બચ્ચાપાર્ટી, આ વેકેશનનો પ્લાન શું?

07 May, 2021 02:57 PM IST  |  Mumbai | Jigisha Jain

આ વર્ષે બાળકોને વેકેશન તેમને વેકેશન જેવું લાગે એ માટે શું કરવાના છે જાણીએ કેટલાક પેરન્ટ્સ પાસેથી

દીકરા દીવિતને બેકિંગ કરાવીને કુકિંગમાં એક્સપર્ટ બનાવશે તેની મમ્મી ભૈરવી.

ગયા વર્ષનું વેકેશન પણ બાળકોનું ગોંધાયેલું રહ્યું ઘરની ચાર દીવાલોની અંદર, પણ પરિવારજનોએ મળીને એને બની શકે એટલું રસપ્રદ બનાવવાની કોશિશ કરી. આ વર્ષે પણ બાળકો બિચારાં ઘરમાં પુરાયેલાં જ છે. ગયા વર્ષે તો માતા-પિતા પાસે ઘણો સમય હતો, કારણ કે તેમનું કામ પણ ચાલુ નહોતું. પણ આ વર્ષે બાળકોને વેકેશન તેમને વેકેશન જેવું લાગે એ માટે શું કરવાના છે જાણીએ કેટલાક પેરન્ટ્સ પાસેથી

છેલ્લાં દોઢ વર્ષથી બાળકોને નથી સ્કૂલ જેવી ફીલ આવી, નથી પ્રૉપર સમર-વૅકેશનની મજા માણી. દર વર્ષે સમર-કૅમ્પ દરમ્યાન જાતજાતની આઉટડોર ઍક્ટિવિટીમાં વ્યસ્ત રહેતાં બાળકાએ સતત બીજાં વર્ષે ઘરમાં જ વેકેશન ગાળવાનો વખત આવ્યો છે. ત્યાર કિડ્સને કઈ રીતે વ્યસ્ત-મસ્ત રાખવા એ પેરન્ટ્સ માટે જબરી ચુનૌતી છે અને એ માટે પેરન્ટ્સે પોતપોતાના પ્લાન પણ બનાવ્યા છે. 
સમર કૅમ્પમાં મમ્મીને મદદ
૯ વર્ષની દીકરી સાંચી દામાણીની મમ્મી તેને દર વર્ષે સમર કૅમ્પમાં મૂકતી, કારણ કે સાંચીને ડાન્સ અને ક્રાફ્ટનો ખૂબ શોખ છે. ઝંખનાનું કહેવું માનીએ તો ઘરમાંથી સાંચી એક પણ વસ્તુ ફેંકવા દેતી જ નથી. પોતાની રીતે એમાંથી વિચારીને કંઈ બનાવી કાઢે. છેલ્લાં બે વર્ષથી સાંચીના સમર કૅમ્પ બંધ થઈ ગયા છે. ગયા વર્ષનું વેકેશન પણ ઘરે જ પસાર થયું હતું પરંતુ ત્યારે ઝંખના પાસે સમય હતો. જોકે આ વર્ષે માહોલ થોડો અલગ હશે, એ વિશે વાત કરતાં ઝંખના કહે છે, ‘ગયા વર્ષે મારી પાસે ઘણો સમય હતો કે હું તેને કંઈ ને કંઈ કરાવતી, પણ આ વર્ષે હું થોડીક મારા સ્કૂલના ઑનલાઇન સમર કૅમ્પમાં બિઝી હોઈશ. એટલે મને લાગતું નથી કે ગયા વર્ષની જેમ હું તેને ૨૪ કલાક સમય આપી શકું. પણ મેં એનો તોડ શોધી કાઢ્યો છે. ગયા વર્ષ કરતાં આ વર્ષનું વેકેશન અલગ હશે પણ એક વસ્તુ એમાં સરખી હશે કે તેને ખૂબ મજા આવવાની છે.’ 
સાંચીને જુલાઈમાં એક મૅથ્સની કમ્પેટિટિવ એક્ઝામ છે જેની તૈયારી વેકેશનમાં તે કરશે. આ સિવાય ઝંખનાએ ઘરમાં અઢળક ક્રાફ્ટ મટીરિયલ ભેગું કરી રાખ્યું છે કે જેથી લૉકડાઉન થાય કે દુકાનો બંધ રહે તો પણ સાંચીની ઍક્ટિવિટીમાં કોઈ તકલીફ ન આવે. આ સિવાય જે મેઇન રસપ્રદ ઍક્ટિવિટી તેણે વિચારી છે એ છે તેના ઑનલાઇન સમર કૅમ્પમાં સાંચીની મદદ લેવાની. એ વિશે વાત કરતાં ઝંખના કહે છે, ‘બાળકોને હંમેશાં શીખવા કરતાં શીખવવું ખૂબ ગમે. મારા સમર કૅમ્પમાં બાળકો સાંચી કરતાં ઘણાં નાનાં છે. એ બાળકો સાથે હું સાંચીને મારી અસિસ્ટન્ટ તરીકે ઓળખાવીશ. અમુક પેપર કટિંગ કરવા કે કોઈ રાઇમ સાથે ગાવાનું કામ હું તેને સોંપીશ તો તેને ખૂબ મજા પડશે. તેનાથી નાના છોકરાઓને તે શીખવી રહી છે અને મમ્મીને તે અસિસ્ટ કરી રહી છે એવી ફીલ આવશે. સમર કૅમ્પમાં પાર્ટિસિપન્ટ નથી તો કંઈ નહીં, તેની હેલ્પર બનીને તે મજા કરશે. 
દીકરાને શીખવીશું બેકિંગ 
૯ વર્ષનો દીવિત મહેતા નાનો હતો ત્યારથી તેના માટે વેકેશન એટલે ફુટબૉલ કૅમ્પ અને ફુટબૉલની ટુર્નામેન્ટ્સ. દીવિત એક ખૂબ સારો પ્લેયર છે એટલે વેકેશનમાં સવારના ૨-૩ કલાક ફુટબૉલ અને સાંજે ૨-૩ કલાક નીચે રમવા જાય એમાં જ તેનું વેકેશન આખું પસાર થાય. પણ આ રમતવીર છેલ્લાં બે વર્ષથી કોરોનાને લીધે ઘરમાં પુરાઈ ગયો છે. ફ્રેન્ડ્સ વગર ભલે જાય વેકેશન પણ લૉકડાઉનમાં ઘરે રહીને ફિઝિકલ ઍક્ટિવિટી સાવ ઝીરો થઈ છે બાળકોની. એની ફિટનેસની મને ચિંતા છે એમ જણાવતાં ભૈરવી કહે છે, ‘જે બાળકો રાત્રે ૯.૩૦એ સૂઈ જતાં હતાં એ હવે રાત્રે ૧૨ વાગ્યે સૂવે છે, કારણ કે થાકતાં જ નથી. ઊંઘ પણ સારી આવતી નથી. આ વેકેશનમાં ભલે ફુટબૉલ ન રમાય કે નીચે રમવા ન જવાય, પણ ઘરે થોડી એક્સરસાઇઝ તો કરાવવી જ પડશે જેથી ફિટનેસ જળવાઈ રહે. ગયા વર્ષે જ્યારે હાઉસ-હેલ્પર્સ નહોતા ત્યારે દીવિતે મને કિચનમાં ઘણી હેલ્પ કરી હતી. નાનું-મોટું કામ કરતાં કરતાં કુકિંગમાં તેને રસ પડવા લાગ્યો. એના ફાયદા ઘણા હતા. ખોરાક પ્રત્યે તેનામાં એક રિસ્પેક્ટ આવ્યો છે જે હું હંમેશાં તેને શીખવતી કે થાળીમાં એઠું નહીં મૂકવાનું, એનું પાલન ખૂબ સરળ બની ગયું. તેણે જે વસ્તુ બનાવવામાં મદદ કરી હોય એ પોતે તે ખૂબ ચાઉથી ખાતો. મને પહેલેથી જ એવું હતું કે હું મારા દીકરાને કુકિંગની બેઝિક જરૂરિયાતની વસ્તુ શીખવીશ. મોટો થઈને તે આ બાબતે આત્મનિર્ભર હોવો જોઈએ. કોઈ જગ્યાએ બહાર ભણવા ગયો તો કુકિંગ ન આવડે એવું ન હોવું જોઈએ.’
લૉકડાઉનમાં ભૈરવીએ મેહતાઝ કિચન નામથી હોમ-કિચનની શરૂઆત કરી છે. ઑર્ડર્સ મુજબ એ ઑથેન્ટિક દેસી ડિશ બનાવે છે. આ કામમાં દીવિત મમ્મીની સારી હેલ્પ કરે છે ત્યારે વેકેશન પ્લાન વિશે ભૈરવી કહે છે, ‘હું જ્યારે પણ ઘરમાં કેક બનાવું ત્યારે દીવિતને ખૂબ મજા પડે. અત્યાર સુધી તો તે ફક્ત ખાવાની જ મજા લેતો હતો. હવે તે મને પૂછે છે કે મમ્મી, હું બેકિંગ કરું? મેં તેની પાસે એકાદ વાર બનાવડાવી પણ. આ વેકેશનમાં મેં તેને પ્રૉમિસ કર્યું છે કે હું તેને બેકિંગ શીખવીશ.’ 

બોર્ડ ગેમ્સનો ખજાનો ભરી દીધો છે, બસ... રમ્યા કરો. 

પ્રોફેશનલ કામ ચાલુ હોવાને કારણે વર્કિંગ મૉમ નેહા કોઠી તેની બન્ને ૯ વર્ષની ટ્વિન દીકરીઓ આરના અને અંશીને વેકેશનમાં મુંબઈની બહાર ક્યારેય લઈ નથી જતા. નેહા તેમને અલગ-અલગ ક્લાસિસમાં ઘણાં વર્ષોથી એનરોલ કરતી આવી છે. એ વિશે વાત કરતાં તે કહે છે, ‘બાળકોને શેમાં રસ છે એ જોવા માટે મેં ઘણા જુદા-જુદા ક્લાસમાં તેમને બન્નેને રાખ્યા છે. પછી એ ડાન્સ હોય ક્રાફ્ટ હોય કે કોડિંગ. મેં જોયું છે કે થોડા સમય તેમને રસ પડે અને પછી ખૂબ કંટાળો આવે. મને મારાં બાળકોને એવું કંઈ પરાણે કરાવવું નથી. તમને રસ પડે તો જ કરો. એવું મેં બન્નેને ચોખ્ખું કહ્યું છે. પહેલાંનાં વર્ષોમાં અમુક સમર કૅમ્પમાં પણ તેમને લઈ જતી. આ વર્ષે પણ જોઈશ કોઈ ઑનલાઇન સમર કૅમ્પમાં તેમને રસ પડ્યો તો ઠીક છે નહીંતર મારો પ્લાન છે કે બન્ને ઘરે જલસા કરે. એ મારા અને તેમના બન્ને માટે બેસ્ટ પ્લાન છે.’
આરના અને અંશીનો બેસ્ટ પૉઇન્ટ એ છે કે એ બન્નેને એકબીજાની કંપની મળી રહે છે. એટલે જો આખો દિવસ રમવાનું હોય, મસ્તી કરવાની હોય કે કંઈ ક્રીએટિવ કામ સૂઝે તો બન્ને સાથે જ કરતાં હોય છે. એ બન્નેને ડ્રૉઇંગ, ક્રાફ્ટ અને બોર્ડ ગેમ્સ ખૂબ ગમે છે. એ વિશે વાત કરતાં નેહા કહે છે, ‘મેં એ બન્નેને બોર્ડ ગેમ્સનો ભંડાર લાવી આપ્યો છે. લગભગ બધી જ 
માઇન્ડ ગેમ્સ છે જેનાથી ફક્ત મજા નથી આવતી પણ લૉજિકલ માઇન્ડ પણ ડેવલપ થાય છે. આ સમયમાં ઘણી સારી બોર્ડ ગેમ્સ મળવા લાગી છે. મને પણ આ ગેમ્સ બધી ગમે છે. હું ફ્રી થઈને બન્ને સાથે રમું છું. મને પણ મજા પડે છે. આપણે નાના હતા ત્યારે આપણાં માતા-પિતા આપણને ફક્ત મજા કરવા દેતાં. આજે આપણે ઘરની અંદર છીએ તો પણ એ તો નિશ્ચિત જ 
છે કે વેકેશન એટલે મજા કરો. બસ.’

 જે બાળકો રાત્રે ૯.૩૦એ સૂઈ જતાં એ હવે રાત્રે ૧૨ વાગ્યે સૂવે છે, બાળકો હવે થાકતાં જ નથી. 

columnists Jigisha Jain