જઈએ મહાભારતથી મહાન ભારત તરફ

26 January, 2021 03:28 PM IST  |  Mumbai | Ruchita Shah

જઈએ મહાભારતથી મહાન ભારત તરફ

પ્રતીકાત્મક તસવીર

છે પૌરાણિક પરંતુ એની સાપેક્ષતાને આજેય જરાય આંચ નથી આવી. પાંચમા વેદ તરીકે જેનાં ભરપૂર ગુણગાન ગવાયાં છે એ મહાભારત ગ્રંથ ભારતીય પરંપરાની ધરોહર છે. માનવસહજ પાસાંઓનું અદ્ભુત નિરુપણ એને વિશ્વનો અણમોલ અને અદ્વિતીય ગ્રંથ બનાવે છે. જોકે ભારતમાં બનેલી હજારો વર્ષ પહેલાંની ઘટનાઓમાંથી આપણે કંઈક પણ શીખ્યા છીએ? એ સમયે જે હતા આજે એમાં કોઈક પણ ફરક આવ્યો છે? ત્યારની જેમ આજે પણ દ્રૌપદીઓ છે જેમના આત્મસન્માન પર જોખમો આવ્યા કરે છે. આજે પણ દુર્યોધનો છે જે સત્તાની લાલચમાં કોઈ પણ હદ સુધી નીચા પડે છે. આજે પણ શકુનિ જેવા ઍડ્વાઇઝરો છે જે પતન તરફ ગતિ કરાવતા હોય અને શું આજે પણ સત્યનિષ્ઠ યુધિષ્ઠિર, અર્જુન જેવા બહાદુર અને કૃષ્ણ જેવી કુનેહ ધરાવતા લોકો છે. જે દેશની પ્રજા પાસે મહાભારત જેવો મહાન ગ્રંથ હોય છતાં એ દેશમાં મહાનતાની દિશાઓ ન ઊઘડી હોય એ નવાઈની બાબત નથી? તો એવું શું છે જે આપણા દેશને મહાનતા તરફ લઈ જવામાં નડતર બની રહ્યું છે? એવું શું છે જે જવાબદારીઓ વ્યક્તિગત ધોરણે નિભાવીને આપણે આપણા દેશને વૈશ્વિક સ્તરે મુઠ્ઠી ઊંચેરો સાબિત કરી શકીએ? આજે ૭૨મો પ્રજાસત્તાક દિવસ છે ત્યારે આ વિચાર મનોમંથન જરૂરી નથી લાગતું? પ્રજાસત્તાકનો અર્થ જ છે પ્રજાને હસ્તક રહેલી સત્તા. લોકશાહીમાં વોટબૅન્કને રીઝવીને તમામ જનસમુદાયને નાચ નચાવતા રાજકારણીઓની ચાલબાજીમાંથી બહાર આવીને દેશહિત અને પ્રજાહિતને પ્રાયોરિટીમાં રાખે એવી જાગૃતિ કેળવવાનો આનાથી સારો અવસર એકેય નહીં મળે. આ જ વિષય પર ચાર અગ્રણી અને અનુભવી વિચારકો સાથે અમે વાત કરી ત્યારે શું જાણવા મળ્યું એ પ્રસ્તુત છે અહીં.

રાષ્ટ્રભક્તિ વ્યાપક બને, રાષ્ટ્રવાદ નહીં: દિનકર જોશી

મહા એટલે મોટું, ભા એટલે વિદ્યા અથવા સરસ્વતી, રત એટલે મગ્ન થઈ જવું. ઉચ્ચ કક્ષાની વિદ્યા અને સરસ્વતીમાં ઊંડા ઊતરી જવું એ મહાભારત. વ્યક્તિગત ધોરણે સત્ત્વશીલ થઈને પોતાની જવાબદારી ઉચ્ચ સ્તરે નિભાવનારી પ્રજા જે દેશમાં હોય એ દેશ મહાન બની જ જતો હોય છે એમ જણાવીને સાહિત્યકાર અને વિચારક દિનકર જોશી આગળ કહે છે, ‘મહાભારત ગ્રંથમાં એવા પ્રશ્નો છે જે માનવ સ્વભાવ સાથે સંકળાયેલા છે અને એટલે જ એ પ્રત્યેક સમયમાં સાપેક્ષ રહેવાના છે. ક્યાં ઉગ્રતા રાખવી અને ક્યાં શમાવવી એની શીખ મહાભારત આપે છે. બેશક, રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્ર માટેનું ગૌરવ હોય; પરંતુ ઉગ્ર રાષ્ટ્રવાદ એમાં ભળી ન જાય એનું પણ ધ્યાન રાખવાનું છે. ગઈ કાલે બાંગલા દેશ અને રાવલપિંડી પણ આપણો દેશ હતા અને ત્યાંના લોકોની પીડા આપણી પીડા હતી, પરંતુ આજે ત્યાંના લોકો આપણા માટે ઓરમાયા છે. સમયાંતરે આ સીમાઓમાં પરિવર્તનો આવતાં રહ્યાં છે અને આવતા રહેવાના છે. એવા સમયે ઉગ્ર રાષ્ટ્રવાદની નીતિ પ્રજાતંત્રમાં અશાંતિ ઊભી કરી શકે અને અશાંત પ્રજા ક્યાંથી દેશને પ્રગતિની દિશામાં લઈ જઈ શકે? ઉગ્ર રાષ્ટ્રવાદનો ત્યાગ કરવાનો અર્થ એમ નથી થતો કે તમારા પર કોઈ હુમલો કરે તો પણ ઠંડા બેસી રહેવાનું. ના, એવા સંજોગોમાં જડબાતોડ જવાબ આપવાનો. પરંતુ છેલ્લાં ૭૦ વર્ષથી બે દેશની પ્રજાના માનસમાં જે આંતરિક અશાંતિ રાજકારણીઓએ ઉપજાવેલા રાષ્ટ્રવાદને કારણે જાગી છે એનાથી મુક્ત રહેવાની વાત છે. દેશભક્તિનો સાચો અર્થ દેશના તકલીફ વેઠી રહેલાની તકલીફો ઓછી થાય એવા પ્રયત્નોમાં સમાયેલો છે. રાષ્ટ્રવાદને બદલે રાષ્ટ્રવિકાસ તમારું ધ્યેય હોવું જોઈએ જેમાં કોઈ પણ દુખી ન હોય, કોઈ અશિક્ષિત ન હોય, કોઈ ભૂખ્યો ન સુએ એવાં કાર્યો હોવાં જોઈએ. દેશ માટે લાગણી હોય અને પોતાના દેશનું અને દેશની પ્રજાનું ભલું કરવાની ભાવના હોય, પરંતુ બીજાના ભોગે એ ન થાય એટલી તકેદારી રખાવી જોઈએ. લાંબા ગાળે આવા પ્રયત્નો જ દેશને અને પ્રજાતંત્રને મહાન બનાવતા હોય છે.’

એક્સ્ટ્રિમિઝમમાંથી બહાર આવો તો વાત બને: પ્રદીપ શાહ

પોતાની કૉર્પોરેટ ફાઇનૅન્સ ઍન્ડ ઇન્વેસ્ટમેન્ટ ઍડ્વાઇઝરી કંપની ચલાવતા ગોલ્ડ મેડલિસ્ટ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ, તેમ જ સરકારી યોજનાઓ અને કાયદાકાનૂનમાં બદલાવવાની કમિટીઓમાં મેમ્બર રહી ચૂકેલા અને રિઝર્વ બૅન્કના રીજનલ બોર્ડના ભૂતપૂર્વ ડિરેક્ટર પ્રદીપ શાહ ભારતના ઇકૉનૉમિક ગ્રોથને લઈને આશાવાદી છે. અર્થતંત્રની આંટીઘૂંટીઓને નજીકથી જોનારા આ ઇકૉનૉમી એક્સપર્ટ કહે છે, ‘‘વસુધૈવ કુંટુંબકમ’નો જે સિદ્ધાંત આપણા પ્રાચીન ગ્રંથોએ આપ્યો છે એ વિકાસની અને મહાનતાની દિશાની પહેલી સીડી છે એવું મને લાગે છે. બે-પાંચ હજાર વર્ષ પહેલાં કહેલી વાતો આજે પણ રેલેવન્ટ છે જ અને એને અમલમાં મુકાય એ જરૂરી છે. અત્યારના સમયમાં પ્રૅક્ટિકલ સમસ્યા જે મેં ઑબ્ઝર્વ કરી છે એ છે એક્સ્ટ્રિમિઝમ. ખાસ કરીને સત્તાપક્ષથી ચાલતું આ એક્સ્ટ્રિમિઝમ દેશ અને દુનિયા બન્ને માટે જોખમી છે. પહેલાં કૉન્ગ્રેસે મુસ્લિમ વોટ બૅન્ક સાચવવા માઇનોરિટીના નામે એને ઘણા લાભ આપ્યા. હવે એનું ઊંધું થઈ રહ્યું છે. લવ જેહાદ અને અન્ય જાતજાતના રસ્તાઓ દ્વારા આપસમાં વૈમનસ્ય ઊભું કરવામાં આવી રહ્યું છે. આપણા લીડર વસુદૈવ કુટુંબકમની વાતો કરે છે, વિવેકાનંદના વિચારો ભાષણમાં બોલે છે; પરંતુ આચરણમાં ક્યારેક એનો અભાવ દેખાય છે. ડગલેને પગલે આપણાં ધર્મશાસ્ત્રોએ જોડવાની વાત કરી છે, તોડવાની નહીં. નેતાઓનો અતિવાદ જનમાનસને પણ તૈયાર કરે છે. સોશ્યલ મીડિયાને કારણે ડેમોક્રસી મોબોક્રસીમાં રૂપાંતરિત થઈ રહી છે. દેશને વિકાસ તરફ લઈ જવો હોય તો એક્સ્ટ્રિમિઝમનો છેદ ઉડાડવો જ રહ્યો. લાંબા ગાળા માટે સમૃદ્ધિ અને સ્ટેબિલિટી જોઈતી હશે તો સૌકોઈ માટે દયાભાવ સાથે આર્થિક સ્ટ્રક્ચરને ફૉલો કરવામાં આવે એ જરૂરી છે.’

મહાન ત્યારે જ થવાય જ્યારે માણસાઈ કેન્દ્રમાં હોય: રમેશ ઓઝા

ભારત જ નહીં પણ દુનિયાના કોઈ પણ દેશને મહાનતાની દિશામાં આગળ વધવું હોય તો એણે માણસાઈને મહત્ત્વ આપવું પડે. શાસકોએ છેવાડાના માણસની તકલીફો તરફ ધ્યાન દોરવું પડે અને ન્યાયિક દૃષ્ટિએ તેમની સમસ્યાઓ દૂર કરવાની દિશામાં સક્રિય થવું પડે. રાજકીય વિશ્લેષક અને વિચારક રમેશ ઓઝા આ જ વાત પર ભાર મૂકતાં આગળ કહે છે, ‘ઇતિહાસ ચકાસી લેજો, કોઈ પણ સમાજનું અને રાષ્ટ્રનું ઉત્થાન ત્યારે જ થયું છે જ્યારે એણે માણસાઈને કેન્દ્રમાં રાખી હશે. શાસક પક્ષમાં પણ જ્યારે માણસાઈનો અભાવ વર્તાય છે ત્યારે રાષ્ટ્ર પતન તરફ વળે છે. આપણે ત્યાં તો વિચિત્ર સ્થિતિ છે. આપણે માણસ છોડીને બીજું બધું જ છીએ. પહેલાં હિન્દુ, મુસ્લિમ, બ્રાહ્મણ, વૈશ્ય, શૂદ્ર, મરાઠી, ગુજરાતી, બંગાળી વગેરે-વગેરે છીએ; પછી માણસ છીએ. માણસાઈ પ્રત્યેની આ ઉપેક્ષા ક્યારેય આપણને આગળ નહીં વધવા દે. શાસક પક્ષે પણ માણસાઈ કેન્દ્રમાં હશે ત્યારે ખેડૂત શું કહેવા માગે છે એ સમજવાની તૈયારી હશે. લઘુમતીની શું સમસ્યા છે એ સમજાશે. ગરીબોની ભૂખ પીડા આપશે, બાળકોને નહીં મળનારું શિક્ષણ ચિંતા ઉપજાવશે. ટૉપ ટુ બૉટમ માણસાઈનો વ્યાપ વધે અને એ દિશામાં વધુ સક્રિયતા આવે તો ભારત આ ક્ષણથી મહાન દેશ બની જશે.’

આપણા રાજકારણને દુર્યોધન આધારિત નહીં પણ યુધિષ્ઠિર આધારિત બનાવવું પડશે: ગુણવંત શાહ

પ્રખર વિચારક અને લેખક ગુણવંત શાહ આ વિષય પર પોતાની જલદ શૈલીમાં કહે છે, ‘ઉમાશંકર જોશીએ મહાભારતને વિરાટ કાવ્ય કહ્યું છે એ સાચું જ છે. એ સ્વાશ્લેશી કાવ્ય મહાકાવ્ય છે. એ રીતે જોઈએ તો આજે પણ દુર્યોધન જીવે છે, આજે પણ શકુનિ જીવે છે, આજે પણ દ્રૌપદી જીવે છે. ટૂંકમાં મહાભારતનું કોઈ પાત્ર સંપૂર્ણપણે અદૃશ્ય થયું નથી. એ મહાકાવ્ય પ્રસ્તુત છે, કારણ કે એનો સંબંધ શાશ્વતી સાથે છે. જો દેશને ઉત્થાનની દિશામાં લઈ જવો હોય તો આપણા રાજકારણને દુર્યોધન આધારિત નહીં પણ યુધિષ્ઠિર આધારિત બનાવવું પડશે. અત્યારે દુર્યોધનની ખોટ નથી પણ યુધિષ્ઠિર જડવો મુશ્કેલ છે. યુધિષ્ઠિર એક જ એવો થયો જે

ચાલતો-ચાલતો સ્વર્ગમાં પહોંચ્યો. એને પક્ષે સત્યનું બળ હતું. યુધિષ્ઠિર જૂઠું બોલે એવું દુર્યોધન પણ માનવા તૈયાર નહોતો. એવું જ સ્થાન આજના યુગમાં મહાત્મા ગાંધીનું છે. ભારતની મહાનતા માટે એક સરસ ઉપાય છે. એ માટે મારું ચાલે તો હું મિનિસ્ટ્રીનાં નામ બદલી નાખું. એ મુજબ કામ લઉં. જેમ કે મિનિસ્ટ્રી ઑફ ટ્રુથ, મિનિસ્ટ્રી ઑફ નૉન-વાયલન્સ, મિનિસ્ટ્રી ઑફ પીસ, મિનિસ્ટ્રી ઑફ કરુણા, મિનિસ્ટ્રી ઑફ સાધનશુદ્ધિ આવાં ખાતાંઓને યોગ્ય કામ મળે એવી જોગવાઈ કરું. આ મિનિસ્ટ્રી કામ કેવી રીતે કરે? ધારો કે  મિનિસ્ટ્રી ઑફ ટ્રુથ હોય તો ત્યાં ઇન્ફર્મેશનનું સત્ય જળવાય અને એને લગતાં જ પગલાં લેવાય. જેમ કે ખોટા દાવાઓ કરતી જાહેરખબરો પર આ મિનિસ્ટ્રી સેન્સરશિપ મૂકે. પ્રજાને ખોટા વાયદા આપતા નેતાઓ પર પણ આ મિનિસ્ટ્રીની સેન્સરશિપ ટીમ કામ કરે. આવા બદલાવો આવે તો આપણા દેશને કોઈ રોકી ન શકે. ગાંધીજી ખુશ થાય એ જુદું.’

columnists ruchita shah