10 February, 2025 07:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
અમારી કંપનીના લેટરહેડમાં એક સૂત્ર છપાયેલું છે, ‘ગુજરાતી ભાષા જીવશે ગુજરાતી પુસ્તકો દ્વારા.’ પણ આપણી ગુજરાતી ભાષાને જીવંત રાખવા બીજું ઘણું બધું કરવાની જરૂર છે. જ્યાં સુધી ગુજરાતી દૈનિકો છપાતાં રહેશે, ગુજરાતી નાટકો આવતાં રહેશે, ગુજરાતી ફિલ્મો બનતી રહેશે, ગુજરાતી સુગમ સંગીતના કાર્યક્રમ થતા રહેશે ત્યાં સુધી ગુજરાતી ભાષા તો જીવતી રહેવાની જ છે. મુખ્ય ચિંતાની વાત આપણાં બાળકો ગુજરાતી ભાષાથી વિમુખ થતાં જાય છે એ છે. મા-બાપો એવું માની રહ્યાં છે કે જો બાળકો અંગ્રેજી માધ્યમમાં ભણશે તો જ જીવનમાં સફળતા મેળવી શકશે. આ માન્યતા જ બિલકુલ ખોટી છે. એવા અનેક ડૉક્ટરો, વકીલો, CA, એન્જિનિયરો, ઉદ્યોગપતિઓ છે જેઓએ પોતાનું શિક્ષણ માતૃભાષામા મેળવ્યું હતું અને તેઓએ અદ્ભુત સફળતા મેળવી છે. મારાં બન્ને બાળકો મુંબઈની ન્યુ ઇરા શાળામાં ગુજરાતી માધ્યમમાં જ ભણ્યાં છે. નાનો દીકરો ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ છે, મોટા દીકરાએ MBA અને કાયદાની ડિગ્રી મેળવીને શૅરબજારમાં સફળ કારકિર્દી બનાવી લીધી છે. મુંબઈની ન્યુ ઇરા શાળાએ (અનેક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો વિરોધ હોવા છતાં) જ્યારે ૧૯૯૭માં ગુજરાતી માધ્યમ બંધ કરીને અંગ્રેજી માધ્યમ (IB) શરૂ કરવાનો ઇરાદો જાહેર કર્યો ત્યારે મારા સહિત ન્યુ ઇરાના વાલીઓ (હેમંત ઠક્કર, કેતન મોદી અને મુકેશ ઝવેરી)એ વિરોધ કરીને હાઈ કોર્ટમાં પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન (PIL) કરીને આ નિર્ણયને પડકાર્યો હતો. જાણીતા વકીલ સુધીર શાહ એક રૂપિયાની ફી લીધા વગર આ કેસ લડ્યા હતા. આ કેસની સુનાવણી વખતે મુખ્ય ન્યાયમૂર્તિ સભરવાલજીએ ટકોર કરી હતી કે શાળામાં ૮૦ સીટ માટે ૨૦૦થી વધુ અરજીઓ ઍડ્મિશન માટે આવે છે તો પછી શા માટે ગુજરાતી માધ્યમ બંધ કરવું છે? આ કેસ વખતે ન્યુ ઇરા શાળાએ ઍડ્મિશન વખતે શિક્ષણખાતાની મંજૂરી વિના લીધેલી વ્યાજ વગરની ડિપોઝિટ માટે પણ દલીલ થઈ હતી. ન્યુ ઇરા શાળા આ કેસ હારી ગઈ હતી અને ચુકાદા મુજબ વાલીઓને ડિપોઝિટની રકમ પાછી આપવી પડી હતી. ન્યુ ઇરા શાંતિનિકેતનના મૉડલ મુજબ ચાલતી હતી જે મુજબ પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં અને પાંચમા ધોરણથી અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ આપવામાં આવે છે. અત્યારના સંજોગોમાં વાલીઓએ અંગ્રેજી ભાષાની સાથે ગુજરાતી પણ બાળકોને શીખવવું જોઈએ, કારણ કે આપણી માતૃભાષા પ્રત્યેની ઉદાસીનતા એ એક પ્રકારનો સાંસ્કૃતિક આપઘાત જ છે. વેપારધંધામાં સફળતા મેળવવા માટે પણ ગુજરાતી ભાષાનું જ્ઞાન અનિવાર્ય છે. જો વાલીઓ પોતાનાં બાળકોને ગુજરાતી નહીં શીખવાડે તો ભવિષ્યમાં તેમને પેટ ભરીને પસ્તાવાનો વારો આવશે.
-હેમંત ઠક્કર