બળાત્કારીઓને ફાંસી નહીં આપવા પાછળ મનમાં કઈ શંકા જવાબદાર છે?

05 October, 2020 02:54 PM IST  |  Mumbai | Manoj Joshi

બળાત્કારીઓને ફાંસી નહીં આપવા પાછળ મનમાં કઈ શંકા જવાબદાર છે?

પ્રતીકાત્મક તસવીર

બળાત્કાર જ્યાં સુધી થતા રહેશે ત્યાં સુધી ઇક્વલિટીનો જે મુદ્દો છે એના પર શંકા અકબંધ રહેશે. હકીકત છે આ. આપણે સૌએ સમજવું પડશે કે બળાત્કાર એક એવી ઘટના છે જે પુરુષોના મનમાં અને સ્વભાવમાં રહેલી બર્બરતાને તાદૃશ્ય કરે છે. યાદ રાખજો કે જ્યાં સુધી સ્ત્રી ભોગવટાનું સાધન મનાતું રહેશે ત્યાં સુધી દેશ પ્રગતિ નહીં કરે. આમાં ક્યાંય શાસ્ત્રોક્ત ભાવના કામ નથી કરતી, આમાં ક્યાંય ઈશ્વરની બીકને પણ આંખ સામે રાખવામાં નથી આવી, પણ આમાં ક્યાંક ને ક્યાંક નગ્ન વાસ્તવિકતા પુરવાર થાય છે. જ્યાં સુધી સ્ત્રીઓને પોતે સેફ હોવાનો અહેસાસ નહીં થાય ત્યાં સુધી રાષ્ટ્રવાદનું સપનું સાકાર નથી થવાનું.
શહેરોમાં થનારાં આવાં જઘન્ય કૃત્ય માટે ક્યાંક ને ક્યાંક નશાખોરી કે પછી પહેરવેશને જવાબદાર માનીને શિક્ષિત વર્ગ મહિલા વર્ગને ઉતારી પાડવાનું કામ કરતો આવ્યો છે, પણ હાથરસમાં શું હતું? હાથરસ નામનું એક નાનકડું ગામ, જ્યાં કોઈ દિવસ જીન્સ પણ જોવામાં નથી આવી, જ્યાં કોઈ દિવસ મૉડર્નાઇઝેશન પહોંચ્યું નથી અને જ્યાં, કોઈ કાળે નશાખોરીને પ્રોત્સાહન નથી મળ્યું ત્યાં, ત્યાં કેવી રીતે આવું કૃત્ય થાય? હવે શું જવાબ છે શિક્ષિત વર્ગ પાસે, શું દલીલ છે આ શિક્ષિત વર્ગ પાસે?
બળાત્કાર એ વિકૃત વિચારધારાનું પરિણામ છે. જો બળાત્કાર બંધ કરવા હશે, જો આ પ્રકારનું રાક્ષસી કૃત્ય ન થાય એનું ધ્યાન રાખવું હશે તો એ કાર્ય છેક વિચારધારા સુધી કરવા જવું પડશે. પુરુષના મનમાં રહેલા વિચારોનું વિભાજન કરવું પડશે અને આંખ સામે આવતી યુવતી, મહિલા કે બાળકીને જોવાની દૃષ્ટિ બદલવી પડશે. આવતા સમયને ધ્યાનમાં રાખીને આ કામ કરવું પડશે. જો તમારા મનમાં એવી દલીલ ચાલતી હોય કે આ પ્રક્રિયા શક્ય નથી તો આ દલીલને મનમાંથી હાંકી કાઢવી પડશે. જો એ કાઢી નહીં શકો તો એવી સિચુએશન આવશે કે એક દિવસ, આ જ વિકૃત નજરનો માનવી છેક તમારા ઘર સુધી પહોંચશે, છેક તમારા દરવાજા સુધી, તમારા પરિવાર સુધી પહોંચશે. એક વાત યાદ રાખજો કે સમાજનો કોઈ પ્રશ્ન એવો નથી જે તમને સ્પર્શે નહીં. ના, એક પણ પ્રશ્ન એવો નથી. માણસ એટલે જ સામાજિક પ્રાણી કહેવાયો છે કે તે સમાજ વચ્ચે રહે છે, સમાજની દરેક સારી અને ખરાબ વાતો સાથે તેણે પનારો પાડવો પડે છે. પાડવામાં આવેલા આ પનારાના આધારે જ કહું છું કે જો આજે નહીં જાગીએ, આજે આ દિશામાં કામ નહીં કરીએ તો આવતા સમયમાં આ તમામ બદીઓ છેક ઘરઆંગણે પહોંચશે અને એ પહોંચશે ત્યારે એનો સામનો કરવાની ક્ષમતા આપણામાં નહીં રહી હોય.
આવતી કાલના સમાજનું ઘડતર આજથી કરવાનું છે. આજે લડવાનું છે, આજે ઝઝૂમવાનું છે. હાથરસનો વિરોધ પણ આજે જ કરવાનો છે. ભલે તમે મુંબઈમાં રહેતા હો, ભલે તમે નાશિકમાં હો કે પછી ડિજિટલ એડિશન વાંચતાં તમે અમેરિકા કે અમદાવાદમાં બેઠા હો. જો તમે વિરોધ નોંધાવશો તો અને તો જ એની અસર આવશે. સજા માટે સક્ષમતા આવશે. આજે પણ આપણે બળાત્કારીઓને કડક સજા આપવાની બાબતમાં બેમત પર છીએ. આ બેમત જ દેખાડે છે કે આપણે અંદરખાને માનીએ છીએ કે આની સંખ્યા મોટી છે અને મોટી સંખ્યા સામે આવી સજાનો અમલ કરવા જઈશું તો દેશ ખાલી થઈ જશે.

manoj joshi columnists