ઉંમર મોટી કે પછી સપનાંઓ?

10 April, 2022 02:33 PM IST  |  Mumbai | Bhavya Gandhi

જો આ સવાલનો જવાબ તમને જોઈતો હોય તો તમારે ‘કૌન પ્રવીણ તામ્બે?’ જોવી પડશે. આખી દુનિયા એક માણસને બેસી જવાનું કહેતી હતી ત્યારે એકલા હાથે પોતાનાં સપનાઓ પૂરાં કરવાની દોટમાં લાગેલા પ્રવીણે પુરવાર કર્યું કે સપનાંઓને કોઈ ઉંમર નડતી નથી

પ્રવીણ તામ્બેની ભૂમિકામાં અભિનેતા શ્રેયસ તલપડે

જેટલી જરૂર આપણા દેશને ‘ધ કશ્મીર ફાઇલ્સ’ની છે એટલી જ અને કદાચ એનાથી વધારે જરૂર આપણને ‘કૌન પ્રવીણ તામ્બે?’ જેવી ફિલ્મોની છે જે હેલ્ધી સોસાયટીના ડેવલપમેન્ટનું કામ કરે છે. આજે આપણે ત્યાં નેવું ટકા લોકો આ જ તકલીફ ભોગવી રહ્યા છે જે તકલીફ પ્રવીણ તામ્બે ભોગવતો હતો. ઉંમર થઈ એટલે હવે સપનાંઓ ભૂલી જવાનાં.

‘કૌન પ્રવીણ તામ્બે?’
ડિઝની પ્લસ હૉટસ્ટાર પર આવેલી આ ફિલ્મ માટે જો મારે એક જ સેન્ટેન્સમાં કશું કહેવાનું હોય તો હું કહીશ કે આ ફિલ્મ થિયેટરમાં રિલીઝ કરવાની જરૂર હતી અને થિયેટરમાં રિલીઝ કરીને એને તમામ સિનિયર સિટિઝનો માટે ટૅક્સ-ફ્રી કરવી જોઈતી હતી. એટલું જ નહીં, આ ફિલ્મ મિડલ એજ ક્રાઇસિસ ભોગવતા સૌકોઈને તો ફ્રીમાં દેખાડવાનો ઑર્ડર સ્ટેટ અને સેન્ટ્રલ ગવર્નમેન્ટે આપવાની જરૂર હતી. અદ્ભુત ફિલ્મ છે અને આજના સમયને અનુરૂપ ફિલ્મ છે. ‘ધ કશ્મીર ફાઇલ્સ’ કે પછી ‘RRR’ કે પછી ‘પુષ્પા’ જેવી ફિલ્મો કરતાં ક્યાંય ચડિયાતી. હા, તમે સાચું વાંચ્યું. ક્યાંય ચડિયાતી અને સોસાયટીની જરૂરિયાત પૂરી કરતી ફિલ્મ. આવી ફિલ્મો જો ઓટીટી પર આવી જશે તો એનો કોઈ અર્થ નહીં સરે. એક તો આપણા વડીલો એવા છે નહીં કે તેઓ આ પ્રકારનું ઓટીટીનું સબસ્ક્રિપ્શન ખરીદે અને એના પર ફિલ્મો કે વેબ-સિરીઝ જુએ. ના, નેવું ટકા વડીલો આપણા એવા નથી. અરે, અમુક સેલ્યુલર કંપનીઓ તો આ સબસ્ક્રિપ્શન ફ્રીમાં આપે છે એને પણ ચાલુ કરવાની તૈયારી આ વડીલોમાં નથી હોતી. એવા સમયે આવી ફિલ્મો મોટી સ્ક્રીન પર આવે એ બહુ આવશ્યક છે. મોટી સ્ક્રીન પર આવે અને આગળ કહ્યું એમ સ્ટેટ અને સેન્ટ્રલ ગવર્નમેન્ટ પણ એ વાતનું ધ્યાન રાખે કે એ ફિલ્મ મૅક્સિમમ લોકો સુધી પહોંચે. જો પૉલિટિકલ પૉઇન્ટ્સ ગેઇન કરવા માટે ‘ધ કશ્મીર ફાઇલ્સ’ જેવી ફિલ્મને ટૅક્સ-ફ્રી કરી શકાય તો પછી ‘કૌન પ્રવીણ તામ્બે?’ તો આખેઆખી સોસાયટીને ઉપયોગી છે. એનો તો હક બને છે કે એ ટૅક્સ-ફ્રી બને અને મૅક્સિમમ લોકો સુધી પહોંચે.

આપણી આ વાતને આગળ વધારતાં પહેલાં હું કહીશ કે આપણે ત્યાં જે સોશ્યલ ગ્રુપ્સ છે એમણે પણ એવા પ્રોગ્રામો ગોઠવવાની જરૂર છે જેથી બધા સાથે બેસીને આ ફિલ્મ જુએ. સોશ્યલ ગ્રુપ્સના મોટા ભાગના મેમ્બર્સ જે એજ-ગ્રુપના છે એમાં તો આ ફિલ્મ મસ્ટ, મસ્ટ, મસ્ટ વૉચ છે એવું કહું તો પણ જરાય ખોટું નહીં કહેવાય. રસ-પૂરી કે ઊંધિયાપાર્ટી કરતાં ક્યાંય ચડિયાતું રિઝલ્ટ ‘કૌન પ્રવીણ તામ્બે?’ આપશે એની ગૅરન્ટી હું તમને આપું છું.

આટલું વાંચ્યા પછી મે બી તમને મનમાં સવાલ જાગે કે શું પ્રવીણ તામ્બે પર આ માણસ ઓવારી ગયો છે? તે છે જ ઓવારી જઈએ એવો. જો તમને ખબર પડશે કે પછી તમે ‘કૌન પ્રવીણ તામ્બે?’ જોશો તો તમે પણ તેનાથી ઇમ્પ્રેસ થઈ જશો. ગૅરન્ટી.

છે કોણ આ પ્રવીણ તામ્બે?

આઇપીએલનો એક પ્લેયર હતો જે આ વર્ષથી તમને ટીમમાં રમતો જોવા નહીં મળે. હવે તે કલકત્તા નાઇટ રાઇડર્સના સપોર્ટ સ્ટાફમાં છે એટલે તમને ગ્રીન રૂમમાં તો તે દેખાશે જ દેખાશે. પ્રવીણે કોઈ એવો વર્લ્ડ રેકૉર્ડ નથી બનાવ્યો જેને લીધે તે ન્યુઝપેપરની કે ટીવી-ચૅનલની હેડલાઇન બને. જોકે તેણે એક એવો રેકૉર્ડ બનાવ્યો છે જે જાણીને તમે ખરેખર આળસ મરડીને બેઠા થઈ જશો.

પ્રવીણ તામ્બે ૪૧ વર્ષની ઉંમરે આઇપીએલમાં સિલેક્ટ થયો. એ પહેલાં તે એક પણ નૅશનલ ટુર્નામેન્ટ પણ રમ્યો નહોતો!

માણસ આ ઉંમરે સ્પોર્ટ્સ છોડીને ક્યારનો ઘરે બેસી ગયો હોય. ક્રિકેટ માટે તો એવું પણ કહેવાય છે કે તમે ત્રીસ વર્ષના થઈ ગયા એટલે વાત પૂરી થઈ ગઈ. જો એ એજ પર તમે બહુ સારી પોઝિશન પર પહોંચી ગયા હો તો બીજાં પાંચ વર્ષ, પણ એ પછી તો પૅક-અપ જ સમજો. જોકે પ્રવીણે ૪૧ વર્ષની એજ પર પહેલું સિલેક્શન લીધું અને એ સિલક્શન સાથે પ્રવીણ પહેલી વાર ક્રિકેટના મેદાનમાં રમવા ઊતર્યો. પ્રવીણ રાજસ્થાન રૉયલ્સ વતી આઇપીએલ રમ્યો હતો અને રાહુલ દ્રવિડે તેનું સિલેક્શન કર્યું હતું. લાઇફમાં એક રણજી મૅચ રમવા મળે એ પ્રવીણનું ડ્રીમ હતું અને એ ડ્રીમ તે છેક સોળ વર્ષની ઉંમરથી જોતો આવ્યો હતો. એ પૂરું થયું છેક ૪૨મા વર્ષે. આઇપીએલની પહેલી સીઝન રમી લીધા પછી. પોતાની આ આખી સ્ટ્રગલ દરમ્યાન દુનિયા આખી પ્રવીણને કહેતી હતી કે હવે તું મોટો થઈ ગયો છે, સ્પોર્ટ્સના મેદાનમાં તારી કોઈ વૅલ્યુ નથી. જોકે એનાથી પ્રવીણને કોઈ ફરક નહોતો પડતો. તે અપસેટ થતો, દુઃખી પણ થતો; પણ પછી... પછી પોતે જ એજના આંકડાને ભૂલીને નવેસરથી કામ પર લાગી જાય અને ફરી સ્ટ્રગલ કરવા માંડે.

આ જ વાત બહુ મહત્ત્વની છે અને આ આપણે દરેકેદરેક ઘરમાં જોઈએ છીએ. હવે તો બાળકો થઈ ગયાં, હવે મોટા થઈ ગયા, હવે આપણી ઉંમર રહી નથી, હવે તો યંગસ્ટર્સ આવી ગયા છે એટલે આપણે ઘરમાં બેસવાનું હોય, ભગવાનનું નામ લેવાનું હોય. પ્રવીણ તામ્બેને પણ એવું કહેનારા એ દિવસોમાં સેંકડો ભટકાતા હતા. કહેનારા પણ મળતા અને તેના પર હસનારાઓ પણ અઢળક હતા, પણ તેણે ક્યાંય પોતાની ઉંમરને પોતાનાં સપનાંઓને બંધન આપનારી બનાવી નહીં. તેણે ધગશ સાથે, પૂરેપૂરી મહેનત સાથે અને દિલથી એ જ કામ કર્યું જે કામ તેણે કરવું હતું.

શરીરને ઉંમર હોય, સપનાંઓને નહીં. નક્કી તમારે કરવાનું છે કે તમારાં સપનાં યંગ છે કે તમારું શરીર? પ્રવીણનું શરીર તેનાં સપનાંઓની એજનું જ હતું અને એટલે જ તે પોતાનાં સપનાંઓને સાકાર કરી શક્યો. નહીં છોડો સપનાં. આ વાંચતાં બધાં અન્કલ-આન્ટીથી લઈને હું એ સૌને કહું છું જેઓ આજે ચાલીસ વર્ષના થઈ ગયા છે, જેમના ઘરે બાળકો આવી ગયાં છે અને જેઓ મન મારીને, પોતાનાં સપનાંઓને મહામહેનતે ભૂલીને સિક્યૉર લાઇફ સાથે આગળ વધે છે. પ્લીઝ, નહીં કરો. નહીં હારો હિંમત તમારી. તમારી અંદર પણ એક પ્રવીણ તામ્બે છે જે આજે પણ એવી જ ફાયર લઈને બેઠો છે જેવી ફાયર પ્રવીણમાં હતી, છે. જરૂર છે તો માત્ર એટલી કે લોકો શું કહે છે એ ભૂલીને એક વખત એ ડ્રીમને પૂરું કરવાની મહેનત કરો અને ત્યાં સુધી લાગેલા રહો જ્યાં સુધી તમારું એ સપનું પૂરું ન થાય. મહેનત કરવી પડશે અને મહેનતથી ઓછું કશું ચાલવાનું નથી એ વાત તમને ‘કૌન પ્રવીણ તામ્બે?’ સમજાવે છે તો એ વાત પણ સમજાવે છે કે મહેનત સિવાય આ દુનિયામાં બીજા કોઈની વૅલ્યુ હોતી જ નથી. તમને નડતર બનનારાઓ પણ તમારી મહેનતને અટકાવી શકે નહીં અને તમને ખૂંચવાનું કામ કરનારા કંઈ પણ કરી લે, પણ જો તમારી મહેનતમાં કોઈ કચાશ નહીં હોય તો તે પણ ક્યાંય તમને નડી શકવાના નથી.

‘કૌન પ્રવીણ તામ્બે?’ ફિલ્મ છે, પણ એ ફિલ્મ આંખ ખોલે છે. હું માનું છું કે આપણને સૌને જેટલી જરૂર ‘ધ કશ્મીર ફાઇલ્સ’ની છે એટલી જ અને કદાચ એનાથી વધારે જરૂર ‘કૌન પ્રવીણ તામ્બે?’ જેવી ફિલ્મોની છે જે હેલ્ધી સોસાયટીના ડેવલપમેન્ટનું કામ કરે છે. આજે આપણે ત્યાં નેવું ટકા લોકો આ જ તકલીફ ભોગવી રહ્યા છે જે તકલીફ પ્રવીણ તામ્બે ભોગવતો હતો. કૉલેજ પૂરી થાય એટલે પૈસા કમાવામાં લાગવાનું અને પૈસા કમાવાનું શરૂ કર્યું એટલે મૅરેજ લાઇફ શરૂ કરવાની જ કરવાની. આ જે માનસિકતા છે એ માનસિકતાનો સ્વીકાર કરીને પણ પોતાનાં સપનાંઓ માટેની દોટ અકબંધ રાખવાનું કામ ખરેખર અઘરું છે, પણ એ કરવું પડતું હોય છે. ફિલ્મના એક સીનમાં ડાયલૉગ છે. પ્રવીણને તેનો એક ફ્રેન્ડ પૂછે છે કે તું ગાંડો છે કે પછી ગ્રેટ?

‘અગર સક્સેસ હો ગયા તો ગ્રેટ ઔર ફેલ હુઆ તો પાગલ...’

પ્રવીણ તામ્બે બનેલા શ્રેયસ તલપડેનો આ જવાબ છે અને આ જ જવાબ તમારે હવે જિંદગીને આપવાનો છે. બનવાનું છે મહાન અને એ બનવા માટે તમારે તમારાં જે સપનાંઓ પર ધૂળ ચડી ગઈ છે એના પરથી ધૂળ ખંખેરીને નવેસરથી કામે લાગવાનું છે. ઉંમર ચાહે કોઈ પણ હોય; કહ્યુંને તમને, સપનાંઓની કોઈ ઉંમર હોતી નથી.

ગો અહેડ, નાઓ.

ફાસ્ટ...

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝ પેપરનાં નહીં.)

columnists Bhavya Gandhi