ઇયરફોન નાખીને ફરતા રહેતા યુવા વર્ગને કાનની કિંમત સમજાશે ત્યારે ઘણું મોડું થઈ ગયું હશે. અર્થાત્ કાનના ડૉક્ટરોની પ્રૅક્ટિસ પણ ભરપૂર ચાલવાની. લૅપટૉપ યા કમ્પ્યુટર સામે સતત બેસી-બેસીને પીઠ, ડોક, કમરની દશા નહીં બગડે? કેટલી કસરત કરશો? કેટલી ઊઠબેસ કરશો? ઝૂમ કે ગૂગલ-મીટિંગો તો ચાલુ જ રહેવાની છે. વિચારી જુઓ કે ઑર્થોપેડિક અને ફિઝિયોથેરપિસ્ટની ડિમાન્ડ રહેશે. આડેધડ પેટમાં બર્ગર, પીત્ઝા સહિત અનેક પ્રકારનાં જન્ક ફૂડ પેટમાં પધરાવતાં થયેલી આપણા પેટની દશા પેટના ડૉક્ટરો-વૈદોની કમાણી વધારશે એ નક્કી છે. આવું તો ઘણું છે અને થશે.
કોરોના તો આજે નહીં તો કાલે ચાલ્યો જશે, પરંતુ આપણી લાઇફ-સ્ટાઇલમાં, આપણા બિઝનેસ અને જૉબમાં જે વ્યવસ્થા ઊભી થઈ છે કે પછી જે દોટ ચાલી રહી છે, જે સ્પર્ધા સતત તીવ્ર બની રહી છે એ માણસોનું સ્ટ્રેસ-લેવલ સતત વધારી રહ્યાં છે, સ્ટ્રેસ સામે ટેન્શન શબ્દ નાનો થઈ ગયો છે. આ સ્ટ્રેસ કોઈ પણ ઉંમરની વ્યક્તિને આવે છે અને એના સકંજામાં લઈ લે છે. જેમાંથી ફ્રસ્ટ્રેશન અને ડિપ્રેશન સર્જાતાં બહુ સમય લાગતો નથી. ઘણા આ હકીકતને છુપાવે છે અથવા સમજતા નથી અથવા કોઈને જણાવતા નથી, પોતાની અંદર જ ઘૂંટાયા કરે છે. એ પછી આત્મહત્યા અથવા ઉદાસીનતા સતત જીવનમાંથી જીવંતતાને છીનવી લે છે. આ બાબત સતત વધી રહી છે, બહુ ઝડપથી અને બહુ શોર કર્યા વિના વધી રહી છે. આનું પરિણામ સમજાય છે? કાં તો લોકો ડ્રગ્સને રવાડે અથવા દારૂને રવાડે ચડી શકે. જે પાછા બીમારીઓ વધારશે અને ચિંતા અને ચિતા પણ. જો આ સંભવિત ભાવિને જોઈ શકતા હો તો સમજી લો કે ભવિષ્યમાં સાઇકોલૉજિસ્ટ અને સાઇકિયાટ્રિસ્ટ્સની જબ્બર ડિમાન્ડ નીકળશે. આ ક્ષેત્રે નિષ્ણાતો-કાઉન્સેલરોની બોલબાલા થવાની એ નક્કી છે. અત્યારે પણ આમ તો આ ટ્રેન્ડ શરૂ થયો છે, પરંતુ હજી બહુ મોટો વર્ગ આ નિષ્ણાતો પાસે જતાં ખચકાય છે. તેઓ એમ વિચારે છે કે શું હું ગાંડો થઈ ગયો છું? શું મારું ચસકી ગયું છે, પણ આ લોકો એ સમજતા કે સ્વીકારતા નથી કે આ રોગ નથી, મહારોગ છે. વિદેશોમાં આ માનસિક રોગ કૉમન છે અને ત્યાં માનસશાસ્ત્રીઓનાં મોટાં-મોટાં ક્લિનિક છે. આપણા દેશમાં આવા દિવસો બહુ દૂર નથી. આપણે સંયુક્ત રીતે મળીને એવો સમાજ બનાવવામાં લાગી ગયા છીએ. આવા સમયમાં આપણા હાર્ટનું શું થશે એ પણ વિચારવાનું કામ હૃદયને સોંપવું જોઈએ.
વિચારો તો ખરા, આપણે ફિલ્મો, વેબ-સિરીઝ કે અન્ય મહત્તમ મનોરંજનનાં સાધનો મારફત સૌથી વધુ શું જોઈએ છીએ? સેક્સ, ક્રાઇમ (હિંસા), બીભત્સતા, ગાળો, ઈગો, અન્ડવર્લ્ડ, દગાબાજી, કૌભાંડો, બળાત્કારના કિસ્સા, ક્રાઇમની વાર્તા વગેરે. આ બધું આપણને આપે છે શું? આપણા મગજમાં જમા શું કરે છે? આપણાં નાનાં સંતાનો-ટિીનેજર્સ આજકાલ શું વધુ જોઈ રહ્યાં છે? બહુ બહુ તો તેઓ એવી ગેમ રમી રહ્યાં છે જે તેમને ઍડિક્ટ બનાવી દે છે. તેમની બુદ્ધિશક્તિ કેવી અને કેટલી ખીલશે? પૈસા, પદ, સત્તા, સુવિધા, લક્ઝરી પાછળની આપણી દોટ આપણને ક્યાં લઈ જશે એ આપણે એ દોટ વખતે કલ્પી પણ શકતા નથી, કારણ કે એ બધી જ દોટ મોટા ભાગે આંધળી હોય છે અથવા હરીફાઈની હોય છે.
સોશ્યલ મીડિયા આગમાં ઘી સમાન
આ બધા વચ્ચે આપણા સમાજમાં સક્રિય થઈ ગયું છે સોશ્યલ મીડિયા. જે આગમાં ઘી સમાન જ નહીં, ડીઝલ, પેટ્રોલ સમાન કામ કરી રહ્યા જેવો ઘાટ છે. એમાં પણ આપણી પ્રજાનો ઇતિહાસ સાક્ષી છે, એને ગુલામ બની જવાની બહુ જૂની આદત છે. કોઈ પણ આદતને ઝડપથી કેળવી લેવાની, ખાસ કરીને વિદેશી હોય ત્યારે તો જલદી અપનાવી લેવાની અને એના શરણે થઈ જવાની માનસિકતા આપણને ક્યાંથી ક્યાં લઈ ગઈ છે અને લઈ જઈ રહી છે. આ સોશ્યલ મીડિયા આપણને સતત વ્યસ્ત રાખે છે, જેમાં રચનાત્મક પણ ઘણું છે, પરંતુ આપણને જે વ્યસ્ત રાખે છે એ વિનાશાત્મક વધુ છે. આપણામાં આ મીડિયા અહંકાર, ઈર્ષ્યા, દેખાદેખી, નિંદારસ, પંચાત, ખોટા ટ્રેન્ડ, બનાવટી લોકોને હીરો માનવાની ચુંગાલમાં નાખી રહ્યું છે. એ આપણી ભીતર એક બોગસ દુનિયા ઊભી કરી રહ્યું છે, જેને આપણે અત્યારે વર્ચ્યુઅલ જગત કહીએ છીએ. આપણો મહત્તમ કીમતી સમય આ સોશ્યલ મીડિયા ખાઈ જાય છે અને એ પછી આપણે પામીએ શું છે અને ગુમાવીએ શું છે એ સાદું ગણિત પણ આપણને સમજાતું નથી. આપણે સેલ્ફી લેવામાં, આપણા ફોટો અપલોડ કરવામાં એવા ખોવાઈ ગયા છીએ કે આપણે સેલ્ફને અને આપણી ખરી તસવીરને ભૂલી ગયા છીએ. આવાં તો અનેક ઍડિક્શનમાં આપણે એવા ફસાતા જઈએ છીએ કે ભવિષ્યમાં એનાથી મુક્ત થવા આપણામાંથી ઘણાએ રીહૅબિલિટેશન સેન્ટરમાં સારવાર માટે જવું પડશે.
કેવા સમાજ તરફ પ્રયાણ?
હવે વિચારી જુઓ કે ભવિષ્યમાં આપણે કેવા સમાજ તરફ જઈ રહ્યા છીએ, આપણે બધા જ એને માટે જવાબદાર હોઈશું. એ સમયે આપણને કોની વધુ જરૂર પડવાની છે. એની યાદી અને સમજ આપણે ઉપરની ચર્ચામાંથી મેળવી શકીશે છીએ. જેમણે આ ક્ષેત્રોમાં પોતાની કારકિર્દી બનાવવી છે તેમને માટે આ બાબતો કેવી તકો ઉપલબ્ધ બનાવશે એ સમજો તો ઇશારા કાફી છે. આ સાથે એક ખાસ વાત નોંધવી જોઈએ કે આગામી સમયમાં ટેક્નાફલૉજી-એક્સપર્ટની ડિમાન્ડ પણ ચિક્કાર વધવાની છે, જેથી આ ક્ષેત્ર પણ વધુ ને વધુ ખેડવા જેવું ખરું. કારણ કે લાઇફ પણ ઑનલાઇન અને ડિજિટલ થઈ જવાની છે. હાલમાં બાળકથી માંડીને સિનનિયર સિટિઝન્સ સુધી કે ગામડાંઓની મહિલાઓ સુધી ટેક્નૉલૉલોજી-મોબાઇલ, ટીવી, ઇન્ટરનેટ, સોશ્યલ મીડિયાનાં માધ્યમ પહોંચી ગયાં છે. ભારતીયો આ બધાંના મહત્તમ યુઝર્સ બની ગયા છે.
(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

jayesh chitalia columnists