સત્યની વ્યાખ્યા શું થાય? સત્ય નક્કી કોણ કરી શકે?

23 January, 2020 03:48 PM IST  |  Mumbai | Jayesh Chitaliya

સત્યની વ્યાખ્યા શું થાય? સત્ય નક્કી કોણ કરી શકે?

સીએએ

દેશમાં ચાલી રહેલા વિવાદ-વિરોધના વાતાવરણમાં

છેલ્લા કેટલાક સમયથી (આમ તો સદીઓથી) સત્ય અને અસત્ય વચ્ચે લડાઈ ચાલી રહી છે. આ લડાઈ એક જ દેશના માણસો વચ્ચે ચાલી રહી છે. ધર્મના નામે કે રાષ્ટ્રહિતના નામે, રાજકારણના નામે કે સમાજના નામે, દેશની અખંડિતતાના નામે કે દેશના ટુકડાના નામે. ખાસ કરીને વર્તમાન સરકારના ચોક્કસ પગલાંથી આ લડાઈ વધુ ઉગ્ર બની છે યા બનાવાઈ રહી છે. આ મુદ્દાની સ્પષ્ટતા કરવાની જરૂર નથી, કારણ કે એ જાહેર છે. એકબીજાના દુશ્મનો કે વિરોધીઓ લડી રહ્યા હોય ત્યાં સુધી તો સમજી શકાય છે, પરંતુ આ વૈચારિક-શાબ્દિક યુદ્ધ મિત્રો-મિત્રો વચ્ચે પણ ચાલી રહ્યું છે. ઘણા મિત્રોની તો મિત્રતા પણ જોખમમાં મુકાઈ ગઈ છે. ખેર, આ લડાઈના કેન્દ્રમાં સરકાર છે, દેશ છે, દેશનું હિત છે, સ્થાપિત હિતો ધરાવતા લોકો છે, કહેવાતા દેશભક્તો છે, કથિત દેશદ્રોહી છે, કહેવાતા સેક્યુલરિસ્ટો છે, વગેરે.

તમારા વિચારો બીજા પર થોપો નહીં

અમારે વાત કરવી છે, દરેક જણ સાથે. આ લડાઈ કોઈની પણ હોય, કોઈના પણ માટે હોય; કમ સે કમ આટલું જરૂર વિચારો. હિન્દુસ્તાનના એક સામાન્ય નાગરિકના વિચાર તરીકે અત્યારે તો એટલું જ કહેવું છે કે વર્તમાન સમયના સંજોગોમાં તમારા અને મારા વિચારો વચ્ચે જબરદસ્ત મતભેદ હોઈ શકે. તમને મારા વિચારો યોગ્ય ન લાગતા હોય અને મને તમારા વિચારો વાજબી ન લાગતા હોય એવું બની શકે. તમને માત્ર તમે જ સાચા લાગતા હો અને મને માત્ર મારી જ વાત સાચી લાગતી હોય એવું બની શકે. તમારા વિચારો, તમારી માન્યતા તમને મુબારક; મારી મને મુબારક. આ મુદ્દે આપણે એકમત નથી તો નથી. ઇટ્સ ઓકે, પરંતુ સામાન્ય નાગરિક કહે છે કે જો તમારા વિચારો રાષ્ટ્રની વિરુદ્ધના હશે તો હું એની સામે મારા વિરોધના વિચારો જરૂર મૂકીશ, તમને મારા વિચારો દેશની વિરુદ્ધ લાગતા હોય તો તમે તમારા મૂકો, પરંતુ દેશના હિતમાં અને દેશના વિરુદ્ધમાં શું છે એ તમે નક્કી નહીં કરી નાખો, હું પણ નહીં કરું. આ વિષયનો નિર્ણય સમગ્ર દેશ પર અને આવનારા સમય પર છોડી દઈએ.

સત્યને સાંભળો-સમજો, પછી નિર્ણય લો

મારે મારા સત્યનો દાવો નથી કરવો, તમે પણ એ દાવો ન કરો કે સત્ય માત્ર તમારી પાસે જ છે. સત્યની વ્યાખ્યા કરવાનો કે સત્ય વિશે ચુકાદો આપવાનો અધિકાર મને કે તમને કોઈને નથી. હવે તો ઘણી વાર એવું લાગે છે કે  આપણે સત્યને સાંભળવા-સમજવા પણ તૈયાર નથી. આપણે હવે પોતે જે માનીએ છીએ, જે આપણને ઠીક લાગે છે એને જ સત્ય ગણવા લાગ્યા છીએ. દરેક જણ પોતાના સત્યને લઈ એક ચોક્કસ ટોળામાં બેસી ગયા છે જ્યાં તેઓ પોતાને વધુ સલામત માને છે. કરુણતા એ જોવા મળે છે કે આ લડાઈમાં ઘણી વાર રાષ્ટ્રહિત કરતાં વ્યક્તિગત હિત યા વ્યક્તિગત દ્વેષ વધુ છવાઈ જાય છે. આ લડાઈ વ્યક્તિગત અહંકારને પોષવા ન થવી જોઈએ. આટલી સભાનતા રાખવી એ દરેકનો નાગરિક ધર્મ ગણાય.

બુદ્ધિજીવીઓનું શું કહેવું?

તમે કોઈ રાજકીય નેતા કે પ્રધાન વિશે ગમે તે સારું-નરસું લખશો, બોલશો તમારી મરજી, તમારી માન્યતા, તમારા સંસ્કાર. પણ જ્યારે એમ કરતી વખતે દેશના હિતની વિરુદ્ધ બોલશો કે લખશો ત્યારે સામાન્ય નાગરિકનો વિરોધ અને આક્રોશ ચોક્કસ બહાર આવશે. તમે ભલે તમારી જાતને બુદ્ધિજીવી ગણતા હો; યાદ રહે, આ દેશને કે સમાજને બુદ્ધિજીવીઓએ કદાચ સામાન્ય સમજણ ધરાવતા લોકો કરતાં વધુ નુકસાન પહોંચાડ્યું હોવાનું મારું માનવું છે. મારી માન્યતા ખોટી પણ હોઈ શકે, પણ મને એટલું સમજાય છે કે આ કથિત ઇન્ટેલેક્ચ્યુઅલ્સનું ઇન્ટેલિજન્સ ક્યાં અને કઈ રીતે વપરાય છે એટલી સમજણ એક ગામડિયાને પણ હવે પડતી ગઈ છે. પ્રજાને મૂર્ખ કે અબુધ સમજનારા ઘણી વાર થાપ ખાઈ ગયા છે.

નમ્રતાને નબળાઈ ન સમજો

સામાન્ય નાગરિક વધુમાં કહે છે, જો તમને તમારા વિચારો છે તો મને પણ મારા વિચારો છે. તમારા જજમેન્ટના કે તમારી માન્યતાના આધારે મારા વિચારોને હું ક્યારેય વ્યક્ત નહીં કરું કે એને મારા પર સવાર નહીં થવા દઉં. મારા વિચારો મારા સત્યને આધારે વ્યક્ત થશે. હું એમ નથી કહેતો કે તમે મારું સત્ય સ્વીકારો, પરંતુ તમે પણ તમારા સત્યને મારા પર થોપો નહીં. ક્યારેક એવું લાગે કે હવે સત્ય અને અસત્યની લડાઈ પણ બંધ થઈ ગઈ છે, કારણ કે અસત્યનો પ્રચાર-પ્રસાર એ રીતે થાય છે કે અસત્ય જ સત્ય લાગે, જ્યારે કે સત્ય મૌન ધારણ કરી બેઠું હોય છે. એને પ્રચારની જરાય આદત  નથી અને એનો એ સ્વભાવ પણ નથી. જોકે અસત્યના અને અન્યાયના અતિરેકને જોઈ સત્ય આ વખતે અકળાયું છે, એની ખામોશીને કોઈ નબળાઈ ન સમજી લે એ માટે એનો આક્રોશ બહાર આવવા લાગ્યો છે, સજ્જનો નિષ્ક્રિયતા છોડવા લાગ્યા છે; કેમ કે તેમને સમજાઈ ગયું છે, સત્ય અને ધર્મ માટે છેલ્લા ઉપાય સ્વરૂપે યુદ્ધ લડવું જ પડે છે. એમાં પછી સામે આપણા જ લોકો જોઈ અર્જુનની જેમ વિષાદયોગમાં ઊતરી જવાનું પાલવે નહીં. અન્યથા સંભવામિ યુગે-યુગે અને ક્ષણે–ક્ષણે પણ થઈ શકે છે. 

સામાન્ય નાગરિકનો ધર્મ માનવતા છે

સામાન્ય નાગરિકને કોઈ પણ ધર્મના લોકો સાથે વેરઝેર નથી, દુશ્મની નથી. તેનો અંગત ધર્મ માનવતા છે, પરંતુ કોઈ પણ ધર્મના લોકો માનવતા વિરુદ્ધ કાર્ય કરશે, દેશ સામે ષડયંત્ર કરશે, દેશના નિર્દોષ નાગરિકો પર હુમલા કરશે, દેશના દુશ્મનો સાથે ભળીને દેશને હાનિ પહોંચાડશે તો સામાન્ય નાગરિક તેમને માફ નહીં કરે. સામાન્ય માણસ ‘અ વેન્સ્ડે’ (Wednesday) ફિલ્મના સ્ટુપિડ કૉમન મૅન જેવો છે, તે બીજું કંઈ નહીં કરી શકે તો કમ સે કમ  વિરોધ તો કરશે જ. તેનો અવાજ કોઈ દબાવી નહીં શકે. સામાન્ય નાગરિકને દેશના કલાકારો માટે માન-આદર છે, પરંતુ તેઓ પણ દેશની વિરુદ્ધ બોલતા-લખતા કે કોઈ એવી પ્રવૃત્તિ કરતા હશે તો તેમના પ્રત્યેનું માન એક બાજુ ભલે એમનું એમ રહ્યું, પણ બીજી બાજુ સ્ટુપિડ કૉમન મૅનનો વિરોધ અને આક્રોશ પણ અકબંધ રહેશે.

કૉમન મૅન શું કરી શકે છે?

કૉમન મૅનને તમારા રાજકારણથી લેવાદેવા નથી, પરંતુ તમે તેને તમારા હાથા બનાવો છો એ બાબતથી ક્રોધ છે. જેઓ રાજકારણને લીધે ચોક્કસ જનતાને, ચોક્કસ લોકોને ખોટી રીતે પંપાળશે તો જેમને અન્યાય થાય છે તેઓ અવાજ તો ઉઠાવશે. આ વાતો કૉમન મૅન કોને કરે છે એ સમજાવવાની જરૂર નથી. દેશની વિરુદ્ધ પ્રવૃત્તિ કરનારા, એને નુકસાન પહોંચાડનારા, દેશને ભાંડનારા-તોડનારા કોઈ પણ લોકોનો વિરોધ કરવાનું સ્ટુપિડ કૉમન મૅન ઉર્ફે સામાન્ય નાગરિક  ચાલુ રાખશે. તેનું સૌમ્યપણું, તેની ચુપકીદી, તેની નમ્રતાને નબળાઈ ગણવાની-માનવાની ભૂલ  કોઈએ કરવી ન જોઈએ. સામાન્ય માનવી રામાયણ જીવી શકે છે અને મહાભારત પણ કરી શકે છે. સામાન્ય માણસ પોતાના ધર્મને માને છે, એમાં શ્રદ્ધા રાખે છે; પરંતુ બીજાના ધર્મને ઉતારી પાડતો નથી. તેનો સનાતન ધર્મ માનવતા છે. આ દેશનો ઇતિહાસ સાક્ષી છે કે સામાન્ય માણસે દેશમાં કોઈ સમસ્યા ઊભી કરી નથી, તે કાં તો હાથો બનાવી દેવાયો છે યા એનો ભોગ બન્યો છે. પણ હા, સામાન્ય માણસ જ્યારે વીફરે છે ત્યારે ઇતિહાસ પલટી નાખે છે અને નવો રચી પણ નાખે છે.

columnists jayesh chitalia