લૉકડાઉનની કચ્છમાં શું અસર પડી છે?

16 June, 2020 06:04 PM IST  |  Kutch | Mavji Maheshwari

લૉકડાઉનની કચ્છમાં શું અસર પડી છે?

ભારતવાસીઓ જો માર્ચના છેલ્લા દિવસને યાદ કરશે તો એક સન્નાટો યાદ આવશે. જે સન્નાટાથી આખુંય ભારત ઘેરાયેલું હતું. પગે ચાલતા માણસથી માંડીને મહાકાય મશીનરી એકાએક શાંત થઈ ગઈ. રસ્તાઓ જ નહીં સીમાડાઓ સૂનકારમાં ડૂબી ગયા હતા. લૉકડાઉન નામનો શબ્દ એક-એક ભારતવાસીની જીભે રમતો થઈ ગયો. હવામાં ઘૂમતા કોરોના નામના વિષાણુએ માણસજાતને ઘરકેદ થવા મજબૂર કરી નાખ્યો. સરકારો પાસે લૉકડાઉન સિવાય ઉપાય નહોતો. એ સન્નાટામાંથી ધીમે ધીમે ભારત બહાર તો આવી રહ્યું છે પણ વિતેલા ત્રણ મહિનામાં જે કંઈ વિખેરાયું છે તેને સરખું થતાં કેટલો સમય લાગશે તે કહેવું મુશ્કેલ છે. ભારતના છેવાડે આવેલું કચ્છ પણ એમાંથી બાકાત નથી.

માર્ચ મહિનો સામાન્ય રીતે હિસાબ-કિતાબનો મહિનો. માર્ચ એન્ડિંગ ધમધમાટના દિવસો. નાણાકીય વર્ષ પહેલી એપ્રિલથી શરૂ થાય એટલે, પરંતુ ભારતના ઇતિહાસમાં ૨૦૨૦ના વર્ષનો માર્ચ મહિનો કદાચ નિષ્પ્રાણ અને ભયાવહ મહિના તરીકે નોંધાય તો નવાઈ નહીં. કેમ વસ્તીથી ફાટફાટ થતા દેશમાં અચાનક બધી જ માનવીય આર્થિક પ્રવૃત્તિઓ બંધ થઈ જાય ત્યારે કોઈ ધસમસતા લોકોમોટિવને સજ્જડ બ્રેક લાગવા જેવી સ્થિતિ સર્જાય. શરૂઆતમાં લોકોનો ઉત્સાહ- સહકાર અદ્ભુત હતો, પરંતુ આર્થિક પાસું એક એવી બાબત છે કે માણસને બીજી વાર વિચારવા પર મજબૂર કરી દે. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ લોકોને છાનો ભય લાગવા માંડ્યો કે આમને આમ કેમ જીવાશે? આ ભય શહેરી વિસ્તારમાં રહેતા લોકોને વિશેષ હતો. જો કે એ હકીકત છે કે લૉકડાઉનના કારણે ઠપ થઈ ગયેલી આર્થિક પ્રવૃત્તિઓએ અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. નાના દુકાનદારથી માંડીને ઉદ્યોગપતિઓને આર્થિક ફટકો પડ્યો છે. એવી પ્રવૃત્તિઓ સામે હજુય પ્રશ્નાર્થ છે, જેમાં વધારે પડતાં મજૂરો કામ કરતા હોય. તેમાંય જ્યારે એ મજૂરો સ્થાનિક વિસ્તારના ન હોય. હાલના તબક્કે અનેક રોજગારીના ક્ષેત્રોના માલિકો ક્યાંથી અને કેમ શરૂ કરવું તે બાબતે મૂંઝવણમાં છે. આ સ્થિતિ કચ્છની પણ છે. અહીં કચ્છની સ્થિતિ થોડીક જુદી પડે છે. જુદી એટલા માટે કે કચ્છમાં જે આર્થિક ઉછાળ આવ્યો છે તે માત્ર બે દાયકાનો છે. વીસમી સદી સુધી કચ્છમાં મોટાભાગે ખેતી અને પશુપાલન આધારિત અર્થવ્યવસ્થા હતી, પરંતુ કચ્છના ઇતિહાસમાં કદીય થયો નહોતો એટલો વિકાસનો ધમધમાટ છેલ્લા બે દાયકામાં દેખાયો છે, પરંતુ કોરોના મહામારીને કારણે સરકારે જાહેર કરેલ લૉકડાઉન પછી કચ્છની સ્થિતિ વિચિત્ર થઈ છે. ભૂકંપ પછી થયેલા ઔદ્યોગિકીકરણે આ જિલ્લાની દિશા અને માનસિકતા બદલી નાખી છે. જમીનના ભાવોમાં આવેલા અસાધરણ ઉછાળાએ અકલ્પનીય સ્થિતિઓ સર્જી દીધી છે. રોજગારીની વિપુલ તકો ઊભી થઈ, જેનો લાભ કચ્છને મળ્યો સાથે-સાથે ગુજરાતના અન્ય વિસ્તારો અને ગુજરાત બહારના વિસ્તારોમાં રહેતા લોકોને પ્રત્યક્ષ મળ્યો છે. કચ્છના જ લોકોને લૉકડાઉન પછી જ્યારે બહારના મજૂરો વતન જવા નીકળ્યા ત્યારે ખબર પડી કે કચ્છમાં કેટલા બધા બહારના લોકો રોજગારી મેળવે છે. લૉકડાઉન હજુ સંપૂર્ણપણે ખૂલ્યો નથી. આર્થિક પ્રવૃત્તિઓ ધીમે ધીમે શરૂ થવા માંડી છે. એપ્રિલ અને મે દરમ્યાન જે ઉચાટ હતો તે ઘટી ગયો છે. છતાં પ્રશ્ન એ છે કે કચ્છ એવું ને એવું ક્યારે ધમધમશે જેવું લૉકડાઉન પહેલાં હતું.

લૉકડાઉનના કારણે બંધ થઈ ગયેલી આર્થિક પ્રવૃત્તિઓને જે નુકસાન થયું છે એ તો ઊભું જ છે. માની લો કે જુલાઈથી સંપૂર્ણ લૉકડાઉન હટી જાય તો શું બધું પૂર્વવત થઈ જશે? અગર થઈ જાય છે તો તેને કેટલો સમય લાગશે? કારણ કે ઉદ્યોગો અને ખેતી માટે જેટલું માનવ સંખ્યાબળ જોઈએ એટલું કચ્છ પાસે નથી. કચ્છમાં રોજગારી માટે આવેલા જે લોકો કચ્છ છોડીને ચાલ્યા ગયા છે તે પાછા આવશે કે કેમ તે પણ હજુ જો અને તો જેવું છે. મુંદ્રાથી માંડીને અંજાર, ગાંધીધામ ભચાઉ આ ચાર તાલુકામાં વિશેષ ઉદ્યોગો છે જેમાંના મોટા ભાગના છેલ્લાં પંદર વર્ષમાં સ્થપાયા છે. આ ઔદ્યોગિક એકમોમાં કામ કરતા મોટા ભાગના મજૂરો અને કેટલાક કારીગરો કચ્છ છોડી જતા રહ્યા છે. આ ઉદ્યોગો ધારે તો કચ્છના સ્થાનિક લોકોને રોજગારી આપી શકે તેમ છે. એ અર્થમાં કચ્છમાં મજૂરો માટે સોનેરી તક ઊભી થઈ છે, પરંતુ કચ્છની પ્રજાની માનસિકતા જરા જુદી છે. એ ઉદ્યોગોમાં માસિક પગારે કામ કરવા તૈયાર થાય કે કેમ તે એક પ્રશ્ન છે. ચાલ્યા ગયેલા મજૂરો ક્યારે પાછા આવે તે અનિશ્ચિત છે. આવી સ્થિતિમાં ઉદ્યોગોના માલિકો માટે મૂંઝવણભરી સ્થિતિ રહેવાની છે. આવી જ સ્થિતિ કચ્છમાં ખેતી અને બાંધકામની પણ છે. કચ્છની ખેતીનું બદલાયેલું ચિત્ર જરા જુદું છે. જે લોકો સિંચાઈની ખેતી કરતા હતા તેમની પાછલી પેઢીઓ ભણી છે અને તેઓ ખેતીનું કામ કરવા સંપૂર્ણપણે રાજી નથી. એવા બહુધા લોકોની વાડીઓ ગુજરાતના અન્ય જિલ્લામાંથી કચ્છમાં આવેલા લોકો સંભાળતા હતા. મધ્ય અને પશ્ચિમ કચ્છના નખત્રાણા વિસ્તારની વાડીઓ સંભાળતા લોકો અગર સમયસર પાછા નથી આવતા તો કચ્છમાં મજૂરીનો દર ઊંચો જવાનો છે અને સરવાળે જમીનધારક ખેડૂત ઉપર આર્થિક ભારણ આવવાનું છે. વીસ વર્ષમાં બાંધકામનું ક્ષેત્ર કચ્છમાં એટલું વિકસ્યું અને ફળ્યું છે કે બહારથી આવેલા મજૂરોને ક્યારેય બેકારીનો સામનો કરવો પડ્યો નથી, પરંતુ અભણ મજૂરી પ્રકારના એવા બાંધકામ ક્ષેત્રમાં મજૂરોની ખેંચને કારણે માર્ચનાં ચાલુ બાંધકામો પણ અટકી પડેલાં છે. આમેય ગુજરાત અને મધ્ય પ્રદેશના આદિવાસી વિસ્તારોમાંથી વર્ષોથી કચ્છમાં રહેતા મજૂરો ચોમાસાં દરમ્યાન તો આવશે કે કેમ એ મોટો સવાલ છે. કેમ કે આદિવાસી વિસ્તારમાંથી આવતા મજૂરો દર વર્ષે ચોમાસામાં પોતાની ખેતી કરવા વતનમાં જતા જ હતા. આ મજૂરો આ વખતે ભયના માર્યા ગયા છે. તેઓ વિષમ સ્થિતિનો સામનો કરીને વતન પહોંચ્યા છે. એટલે એમને ફરી અહીં આવતાં વિચાર આવે એવું પણ બને. 

લૉકડાઉનને કારણે વિતેલા ત્રણ મહિનામાં કચ્છમાં હોટેલ ઉદ્યોગ, ખાણી-પીણીના, સોના-ચાંદીની બજારો, મંડપ સર્વિસ, ફોટોગ્રાફી, કેટરિંગ, સૌંદર્ય પ્રસાધનો, સિલાઈકામ, રિક્ષાથી માંડીને બસ સુધીનાં ભાડૂતી વાહનો, મીઠાઈ, ફરસાણ બનાવનારા અને વેચનારા, રંગકામ, છૂટક વાહનચાલકો, વાહન રિપેર કરનારાઓ, ગાવા-વગાડવા સાથે જોડાયેલા ધંધાઓ, છાપકામ તેમ જ સ્ટેશનરી જેવી કેટલીય આર્થિક પ્રવૃત્તિઓ અસ્તવ્યસ્ત થઈ ગઈ છે. ભારતીય સમાજ વ્યવસ્થામાં લગ્નસરા એક એવો સમય હોય છે જેની સાથે અનેક આર્થિક પ્રવૃત્તિઓના છેડા જોડાયેલા છે. ગયા વૈશાખમાં લૉકડાઉનના કારણે લગ્ન સમારંભો યોજાયા નહીં. પરિણામે એની સાથે જોડાયેલા ધંધાર્થીઓની આખાય વર્ષની કમાઈ જતી રહી એમ કહીએ તોય ચાલે. લાખ ટકાનો સવાલ એ છે કે આર્થિક પ્રવૃત્તિઓ તો ચાલુ થઈ જશે. આર્થિક ખોટ ધીમે-ધીમે ભરપાઈ થઈ જશે, પણ ત્રણ મહિનામાં જે ભયનું વાતાવરણ ઊભું થયું છે તે ક્યારે હટશે તે કોઈ કહી શકે તેમ નથી. ગુજરાત સરકારે ૮મી જૂનથી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ ખોલી નાખી છે. વિદ્યાર્થીઓએ શાળામાં આવવાનું નથી પરંતુ શિક્ષકો શાળાઓમાં જાય છે. જૂન મહિનામાં જ્યારે શાળાઓમાં પ્રવેશ માટે ધસારો થતો ત્યારે એકલદોકલ વાલીઓ પોતાના બાળકના પ્રવેશ માટે શાળાએ જાય છે. સરકાર ધારે છે કે પ્રવેશની કામગીરી જૂનમાં પૂરી કરી લેવી, પરંતુ સમાજમાં કોરોનાનો જે ભય ફેલાયો છે તેનાથી વાલીઓ પોતાના બાળકને શાળામાં દાખલ કરાવતા અચકાય છે. જો કે શાળાઓ અને શિક્ષણનું વાસ્તવિક ચિત્ર જૂનના અંતમાં જ સામે આવશે. કચ્છમાં અત્યારે બધાય ક્ષેત્રમાં અવઢવની અને અસ્પષ્ટ સ્થિતિ છે. એ ત્યાં સુધી સ્પષ્ટ નહીં થાય જ્યાં સુધી કોરોનાનો ભય સંપૂર્ણ રીતે દૂર ન થઈ જાય.

gujarat kutch saurashtra columnists mavji maheshwari lockdown